લાડકી

કેરોલિના રીપર પ્રકરણ-૬૮

સોલોમનને થયું કે ચાલો અંતે ન જાણે ક્યારથી અધૂરી રહેલી ઈચ્છા પૂરી થશે

પ્રફુલ શાહ

બત્રાએ ગોડબોલેને રાતે બે-અઢી વાગ્યે ફોન કર્યો: યુદ્ધ ફાટી નીકળવામાં છે, તૈયાર રહેજો

વધતી ઠંડી અને ફૂંકાતા પવન વચ્ચે શરૂ થયેલી મહેદી હસનની ગઝલ ‘રંજિશ હી સહી દિલ દુખાને કે લિયે આ…’નું દર્દ બધાને ગમ્યું, સ્પર્શી ગયું.

ચૂપચાપ સ્કૉચના ગ્લાસમાં ઓળગતા બરફમાં પરમવીર બત્રાને ચંદ્રા હસતી દેખાઈ. તેણે ગ્લાસને પકડીને હલાવ્યો બરફ કાચ સાથે અથડાયો ને પછી એમાં વૃંદા દેખાવા માંડી. બત્રાએ માથાને ઝાટકો આપીને બરફ પર સોડા ઠાલવી દીધી: બે-પાંચ પળ આંખ બંધ કરીને તેમણે ગ્લાસ ઉપાડીને એક જ ઝાટકે ખાલી કરી નાખ્યો. જાણે અંદરથી અવાજ આવ્યો-
“પહલે સે મરાસિમ
ના સહી ફિર ભી કભી તો
રસ્મ-ઓ-રહ-એ-દુનિયા હી
નિભાને કે લિએ આ
આ પંક્તિથી મનોમન દાઝતી વૃંદા સ્વામી ટેબલથી દૂર જતી રહી, જાણે પ્રસાદ રાવને જાકારો આપતી હોય.
“માના કે મુહબ્બત કા
છપાના હૈ મુહબ્બત
ચુપકે સે કિસી રોજ
જતાને કે લિએ આ.

આ શબ્દોથી ગૌરવ ભાટિયા ગળગળો થઈ ગયો. ખિસ્સામાંથી રૂમાલ કાઢીને આંખ લૂછીને મોના માટે આવેલા આંસુ લૂછીને તેણે બત્રા સામે હસવાનો પ્રયાસ પણ એ તો વૃંદાને જોઈ રહ્યા હતા.
વૃંદાને જ એકીટસે જોઈ રહેલા પ્રશાંત ગોડબોલે આગળની લાઈન ગણગણ્યા…

“જૈસે તુઝે આતે હૈ,
ન આને કે બહાને
ઐસે હી કિસી રોજ
ન જાને કે લિએ આ.
ગ્લાસ ઉપાડીને ગોડબોલે હળવી ચાલે વૃંદા પાસે ગયો. હાથમાં રહેલા બે-ચાર કાજુ ધર્યા તો વૃંદાએ હસીને એમાંથી બે દાણા ઉપાડી લીધા. પ્રશાંતને થયું કે ઉપરવાળાએ જાણે એના બધાં સપનાં પૂરાં કરી નાખ્યાં.

કિરણ એકએકને જોતાં-જોતાં ગરમ લીંબુથી પાણી પીતી હતી. એને બધાના દિલની ખબર નહોતી. પણ એ જાણતી હતી કે આ ગીતથી પોતાને આકાશની યાદ ન આવી, આવવી જ ન જોઈએ.
હળવે પગલે વિકાસે નજીક જઈને પૂછ્યું. “તમે ઠીક છો ને કિરણ?

“હા, કેમ એવું પૂછવું પડ્યું?

“ગઝલ જ એવી છે કે કોઈને કોઈ યાદ આવ્યા વગર ન રહે.

“અચ્છા, તમને કોઈ યાદ આવે છે?

“આજે તો નહીં પણ ભવિષ્યમાં છેલ્લા બે અંતરા પર ચોક્કસ કોઈક યાદ આવશે… એ ગણગણવા માંડ્યો.
“અબ તક દિલ-એ-ખુશફહમ કો
હૈ તુજ સે ઉમ્મીદે,

યે આખરી શમ્મે ભી
બુઝાને કે લિએ આ… ન જાણે કેમ વિકાસ એકદમ ભાવુક થઈ ગયો. મોઢું ફેરવીને એ ફરી ગણગણવા માંડ્યો…
“ઈક ઉમ્રસે હું લજ્જત-એ ગરિયા
સે ભી મહરુમ,
એ રાહત-એ-જાં મુઝ કો
રુલાન કે લિએ આ
અને ખરેખર વિકાસની આંખમાં આંસુ ધસી આવ્યા.

