કૂખ
ટૂંકી વાર્તા -કેયૂર ઠાકોર
મેટરનિટી હોમની પોતાની કેબિનની બારીમાંથી ડૉ. શ્રીતેજ દલાલ બહાર નજર નાખતો બેઠો હતો. આખી દુનિયા તેને મૂંઝવણોના ચક્રમાં ફસાઈ ગયેલી લાગી. માણસ માનવી મટી ગુલામ બન્યો હતો – પૈસાનો, મિલકતનો અને પાપનો. એમાંથી જન્મ લેતાં મૂંઝવણ અને લાગણીહિનતા. મેટરનિટી હોમમાં તો બાળકો જન્મતાં હોય છે, પણ મોટા માણસોના મોં પર, મન પર, મગજ પર જન્મ લે છે મૂંઝવણ ને મનોમંથન. ડૉ. શ્રીતેજને પણ દિલમાં મૂંઝવણની આગ લાગેલી. ન સમજાતી ન
બુઝાતી.
તે આજે પોલાપણું અનુભવતો મર્સિડીઝમાંથી ઊતરી હૉસ્પિટલમાં પ્રવેશ્યો. સૌની સલામ ઝીલતો ને અનેરી અદામાં ‘ગુડ મોર્નિંગ’ કહી કેબિનમાં પ્રવેશ્યો. જૂલી છે કે નહીં તે જોયું. તેના પર નજર પડતાં જ ભૂકંપ અનુભવતો કેબિનમાં સરી ગયો. કમ્પ્યુટર ચાલુ કરી નાના ફ્રિજમાં પડેલો જ્યુસનો ગ્લાસ બહાર કાઢી થોડો પીધો. સિગારેટનો કશ લેતાં લેતાં ‘કીબોર્ડ’ પર ટેરવાં ફેરવવા માંડ્યો. ધુમાડાનાં વલયો વચ્ચે બારી બહારની દુનિયા નિહાળવા લાગ્યો. સફેદ ચંપો ખીલ્યો હતો. ચેનલ વાયર ઉપર સુંદર પક્ષી ટહુકો કરતું હતું.
માનવ મહેરામણનાં દરિયા-મોજાં ઊછળતાં ને ક્ષિતિજ પર મિલનનો ભાસ રચાતો, ભૂરા ને કેસરી રંગે. ડૉ. દલાલ સૌંદર્યને પામતાં કશ ખેંચી રહ્યો હતો. અસ્વસ્થતાનું ધૂમ્રવલય તેને ઘેરી વળ્યું. કેસરી રંગ તેને દઝાડતો હતો. માનવદરિયામાં તેને અસ્વસ્થતાનો મગર ખેંચતો હતો. તેને ઘણું બધું સમજાતું નહોતું ને ઘણું બધું સમજાતું પણ
હતું.
રાખને ‘ઍશટ્રે’માં નાખી શ્રીતેજે અસ્વસ્થતા ખંખેરવા પ્રયત્ન કર્યો. ટેરવાંઓએ કીબોર્ડ હચમચાવ્યું. ઈન્ટરનેટ પર ઈ-મેઈલ વાંચવા માંડ્યો. વચ્ચે આવતી જાહેરખબરોને હટાવતો. ઘરવપરાશની દરેક વસ્તુથી માંડી કુટુંબ નિયોજનનાં સાધનોને ખુલ્લેઆમ ખરીદવા પ્રેરતી જાહેરાતો ‘ગમે ત્યારે જરૂર પડે’, ‘સાથે જ રાખો’ આવી એક જાહેરાત પર તેની નજર પડી. તે ફરી અસ્વસ્થ બન્યો ને કીબોર્ડ પર ફરતાં ટેરવાં અટકી ગયાં. તેણે ફરી સિગારેટ સળગાવી ને કશ ખેંચવા લાગ્યો. કેબિનનો દરવાજો ખૂલ્યો. ‘મે આઈ કમ ઈન?’ જૂલીની મીઠાશ છલકી.
