ડિયર હની,
એકબાજુ મહિલા અત્યાચારના વધતા આંકડા છે અને બીજી બાજુ દીકરી વધુ લાડકવાયી બની રહી છે. આપણા સમાજમાં આ બે જુદા જુદા પ્રવાહ જોવા મળી રહ્યા છે. અનાથાશ્રમ માં હવે સંતાન વિનાનાં મા-બાપ દીકરીની પસંદગી વધુ કરે છે એવા અહેવાલ છે. કેટલાંક વર્ષો પહેલાં માત્ર દીકરા માટે ડિમાન્ડ હતી. બધાં મા-બાપ સંતાન તરીકે બાળક ચાહતા, જેથી એમનો વંશવેલો આગળ વધે,
પણ હવે ટે્રન્ડ બદલાયો છે. એનું કારણ શું? દીકરા મા-બાપની સેવા નથી કરતાં એ છે? વૃદ્ધ મા-બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે એ વાત જવાબદાર છે? આ પ્રશ્નનો જવાબ સીધોસાદો છે એ છે કે હવે મા-બાપની સેવા દીકરા કરતાં દીકરી વધુ કરે છે.
મારે તને એક સાચો કિસ્સો કહેવો છે. એક પંજાબી યુગલની વાત છે. એમને બે દીકરી હતી અને દીકરાની ચાહ હતી. ત્રીજી વાર પત્નીને સારા દિવસો જતા હતા ત્યારે સોનોગ્રાફી કરાવી હશે તો ખબર પડી કે ફરી દીકરી જ જન્મવાની છે. પતિ અને એના પરિવારે કહ્યું કે દીકરી નથી ખપતી, પણ પત્ની મક્કમ હતી: `જે જન્મે એ મને સ્વીકાર્ય છે.’ આ કારણે પરિવારમાં તનાવ સર્જાયો.
આખરે દીકરી અવતરી અને ત્યારે એનો પિતા નવજાત દીકરીનું મોં જોવા પણ આવ્યો નહોતો. માતાને દીકરી વહાલી હતી, પણ થોડા સમય પછી એવું બન્યું કે,માતાને પેરેલિસિસનો હુમલો આવ્યો. દીકરીઓ મોટી થવા લાગી હતી અને બે દીકરીનાં લગ્ન થઈ ગયાં, પણ માતાની હાલત બગડતી જતી હતી. છેલ્લે એ સ્થિતિ આવી કે એ પથારીવશ થઈ ગઈ.
એની સારસંભાળ ત્રીજી દીકરી જ કરતી હતી અને પછી દીકરીએ કહી પણ દીધું કે, હવે એ પરણશે જ નહિ. માતાની સેવા માટે એણે પોતાની જિંદગી સમર્પિત કરી દીધી.
જોકે, માતાને દિલમાં એ દુખ કે, દીકરી પરણતી નથી. એ દીકરીને કહ્યા કરે કે, બેટા, પરણી જા....' પણ દીકરી કહે:
એ નહિ બને… હું ચાલી જાઉં તો તારું કોણ?’ આ રીતે વર્ષો વિતતાં જાય છે. દીકરી કામકાજ પણ કરે છે અને માની સેવા પણ. જે દીકરીને બાપ અને એનો પરિવાર ઇચ્છતો નહોતો એ જ પરિવાર આ દીકરીનાં વખાણ કરવા લાગે છે. આખરે બને છે એવું કે, એ જે ગામમાં રહે છે ત્યાં જ એક યુવાન મળે છે, જે દીકરી સાથે પરણવા તૈયાર છે. દીકરીનાં લગ્ન થાય છે અને આજે એ દીકરી માની સેવા પણ કરે છે.
