લાડકી

કેરોલિના રીપર પ્રકરણ-૪૦

તમે બન્ને ગમે તે ભોગે ‘મહાજન મસાલા’ પર કબજો ઇચ્છો છો, બરાબર?

પ્રફુલ શાહ

મારા સાથીને અપ્પાભાઉની હત્યાની સુપારી આચરેકરના માણસે આપી હતી

દીપક અને રોમા જેને પોતાના ‘જાદુઇ ઉદ્ધારક’ ગણતા હતા એવા સી.એ. સમીર પટેલ ઊર્ફે ‘સમીપ’ને બીજીવાર મળવા પહોંચી ગયા. જુહુની ફાઇવ સ્ટાર હોટેલના સમીરના પરમેનન્ટ સ્યુટમાં મુલાકાત વખતે બન્ને મોટી આશા લઇને ગયા હતા.

સમીર પટેલના બે સાથીદાર એક યુવાન અને યુવતી રૂમમાં હાજર હતા. સમીરના ઇશારા સાથે બન્ને બહાર નીકળી ગયા. બન્ને પર અછડતી નજર નાખીને સમીરે શરૂઆત કરી.

“હું સવાલ કરીશ. પણ જો જવાબ ‘ના’માં હોય તો જ બોલજો. બરાબર?

બન્નેએ માથું હલાવ્યું.

સમીરે અંગૂઠો આંગળીના વેઢા પર મૂકયો. “એક, તમારે મસાલા મહાજન પર વર્ચસ્વ જમાવવું છે? બે, તમારા પિતાને તમારામાં વિશ્ર્વાસ નથી? ત્રણ. મોટોભાઇ ગાયબ કે લાપતા છે. ચાર, એની પત્ની કિરણને વેપારનુ સુકાન સોંપાયું છે જે લાયકાત કે આવડત ધરાવતી નથી. પાંચ, ઑફિસનો ૫૦-૬૦ ટકાથી વધુ સ્ટાફ તમારા બીમાર પપ્પાને પૂજે છે એટલે કિરણ મહાજનને ટેકો આપશે. છ, ૩૫ ટકાથી વધુ લોકો ‘તેલ જુઓ અને તેલની ધાર જુઓ’વાળા છે, જે વાડ પર બેઠા છે. જેનું પલડું ભારે હશે એમના પક્ષે તેઓ બેસી જશે. સાત, આપ બન્ને પાસે સ્ટાફનો માંડ પાંચ-સાત ટકાનો ટેકો છે. આઠ, મિ. રાજાબાબુ મહાજન બીમાર છે પણ હજી હયાત છે. એટલે તમે હમણાં કંઇ કરી શકો એમ નથી. નવ, તમે ગમે તે ભોગે મહાજન મસાલા પરના કબજાનું યુદ્ધ માંગો છો. એમ આઇ રાઇટ.
બેમાંથી કોઇ કંઇ ન બોલ્યું : ત્યારે સમીર પટેલ ચીડ સાથે બોલ્યા, “આમાં તો જવાબ આપો.

બન્ને એક સાથ બોલી પડયા. “હા, હા. કોઇ પણ ભોગે જીતવું છે, જીતવું જ છે.

“ગુડ. તમારા બે સ્ટ્રોંગ પોઇન્ટ છે. ભયંકર મહત્ત્વાકાંક્ષા અને મારી પાસે આવવું. જુઓ મારી પાસે કરોડો રૂપિયા રોકનારા ઇન્વેસ્ટર છે, આખેઆખી કંપની ખરીદી લેનારા માંધાતા છે, મીડિયા દ્વારા કંપનીની ઇમેજ બગાડી નાખનારા એકસ્પર્ટ છે. આપણે જે જોઇએ એ મળી જશે. સમજી ગયા?

દિપક-રોમાએ ખુશ થઈને માથું હલાવ્યું: “સમીર પટેલ ઘડિયાળમાં જોઈને બોલ્યો, “આપણા મુખ્ય શાસ્ત્ર ચાર છે. સામ, દામ, દંડ અને ભેદ. ધ્યેય પ્રાપ્તિ માટે કંઈ જ વજર્ય કે નકામું નથી. ગોટ ઈટ?


