ડાકુરાણી ફૂલન: વિક્રમ મલ્લાહની પ્રેમિકા
કથા કોલાજ – કાજલ ઓઝા-વૈદ્ય
(ભાગ: ૩)
નામ: ફૂલનદેવી
સ્થળ: ૪૪ અશોક રોડ, નવી દિલ્હી
સમય: બપોરે ૧.૩૦ વાગ્યે, ૨૫ જુલાઈ, ૨૦૦૧
ઉંમર: ૩૭ વર્ષ
હું આ લખું છું ત્યારે ૨૦૦૧નો ધરતીકંપ થઈ ચૂક્યો છે. ગુજરાત અને કચ્છમાં તબાહી મચી ગઈ. કેટલીયે દીકરીઓ અનાથ થઈ, કેટલાય પરિવારો વિખરાઈ ગયા, પરંતુ ગુજરાતની સરકારે એ અનાથ બાળકો માટે વ્યવસ્થા ઊભી કરી. દીકરીઓને સુરક્ષા આપી… આવું ઉત્તર પ્રદેશની સરકારે ત્યારે કર્યું હોત તો મારે બાગી બનવું ન પડત.
કાકાના દીકરાને માથામાં ઈંટ મારી. માસીના દીકરાનું માથું ભીંતમાં પછાડ્યું અને ગામના મુખીના દીકરાને જાહેરમાં થપ્પડ મારી, એ પછી ગામમાં કોઈ મારું નામ લેતું નહીં. સહુ સમજી ગયા હતા કે, હું માથા ફરેલી છું. મને લાગ્યું કે, હવે નિરાંત થઈ. કોઈ સમસ્યા નહીં થાય, પરંતુ મારી જિંદગી એટલી સહેલી અને સરળ હોત તો કદાચ, ડાકુરાણી, બેન્ડિટ ક્વિન જન્મી જ ન હોત. સુરેશચંદ્રને મેં જે રીતે થપ્પડ મારી એ વાતથી સુરેશચંદ્રને આ વાતનો ચટકો લાગ્યો. એ વખતે તો સુરેશ કંઈ ન બોલ્યો, પણ એ ગાળામાં મારા પિતાનું મૃત્યુ થયું. અમે ત્રણ બહેનો, મારી મા અને નાનકડો ભાઈ માંડમાંડ ગુજારો કરતાં હતા. એકવાર જ્યારે ગામમાં ધોધમાર વરસાદ પડતો હતો ત્યારે એ એના પાંચ મિત્રો સાથે અમારી ઝુંપડી પર આવ્યો. એણે એનો કટ્ટો (પિસ્તોલ) બતાવીને મારી માને કહ્યું, ‘ફૂલ્વા કો દે દો… વરના મુન્ની યા રામકલી કો ઉઠા કે લે જાયેંગે.’ મારી મા માટે તો ચારેય દીકરીઓ સરખી જ હોવી જોઈએ. એમની ઈજજત, એમની સુરક્ષા માટે એમને એકસરખી ચિંતા હોવી જોઈએ કે નહીં? પણ, મારી મા બિચારી શું કરે? એ કંઈ ન કરી શકી અને એણે મજબૂરીમાં મને સુરેશચંદ્રને સોંપી દીધી. એ રાત્રે સુરેશચંદ્ર અને એના મિત્રોએ શરાબ પીને વારાફરતી મારી સાથે બળાત્કાર કર્યો. મારા ઘરના બધા જ સભ્યોની સામે. હું ચીસો પાડતી રહી, પણ વરસતા વરસાદમાં આડોશપાડોશમાં કોઈને સંભળાયું નહીં કે પછી કોઈએ સાંભળવાની દરકાર કરી નહીં. ચૂંથાયેલી હાલતમાં, લોહીલુહાણ કપડાં સાથે સવારે મને સુરેશ મારા ઘરમાં ફેંકીને જતો રહ્યો. મારી માએ મને નવડાવીને સરખા કપડાં પહેરાવ્યા. એ પછી એક અઠવાડિયા સુધી હું સરખું ચાલી શકતી નહોતી, પણ મારી માએ એ વિશે કોઈ દરકાર પણ કરી નહીં.