કિરણે હળવેકથી એના ખભા પર હાથ મૂક્યો “કદાચ ભવિષ્યમાં પણ કોઈ યાદ ન આવે. જેને ખોઈ બેઠા હોય એનો સંભારીને રડવાનું હોય. ગુમાવવું ન પડે તો? અને હા, એક દોસ્ત તરીકે હું કાયમ સાથે રહીશ. મંજૂર છે વિકાસ?

વિકાસને અડધી દુનિયા એના નામે થઈ ગઈ હોય એવી લાગણી થઈ. બાકીની અડધી પણ જીતી લેવાનો જોશ આવી ગયો.

ત્યાં બત્રાનો અવાજ સંમળાયો. “ડિનર તૈયાર હય. પહલે કુછ જરૂરી બાતે ભી કરની હય. ફિર નીકાલતે હય ડિનર પર રંજિશ.


રંજિશ… રંજિશ… રંજિશ… વેરની ભભૂકતી અગન જ્વાળા દિલમાં લઈને બે વ્યક્તિ અલગ-અલગ દિશામાંથી મુરુડ ઝંઝિરા કિલ્લા ભણી આગળ વધી રહી હતી. ચાલમાં મક્કમતા, ચહેરા પર સખ્તાઈ, ખૂલ બંધ થતી મુઠ્ઠી અને આંખમાં અંગારા સાથે બન્નેનું નિશાન એક જ હતું: મુરુડ ઝંઝિરા કિલ્લો.

આ બેમાં એક હતો બાદશાહ અને બીજો હતો સોલોમન. અચાનક સોલોમનનો ખાસ અને માત્ર એક જણ જેને નંબર આપ્યો હતો એનો ફોન રણક્યો. સોલોમને ફોન ઉપાડ્યો.
“ફોન શા માટે કર્યો ? પરમ દિવસે મળવાના જ હતા ને?

“પરમ દિવસે મારા માટે શક્ય નથી. કાલે જ કામ પતાવવું પડશે. ભાઈની તબિયત ખૂબ ખરાબ છે એટલે કાલે કામ પતાવીને મારે ગામ જવા નીકળી જવું પડશે.

“નીકળી જવું પડશે. શબ્દો સાંભળીને સોલોમનને હસવું આવી ગયું.

“ઠીક છે. કાલે સવારે છ વાગ્યે તને બધી સંમગ્રી મળી જશે. ઓ.કે.?

સામેથી ફોન મૂકાઈ ગયો. સોલોમનને થયું, કે ચાલો અંતે ન જાણે ક્યારથી અધૂરી રહેલી ઈચ્છા પૂરી થશે.

તે બે ઘૂંટણ ટેકવીને નીચે બેસી ગયો. ઉપર હાથ કરીને બોલ્યો, “અબ હમારે જન્નતનશીન બુઝુર્ગકી રૂહ કો સુકુન મિલેગા.


ડૉ. સલીમ મુઝફફરની નોંધ ફરીફરી વાંચ્યા બાદ એટીએસના પરમવીર બત્રાએ અડધા પાના પર પોતાના મુદ્દા લખ્યા. નીચે નામ લખ્યા. આસિફ પટેલ, બાદશાહ, સોલોમન, એનડી, તોપચી અબ્દુલ હમીદુલ્લા ‘ગુલાબ.’

પછી નીચે એક લાઈનમાં વધુ થોડાં નામ ટપકાવ્યા: પ્રસાદ રાવ, પિંટયો, પિયુષ પટેલ, અપ્પાભાઉ, વિશ્ર્વનાથ આચરેકર, રણજીત સાળવી.

પેન્સિલથી એક નામને બીજાની સાથે, બીજાને ત્રીજા નામ સાથે મૂકીને તર્કબદ્ધ કડી જોડવાની કોશિશ કરી પણ વચ્ચે જ આટકી ગયા. ખૂબ ભાંજગડ કર્યા બાદ ઊભા થયા.

રાતના બે-અઢી વાગ્યા હતા ને પેટમાં બે-અઢી પેગ પોઢેલા હતા પણ સ્ફુર્તિ એકદમ ટકાટક હતી. તેમણે ગોડબોલેને ફોન કર્યો. “યુધ્ધ ફાટી નીકળવામાં છે, સાબદા રહેજો તમે અને તમારી ટીમ તૈયાર રહેજો. હું ત્રણ-ચાર વાગ્યાની વચ્ચે ફોન કે મેસેજ કરીશ.

પછી ઘરેથી એટીએસ ઑફિસ જતી વખતે પરમવીર બત્રા એક નામ પર વિચારવા માંડ્યા: પવલો, પવલો, પવલો.


