લાડકી

તરુણાવસ્થાએ અવગણનાનો અસ્વીકાર

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી -શ્ર્વેતા જોષી-અંતાણી

હાશ! પરીક્ષા પૂરી.. વેકેશનમાં હવે શું કરવું એને લઈને વિહા અને એની ફ્રેન્ડ્સ વચ્ચે સ્કૂલની બહાર નીકળતાવેંત જ જોરદાર ચર્ચાઓ ચાલી. અંતે સામૂહિક નિર્ણય આવ્યો કે ટ્રેકિંગ કેમ્પમાં જઈએ…. પણ, સામાન્ય રીતે ટ્રેકિંગમાં જતાં ટીનએજર્સના ધાડા કરતાં વિહાને કંઈક અલગ કરવું હતું. આમ પણ આ ઉંમરે બધાથી અલગ- અનોખું- અવનવું કરી બતાવવામાં પણ રોમાંચ સાવ અલગ જ હોય છે.

વિહાએ જાહેર કરી દીધું બધા પહાડ પર જાય છે તો આપણે દરિયા કિનારે જઈએ. બસ, વાત ખતમ..! વિહાને નેતૃત્વ હાથમાં લઈ લેતા વાર લાગતી નહીં. દસ દિવસમાં તો આખી ટીમ ઊભી કરી નાખી. સ્કૂલમાં ટ્રેકિંગ કેમ્પ ગોઠવતા ટીચરને મનાવી ગોવા જવા માટે ઓછી લપમાં વધુ મજાની ગોઠવણ વિહાબહેને કરી લીધી. ગોવા પહોંચી સૌથી પહેલા ટાસ્ક સ્કુબા ડાઈવિંગ કરવું એ પણ નક્કી થઈ ગયું.

વિહાને તો સમુદ્રના પેટાળમાં ડૂબકી લગાવવા મળશે એ વિચારે જ આખી રાત ઊંઘ ના આવી. સવાર પડતાં જ સૌથી પહેલા વિહા તૈયાર હતી. બીજા કોઈ આવે છે કે નહીં એની પરવાં કર્યા વિના એ સ્કુબા પ્લેટફોર્મ તરફ રવાના થઈ ગઈ.

ત્યાં પહોંચતા જુએ છે તો એક છોકરી તરવરાટથી પાણીમાં એવી રીતે રમત કરતી હતી જાણે કોઈ જળચર જીવ હોય…! વિહાને તો આવું કંઈક નવીન દેખાય એટલે ખદબદાટ ઊપડે. એ તરત હસીને હાથ મિલાવવા આગળ વધી ત્યાં તો પેલી ઘડીકમાં પાણીની અંદર ગરકી ગઈ. વિહાનું તો મોં વિલાય ગયું. સારું થયું કે ત્યાં કોઈ હતું નહીં. થોડીવાર એ ત્યાં એમજ બેસી રહી, પણ પેલી બહાર આવી નહીં.

વિહાને હવે ગભરાટ ઉપડ્યો : આ ડૂબી ગઈ? ગાયબ થઈ કે શું? એણે બૂમ પાડી, પણ સામો કોઈ જવાબ નહીં. વિહાને થયું : નક્કી એ ડૂબી જ ગઈ … ત્યાં જ સપાટી પર પરપોટા દેખાયા. ઉદાસ આંખોએ પાણીની અંદર ગયેલી એ છોકરી ચમકારા સાથે બહાર આવી, વિહાને હાથમાં પકડેલી સ્ટારફીશ બતાવતા બોલી : ‘હાઈ, આઈ એમ તારા….’ હેબતાઈ ગયેલી વિહાને હાશકારા થયો. ઘડીકમાં કળ વળતા એ ખારા પાણીથી લથબથ તારાને ભેટી પડી.

પોતાની ટીમને આવતા તો વાર લાગવાની હતી એટલે તારા સાથે વિહાબહેન વાતોએ વળગ્યાં. ધીમે ધીમે વાતો કરતાં વિહાને જાણવા મળ્યું કે, તારાના પિતા સમુદ્રનો કચરો સાફ કરતી એક ડ્રેનેજ કંપનીમાં મેનેજર છે એટલે નાનપણથીજ તારાને હોનહાર ગોતાખોર બનવાની લ્હાય લાગી છે. સ્કુબા ડાઈવિંગ એનો શોખ નહીં, પણ પેશન છે-ઉત્કટતા છે. . સમુદ્રની અંદર ડૂબકી લગાવતાવેંત એ જાણે નવી જ દુનિયામાં પહોંચી જતી હોય એમ ત્યારે એ જાણે મેડિટેશન કરી રહી હોય એવી અનુભૂતિ કરે છે. વળી તારાને અવનવી માછલીઓ ભેગી કરવાનો શોખ પણ છે. વિહાએ પણ કહ્યું પોતે અહીં શા માટે આવી છે. જો કે, તારાને એના વિશે જાણવામાં ઝાઝો રસ ના હોય એમ વિહાને લાગ્યું. સ્ટારફિશ બતાવતા તારાએ અચાનક વિષય બદલી નાખ્યો : ‘તને ખબર છે સ્ટારફિશ બીજી માછલીઓ કરતાં કેમ અલગ છે? It can heal itself તેનામાં પોતાની જાતને સાજી-નરવી કરવાની ક્ષમતા છે!’

