લાડકી

દો બેચારે બિના સહારે…


લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશી

હઠ અને બાળ હઠ સામે ભલભલાએ ઘૂંટણિયાં ભરવાં જ પડે. બાળક તો હજી પણ રમકડાં કે ચોકલેટ, આઇસક્રીમથી રીઝે પણ ખરો, પણ આ પાસે તો આ ને આ જ, એક માત્ર શ પતિને ઘૂંટણિયે કરવાનો! બાકી પુરુષો પણ ક્યાં ગાંઠે એવા હોય છે? મૂછ પર લીંબુ, નાક પર લીંબુ, ને રામ જાણે ક્યાં ક્યાં લીંબુ મૂકીને કોલર ઊંચો કરતા પુરુષ પણ નાછૂટકે ના ઘૂંટણિયે પડે છે. પડોશમાં રહેતા રામભાઈ એક દિવસ નિસાસા નાખતાં આવીને બેઠા. મહેશભાઈએ પૂછ્યું, ‘કેમ મ્હોં લટકેલું છે , દોસ્ત?’ ‘શું કહું યાર! દસ દિવસથી રમીલા રિસાઈને બેઠી છે.’ ‘તો એને ખૂણો પાળવા દેને… ખૂણે બેસીને ચિંતન કરવાથી વાલિયામાંથી વાલ્મીકિ બનાય છે! ભલભલા મોટા ચિંતકોએ મૌન રહીને આત્મજ્ઞાન મેળવ્યું છે.’

‘ભાઈ મહેશ, રમીલા ખૂણો પાળે, મૌન રાખે, ચિંતન કરે, તો તો હું આખા શહેરમાં પેંડા વહેંચું. પણ આ તો વિકૃત ઇફેક્ટ (રિઍક્શન) આવેલી છે. પાછી વાંધો શું પડ્યો છે, એ પણ કહેતી નથી. રસોડામાં હોય તો વાસણ ધમાધમ, કપડાં લઈને બેસે તો ધોકો ધબાક ધબ, રેડિયો પર મોટેથી ગીતો વગાડે, સાથે શમશાદ બેગમની જેમ નાકમાંથી ગાવાનું શરૂ કરે. આજુબાજુના કૂતરાં લાવીને, ઘરમાં જાણી જોઈને છૂટાં મૂકે. તું તો જાણે છે કે મને કૂતરાંથી કેટલો ડર લાગે છે!’

‘જો દોસ્ત, તારા બાપાએ તારું નામ રામ પાડ્યું છે, તો હવે તારાથી રાવણગીરી તો થવાની જ નથી , કારણ કે નથી તારી મૂછ પર લીંબુ, કે નથી મચ્છર મારવાની હિંમત! માટે થોડી સબૂરી રાખી સહન કરી લે… એની મેળે ભાભીનો ગુસ્સો ઓછો થશે અને સામે ચાલીને પ્રેમથી બોલવા આવશે. (જિંદગીમાં મેં પણ આવું બહુ ધબાકધબ અને ધમાધમ સહન કર્યું છે!) જો મિત્ર, હું પણ મારા જાત અનુભવમાંથી જ કહી રહ્યો છું. ભાભીને પાસે બેસાડીને એના રિસાવાનું કારણ પૂછ. તારી કોઈ ભૂલ હોય તો માફી માગી લે. પછી જો, ભાભી કેવાં સુધરી જાય તે!’

‘રમીલા જરા પણ સુધરે એમાંની છે જ નહીં. તું એમ માને છે કે મેં પ્રયત્ન ના કર્યા હશે? મેં લાખ મનાવી, લાખ પટાવી, કંઈ કેટલાં પ્રલોભનો આપ્યાં. પણ એ કંઈ તારી વાઇફ જેવી સમજુ અને ખાનદાન નથી. એ તો રામબાણ વાગ્યાં હોય તે જ જાણે! તારે હજી વીત્યું નથ એટલે તું ક્યાંથી જાણે કે કર્કશા પત્ની એટલે શું!’ મહેશભાઈએ આમતેમ નજર કરીને ગળગળા થઈ કહ્યું, ’દોસ્ત, ઘાયલ કી ગત ઘાયલ જાણે! આ તો તું ખાસ મિત્ર છે. એટલે કહું કે દેખાય એ બધું જ સોનું નથી હોતું. તને જે દેખાય છે, તે બધી છલના માત્ર છે. સપાટી ઉપરનું છે. બાકી હું જ જાણું છું અને વેઠું છું. મારી જગ્યાએ કોઈ બીજો, મારી પત્ની જેવી કર્કશા, ઉદ્દંડ, કજિયાળી અને એક નંબરની… ની… ની… શું કહે છે પેલી લડાકને…’

