ચહેરા મોહરા -પ્રકરણ: 14
યુવાનીમાં પૈસો જ જીવનનું મુખ્ય ધ્યેય હોવું જોઈએ એ વાત સોહમે જાતઅનુભવ પરથી શીખી લીધી હતી. યોગાનુયોગ, આજે તેને તક પણ મળી હતી. પૈસા મેળવવા માટે તે થોડું ઘણું જોખમ ઉઠાવવા પણ તૈયાર થઈ ગયો હતો...
પ્રફુલ્લ કાનાબાર
સોહમની ઊંઘ ઊડી ગઈ હતી. થોડી વાર પહેલાં તદ્દન અજાણ્યા કેદી અંકુશે કહેલા શબ્દો તેના કાનમાં પડઘાઈ રહ્યા હતા:
‘તું કરોડપતિ થઈ જઈશ.. તારી દુનિયા બદલાઈ જશે…!’એ રાતે સોહમને માંડમાંડ ઊંઘ આવી. જોગાનુજોગ બીજે જ દિવસે સોહમનો જેલમાંથી છુટકારો થયો હતો. બહાર નીકળ્યા બાદ સોહમ ત્રિભેટે ઊભો હતો. એક રસ્તો તેના ઘર તરફ જતો હતો, જ્યાં જવાનું તેણે ટાળ્યું હતું.બીજો રસ્તો એટલે અડાલજ તરફનો રસ્તો જ્યાં તે છકડામાં બેસીને અત્યારે જઈ રહ્યો હતો. છકડામાં તેના ઉપરાંત અન્ય પાંચ માણસ બેઠા હતા. છેલ્લા ચોવીસ કલાકમાં બનેલી ઘટનાઓ સોહમની આંખ સામેથી ફિલ્મની પટ્ટીની જેમ પસાર થઇ રહી હતી.
અંકુશે જેલમાં આપેલી ચબરખી અને એ ચબરખી પર લખેલું એક અજાણ્યું સરનામું.. જ્યાં પહોંચવાની સોહમને હવે તાલાવેલી જાગી હતી. સોહમની આંખમાં હવે કરોડપતિ બનવાનું સ્વપ્ન અંજાઈ ગયું હતું. ત્રીસેક વર્ષની ઉંમરમાં સોહમને એક વાત બરોબર સમજાઈ ગઈ હતી કે ગરીબી માણસને તોડી નાખે છે… તેના સ્વમાનના લીરા ઉડાડી શકે છે… લાચારીમાં જીવવા માટે મજબૂર કરી શકે છે. ગરીબી જેવો અભિશાપ એક પણ નથી. ‘પૈસો હાથનો મેલ છે, પૈસા તો કૂતરા પણ નથી સૂંઘતા..’ એવું કહેનારા વાસ્તવમાં પુષ્કળ પૈસા કમાઈને પછી જ એવું કહેતા હોય છે! ખરેખર તો એવા લોકો દંભી હોય છે અને એ લોકો જ પૈસા પાછળ કૂતરાની જેમ દોડતા હોય છે!
લાંબા કારાવાસ દરમિયાન, હવે એ ખુદની સાથે એકદમ નિખાલસ બની ગયો હતો. જીવનમાં પૈસો જ સર્વસ્વ છે. યુવાનીમાં પૈસો જ જીવનનું મુખ્ય ધ્યેય હોવું જોઈએ એ વાત સોહમે જાતઅનુભવ પરથી શીખી લીધી હતી. યોગાનુયોગ આજે તેને તક પણ મળી હતી. પૈસા મેળવવા માટે તે થોડું ઘણું જોખમ ઉઠાવવા પણ તૈયાર થઈ ગયો હતો. અંકુશે કહ્યું હતું કે તારે કોઈને પતાવી દેવાનો નથી… બસ, માત્ર ઓળખ બદલવાની છે.