આવી દીકરીઓને સલામ છે. મેં એવી ઘણી મહિલાઓ જોઈ છે, જેણે મા-બાપની સેવા કરવા લગ્ન કર્યાં નથી. આજીવન એકલા રહેવાનું પસંદ કર્યું છે. આવો નિર્ણય લેવો-પાળવો બહુ મુશ્કેલ હોય છે, પણ સાચું કહેજે, કોઈ દીકરો માતા-પિતાની સેવા માટે ના પરણ્યો હોય એવા દાખલા સાંભળ્યા છે અને સાંભળ્યા તો કેટલા? મારી વાત મોટા ભાગના લોકો સ્વીકારશે. ખબર નહિ આવું કેમ બને છે? ઘણા કિસ્સામાં ઘરમાં આવતી વહુને દોષ દેવામાં આવે છે, પણ દીકરાઓનો દોષ કેમ નહિ?
ખબર નહીં, દીકરી પરાણે વહાલી લાગતી હોય છે. અગાઉ પણ વાત થયેલી કે, માતાને દીકરો વહાલો હોય છે ને પિતાને દીકરી. એની પાછળ બાયોલૉજિકલ કારણ દર્શાવામાં આવે છે. એ સાચું કે ખોટું એમાં પડવું નથી, પણ તું જ કહે તને દીકરી કેટલી પ્રિય છે? વહાલી છે? દીકરી સાસરે જાય પછી પણ મા-બાપને ભૂલતી નથી અને એમની દરકાર કરે છે.
આમ તો દીકરી વિશે ઘણું બધું લખાયું છે. દીકરી વિશે કેવી મજાની કવિતાઓ લખાઈ છે, પણ મને સાંઈ મકરંદ દવેની દીકરી વિશેની કવિતા બહુ ગમે છે, જેમાં વિધાતાએ દીકરી કેવી રીતે ઘડી એની વાત છે.
સાકરનો લઈને સવાદ એણે દીકરીમાં
તજ ને લવિંગ વળી ભેળવ્યાં જરીક,
સૂરજનાં ધોળાં ફૂલ હાસ ને હુલાસ દીધાં
જોઈ કારવીને કીધું, હવે કાંક ઠીક.
વિધાતાએ દીકરી ઘડીને વળી જોઈ જોઈ
વારે વારે હસું હસું થાય એનું મુખ
હૈયે એને હાશ, હર માવતર કાજે ધર્યું
હર્યુંભર્યું હેત, નર્યું નીતર્યું આ સુખ.
દીકરી પરાણે વહાલી લાગતી હોય છે. દીકરો ઓછો વહાલો લાગે છે એમ નહિ, પણ દીકરી જરાક વધુ વહાલી લાગતી હોય છે. ભારતમાં અત્યારે જે બાળકો દત્તક લેવાય છે એમાં દીકરીની ડિમાન્ડ વધુ છે.
Also Read – એ વહાલનો દરિયો તોફાને ચડ્યો !
જીવનનું ચક્ર કેવું બદલાયું છે! એક સમયે દીકરી જન્મતી તો એને દૂધપીતી કરવામાં આવતી. દીકરીઓને વેચવામાં આવતી. દીકરા અને દીકરી વચ્ચે ભેદભાવ તો આજેય થોડા ઘણા અંશે રાખવામાં આવે છે, પણ ધીરે ધીરે ટે્રન્ડ બદલાઈ રહ્યો છે. હવે એવા ઘણાં મા-બાપ દીકરી આવે તો રાજી થાય છે અને દીકરો વંશવેલો વધારવા હોવો જ જોઈએ એવી માન્યતા ઢીલી પડતી જાય છે. આ સારો બદલાવ છે. આ શિક્ષણના વધતા વ્યાપની પણ અસર છે.
દીકરા-દીકરી વચ્ચે ભેદભાવ ઘટી જાય એ આવકાર્ય છે. બદલાવ ધીમે ધીમે આવે છે, પણ એ આવ્યા પછી સ્થિર રહે છે અમુક વર્ષો સુધી. દીકરીને વધુ ઇચ્છવામાં આવે એનાથી રૂડું બીજું શું હોઈ શકે?
તારો બન્ની.