૭૦ની ઉંમરે યુવાનોને માત આપતા ‘ગુરૂમા’ને ઓળખો છો?
કવર સ્ટોરી -કવિતા યાજ્ઞિક
પદ્મશ્રી મીનાક્ષી અમ્મા ઘણાં વર્ષોથી ભારતમાં કેરળની પ્રાચીન કલરીપયટ્ટુ માર્શલ આર્ટના શિક્ષક છે. બાળકોને મફત માર્શલ આર્ટ શીખવવાના તેમના જુસ્સાની કદર કરતા ૨૦૧૭ માં ભારત સરકાર દ્વારા ૮૧ વર્ષીય મીનાક્ષી અમ્માને અત્યંત પ્રતિષ્ઠિત પદ્મશ્રીથી નવાજવામાં આવ્યાં હતાં.
મીનાક્ષી અમ્મા, જેમને તેમના કુટુંબીજનો અને શિષ્યો પ્રેમથી “કલરી બોલાવે છે, ભારતના ઉત્તરી કેરળના એક નાનકડા શહેર વાદાકારામાં તેમના વિદ્યાર્થીઓને કલરીપયટ્ટુની માર્શલ આર્ટની તાલીમ આપે છે. મીનાક્ષી અમ્માને સૌથી પહેલી ખ્યાતિ ત્યારે મળી જયારે પોતાનાથી અડધી ઉંમરના પુરુષ સાથે કલરીપયટ્ટુનો અભ્યાસ કરતા તેને હરાવતા મીનાક્ષી અમ્માનો એક વીડિયો વાયરલ થયો હતો
મીનાક્ષી અમ્મા વિશે બધું આશ્ર્ચર્યજનક છે. ૮૧ વર્ષની ઉંમરે, મીનાક્ષી અમ્મા સૌથી વૃદ્ધ મહિલા “ગુરૂક્કલ અથવા શિક્ષક છે, જે દક્ષિણ ભારતીય રાજ્ય કેરળમાંથી આ પ્રાચીન પ્રથાનો સક્રિયપણે અભ્યાસ કરે છે. તેમને એક જમાનામાં મહિલાઓ માટે પ્રતિબંધિત એવી પ્રથાને પ્રેરણાદાયી મહિલાઓમાં લોકપ્રિય બનાવવા અને સ્વ-બચાવના સાધન તરીકે માર્શલ આર્ટને અપનાવવા માટે શ્રેય આપવામાં આવે છે.
કલરી સંસ્કૃત શબ્દ “ખાલુરીકા પરથી ઊતરી આવ્યો છે જેનો અર્થ થાય છે યુદ્ધભૂમિ અથવા લશ્કરી પ્રશિક્ષણ મેદાન, કલરીપયટ્ટુ-અથવા સરળ રીતે, પાયટ્ટુ-હજારો વર્ષ જૂની પરંપરા છે અને પરંપરાગત રીતે કેરળના નાયર સમુદાયના યોદ્ધાઓ દ્વારા પ્રેક્ટિસ કરવામાં આવતી હતી.
મીનાક્ષી અમ્મા કહે છે લાઠીઓ, તલવાર અને ખુલ્લા હાથની લડાઇની તકનીકો સાથે જોડી યોગની મુદ્રાઓ તેને વધુ જટિલ માર્શલ આર્ટ્સમાંની એક બનાવે છે. “કલરીપયટ્ટુ એ એક સંપૂર્ણ કલા સ્વરૂપ છે જેમાં નૃત્યાંગનાની કળા અને યોદ્ધાની
ઘાતક ચાલ છે. તે માનસિક અને શારીરિક બંને ક્ષમતાઓનો સુમેળ કરે છે અને શરીર અને મનની આત્યંતિક મર્યાદાઓનું પરીક્ષણ કરે છે.
દિવંગત ઈતિહાસકાર અને કલરિપયટ્ટુ માસ્ટર, ચિરક્કલ ટી. શ્રીધરન નાયરના જણાવ્યા અનુસાર સદીઓથી કલરિપયટ્ટુ કેરળની સંસ્કૃતિમાં ઊંડે ઊંડે ઊતરેલું હતું. તે યુદ્ધની પદ્ધતિ અને ઝઘડા કરતા પરિવારો વચ્ચેના વિવાદોને ઉકેલવાની પદ્ધતિ બંને હતી. આ દરમિયાન પુરૂષોની સાથે મહિલાઓએ પણ તાલીમ લીધી હતી. ૧૬ મી સદીની મહિલા યોદ્ધા તરીકે ઓળખાતી ઉન્નિયાર્ચા જેવી કેટલીક કેરળની લોકકથાઓમાં સ્થાન પામી હતી.
મીનાક્ષી અમ્મા સાત વર્ષનાં હતાં, જે કલરીપયટ્ટુની તાલીમ શરૂ કરવાની પરંપરાગત ઉંમર ગણાય છે, જ્યારે તેમના ભરતનાટ્યમ શિક્ષકની સલાહ પર તેમના પિતા તેમને કલરીપયટ્ટુની પ્રેક્ટિસ માટે લઇ ગયા. તેમણે તેના ભાવિ પતિ, સ્વર્ગીય વી.પી. રાઘવન ગુરુક્કલ હેઠળ ૧૯૪૯ માં કેરળના કડથનાદ કલારી સંઘમમાં તાલીમ લેવાનું શરૂ કર્યું. “શ્ર્વાસની જેમ તે હવે મારા શરીરનો એક જરૂરી ભાગ છે અમ્મા કહે છે.
