કેરોલિના રીપર પ્રકરણ-૭૪
મુરુડની હોટલ પ્યોર લવ આતંકવાદી ટારગેટ નહોતી
પ્રફુલ શાહ
પરમવીર બત્રા હવે એવા ધડાકા કરવાના હતા કે લોકોને પોતાના આંખ, કાન અને મગજ પર વિશ્ર્વાસ ન બેસે
કિરણ, વિકાસ અને ગૌરવ ભાટિયાએ કરેલી જમાવટથી એટીએસના પરમવીર બત્રા ખૂબ ખુશ હતા. મુરુડ બૉમ્બ બ્લાસ્ટ કેસને લીધે થયેલી ધારણા બહારની રાજકીય ઝથલપાથલે બત્રાને એકદમ ચોંકાવી દીધા હતા. આ મામલો અત્યંત સંવેદનશીલ બની ગયો હોવાથી હવે તેઓ ફૂંકીફૂંકીને આગળ વધવા માગતા હતા. આ બાબતમાં તેઓ કોઈ કરતા કોઈ ચાન્સ લેવા માગતા નહોતા.
ખૂબ વિચાર કરીને તેમણે મહારાષ્ટ્ર એટીએસના વડા કૌશલ નાગરેને એક ઈ-મેઈલ કરી દીધો, જેમાં પોતાને જરૂરી લાગ્યા એ મુદ્દા એકદમ સ્પષ્ટપણે લખ્યા હતા. ઈ-મેઈલ કર્યા બાદ તેમણે નાગરેને મોબાઈલ ફોન જોડ્યો. સામેથી નાગરેએ એકદમ સુસ્ત-નિરસ સ્વરમાં પૂછ્યું, “મહત્ત્વની પૂછપરછની વ્યસ્તતામાંથી આપને ફુરસદ મળી ખરી, બત્રા જી?
બત્રા સમજી ગયો કે નાગરે દાઢમાંથી બોલી રહ્યો છે. એની અવગણના કરીને એકસ્ટ્રા ચાર ચાસણી મીઠાશ સાથે બત્રાએ શરૂઆત કરી. “જય હિન્દ સર. કામને ગંભીરતાથી લેવાનું હું આપની પાસેથી શીખ્યો છું.
“બત્રાજી, મસ્કાબાજી છોડો. પ્લીઝ કમ ટુ ધ પોઈન્ટ.
“સર, આપને એક ઈ-મેઈલ મોકલ્યો છે. એમાં અહીંની સ્થિતિ વર્ણવવા સાથે આપના માર્ગદર્શન અને એક પરમિશનની વિનંતી કરી છે.
“મેઈલને એ બધું જવા દો. સરકારી ઢબે કામ ન થાય. બોલો, શું કહેવું છે?
“સર, મુરુડ બૉમ્બ બ્લાસ્ટસ કેસમાં ત્રણ જણ પકડાયા છે. બે જણે બધું કબૂલી લીધું છે. એકનું મોઢું ખોલાવવાનો પ્રયાસ ચાલે છે.
“તો પછી વાંધો શું છે?
“સર, આપ બરાબર સમજો છો કે આ કેસ કેટલો સેન્સિટીવ અને રાજકીય રીતે મહત્ત્વપૂર્ણ બની ગયો છે. આ બધામાં બે મુખ્ય આરોપી મુસ્લિમ છે. કોઈક કોમી રંગ આપી દે તો નવી મુસીબત ઊભી થાય.
“અચ્છા. આમાં તમારે કેવું માર્ગદર્શન અને શેની પરમિશન જોઈએ છે?
“સર, મીડિયાવાળા અફવાબાજી પર ઊતરી આવે એ અગાઉ આપણે સત્તાવાર જાહેરાત કરી દઈએ. આપ શક્ય એટલા વહેલા આવો તો એક પત્રકાર-પરિષદ યોજીને તપાસ પૂરી થઈ ગયાની ઘોષણા કરી શકાય.