એ દિવસે મેં નક્કી કરી લીધું કે, હવે આ જ પછી હું અત્યાચાર સહન નહીં કરું. એ વખતે અમારા ગામની આસપાસ ચંબલના કોતરોમાં ડાકુઓની ગૅંગ સક્રિય હતી. બાબુ ગુજજર નામના એક ડાકુની હાક વાગતી. પોલીસ ગમે તેટલો પ્રયત્ન કરે તો પણ બાબુ ગુજજરને પકડી શકતી નહોતી. બાબુ ગુજજરના કેટલાક ખબરીઓમાં લાલારામ અને શ્રીરામ નામના બે જણાં હતા. આ બે જણાં ઠાકુર હતા અને અમારા ગામની નજીક બેહમઈ ગામમાં રહેતા હતા. ડાકુઓને લગ્ન કે શુભપ્રસંગોની ખબર પહોંચાડવી, કોના ઘરમાં કેટલું ધન છે એની જાણકારી આપવી કે પછી પોલીસને હપ્તા ખવડાવવા, ડાકુઓના માલ સગેવગે કરી આપવા એવા ઘણા કામ આ લાલારામ અને શ્રીરામ કરતા. મેં જે રીતે સુરેશચંદ્રને થપ્પડ મારી એ પછી ઠાકુરોની નજર મારા ઉપર પડી હતી. એમની એકાદ પંચાયતમાં એવી ચર્ચા થઈ કે, જો આવી રીતે નીચલી જાતિની છોકરીઓ આપણા છોકરાઓને દબાવશે કે ધમકાવશે તો આપણો વટ નહીં રહે. લાલારામ અને શ્રીરામે મને સીધી કરવાની જવાબદારી લઈ લીધી.
કોઈ ફિલ્મમાં બને એવી રીતે એક રાત્રે પાંચ-સાત ડાકુઓ સાથે લાલારામ અને શ્રીરામ અમારા ગામમાં આવ્યા. એમણે કોઈને કશું નુકસાન ન પહોંચાડ્યું, એનાથી ગામના લોકોને બહુ નવાઈ લાગી, કારણ કે ડાકુઓ જ્યારે આવે ત્યારે લૂંટફાટ કરે, ગામના લોકો પાસેથી અનાજ, શાકભાજી, ઘોડા અને પશુ લઈ જાય. ક્યારેક બહેન-દીકરીઓ પર બળાત્કાર કરે તો ક્યારેક એમની સગવડ સાચવવા માટે કોઈની દીકરી કે પત્નીને ઉઠાવી જાય. પોલીસને ખબર પડે તો પણ ગોઠવણ જ એવી કે ડાકુઓ ચાલ્યા જાય પછી પોલીસ આવે. નાનીમોટી પૂછપરછ કરીને કેસ બંધ કરી દેવામાં આવે. અમારા ગામમાં ડાકુઓનું આવવું એ નવાઈ નહોતી, પરંતુ આ લોકોએ ગામને કઈ નુકસાન ન પહોંચાડ્યું કે કોઈ માગણી ન કરી એથી ગામના ડરેલા લોકોને વધારે ડર લાગ્યો. લાલારામ અને શ્રીરામે સીધા અમારા ઘરે આવીને મારી માને કહ્યું કે, ‘અમને ફૂલન આપી દો.’ મારી મા ડરી ગઈ. મેં વિરોધ કર્યો, પરંતુ એ લોકો સાત-આઠ હટ્ઠાકટ્ઠા પુરૂષો હતા, ડકૈત! એમણે મારા આખા પરિવારને બંદૂકના નાળચાની આગળ ઊભો રાખ્યો અને મને પૂછ્યું, ‘અમારી સાથે આવે છે કે, તારા પરિવારને ઉડાડી દઈએ?’ મારી પાસે કોઈ જવાબ નહોતો. શ્રીરામ અને લાલારામ એવી પણ ધમકી આપવા લાગ્યા કે, જો ફૂલનને નહીં સોંપો તો આખા ગામના ઘર બાળીશું. કેટલીયે છોકરીઓને ઉઠાવી જઈશું…
મેં સામેથી કહ્યું, ‘ચાલો, હું તમારી સાથે આવું છું.’ સાચું પૂછો તો હું જાતે જ ગામ છોડવા માગતી હતી. ત્યારે મારા મનમાં ડાકુ બનવાની કોઈ ઈચ્છા કે વિચાર નહોતા, પરંતુ જે ક્ષણે હું આ લોકોની સાથે ચાલી નીકળી એ ક્ષણે મેં નક્કી કરી લીધું કે, હું હવે ડાકુઓની ટોળીમાં જોડાઈ જઈશ એટલું જ નહીં, મારી સાથે અન્યાય કરનાર એક એક વ્યક્તિને બરાબર પાઠ ભણાવીશ. ત્યારે મને કલ્પના પણ નહોતી કે, ભવિષ્યમાં મારા માટે શું લખાયું છે…
હું જ્યારે એ ડકૈતની સાથે ચંબલના કોતરોમાં પહોંચી ત્યારે મને સમજાયું કે, મને એમના સરદાર બાબુ ગુજજરના હુકમથી ઉઠાવવામાં આવી હતી. મારી દબંગાઈની કથાઓ સાંભળીને બાબુ ગુજજર આકર્ષાયો હતો. એણે શ્રીરામ અને લાલારામ સાથે મળીને મને અહીં ‘મંગાવી’ હતી. અહીંની જિંદગી સરળ નહોતી. સતત ભાગતા રહેવું, પોલીસથી બચતા રહેવું, જ્યાં ત્યાં રાત ગુજારવી અને જ્યારે જ્યારે ખબર મળે ત્યારે ગામ પર હુમલો કરીને અનાજ, પશુઓ, છોકરી ઉઠાવી લાવવી… બહુ જ ગંદી અને ચીતરી ચડી જાય એવી જિંદગી જીવતા હતા આ લોકો. બાબુ ગુજજર રોજ રાત્રે મારા પર બળાત્કાર કરતો. બીજા ડાકુઓ પણ મારી સાથે છેડખાની કરતા, પણ સરદારની ‘પસંદ’ને હાથ લગાડવાની કોઈની હિંમત નહોતી! એક રાત્રે બાબુ ગુજજર જ્યારે મને ઢસડીને કોતરની પાછળ લઈ જઈ રહ્યો હતો ત્યારે એમના ગિરોહમાંથી વિક્રમ મલ્લાહ નામના એક ડાકુએ બાબુ ગુજજરનો વિરોધ કર્યો.
