લાડકી

તરુણાવસ્થાએ મિત્રતાના મનામણાં

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી -શ્ર્વેતા જોષી-અંતાણી

સુરભીની વાત વચ્ચેથી કાપી વિહા ઘરે દોડી આવી એ સ્નેહાને ગમ્યું નહીં એટલે ઘરે પાછા ફરી તેણીએ વિહાને ટપારી, “વાદ-વિવાદ ના કરવાની વાતો સમજવાને બદલે તું કેમ ચાલી આવી?? પણ વિહાએ સુરભીની વાત બરોબર મનમાં ઠસાવી લીધેલી એટલે ગુસ્સે થયા વગર સ્નેહાને વળગી તેણીએ કહ્યું, “મમ્મા, ચાલ હું તને શાંતિથી કહું મને છે ને એ સમયે મારી અને ત્રિશાના ઝઘડાની વાત યાદ આવી ગયેલી. યાદ છે અમારી વચ્ચે એક વખત બહુ મોટો ઝઘડો થયેલો?? પછી એનું સમાધાન કેમ થયું હતું એની તને ખબર નથી પણ એજ વિચારે હું તેણીને ફોન કરવા દોડી આવી કહી વિહાએ અમુક સમય પહેલાની વાત માંડી…

તો વાત જાણે એમ હતી કે, વિહા-ત્રિશા વચ્ચે ઝઘડો થયાં બાદ દિવસો પર દિવસો વિતતા ગયા પરંતુ બંન્નેમાંથી કોઈએ સમાધાનની પહેલ કરી નહીં. આમ તો બન્નેમાંથી કોઈ પાસે અન્ય ફ્રેન્ડસનું ગ્રૂપ નહોતું તેમ છતાં અલગ અલગ ગ્રૂપ્સમાં પોતાનું સ્થાન બનાવવા અને એડજેસ્ટ થવાની કોશિશ કરી રહ્યાં હતાં, કદાચ થોડા ઘણા અંશે વિહા સફળ પણ થઈ કારણ કે, વિહા ઘૂસ મારવામાં થોડી વધુ માહેર હતી, પરંતુ તેના ઉપરછલ્લા હાસ્ય પાછળની વેદના હજુ પણ અકબંધ હતી. “કોની પર પોતાને ભિીતવ થઇ રહ્યો છે, ઘરમાં કોણ પોતાના પર વધુ કચકચ કરે છે, કઈ સિરિયલમાં કયો એકટર કેટલો સરસ લાગે છે, કયાં મેડમ સાવ બકવાસ ભણાવે છે કે પછી કયો છોકરો તેઓ તરફ આજકાલ તાકીને જોયા રાખે છે!!..આવી અનેક મસ્તીભરી વાતો, પંચાતો અને મનમાં ઊઠતી લાગણીઓના ઊભરા હવે ક્યાંય ઠલવાતા નહોતા, પણ ના વિહાએ પોતાની રીસ છોડી કે ના ત્રિશાએ પોતાનો ગુસ્સો. બધાને લાગ્યું કે હવે ક્યારેય પણ આ બન્ને ફરી મિત્રો નહિ બની શકે. એવામાં કઈક એવું બન્યું કે જેની વિહા-ત્રિશા કે અન્ય કોઈએ ક્યારેય કલ્પના સુધ્ધાં કરેલી નહોતી.