સોહમ વિચારી રહ્યો.. આમ પણ તેની ક્યાં કોઈ ઓળખ જ હતી? કપાળ પર તો ખૂનીનું લેબલ લાગી જ ચૂક્યું હતું ને? તેર વર્ષ કારાવાસ ભોગવનાર માણસને સમાજ સ્વીકારશે કે કેમ એ પણ યક્ષપ્રશ્ન હતો. સમાજનો વિચાર આવતાં જ સોહમનો ગોરો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. સમાજ? કયો સમાજ.. એ સમાજ જ્યાં તેનું બાળપણ વીત્યું હતું ? એ સમાજ જ્યાં એને યુવાનીના આભમાંય ક્યારેય બે ટંક પેટ ભરીને ખાવાનું મળ્યું નહોતું? એ સમાજ જ્યાં ચારે બાજુ ગરીબી જ ગરીબી હતી અને ગરીબોનાં આંસુ લૂછવા માટે એક પણ ધનવાન નજીક આવ્યો નહોતો? એ સમાજ જ્યાં તેની મા પારકા ઘરે કામ કરવા જતી હતી અને માની આવક પર કહેવાતો બાપ તાગડધિન્ના કરતો હતો? એ સમાજ જ્યાં તેને ખુદના બાપનું નામ પણ એને ખબર નહોતી… ભાડમાં જાય સમાજ.. હવે તો બસ ધનવાન બનીને જ જીવવું છે. એક વાર ઓળખ બદલાઈ જશે તો પેલું ખૂનીનું લેબલ પણ આપોઆપ અદૃશ્ય થઈ જશે.
છકડો હાઈ-વે પર અડાલજની સીમમાં ઊભો રહ્યો. ત્યાં ઊતરનાર સોહમ એકમાત્ર પેસેન્જર હતો. છકડો તરત ગાંધીનગર તરફ રવાના થઈ ગયો. સોહમે જીન્સના ખિસ્સામાંથી ગઈકાલે અંકુશે આપેલી ચબરખી કાઢી. એ પ્રમાણે સોહમ જમણા હાથે કાચા રસ્તે ચાલવા લાગ્યો. દસેક મિનિટ ચાલ્યા બાદ નાનકડું મહાદેવનું મંદિર દેખાયું. મંદિરની બાજુમાં જ એક ગાય બાંધેલી હતી. મંદિરની જર્જરિત અવસ્થા જોઈને સોહમ ફિક્કું હસ્યો. તે મનમાં જ બોલ્યો: ‘વાહ..ભગવાન તારી અને મારી દશામાં ખાસ ફર્ક નથી…!’
સોહમ બાળપણથી જ પિતાના ત્રાસને કારણે નાસ્તિક હતો. મા સાથે વાત કરતી વખતે પણ તે કાયમ તારા ભગવાન એમ જ બોલતો.. માની યાદ આવતાં જ સોહમની આંખમાં આંસું ધસી આવ્યાં. મંદિરના ખુલ્લા દરવાજામાં બરોબર સામે મહાદેવજીના લિંગનાં દર્શન થતાં હતાં. એ તરફ સોહમે આક્રોશ ભરેલી નજર ફેંકી…
મંદિરની પાછળ એક બેઠા ઘાટનું પાકું મકાન હતું. ફળિયામાં ખાટલા પર વધેલી દાઢી અને કપાળમાં તિલક કરેલા એક પંચાવન આસપાસના મહારાજ બેઠા હતા. તેમના ગળામાં મોટા રુદ્રાક્ષની માળા લટકતી હતી. ‘કિસ કા કામ હૈ?’ ઘેઘૂર વડલા નીચે બેઠેલા મહારાજનો અવાજ પણ ઘેઘૂર હતો. ‘જી.. નંદગીરી ગોસ્વામીજી કો મિલના હૈ’ સોહમના અવાજમાં થડકાર હતો. ‘મૈં હી નંદગીરી હું..બોલો.’ ‘જી.. મુઝે અંકુશને ભેજા હૈ.’ અંકુશનું નામ સાંભળીને મહારાજની આંખમાં ચમક આવી ગઈ. ‘બૈઠો..’ સામે પડેલા સિંદરીવાળા ખાલી ખાટલા તરફ નંદગીરીએ ઈશારો કર્યો.
સોહમ ખાટલા પર બેઠો. બપોરની ગરમી વચ્ચે વડલાની ઠંડક સોહમને સારી લાગી. ‘ભોલુ.. પાની લાના..’ નંદગીરીએ બૂમ પાડી. થોડી વાર બાદ અંદરથી વીસેક વર્ષનો ગોળમટોળ ભોલુ હાથમાં પાણીના ગ્લાસ સાથે બહાર આવ્યો. સોહમ એક જ ઝાટકે આખો લોટો પાણી પી ગયો. ‘ભોલુ.. ચાય બના કે લા.’ નંદગીરીએ બીજો હુકમ છોડયો. ભોલુ અંદર ગયો એટલે નંદગીરીએ કહ્યું: ‘દેખ ભાઈ, સોહમ..’ નંદગીરીના મોઢે ખુદનું નામ સાંભળીને સોહમ ચમક્યો. તેને તરત ખ્યાલ આવી ગયો કે તે અહીં આવશે જ તેની નંદગીરીને માત્ર ખબર જ નહોતી બલકે ખાતરી પણ હતી. સોહમ વિચારી રહ્યો.. એક વાત તો નક્કી છે કે અંકુશ જે કોઈ લોકો સાથે સંકળાયેલો છે, તેમનું નેટવર્ક ગજબનું પાવરફૂલ છે. હવે નંદગીરી આગળ શું બોલે છે તે સાંભળવા માટે સોહમ આતુરતાથી તેમની સામે જોઈ રહ્યો.
