લાડકી

ચહેરા મોહરા – પ્રકરણ: 31

દાદાજી, મને ખરા દિલથી પસ્તાવો થઈ રહ્યો છે. જીવનનાં મહત્ત્વનાં વર્ષો જેલમાં વિતાવ્યા બાદ પણ હું ધનની લાલચમાં આવી ગયો. મારી મતિ સુધરી નહીં….

પ્રફુલ્લ કાનાબાર

`ચાર દિવસનો સમય આપું છું આજથી બરોબર પાંચમા દિવસે અંકુશ તારી પાસે પહોંચી જશે!’ સત્તાવાહી અવાજ સાથે બાપુએ ત્યારે ફોન કાપી નાખ્યો હતો.આ વાત યાદ આવતાં સોહનને એટલો તો ખ્યાલ આવી ગયો કે બાપુ અંકુશ મારફતે એના પર ધ્યાન રાખવા માંગે છે. એક વાર અંકુશ અહીં બંગલામાં આવે પછી સોહનની દશા સોનાના પિજરામાં પુરાયેલા પોપટ જેવી થઈ જાય, કારણ કે અંકુશ બાપુનો જાસૂસ બનીને જ અહીં રહે એ વાત નજીકના ભવિષ્યમાં એના માટે થોડી અટપટી થઈ જવાની…

આ વાતના વિચારમાં મોડી રાત્રે સોહનની આંખ મળી. વહેલી સવારે સપનામાં મા દેખાણી જાણે એ કહેતી હતી: દીકરા, એવું કોઈ કામ ન કરતો જેનાથી મારા આત્માને દુ:ખ પહોંચે..' માના હાથમાં એ જ શ્રીનાથજીનો ફોટો હતો જેની કાયમ એ પૂજા કરતી હતી. અચાનક સોહનની આંખ ખૂલી ગઈ. સવારના પાંચ વાગ્યા હતા. સપનામાં દેખાયેલો શ્રીનાથજીનો ફોટો અને એની સાથે જોડાયેલી સ્મૃતિનું એક દૃશ્ય એની નજર સમક્ષ ઊભરી આવ્યું... માના અવસાન બાદ જ્યારે એ જામીન પર છૂટીને માના અગ્નિસંસ્કાર કરીને પાડોશી સરીતાબહેનનાં ઘરે ગયો હતો ત્યારે સરીતાબહેને જૂની ફ્રેમવાળો શ્રીનાથજીનો ફોટો આપતાં કહ્યું હતું:સોહમ, હૉસ્પિટલે જતી વખતે કંચનબહેને આ ફોટો તને આપવાનું કહ્યું હતું.’

સોહમ ફિક્કું હસ્યો હતો. મારે આ ફોટાનું કોઈ કામ નથી.. તેના ભરોસે તો હું માને મૂકીને ગયો હતો, પણ તેણે મને દગો આપ્યો.
સોહમ, એમ ન બોલાય ગમે તેમ તોપણ એ ભગવાન છે.' સરીતાબહેન ત્યારે બોલી ઊઠ્યાં હતાં.મારે એવા ભગવાનનું કાંઈ કામ નથી જે મારી માની રક્ષા ન કરી શક્યો.’ સોહમનો અવાજ રૂંધાવા જેવો થઈ ગયો હતો.`ભલે સોહમ, આ ફોટો અમે જ રાખીએ છીએ તને જયારે ઠીક લાગે ત્યારે લઈ જજે.’ કરસનભાઈએ સોહમને કહ્યું હતું.ઘડિયાળમાં પાંચ ડંકા પડ્યા. સોહમ વિચારમાં પડી ગયો.. આજે એ જ ફોટા સાથે મા સ્વપ્નમાં આવી હતી. સોહનને એકવાર અમદાવાદના જૂના ઘરે જવાની ઇચ્છા થઈ આવી. સવારે ડાઈનિંગ ટેબલ પર દાદાજી સાથે બ્રેકફાસ્ટ કરતી વખતે સોહને અમદાવાદ જવાની ઇચ્છા વ્યક્ત કરી.યુવાન પૌત્રને વધુ પૂછપરછ કરવાનું યોગ્ય ન લાગતાં દાદાજીએ સોહનની એ જ દિવસની અમદાવાદની ફ્લાઈટની ટિકિટ અને ફાઈવસ્ટાર હોટેલમાં રૂમ બૂક કરાવવાનું સેક્રેટરીને કહી દીધું.