સનસનાટીભર્યા અપ્પાભાઉ મર્ડર કેસમાં મુખ્ય હત્યારાના સાથીદાર મનાતા યુવકે પ્રમાણમાં ખૂબ આસાનીથી કબૂલ કરી લીધું. “મારા સાથીને અપ્પાભાઉની હત્યાની સુપારી અલીબાગના મોટા રાજકારણી વિશ્ર્વનાથ આચરેકરના માણસે આપી હોવાનું મને કહેવાયું હતું. મારો રોલ માત્ર ગાડીમાં હત્યારાને અપ્પાભાઉના બંગલો સુધી પહોંચાડવાનો હતો. જોકે ત્યાં શું કરવા જવાનું છે એ મને નહોતી ખબર. સુપારી અપાયાની જાણકારી પણ મને ખૂન થયા પછી મળી હતી.

ન જાણે કેવી રીતે આ કબૂલાતનો વીડિયો અલીબાગના એક-એક મોબાઇલ ફોનમાં પહોંચી ગયાં. આ સાથે જ પોલીસે એક ઇન્સ્પેક્ટર, એક સબ-ઇન્સ્પેકટર અને બે હવાલદારને સસ્પેન્ડ કરીને વીડિયો કેવી રીતે બહાર પહોંચ્યો એની તપાસ યોજવાનો આદેશ આપી દીધો.

જાણે આગોતરી તૈયારી કરી રખાઇ હોય એમ અલીબાગના વેપારીઓ, ખેડૂતો, વિદ્યાર્થીઓ અને કલાકારોએ વિશ્ર્વનાથ આચરેકરના ઘર સામે ધરણા શરૂ કરી દીધા. અપ્પાભાઉના હત્યારાને ફાંસી દો, ‘આચરેકર ખૂની ખેલ બંધ કરો’ અને “પેટા-ચૂંટણી મુલતવી રાખો’ના સૂત્રો ગુંજવા માંડયા. એટલું જ નહીં, આચરેકરના બંગલા પર પથ્થરમારો ય થવા માંડ્યો.

મીડિયાને મધનું ગાડું નહીં, આખેઆખી માલગાડી મળી ગઇ. આચરેકર માથે હાથ મૂકીને બેસી ગયા. એને સમજાતું નહોતું કે આ શું થઇ રહ્યું છે, કોણ કરાવી રહ્યું છે અને શા માટે કરાવી રહ્યું છે?


‘મહાજન મસાલાની ઑફિસમાં એ દિવસે કિરણ સૌથી વહેલી પહોંચી ગઇ. માત્ર મોહનકાકુને એની જાણ હતી. તેમણે બે વિશ્ર્વાસુ પ્યુનને બોલાવી રાખ્યા હતા.

એક – એક ડિપાર્ટમેન્ટના હેડ અને અમુક મહત્ત્વના હોદ્દેદારોના ટેબલ પર નોંધ મુકાઇ હતી. “તમારા ડિપાર્ટમેન્ટની સમરી અને અપડેટનો રિપોર્ટ તાત્કાલિક આપો. બધા સવારની મસ્તીમાં ટેબલ પર બેસે અને બરાબર સેટ થાય એ અગાઉ આ સૂચના જોઇને ધડાધડ કામે લાગી ગયા.

ઑફિસનો દશ વાગ્યાનો ટાઇમ. સાડા દસે બધા ડિપાર્ટમેન્ટલ હેડને સૂચના મળી કે કોન્ફરન્સ રૂમમાં પહોંચી જાઓ. રાજાબાબુ મહાજનની ખાલી ખુરશીની બાજુમાં કિરણ ઊભી રહી. બીજી તરફ મોહનકાકુ ઊભા રહ્યા. બધાને બેસી જવાનો ઇશારો કરીને કિરણે સંબોધન શરૂ કર્યું.