પરંતુ ૨૦મી સદીની મધ્યમાં, કલરીમાં સ્ત્રીને જોવી અસામાન્ય વાત હતી. સ્ત્રીઓ મુખ્યત્વે ઘર સંભાળતી, અને ૧૬ મી સદીની મહિલા યોદ્ધાઓ જેમ કે ઉન્નિયાર્ચાની દંતકથાઓ ઈતિહાસ હતી, ફક્ત લોકગીતોમાં જ ટાંકવામાં આવતી
હતી અને તેની પ્રશંસા કરવામાં આવતી હતી. મીનાક્ષી અમ્મા કહે છે, જોકે મને ઘણું પ્રોત્સાહન મળ્યું. “મારા નૃત્ય ગુરુ અને મોટા ભાગના પરિવારે મને એવી પ્રવૃત્તિમાં તાલીમ અપાવવાના વિચારને સમર્થન આપ્યું હતું કે જે મુખ્યત્વે પુરૂષોનો ગઢ હતો.
જ્યારે કલરીપયટ્ટુનો અભ્યાસ કરતી મોટાભાગની સ્ત્રીઓએ લગ્ન અને બાળકોના જન્મ પછી પ્રેક્ટિસ છોડી દીધી હતી, ત્યારે મીનાક્ષી અમ્મા, જેમણે તેમના કલરીપયટ્ટુ શિક્ષક સાથે લગ્ન કર્યાં હતાં, તેમણે તેમની પ્રેક્ટિસ ચાલુ રાખી હતી. મેં મારી ગર્ભાવસ્થા દરમિયાન અને જ્યારે મારાં બાળકો નાનાં હતાં ત્યારે વિરામ લીધો હતો, પરંતુ હું હંમેશાં કલરીમાં મારા પતિની પડખે હતી. તેઓ યાદ કરતા કહે છે કટ, ઉઝરડા, દુખાવો અને પીડા જે કલરીપયટ્ટુની તાલીમનો આવશ્યક ભાગ છે તેના માટે મેં હર્બલ તેલ અને આયુર્વેદિક દવાઓ ‘મર્મચિકિત્સા’ (શરીરના મહત્ત્વપૂર્ણ દબાણ બિંદુઓ માટે મસાજ સારવાર) તૈયાર કર્યા હતા
મીનાક્ષી અમ્માએ ૨૦૦૯ માં તેમના પતિના મૃત્યુ પછી ગુરૂક્કલ તરીકે શરૂઆત કરી અને દેશ-વિદેશના યુવાનો અને વૃદ્ધો, પુરુષો અને સ્ત્રીઓને તાલીમ આપી રહ્યાં છે. ૨૦૧૭ માં તેમના ભૂતપૂર્વ વિદ્યાર્થી કુન્નાથકુઝી ફ્રાન્સિસ થોમસ ગુરુક્કલ જે વાયનાડમાં પોતાની કલરીપયટ્ટુ શાળા ચલાવે છે તે કહે છે, “તેઓ તેમના વિદ્યાર્થીઓ માટે માતા સમાન છે. ૫૬ વર્ષથી વધુ સમયથી માર્શલ આર્ટ શીખવતા અમ્માની શાળા કડથનાદન કલારી સંગમમાં દર વર્ષે, ૧૫૦-૧૬૦ વિદ્યાર્થીઓ માર્શલ આર્ટ શીખે છે
૨૦૧૭ માં, મીનાક્ષી અમ્માને તેમના કાર્ય માટે ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંના એક પદ્મશ્રીથી નવાજવામાં આવ્યાં હતાં. વુમન્સ સ્ટડીઝમાં લખવામાં આવ્યું હતું કે , “મીનાક્ષીને તેની રાષ્ટ્રીય માન્યતા પછી મળેલા વિશાળ મીડિયા કવરેજથી કલરીપયટ્ટુને રાષ્ટ્રીય હેડલાઇન્સમાં લાઇમલાઇટ પ્રાપ્ત થઇ હતી અને તેની લોકપ્રિયતામાં વધારો થયો હતો, જે સમકાલીન કેરળમાં કલરીપયટ્ટુના પુનરુત્થાન તરફ દોરી જાય છે.
ગુરુક્કલ મીનાક્ષી અમ્મા કહે છે, “આજે જ્યારે છોકરીઓ માટે મોડી રાત્રે ઘરની બહાર નીકળવું સુરક્ષિત માનવામાં આવતું નથી અને તેના પર સો પ્રશ્ર્નો ઉભા થાય છે, ત્યારે કલરીપયટ્ટુએ તેમનામાં એટલો આત્મવિશ્ર્વાસ પેદા કર્યો છે કે તેમને ઘરની બહાર જવામાં ડર નથી લાગતો, મોડી રાત્રે પણ. કોઈ ખચકાટ કે ભય લાગતો નથી.
એક વૃદ્ધ મહિલાને ભાલા, તલવારો અને લાકડીઓ સહેલાઈથી સંભાળતી જોઈને યુવાન સ્ત્રીઓમાં કલરીપયટ્ટુ શીખવાની ઈચ્છા અને આત્મવિશ્ર્વાસ પેદા થયો. મીનાક્ષી અમ્મા કહે છે, “મહિલાઓએ પોતાને સશક્ત બનાવવા માટે પયટ્ટુ શીખવું જોઈએ. “તે માત્ર શરીરને મજબૂત બનાવે છે એટલું જ નહીં પણ સહનશક્તિ, એકાગ્રતા અને મન પર નિયંત્રણ રાખવામાં પણ મદદ કરે છે.” તે ઉમેરે છે, માર્શલ આર્ટ શીખવાથી મહિલાઓ નિર્ભય બને છે.