પોતાના કપાયેલા અંગને એ ખુદ જોડી શકે છે એવી તારાએ માહિતી આપતા અચાનક જ આકાશ તરફ જોતા કહ્યું: ‘પણ સ્ટારફિશની જેમ આપણે પણ કેમ એવું નથી કરી શકતા?’

વિહા પાસે ત્યારે તો તારાના આ પ્રશ્ર્નનો જવાબ નહોતો ને હજુ અડધો કલાક પહેલા મળેલી વિહાને તારા વધુ કંઈ કહેવા માગતી નહોતી એવું લાગ્યું એ બધું તો ઠીક, પણ તારા ત્યાંથી અચાનક જ એ કંઈ કહ્યા વગર ચાલી નીકળી. વિહાને આવું વર્તન વિચિત્ર લાગ્યું. એ સમયે તો પોતે પણ મોં મચકોડી બીજી તરફ ફરી ગયેલી, પણ એનું મન સતત તારાના આવા વર્તનને મમળાવતું રહ્યું… એક ક્ષણ કેટલી આત્મિયતાથી વાત કરતી તારા બીજી ક્ષણે કેમ સાવ રુક્ષ થઈ ગઈ હશે?

વિહાનો અચાનક ઓસરી ગયેલો ઉત્સાહ કેમ્પમાં કોઈનાથી છાનો રહ્યો નહીં. ખબર નહીં, શું થયું આને અચાનક? એવું વિચારતા સહુ પોતપોતાની મસ્તીમાં મશગૂલ હતા ત્યારે કેમ્પ ઓર્ગેનાઈઝર એવાં સુજાતા મેડમ વિહાને મનાવવામાં સફળ રહ્યાં. સવારે બનેલી આખી ઘટના ધીરજપૂર્વક સાંભળ્યા બાદ એ બોલ્યાં : ‘જો વિહા, કેટલાક ટીનએજર્સની જિંદગી સમુદ્ર જેવી હોય છે. બહારથી શાંત- નિર્લેપ પણ અંદરથી અંધારી- ગાઢ અને પેટાળમાં અનેક રહસ્યો લઈને પડેલી…. મને લાગે છે ત્યાં સુધી તારા આવીજ એક ટીનએજર હશે, જે પોતાના જીવનની પોતે જ ઊભી કરેલી વિટંબણા વચ્ચે ઘેરાયેલી હોવી જોઈએ…’

‘હા, એ જે હોય તે, પણ તારાનું વર્તન યોગ્ય નહોતું. ‘આવજો’ તો બોલે કે નહીં કોઈ જતાં પહેલા?’ વિહાએ રોષ સાથે કહ્યું. ‘વિહા, માનવસહ તને આવી લાગણી થાય એ સ્વાભાવિક છે, કારણકે મોહ, માયા, અભિમાન, સુખ, દુ:ખ, ઈર્ષ્યા આ બધું આપણા જીવનનો અભિન્ન ભાગ છે. એનાથી દૂર આપણે નથી ભાગી શકતા… એમાં પણ હજુ ઊગીને ઊભા થઈ રહેલા તમારા જેવા ટીનએજર્સ માટે આવી વાતો સમજવી લોઢાના ચણા ચાવવા જેવી વાત છે…’.

સુજાતા મેડ્મની વાત શાંતચિતે સાંભળતી વિહા માટે હજુય મુખ્ય પ્રશ્ર્ન તો ઊભો જ હતો કે, ‘આ રીતે પોતાને કોઈ શી રીતે અવગણી શકે?’ ‘વિહા, એમ દરેક સવાલના જવાબ જો હાજર હોય તો આને જિંદગી થોડી કહેવાય?’ આટલું બોલી સુજાતામેમ વિહાને થોડો જાત સાથે ઝગડવાનો સમય આપવા માગતાં હોય એમ ત્યાંથી ચાલી નીકળ્યાં અને નિ:સાસો નાખતાં મનોમન બબડ્યાં પણ ખરા કે, આ ઉંમરે
નાની અમસ્તી અવગણના પણ તરુણો કેમ નહીં સ્વીકારી શકતા
હોય?’

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