‘એક બાર ઇસ રાસ્તે પે જાયેગા બાદમે વાપસ આને કા સોચને કા નહી.’ ‘લેકિન મુઝે જાના કહાં હોગા?’ આખરે સોહમે રૂમાલ વડે કપાળ પરનો પરસેવો લૂછતાં પૂછી જ લીધું. ‘ફિલહાલ તો વાપી તક જાના હૈ.. વહીં સે તુઝે આગે કહાં કહાં જાના હૈ, વોહ બતાયા જાયેગા.’ સોહમ સમજી ગયો કે નંદગીરી અત્યારે તેની પાસે ફોડ પાડીને વાત કરવા માંગતા નથી. ઘણા લોકોને એવી ટેવ જ હોય છે કે બાજી હાથમાં હોય ત્યારે બધાં પાનાં એકસાથે ન ઊતરે.. અમુક પાનાં પકડી જ રાખે.
‘મહારાજ, અંકુશને બતાયા થા કી યે રાસ્તે પે જાઉંગા તો મૈ ધનવાન હો જાઉંગા.. બસ ઇસી વાસ્તે મૈ આજ યહાં આયા હું.’ સોહમે નંદગીરીને મહારાજ તરીકે જ સંબોધન કર્યું. ‘વોહ લડકેને બિલકુલ સહી બતાયા હૈ… તુને સપને મેં ભી નહિ સોચા હોગા ઇતની લક્ષ્મી તેરી રાહ દેખ રહી હૈ.’ ત્યાં જ ભોલુ ચા બનાવીને કીટલીમાં લઈને આવી પહોંચ્યો. ભોલુએ બે રકાબીમાં ચા કાઢી. ‘લો, પહેલે ચાય પી લો… ઠંડી હો જાયેગી.’ નંદગીરીએ આદેશના સૂરમાં કહ્યું.
ચા પીતી વખતે સોહમ મનમાં જ વિચારી રહ્યો… ગમે તેટલું પૂછીશ તોપણ આ બાવો વધારે વિગત આપશે નહી… ડગલું ભર્યું કે ના હટવું એવું સ્કૂલમાં ભણવામાં આવતું જ હતું ને? હવે અહીં સુધી આવી ગયો છું તો પડશે એવા દેવાશે.. આમ પણ એક વાર વાપી સુધી જવામાં તેને કાંઈ ગુમાવવાનું તો હતું જ નહી. ચા પીને રકાબી નીચે મૂકતી વખતે સોહમ ફિક્કું હસ્યો..
તેની પાસે ગુમાવવા જેવું હતું પણ શું? સોહમ ફિક્કું હસ્યો એ વાત નંદગીરીના ધ્યાનમાં આવી ગઈ:
‘ક્યા સોચ રહે હો?’ ‘મહારાજ,..મૈ સોચ રહા થા વાપી મૈને દેખા નહી.. આજ તક વહાં કભી ગયા નહિ.’ ‘ઇસકા મતલબ હૈ કી તુ વાપી જાને કા સોચ રહા હૈ.. સિર્ફ સોચ હી નહી રહા.. લેકિન તુને તય ભી કર લિયા હૈ. નંદગીરીની ટૂ ધ પોઈન્ટ વાત કરવાની રીત સોહમે નોંધી લીધી. ‘મુઝે તો ચહેરા દેખ કે હી પતા ચલ જાતા હૈ કી સામને વાલે કે દિમાગમેં ક્યા ચલ રહા હૈ..’ નંદગીરીએ બીડી સળગાવી.
‘મહારાજ, મૈ તૈયાર હું.’ ‘ઐસે કૈસે જાયેગા? નંદગીરી બીડીના એકસાથે બે-ત્રણ કસ મારીને ઠૂંઠું પગ નીચે દબાવીને ઊભા થયા. ઘરની અંદર ગયા. ગણતરીની ક્ષણમાં જ તે પરત આવ્યા ત્યારે તેમના હાથમાં રાઇફલ હતી. તેમણે રાઇફલ સોહમ સામે તાકી. સોહમને આખા શરીરે પરસેવો વળી ગયો.સોહમના શરીરમાંથી ભયનું એક લખલખું પસાર થઈ ગયું….
(ક્રમશ:)