અમદાવાદ ઍરપૉર્ટ પર ઊતરીને સોહન નિયત બુકિગ મુજબ શાહીબાગમાં જ આવેલી એક ફાઈવ સ્ટાર હોટેલમાં ઊતર્યો. બીજે દિવસે સવારે એ નરોડાની ચાલીએ જવા માટે નીકળ્યો જ્યાં એનું બાળપણ વીત્યું હતું. હોટેલની બહાર નીકળીને થોડું ચાલીને એણે રિક્ષા પકડી. જૂનીપુરાણી ચાલીમાં પગ મૂકતાં જ એક ચિરપરિચિત હવાની લહેર એના નાકને સ્પર્શીને આગળ નીકળી ગઈ. સોહનને મા યાદ આવી ગઈ. એની આંખમાં આંસુ ઊભરાયાં.

સોહન ભીની આંખે આગળ વધ્યો. આજે કેટલાં બધાં વર્ષો બાદ સોહન એ ચાલીમાં આવ્યો હતો… જ્યાં દારુણ ગરીબીમાં એનું બાળપણ વીત્યું હતું. આજે પણ એ જર્જરિત ચાલીના નકશામાં કે છાપરાવાળાં મકાનોમાં કોઈ જ ફેર પડ્યો નહોતો. બાળકો અને સ્ત્રીઓની થોડીક અવરજવર હતી. સોહન થોડું ચાલીને એના ઘર પાસે આવીને અટક્યો. બારણાના નકૂચા પર એ જ જૂનું કાટ ખાઈ ગયેલું તાળું ઝૂલતું હતું. બાજુમાંથી અચાનક સરીતાબહેન ડોકાયાં. સોહને એમની સામે જોયું. સરીતાબેનના ચહેરા પર પડી ગયેલી કરચલી એમની વધી ગયેલી ઉંમરની ચાડી ખાતી હતી. કોરું કપાળ વિધવા બની ગયાનું સાક્ષી બની ચૂક્યું હતું.`કોણ?’ સરીતાબેને કપાળ પર હાથ રાખીને પૂછ્યું.

સોહન સરીતાબેનના ચરણસ્પર્શ કરીને બોલ્યો:

..કાકી..હું સોહન. સોહનને એકાએક યાદ આવ્યું કે અહીં એની ઓળખ સોહમ તરીકેની છે. એણે તરત સુધારી લીધું.. સોહમ. ઓહોહો.. આટલાં વર્ષે? સોહમ, સારું થયું તું આવ્યો. હું રોજ ભગવાનને પ્રાર્થના કરતી હતી કે જીવનના અંત પહેલાં એકવાર જો તું મળી જાય તો તારી માએ લખેલો કાગળ તને સોંપી દઉં.’

સોહમ ચમક્યો.. માનો કાગળ?'મા ભાંગ્યું તૂટ્યું ગુજરાતી લખી શકતી હતી એ એને યાદ આવ્યું, પણ માનો કાગળ? એનું આશ્ચર્ય શમવાનું નામ લેતું નહોતું. સરીતાબહેન એમના ઘરમાં ગયા. સોહમ પણ એમની પાછળ યંત્રવત્‌‍ દોરવાયો. સરીતાબેને દીવાલ પર લટકાવેલો શ્રીનાથજીનો ફોટો ઉતાર્યો. જૂની થઈ ગયેલી ફ્રેમમાં ભરાવેલો એક ફાટેલો કાગળ કાઢ્યો.સોહમ ફાટી આંખે કાગળને તાકી રહ્યો.દીકરા, આ કાગળ ફોટાની પાછળ ફ્રેમમાં સંતાડીને તારી માએ રાખ્યો હતો. મને પણ ખબર નહોતી. એક વાર કબૂતરે ફોટો પછાડ્યો. ફ્રેમ ખૂલી ગઈ અને આ કાગળ મારા હાથમાં આવ્યો.

સોહમ બંને હાથમાં કાગળ પકડીને વાંચવા લાગ્યો:

દીકરા સોહમ,

જેને તું બાપુ કહેતો હતો એ તારો સાચો બાપ નથી. તારા બાપુએ મારો હાથ એવા સમયે પકડ્યો હતો, જ્યારે હું કુંવારી હતી… ગર્ભવતી હતી. મેં આપઘાત કરવા માટે સાબરમતીમાં ઝંપલાવી દીધું હતું. તારા બાપુએ જ મને બચાવી લીધી હતી. મારી સાથે લગ્ન કરીને તને બાપનું નામ પણ આપ્યું. એ સમયે તારા બાપુ દારૂ નહોતા પીતા. તું સમજણો થયો અને દારૂની લતે ચડ્યા બાદ તારા બાપુ મને ત્રાસ આપતા થયા. એનો ત્રાસ હું કેમ સહન કરતી હતી એ વાત હવે તને સમજાઈ ચૂકી હશે.તારો સગો બાપ મુંબઈમાં રહેતા કરોડપતિ પરિવારનો એક નબીરો હતો. સ્ત્રી એના માટે માત્ર શરીરની ભૂખ સંતોષવાનું સાધન જ હતું. એ અમદાવાદ આવ્યો ત્યારે હું એની મોહજાળમાં ફસાઈ ગઈ હતી જ્યારે ખબર પડી ત્યારે બહુ મોડું થઈ ચૂક્યું હતું. તારો સાચો બાપ પણ આજે હયાત નથી. એક રોડ અકસ્માતમાં એણે જીવ ગુમાવ્યો હતો. એ સમાચાર મને છાપા મારફતે જ મળ્યા હતા. એના વિષે હું વધારે તો જાણતી નથી, પણ એટલું જાણું છું કે એનું નામ લીલાધર બળવંતરાય પાટડિયા છે….