‘નો, આઈ એમ બિઝી’. દરવાજો બંધ થયો ને જૂલી અદૃશ્ય થઈ ગઈ. જૂલીનો કંઠ છતાંય કેબિનમાં છવાયેલો હતો એક અદૃશ્ય ભૂતની માફક. શ્રીતેજ કશ પર કશ લેવા માંડ્યો. ધુમાડાનાં વલયોની માફક તેનું મન ચકરાવે ચઢ્યું. ‘જૂલીને કેમ ના પાડી?’ આ જાકારો તેને ગૂંચવતો હતો. જૂલીને કેબિનમાં પ્રવેશવાની તે ક્યારેય ના ન પાડતો. કોઈનીય દેન નહોતી કે તેને કંઈ પૂછે.
જ્યારથી જૂલીને નર્સ તરીકે હૉસ્પિટલમાં રાખી ત્યારથી જ જૂના સ્ટાફને, નર્સોને લાગતું કે જૂલી બાજી મારી જવાની. શું નહોતું તેની પાસે? સૌંદર્ય, રૂપ, સ્માર્ટનેસ અને ફિગર.
નર્સ હતી ફક્ત ભણતરથી, પણ જ્ઞાનમાં તે એક ડૉક્ટરનેય આંબતી, તેથી જ ડૉ. શ્રીતેજની કેબિનમાં તેની જરૂર અવશ્ય અને સવિશેષ પડતી. કોઈ પણ પ્રસૂતિ, એબોર્શન કે સિઝેરિયનમાં જૂલીનો અભિપ્રાય ડૉ. શ્રીતેજ અવશ્ય લેતા. મેટરનિટી હૉસ્પિટલમાં જ નહીં, પરંતુ શ્રીતેજના બંગલે પણ જૂલીનું વર્ચસ્વ પ્રસ્થાપિત હતું. જાણે શ્રીતેજ પર તેનું જ રાજ. કશનાં ધૂમ્રવલયોમાં શ્રીતેજનું મન વમળની જેમ ચકરાતું જતું હતું. હૉસ્પિટલનો સ્ટાફ ગયા પછીયે તે જૂલીને રોકતો ને નવા કેસ અંગે ચર્ચાઓ કરતો. તેમના સંબંધોની ચર્ચાથી સ્ટાફનું ચકડોળ ફરતું હતું.
‘શું કરે, ગાયનેક ડૉક્ટરને ઘરે જ શેર માટીની ખોટ હોય તો?’…. ‘વર્ષો પછીયે બાળક ન હોવાથી કદાચ પત્નીમાં રસ….’ ‘કદાચ તેથી જ આ જૂલી….’
શ્રીતેજનું પણ સ્ટાફ તરફ ધ્યાન તો જતું, પણ તેના અને જૂલીના સંબંધો તો… તો પછી જૂલીને શા માટે આજે જાકારો આપ્યો? શા માટે? આજે? ને થોડા દિવસો પહેલાં તો? દીવાલોના સવાલોથી તે ચમકયો. થોડા દિવસો પહેલાં તો! એ અને જૂલી આ જ કેબિનમાં એકલાં હતાં. સ્ટાફ અવર્સ પૂરા થઈ ગયા હતા. તે કેસ અંગે ચર્ચા કરતો હતો. જૂલીની આંગળીઓ કીબોર્ડ પર ફરતી હતી. ઈન્ટરનેટ પર કેસ અંગે સાઈટો ખૂલતી હતી.
‘સર, વી ગોટ ઈટ.’
શ્રીતેજ તે સાઈટ જોવા નજીક આવ્યો. જૂલીનો સ્પર્શ તેનાં અંગેઅંગને સળગાવી ગયો. તે જૂલી પર ઝૂકી ગયો ને જૂલી પણ પ્રેમઅગનમાં સળગી. બહાર અંધારું હતું ને આ દૃશ્ય ફક્ત કેબિનની ચાર દીવાલોએ જ જોયું.