‘એક ગુડ ન્યૂઝ એ છે કે પપ્પાની તબિયતમાં ઘણો સુધારો છે. આપે સૌએ એમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી એ બદલ સૌનો આભાર. હવે આજની મુલાકાતનો મુદ્દો પોતાના વિભાગની કામગીરી સુધારવા માટે પાંચ પૉઇન્ટ આપો. સમગ્ર ઑફિસની કાર્યક્ષમતા સુધારવા માટે બે પોઇન્ટનું સૂચન કરો. અને છેલ્લે, તમે પોતે હાલની પહેલાની કામગીરીમાં કેટલાં ટકાની વૃદ્ધિ ટાર્ગેટ કરશો? એ ધ્યેય પ્રાપ્તિ માટે શું કરશો? આ બધું મને પરમ દિવસે મળી જાય એવું કરશોજી. થેન્ક યું ઑલ. હેવ અ ગ્રેટ ડે.’

આટલું બોલીને કિરણ સડસડાટ બહાર નીકળી ગઇ, ત્યાં દરવાજામાં જ દીપક અને રોમા સામેથી આવતા દેખાયાં. પણ કોઈએ સ્મિતની આપ-લે ન કરી. મોહનકાકુની અનુભવી નજર પારખી ગઇ કે તડાફડી ફૂટવાનો સમય નજીક આવી રહ્યો છે.


વૃંદા સ્વામી અને પ્રસાદ રાવ મિસળને ન્યાય આપ્યા બાદ ચાની રાહ જોતા હતા. પ્રસાદના બિઝનેસ ફોનની બેલ પાંચ-પાંચ વાર વાગી પણ વૃંદા સામે સ્માઇલ આપીને તેણે દરેક વખતે ફોન કાપી નાખ્યો. એ ફોનમાં નોટિફિકેશન આવ્યાનું હળવું ‘ટિંગ’ સંભળાયું. પ્રસાદે વૃંદા સમક્ષ વિનવણી ભાવ કરીને મોબાઇલ ફોન હાથમાં લીધો. મેસેજ જોઇને ફોન નીચે મૂકે, ત્યાં ફરી બેલ વાગી.

આ વખતે વૃંદા સામે જોયા વગર તેણે ફોન ઉપાડયો. “કામ થઇ જશે. કાલે તો પ્રોમિસ આપ્યું હતું. કોની મજાલ છે કે વાઘની ત્રાડને માન ન આપે. સમજ્યો?

મોબાઇલ ફોન કાપી નાખીને તેણે વૃંદા સામે જોયું, જે ક્યારથી પોતાના મનના મણીનગરની સ્ટાઇલ અને સ્વૅગને માણી રહી હતી. આ વ્યક્તિત્વ પર તો તે મોહી પડી હતી. વૃંદાએ એકદમ લાડમાં પૂછયું.

“તારા બિઝનેસનું શું થયું?

“જો એ કહેવાનું જ રહી ગયું. દેશભરની જ નહીં વિદેશની ટાઇગર સફારીનું બુકિંગ કરી આપે એવી સર્વિસ ચાલુ કરવી છે, ‘હેલ્લો ટાઇગર’ના નામે. હેડ ઑફિસ મુરુડમાં અને બ્રાંચ ઑફિસ મુંબઇ, દિલ્હી, કોલકતા, અમદાવાદ, ચેન્નઇ, જયપુર અને જે શહેરમાં મેળ ખાય ત્યાં. નામ જામી ગયા પછી આપણે ફ્રેન્ચાઇઝી આપીને કમાણી કરીશું.

“શરૂઆતના ઇન્વેસ્ટમેન્ટનું શું?

“બહુ મોટી રકમ જોઇતી નથી. ત્રણ ચાર માણસો તૈયાર છે. શરતો અંગે ચર્ચા થઇ રહી છે.

ત્યાં જ વેઇટર ચા મૂકી ગયો. એ સાથે પ્રસાદને કંઇક યાદ આવ્યું. “અરે વૃંદા તારા પોલીસ સ્ટેશનમાં કોઇ પિંટ્યાને કસ્ટડીમાં રાખ્યો છે. એના માટે એક વિનંતી આવી છે.