જમાનાના ખાધેલ અને એકદમ મીંઢા કૌશલ નાગરે સમજી ગયા કે પોતાની ચામડી બચાવવા અથવા આગોતરી બાંહેધરી મેળવવા માટે બત્રા પાસાં નાખી રહ્યો છે. નાગરેએ ટોન થોડો ઢીલો કરી નાખ્યો. “અરે બત્રાજી, કેસ આખો તમે ઉકેલ્યો છે. એનું અથથી ઈતિ તમે જાણો, તો તમે જ આગળ વધો. એમાં મારી હાજરીની શી જરૂર છે.
“થેન્કયુ સર, આપ આવ્યા હોત તો અમને ગમ્યું હોત. અમારા ઉત્સાહમાં વધારો થયો હોત.
નાગરે જાણતા હતા કે બત્રા આ બધું માત્ર કહેવા ખાતર કહેતો હતો. છતાં તે મીઠાશથી બોલ્યો, “આપ કાબેલ છો, અનુભવી છો. પોતાની રીતે બધુ મેનજ કરો. પણ જે કરો એ આવેશપૂર્વક કરજો કારણકે જવાબદારી પણ તમારી જ રહેશે.
“યસ, હું સમજું છું સર. આ મામલે પ્રજાની લાગણી પણ ઘવાયેલી છે. એટલે હું પત્રકાર પરિષદને માનવીય સ્પર્શ પણ આપવા માગું છું જી.
“ઓલ ધ બેસ્ટ કહીને કૌશલ નાગરેએ ફોન કટ કરી નાખ્યો. પછી દાંત ભીંસીને બબડ્યો. “કેસ કોણે ઉકેલ્યો એ આખી દુનિયા જાણે છે. મને ખાલી શોભાનો ગાંઠિયો બનાવીને ભૂંડો લગાડવાની એની ગંદી ચાલ થોડી સફળ થવા દેવાય.
નાગરેએ તરત ઈ-મેઈલ ખોલીને બત્રાને જરૂરી સૂચના-ચેતવણી લખવાની શરૂઆત કરી પણ હવે પરમવીરને એની જરાય જરૂર નહોતી. પરમવીર બત્રા હવે એવા ધડાકા કરવાના હતા કે લોકોને પોતાના આંખ, કાન અને મગજ પર વિશ્ર્વાસ ન બેસે.
સમયની જરૂરિયાત અને ગૌરવ ભાટિયા તથા વિકાસની સમજાવટથી કિરણે નક્કી કર્યું કે હજી થોડા દિવસ મુરુડમાં જ રોકાઈ જવું. મુરુડ બ્લાસ્ટ્સ કેસમાં માર્યા ગયેલા નિર્દોષના કુટુંબીજનોને પૂરેપૂરો ન્યાય મળે એ માટે કિરણ કોઈ કચાશ છોડવા માગતી નહોતી. આ હેતુની સિદ્ધિ માટે અમુક દિવસ મુરુડમાં રહી જવામાં એને જરાય વાંધો નહોતો.
દેશભરની ન્યૂઝ ચેનલ, મેગેઝિન અને અખબારોના પત્રકારો મુરુડ ઊતરી આવ્યા હતા. અગાઉ ક્યારેય મુરુડ આટલું બધુ ન્યૂઝમાં રહ્યું નહોતું. અરે, બ્લાસ્ટ્સ વખતે ય આટલા મોટા પ્રમાણમાં મીડિયાકર્મીઓ આવ્યા નહોતા.
કિરણની લોકપ્રિયતા અને ન્યાય માટેની ખેવનાને લીધે હોટેલવાળાએ માનદ્, મહેમાન ગણી લીધી. રહેવા, ખાવા-પીવાનો એક પૈસો ય લેવાનો નહીં. આ બધી ચમકદમક વચ્ચે એને રાજાબાબુ, માલતીબેન, મમતા, મહાજન મસાલાની ઓફિસ અને પોતાના એજીઓ ‘વિશ્ર્વાસ’ની ગેરહાજરી ખૂબ સાલતી હતી. સતત વ્યસ્તતા વચ્ચે ય એને ક્યારેક મોના એની દીકરી મુસ્કાન કે ગૌરવની મમ્મી શારદાબહેન યાદ આવતા હતા, પરંતુ આકાશ હવે સાંભળતો નહોતો. એનું વર્તન-બેવફાઈથી પીડા થતી નહોતી. કિરણે પોતાના માટે, માત્ર પોતાના માટે અને પોતીકી શરતે જીવવાનું શરૂ કરી દીધું હતું.