સિગારેટની આગ કરતાંય શ્રીતેજને આ આગ હચમચાવતી. દીવાલો આજેય તેને પ્રશ્ર્નો કરતી હતી. આ જ મૂંઝવણમાં તો તે ગૂંચવાતો જતો હતો. તેણે સિગારેટ એશટ્રેમાં બુઝાવીને પટાવાળા પાસે પાણી મગાવ્યું ને ભીતરની આગને બુઝાવવા પ્રયત્ન કર્યો. આ ચહેરાને ઢાંકવો જ રહ્યો, નહીંતર આ હૉસ્પિટલનો સ્ટાફ તો…
તેણે ઈન્ટરકોમનું બટન દબાવ્યું. જૂલીને અંદર આવવાનું ફરમાન થયું. જૂલી અદાથી પ્રવેશી, પણ આજે તેણે જૂલી સાથે સ્વસ્થતાથી નવા કેસ અંગે ચર્ચા કરી.
‘સર, નોટ ઈન મૂડ?’
‘નો.’
‘ધેન વ્હાય આઈ ફીલ સો?’
‘નો નથિંગ. પરહેપ્સ યુ?’
‘ના કશું જ નથી, પણ સર, આજે મારે વહેલા જવું છે.’
જૂલી ચર્ચા કરી ઊઠી.
જૂલીને તે પાછળથી જતી જોઈ રહ્યો ને સામે ઘડિયાળને. ચાલ્યા જ કરતી ઘડિયાળ ને ન થંભતો સમય. જૂલી તો નીકળી ગઈ, પણ મૂંઝવણ ને મનોમંથન મૂકતી ગઈ. તે કશ પર કશ લેતો મૂવિંગ ચેરને ઘુમાવતો હતો. મનની દશા આવી જ હતી. મૂવિંગ ચેરની જેમ મન પણ ઘૂમતું હતું.
જૂલી કેમ આજે વહેલી…
ઓફિસ અવર્સ પૂરા થયા. સ્ટાફ જવા માંડ્યો. બહારની આકુળ-વ્યાકુળ દુનિયાની જેમ તે પણ આકુળ-વ્યાકુળ બન્યો. ઘરે જવું આજે ગમતું નહોતું. મન કહેતું હતું ચલને જૂલીને ઘેર. પણ મર્સિડીઝનાં પૈડાંએ તેની વાત ન માની ને કાર ઘર તરફ જ ઊપડી. તેણે ડોરબેલ વગાડ્યો. પત્ની અમલાએ જ દરવાજો ખોલ્યો અને બોલી, ‘મને તો એમ કે તમેય વહેલા આવશો.’
‘કેમ?’
‘જૂલી આવી હતી એટલે,’ પત્નીએ કહ્યું.
શ્રીતેજે એક કંપન અનુભવ્યું. તે રૂમમાં ગયો. નહાયો ને સ્વસ્થતાનો નકાબ ઓઢ્યો.
‘કોફી ઈઝ રેડી,’ અમલાનો અવાજ રણક્યો.
શ્રીતેજ ડાઈનિંગ ટેબલ પર ગોઠવાયો. ત્યાં જ અમલા બોલી, ‘જૂલીએ ડૉ. શાહને ત્યાં ચેકઅપ કરાવ્યું છે. હું તો તેને વઢી. ઘરની જ હૉસ્પિટલ ને તું બહાર ચેકઅપ માટે… ક્યાંક લપસી લાગે છે. ડૉ. શાહે એબોર્શનની સલાહ આપી છે ને તે મારી સલાહ લેવા આવી હતી.’ શ્રીતેજને કોફી પણ પથ્થર જેવી લાગવા માંડી. ‘બિચારી ગભરાઈ ગઈ છે. કુદરતની કમાલ પણ કેવી છે? ન જોઈએ તે કૂખને વરદાન ને ગાયનેક ડૉક્ટરને ત્યાં જ શેર માટીની ખોટ.’
શ્રીતેજ કોફીના ઘૂંટડા પર ઘૂંટડા ગટગટાવવા માંડ્યો.