સોહમના પગ નીચેથી જાણે કે ધરતી સરકી રહી હતી. એ ત્રણેક વાર આખો કાગળ વાંચી ગયો. એણે ભીની આંખે શ્રીનાથજીના ફોટા સામે જોયું એના કાનમાં જાણે કે મંદિરની આરતીની ઝાલરનો ધ્વનિ સંભળાઈ રહ્યો. સોહમે ભાવપૂર્વક ભગવાનના ફોટાનાં દર્શન કર્યાં.આજે એક નાસ્તિક વ્યક્તિનું સંપૂર્ણ આસ્તિકમાં પરિવર્તન થઈ ચૂક્યું હતું!બીજે દિવસે રાત્રે બળવંતરાય શેઠના બંગલાના વિશાળ ડ્રોઈંગ હોલમાં સન્નાટો પથરાયેલો હતો. છેલ્લા કલાકમાં સોહમ એના જીવનની કિતાબનાં એક પછી એક પાનાં બળવંતરાય સમક્ષ નિખાલસતાથી ખોલી ચૂક્યો હતો.

બળવંતરાય સ્તબ્ધ થઈ ગયા હતા. એમણે નોંધ્યું કે જે યુવાન પૈસાની લાલચમાં અહીં સુધી આવ્યો હતો એનું હ્રદયપરિવર્તન થઈ ચૂક્યું હતું. જોગાનુજોગ સોહમ એમના જ પુત્ર લીલાધરનો નાજાયઝ દીકરો હતો. સોહમ પર શક કરવાનો હવે કોઈ સવાલ જ ઊભો થતો નહોતો જેનાં બે કારણ હતાં. એક તો એ કે લીલાધરના ઐયાશ સ્વભાવથી બળવંતરાય સારી રીતે વાકેફ હતા. બીજું એ કે સોહમના હાથમાં એની માએ લખેલ કાગળ હતો અને અવાજમાં સચ્ચાઈનો રણકાર હતો!બળવંતરાયને વધારે આઘાત એ વાતનો લાગ્યો હતો કે જે તુલસીરામ બાપુને એમણે ગુરુ માન્યા હતા એણે જ આ આખું ષડ્યંત્ર રચ્યું હતું. ક્યારેક ક્યારેક વધારે શ્રીમંત હોવું પણ બહુ મોટો અભિશાપ બની જતો હોય છે!

દાદાજી, મને ખરા દિલથી પસ્તાવો થઈ રહ્યો છે. જીવનનાં મહત્ત્વનાં વર્ષો જેલમાં વિતાવ્યાં બાદ પણ હું ધનની લાલચમાં આવી ગયો. મારી મતિ સુધરી નહી.' સોહમની આંખમાં આંસુ ઊભરાયાં.દીકરા, કદાચ આ જ તારી નિયતિ હતી. એ બહાને પણ તું તારા આ દાદાજી પાસે આવી ગયો. મને તારા પ્રત્યે કોઈ જ ફરિયાદ નથી, પણ એ તુલસીરામ બાપુને તો સજા થવી જ જોઈએ.’ `દાદાજી, તુલસીરામ બાપુની શતરંજની ચાલમાં હું તો માત્ર એક પ્યાદું છું. અડાલજવાળા નંદગીરી ગોસ્વામી અને પેલો જેલમાં મને મળેલો શિખંડી જેવો અંકુશ પણ એમના જ સાગરીત છે.’

`એ બધાને સજા થશે.’ બળવંતરાય મક્કમતાથી બોલ્યા:

`એની કુટિલ નીતિ સામે આપણે પણ કોઈ ચાલ જ રમવી પડશે. શતરંજ ભલે એમણે પાથરી છે, પણ આ છેલ્લી ચાલ તો આપણી જ હશે, જેમાં એમના ચહેરા પરનાં મહોરાં આપણે જ ઉતારીશું ..!’ (ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button