સાંજે ચાર વાગ્યે અલીબાગની એટીએસ ઓફિસના કોન્ફરન્સ રૂમમાં પત્રકાર પરિષદનું આયોજન કર્યું. પોતાની સાથે મુરુડ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પ્રશાંત ગોડબોલે અને ખાસ કારણસર કિરણ મહાજનને પોતાની સાથે મંચ પર બેસાડ્યાં.
“ગુડ ઈવનિંગ જી. આપ સબ કો દેખકર બહુત ખુશી હુયી મગર વજહ ખુશ હોને જૈસી નહિ હય. બાત શરૂ કરેન સે પહેલ હમ બ્લાસ્ટસ કે મૃતકો કી આત્મા કી શાંતિ કે લિયે પ્રાર્થના કરેગે જી.
આટલું બોલીને પરમવીર બત્રા ઊભા થઈ ગયા અને આંખ મીચીને બે હાથ જોડી લીધા. મંચસ્થ અને ઉપસ્થિત સૌએ એમનું અનુકરણ કર્યું. પત્રકારો માટે પત્રકાર-પરિષદની આ અલગ શરૂઆત હતી. એમને આ ગમ્યું ય ખરું.
બધા ફરી યથા સ્થાને બેઠા, ત્યારે માહોલ અને મૂડ એકદમ બદલાઈ ગયા હતા. બત્રાએ માઈક સહેજ નજીક ખેંચીને ડાબી બાજુ જોયું. કિરણ મહાજન તરફ જોઈને હાથ જોડયા. “કિરણ જી, આપ સહિત જે જે પરિવારજનોએ બ્લાસ્ટ્સમાં સ્વજન ગુમાવ્યા છે એ બદલ દિલગીરી વ્યક્ત કરું છું અને આપ સૌની વેદનામાં આખું અલીબાગ નહીં, સમગ્ર દેશ સામેલ છે એની ખાતરી આપું છું.
કંઈ બોલ્યા વગર કિરણે પણ હાથ જોડ્યા. પછી બત્રાએ જમણી તરફ બેઠેલા ગોડબોલે તરફ જોયું. “મુરુડ પોલીસ સ્ટેશનના સાથીઓ અને એના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર પ્રશાંત ગોડબોલેનો વિશેષ આભાર માનું છું. એમની કાબેલિયત, સતત સાથ અને સહકાર વગર મુરુડ બ્લાસ્ટ્સ કેસ ઉકેલવાનું આટલું આસાન અને ઝડપી ન બન્યું હોત.
એ જ સમયે એક પત્રકારે ટહુકો પુરાવ્યો. “વિસ્તાર ગોડબોલેનો અને તપાસ તમે કરી એનાથી ઈર્ષા કે સ્પર્ધા ન થઈ?
ગોડબોલેના ચહેરા પર સ્મિત આવી ગયું. બત્રાએ માઈક આપ્યું પણ તેમણે ઈન્કાર કર્યો. બત્રાએ જવાબ આપ્યો. “જી સ્પર્ધા કેવી? બંને સરકારી નોકર. અમારા બેઉની ફરજ ગુનાખોરીની નાબૂદી, પ્રજાની સલામતી અને શાંતિ-વ્યવસ્થાની જાળવણીના, વ્યવસ્થાના ભાગરૂપે એટીએસે તપાસ હાથ ધરી. સ્થાનિક પોલીસે પણ એક કરતાં બે ભલાનો અભિગમ રાખ્યો ને રિઝલ્ટ સામે છે.
“સર, અમુક ચેનલમાં આવ્યું કે આ બ્લાલ્ટસ આતંકવાદી કૃત્ય નથી એ સાચું?
“હા અને ના. આતંકવાદીઓ હોટલ પ્યૉર લવમાં ધડાકા કરવા માગતા નહોતા. આ હોટલ કોઈના ટારગેટ પર નહોતી. બલ્કિ, હોટલને બેઝ બનાવીને અમુક લોકો પોતાના અંગત વેરની વસૂલી કરવા માટે પ્રયત્નશીલ હતા. ધડાકાના વ્યાપ અને ભયંકર ખુવારીને લીધે એ આતંકવાદી ઘટના તરીકે સામે આવી.
(ક્રમશ:)