“કેવી વિનંતી? “મારા એક ફ્રેન્ડના પાડોશીના સગામાં થાય છે એ પિંટ્યો. પિંટ્યાના કઝીનને એની બહુ ફિકર થાય છે. એને મળવું છે. તારી મદદની જરૂર છે.

“એમાં કોઇની મદદની જરૂર નથી. પોલીસ સ્ટેશને આવીને વાત કરે એટલે કામ થઇ જશે.

“એનો કઝીન ગુંગો છે. એ ખાલી ભાઇને મળીને ચિઠ્ઠી આપવા માગે છે કે તું ફિકર ન કરીશ. અમે તારી સાથે છીએ.

‘તને ખબર છે કે એ રિવૉલ્વરની ડિલિવરી આપતા પકડાયો છે?

“એ ગુનેગાર જ છે. પણ માનવી ખરો કે નહીં? પ્લીઝ આટલી મદદ કરી દે. કાલે એના કઝીનને મોકલું તારી પાસે? પ્લીઝ.

પ્રસાદના મોઢા સામે જોઇને વૃંદાએ હસીને ‘હા’ પાડી. આ બહુ ભયંકર ભૂલ હતી, જે સમજવામાં વૃંદાને ઝાઝી વાર લાગવાની નહોતી.
૦૦૦૦
એટીએસના સાયબર ડિપાર્ટમેન્ટના ખાસ માણસે મોકલેલી વિગતો લેપટોપમાં વાચતી વખતે પરમવીર બત્રા એકદમ વિચારે ચડી ગયા. ખોટા ધંધા કરનારા ગુનેગારો ટેકનિકલી કેટલાં બધા આગળ નીકળી ગયા છે? આ શક્તિનો રચનાત્મક ઉપયોગ કર્યો હોત તો?

ખેર, લાતોં કે ભૂત બાતો સે નહીં માનતે એમ માનીને પોતાના વિચારોને ખંખેરીને બત્રા આગળ વાંચવા માંડયો. સિમ કાર્ડ વગરના મોબાઇલ ફોનમાં એક નંબર પર વૉટ્સએપ રજિસ્ટર થઇ ચૂકયું હોય છે. પછી વાઇફાઇની મદદથી વૉટ્સએપથી ઓડિયો કે વીડિયો કોલ થાય તો ભાગ્યે જ કોઇ પકડી શકે.

પરંતુ આ કીમિયોની એક મર્યાદા છે. બે મોબાઇલ ફોન એકમેકના વાઇફાઇના સંપર્કમાં રહી શકે એટલા જ અંતરમાં વાતચીત શક્ય બને. આનો બધો આધાર વાઇફાઇની રેન્જ પર હોય. ૨.૪ ગીગાહર્ટઝની ફ્રિકવન્સી ધરાવતા વાઇફાઇ સિગ્નલ ૧૫૦ ફૂટ કે ૪૫ મીટર સુધી પહોંચી શકે.

આગળ ઘણી ટેક્નિકલ વિગતો હતી પણ એમાં માથું ખપાવવાને બદલે બત્રાએ લેપટોપ બંધ કરી દીધું. તેઓ મુરુડ બૉમ્બ બ્લાસ્ટ્સના ઘટનાક્રમ અને તપાસના મહત્ત્વનાં મુદ્દાની નોંધ પર નજર ફેરવવા માંડ્યા. આ નોંધમાં તો કંઇ ન મળ્યું, પરંતુ અચાનક તેમને પ્રશાંત ગોડબોલેની એક વાત યાદ આવી. તેઓ વૃંદાને લઇને અલીબાગ આવતા હતા, ત્યારે એક રિવોલ્વરની હેરાફેરી કરવાવાળો ટપોરી એમની જીપ સાથે ટકરાઇ ગયો હતો. શું હતું નામ એનું? ગોટ્યા ? મોન્ટુ? ના, ના… પિંટયા.. એની વાતમાં હોટલ પ્યોર લવનો ઉલ્લેખ હતો. આ પિંટ્યાને એટીએસનો મહેમાન બનાવવો પડશે હવે. ણ(ક્રમશ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button