એક દિવસ સ્કુલમાં પિકનિક પર જવાની જાહેરાત કરવામાં આવી. દરેક ક્લાસમાંથી બેચ મુજબ પિકનિક પર લઇ જવાનું નક્કી કરવામાં આવેલું હતું. વિહાએ ધરાર ત્રિશાવાળી બેચમાં જવાનું ટાળ્યું અને પોતાની બેચનો વારો આવવાની આતુરતાપૂર્વક રાહ જોવા લાગી. ક્લાસમાં તો જોકે, આખું અઠવાડિયું એ જ ચિંતન ચાલ્યા રાખ્યું કે કોણ ક્યારે જશે, કઈ બસમાં જશે, ઘરમાંથી મંજૂરી મેળવી લેવાની રહેશે, શું પહેરવું, શું સાથે લઇ આવવું એવું બધું કરતા કરતા પ્રથમ બેચને જવાનો દિવસ પણ આવી ઊભો રહી ગયો. વિહા પોતાની સાથે નથી આવવાની એ ત્રિશાને ખબર હતી, પોતે થોડી ઓછાબોલી એટલે એકલતા વધુ અનુભવતી એ પણ જાણતી હતી. આજે તેણીએ એક વખત વિચાર્યું પણ ખરું કે વિહાને સામેથી બોલાવે પરંતુ હજુ કંઈ પગલું લે એ પહેલા તેઓને બસમાં બેસવાનું કહી દેવામાં આવ્યું. બારીમાંથી બહાર જોઈ રહેલી ત્રિશા અને સામે ઊભેલી વિહાની નજર જેવી મળી એ સાથે જ વિરૂદ્ધ દિશામાં ફેરવાય ના ફેરવાય ત્યાં એ જ ક્ષણે બે ઘટનાઓ એકી સાથે બની. એક તરફ ત્રિશાની બસ ગેઈટની બહાર નીકળી ને બીજી તરફ વિહાના ઘેરથી તેડું આવ્યું. આખા રસ્તે વિહાના મનમાં પણ બે વિચારો ઘુમેડાય રહ્યા ત્રિશા અને આ અકારણ ઘરે પાછા જવાનું ફરમાન પણ ઘરના દરવાજે પહોંચતાવેંત જે દૃશ્ય વિહાની નજરે ચડ્યું એને તેણીને આઘાતથી સુન્ન કરી દીધી. પોતાના વહાલસોયા દાદાજીના અકસ્માતે થયેલા મૃત્યુને વિહાનું મન કોઈપણ રીતે અપનાવી શકતું નહોતું. આઘાતના માર્યા તેની આંખો કોરીધાકોડ જ રહી એટલે એમાં પણ ટીકાઓનો ભોગ બનવાનો વારો આવ્યો કે કોઈ છોકરીને પોતાને જીવથી વધુ ચાહતા પોતાના દાદાજીના મૃત્યુ પર રોવું કેમ ના આવે? હવે કંઈ નાનું બાળક થોડી છે? થોડીક ભાન તો પડવી જોઈએ ને એવું બધું બોલતા વિહાના પોતાના જ નજીકના લોકો વિહાના મનમાં ચાલી રહેલા લાગણીઓના તુમુલ યુદ્ધને જો જોઈ શકતા હોત તો ખ્યાલ આવત કે સત્ય શું છે?!

બે-ત્રણ દિવસ બાદ માંડ સ્કૂલે પાછી ફરેલી વિહાને તેના નવાસવા બનેલા ફ્રેન્ડસમાંથી કોઈએ એવું પૂછ્યું પણ નહી કે, તું કેમ નહોતી આવતી? શું થયું હતું? ઊલટું તેઓને તો પિકનિકના પ્લાનિંગ સિવાય કઈ સૂઝી જ નહોતું રહ્યું. વિહા સામેથી કંઈ બોલવા જાય, પણ અહીં સાંભળવું છે કોને કે હવે તેણી પિકનિકમાં નહિ આવે. હતાશ વિહા ધીમા પગલે સ્કૂલના પ્રવેશદ્વાર પાસે નાના દાદર પર બે પગ વચ્ચે મોં છુપાવી રોવું -રોવું થઇ રહી, ત્યાં જ તેણીના ખભા પર કોઈએ હળવેથી હાથ પસવાર્યો. આંખોમાં ધસી આવેલા આંસુઓના ઝળઝળિયાં પાછળથી વિહાએ ત્રિશાનો ધૂંધળો ચહેરો દેખાયો. “શું થયું વિહા? – બસ ત્રિશાના આ ત્રણ જ શબ્દો અને વિહાએ દિવસોથી કાબૂમાં રાખેલું બધું જ દુ:ખ ત્રિશાના ખોળામાં વહાવી દીધું. એ આંસુઓની ધાર સાથે પાછલા બે મહિનાના એ દરેકે દરેક અફસોસ પણ વહી ગયા અને સાથોસાથ ગેરસમજણ પણ કે જેના કારણે બંન્ને તરુણીઓએ અકારણ ઘણી તકલીફ ભોગવેલી.

“તને મજા આવી પિકનિકમાં?” ..ખાસ્સી વારે આંસુઓ લૂછતાં વિહાએ પૂછયું.

“સહેજપણ નહી.. ત્રિશાએ ગંભીરતાપૂર્વક ડોકું ધુણાવ્યું.

“કેમ???? અને ત્રિશાએ કઈ રીતે બધાએ તેણીની એકસાથે મળી મજાક કરવામાં કઈ બાકી નહોતું રાખ્યું એ બધું જ વિગતવારે કહ્યું. વિહાએ પણ પોતાનો રોષ ઠાલવ્યો કે કોઈને તેની કંઇ જ પડી નથી, કદાચ બન્નેને એ સમજાઈ ગયું હતું કે તરુણાવસ્થાએ આવનારા આગામી ઘણા તોફાનો સામે ટકી રહેવા તેઓ એકબીજાનો સહારો બની શકે એમ છે. અને ઘણી વાર સુધી એકબીજાનો હાથ પકડી મૂંગા મોઢે પગથિયાં પર જ બેસી રહેલી એ બંન્ને જીગરજાન મિત્રો મુગ્ધાવસ્થામાં સાચી મિત્રતાનો મહત્ત્વનો પાઠ મનોમન ભણી રહ્યાં જાણે!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…