વિક્રમ મારી જાતિનો હતો. બાબુ ગુજજરના ગિરોહમાં બધા સવર્ણ હતા. માત્ર વિક્રમ અને ભારત બે જણાં જ મલ્લાહ હતા. વિક્રમ મારા ગામની નજીક ગોહાનિ ગામનો હતો. સીધોસાદો છોકરો જે નાવ ચલાવવાનું કામ કરતો હતો. સાહુકારે એની ત્રણ એકર જમીન પચાવી પાડી એ પછી સાહુકારના અન્યાયથી કંટાળીને એ બાબુ ગુજજરના ગિરોહમાં જોડાઈ ગયો હતો. વિક્રમ ઘણા વખતથી જોઈ રહ્યો હતો કે, બાબુ ગુજજર મારી સાથે સારો વ્યવહાર કરતો નહોતો. એ મારી પાસે આટલા બધા ડાકુઓની રસોઈ બનાવડાવતો. પોતાના પગ દબાવડાવતો. મારી સાથે બળાત્કાર કરતો અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી વખતે મારા હાથ-પગ બાંધી દેતો…
એ દિવસે રાત્રે, જ્યારે બાબુ ગુજજર મને ઢસડી રહ્યો હતો ત્યારે વિક્રમે એને રોક્યો. બંને વચ્ચે બોલાચાલી થઈ અને ઉશ્કેરાયેલા વિક્રમે બાબુ ગુજજરને ગોળી મારી દીધી. બાબુ ત્યાં જ ઢેર થઈ ગયો. એ ક્ષણથી વિક્રમ મલ્લાહ અમારો સરદાર બન્યો અને મારા હૃદયનો રાજા. પહેલીવાર મને એવો માણસ મળ્યો હતો જે એક સ્ત્રીને સન્માનની નજરે જોતો હતો. એ સ્ત્રી સાથે આદરથી વર્તતો હતો અને એની ઈચ્છા-અનિચ્છાને સમજવા તૈયાર હતો… હું વિક્રમના પ્રેમમાં પડી ગઈ.
એ પછી વિક્રમ સાથે મળીને મેં બહુ મોટી લૂંટ ચલાવી. અમે બેય જણાં ખભેખભા મિલાવીને અમારા ગિરોહની સરદારી કરતા. લૂંટનો માલ સરખે ભાગે વહેંચી આપતા, બાબુ ગુજજરની જેમ વહેંચણીમાં કદી અન્યાય કરતા નહીં. ડાકુઓ અમારાથી ખુશ હતા અને અમને પણ સુકુનભરી જિંદગી ગમવા લાગી હતી.
મેં પહેલાં કહ્યું એમ, મારી જિંદગીમાં ક્યાંય ઠહેરાવ, શાંતિ, નિરાંત જેવા શબ્દો છે જ નહીં. બાબુ ગુજજર મરી ગયો અને મને વિક્રમ મળ્યો, એથી મને લાગ્યું કે, મારી જિંદગીમાં હવે કોઈ સમસ્યા નહીં આવે, પરંતુ શ્રીરામ અને લાલારામ બાબુ ગુજજરના માણસો હતા. એ બંને બાબુ ગુજજરના મોતનો બદલો લેવાની તૈયારી કરી રહ્યા હતા. તક મળે કે તરત જ એ અમને ઝડપી લેવા માગતા હતા, એ તક એમને મળી ગઈ.(ક્રમશ:)