મહેશભાઈનું વાક્ય પૂરું કરતા રામભાઈ બોલ્યા, ‘મંથરા… સુર્પણખા… વિલન… વગેરે. એમ જ ને?’ ‘હા દોસ્ત, એમ જ. જગતમાં તારા કરતાં પણ વધારે દુ:ખી તો હું છું. ફરક માત્ર એટલો જ કે તું મને તારો ડૂમો વ્યક્ત કરી શકે છે, જ્યારે હું તો મારો ડૂમો કોઈ આગળ વ્યક્ત કરી શકું એમ નથી.’ ‘કેમ દોસ્ત? તું પણ મારી સામે તારું હૃદય ખોલી શકે છે.’

‘નહીં દોસ્ત રામ, મારી પત્નીના પિયરમાં દરેકે દરેક પોલીસમાં છે. સાસુ પણ મોટી ફોજદાર છે. એ તો વળી મંથરાની પણ ઉપરની છે. એને માટે તો એક નવું મહાભારત લખવું પડે એમ છે. એક મિનિટની શાંતિ મને આ ઘરમાં નથી. ચોવીસ કલાક ભયમાં ફફડું છું. તું કૂતરાંથી ને શમશાદ બેગમથી ફફડે છે, અને હું તો આ બે મંથરાઓથી ફફડું છું. હવે તો સમજ્યો ને કે હું આટલો દુ:ખી હોવા છતાં કેમ મારું દુ:ખ સુધ્ધાં વર્ણવી શકતો નથી. જેમ મેં માથે બરફ મૂક્યો છે, તેમ તું પણ બરફ મૂકીને બે ટાઇમ રોટલા મળે, તો ખાઈને સૂઈ જવાનું રાખ. રિટાયર થયા તો એમ થયું કે હાશ! હવે નિરાંતે ખાઈ પીને મજા કરીશું , પણ દોસ્ત, ઘરમાં રહીને જેલની કાળી કોટડી ભોગવીશું, એ ક્યાં ખબર હતી!’

એટલામાં મહેશભાઈનાં પત્ની તાળી પાડતાં રસોડામાંથી બહાર આવ્યાં અને મહેશભાઈ સામે કરડાકીભરી નજર કરી બોલ્યાં, ‘હાં તો પતિ શ્રીરામ, તમને હું અને મારી મા મંથરા લાગીએ છીએ? હું કર્કશા, કજિયાળી, ઉદ્દંડ, મંથરા જેવી! તો તમે કેવા છો? બંને મિત્ર નવરા બેસીને પત્નીઓ વિશે ગમે તેમ બોલો છો એ બધું મને સંભળાતું હતું , કારણ કે સમદુ:ખિયાઓ એકબીજાને પોતપોતાનાં દુ:ખ વર્ણવવામાં વોલ્યુમ મોટું કરીને બોલતા હતા. પત્ની ગુસ્સો કરે છે. પણ કેમ કરે છે, એ કદી ખૂણામાં બેસીને વિચાર્યું ખરું? તમે બંને રિટાયર થયા એટલે ચોવીસ કલાક ટી.વી. સામે બેસીને ચા લાવ, પાણી લાવ, નાસ્તો લાવ, સ્વીટ લાવ, પંખો ચાલુ કર, બારણું ખોલ, કોઈ આવ્યું લાગે છે. આવું કેમ બનાવ્યું… એકનું એક કેમ બનાવ્યું…’

એટલામાં રમીલાબહેન પણ આવ્યાં. એમણે બારણે ઊભાં રહીને ઘણું બધું સાંભળી લીધું હતું. એટલે બે સબળાઓએ બે રિટાયર અબળાઓને થેલા થમાવીને લાંબા લિસ્ટ પકડાવ્યાં અને સાથે બૈરા પંચાત કરવા માટે ભાષણ ફટકાર્યું તે નફામાં! આ પછી તો બીજું શું કરી પણ શકાય ‘દો બેચારે બિના સહારે…’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button