મમતા મહાજનના લેટેસ્ટ દુશ્મનમાં એક નામ ઉમેરાયું: ઊંઘ. રાતે ૧૧ વાગ્યે પથારીમાં પડ્યા બાદ નિંદ્રા-દેવી મહેરબાન ન થયા. બે કલાક અગાઉ ઓફ કરેલું નેટવર્ક ઓન કરીને ફરી-ફરી વ્હોટસઅપ મેસેજ જોયા. પણ મોટા ભાગના ક્યારના ઊંઘી ગયા હતા. મેઈલ ચેક કર્યા પણ કસમયે કોણ મેઈલ મોકલે? ફેસબુક પર ગઈ ત્યાં કંઈ રસપ્રદ નહોતું. મેસેનજર પર નજર નાખી, ત્યાં અમુક ઘુવડના સગલા જાગતા હતા પણ કોઈ સાથે વાતચીત કરવાનું ન ગમ્યું.

મોબાઈલ ફોનમાં ઓટીટી પ્લેટફોર્મ પર ગઈ. વિશાલ ભારદ્વાજની ‘ચાર્લી ચોપરા’ ક્યારની જોવી હતી. પણ ૨૦ મિનિટથી વધુ ન જોઈ શકાઈ પછી વિશાલની ‘ખુફિયા’ પર નજર નાખી ત્યાં માંડ ૧૫ મિનિટ ટકી રહી અંતે ‘કાલા પાની’ જોવાનું શરૂ કર્યું. બે એપિસોડ જોયા, મજા આવી પણ આંખ બળવા માંડી. એ પણ બંધ કર્યું.

તેણે ફરી મોબાઈલ ફોનમાં કિરણભાભીએ અજય સાથેની વાતચીતનું મોકલેલું રેકોર્ડિંગ સાંભળ્યું: ન જાણે કેટલીવાર સાંભળતી હશે? ૧૨મી, ૧૮મી કે ૨૨મી વાર? દર વખતે એ ગુમસુમ અને ઉદાસ થઈ જતી હતી. ક્યાંય સુધી વિચાર્યા બાદ તે ઊભી થઈ જગમાંથી એક ગ્લાસ લઈને સડસડાટ પી ગઈ.

મોબાઈલ ફોન ઉપાડીને અજયનો નંબર ડાયલ કર્યો. ત્રણ-ચાર મિનિટે સામેથી ફોન ઉપાડાયો. “મમતા, તું હજી ઊંઘી નથી?

“હમણાં જ આંખ ખૂલી મારી.

“એ કહેવા માટે ફોન કર્યો મને આટલી રાતે?

“કહેવું એ છે કે મને તારી સાથે પરણવામાં જરાય રસ નથી. ગો ટુ હેલ.

મમતાએ ફોન કટ કરી નાખ્યો. ફરી એક ગ્લાસ પાણી પીને એ પથારીમાં પડી. હવે મન પર જરાય બોજો નહોતો. એ બબડી, “થેન્કસ અ લોટ કિરણભાભી તમારે લીધે મારી ઊંઘ ઊડી અને હુ જાગી ગઈ.


પવલો અંધારમાં જોવાનો પ્રયાસ કરી રહ્યો હતો. એ થોડું દોડતો. પછી બે મિનિટ પછી ઊભો રહી ગયો. આગળ જઈને જમીન પર બેસી ગયો.

વહેલી સવારે ચાર વાગ્યે પવલો નાનવેલથી ઉપર ચડી રહ્યો હતો દીવાદાંડી ભણી. એની આગળ અને પાછળ થોડા-થોડા અંતરે કોઈ દોડતું હતું, તો કોઈક પરાણે જાતને આગળ ધકેલતુ હતું.
રસ્તાની બન્ને તરફના વૃક્ષો પરના પક્ષીઓને ખલેલ પડી કારણ કે આ વિસ્તારમાં આટલા વહેલા ભાગ્યે જ કોઈ આવતું હતું. પંખીઓનો કલબલાટ વધવા માંડ્યો. મૌનને ભગાડી મૂકનારો આ મીઠો કલરવ પવલાને બહુ ગમ્યો એને વહેલા દૂધ આપવા જતો હતો એ દિવસો યાદ આવી ગયા.

એ સુખ ફરી જોવા મળશે?

દીવાદાંડી પાછળથી નીચે ઉતરીને એ એકદમ દરિયા-કિનારે પહોંચવામાં હતો. નીચે ઉતરીને એ રેતીમાં બેસી ગયો. એ દરિયાના પાણીને જોઈ રહ્યો. સૂરજદાદા આળસ મરડી રહ્યા હતા. થોડે દૂરથી કોઈ પવલાને જોઈને મલકાયું અને એ આંગળ ચાલવા માંડ્યો. એનાથી ઘણાં દૂર રોકાઈ ગયેલા પાંચેક જણા એકદમ સતર્ક થઈ ગયા. મોટા મોજાનું પાણી પવલાને પગને સ્પર્શ્યું. એ સહજભાવે ઊભો થયો, ત્યાં પાછળથી એક હાથ તેના ખભા પર મુકાયો. (ક્રમશ:)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો?