કેરોલિના રીપર પ્રકરણ-૩૪

મુરુડ બ્લાસ્ટ્સ કોઇ ભયંકર લોહિયાળ ખેલની શરૂઆત માત્ર છે?
પ્રફુલ શાહ
વૃંદા સ્વામીએ હળવેકથી કિરણનો હાથ દબાવ્યો. કિરણને ખૂબ રડવું હતું પણ તેણે સેન્ડવીચનો ટુકડો મોઢામાં મૂક્યો
ગુજરાત એટીએસના ઑફિસર દિવ્યકાંત રાજપૂત રાજયમાં આતંકી મોડયુલ અને સંભવિત આતંકી હુમલા પરની ખાનગી નોંધનો અભ્યાસ કરી રહ્યા હતા.
‘આતંકવાદીઓ સોશ્યલ મીડિયા થકી કટ્ટર વિચારધારાવાળાને શોધી કાઢે છે અને એમને નિશાન બનાવે છે. પોતાની કામગીરીમાં સામેલ કરવા માટે… આવી વ્યક્તિ સોફ્ટ ટાર્ગેટ ગણાય છે. એના રેડિકલાઇઝેશનની પ્રક્રિયા હાથ ધરાય છે. આ ઉગ્ર વિચારધારાને આતંકવાદમાં ફેરવવાનું પ્રમાણમાં આસાન બની રહે છે. આવી કટ્ટર વ્યક્તિ થોડી ઘણી ઇચ્છા બતાવે પછી એને ‘બાયા’ (કસમ) લેવડાવાય છે. સોગંદનું વીડિયો રેકોર્ડિંગ કરાય છે. સાથો સાથ પોતાની મક્કમતા પુરવાર કરવાનું તેમને કહેવાય છે. એક સાથે આવા અનેક કેસ પર કામ થતા હોય છે.
… ટેલીગ્રામ જેવા સોશ્યલ મીડિયા થકી ઘણા લોકોને રેડિકલાઇઝ કરવાના પ્રયાસ ચાલતા હોય છે. આવા ગ્રૂપ નામ બદલતા રહે, જેથી સુરક્ષા એજન્સીઓની નજરમાંથી બચી શકાય. નવા નામ અને કેટલાંક નવા સભ્ય સાથે વધુ એક ગ્રૂપ બનાવાય. એમાં ઘણાં જૂના અને ટાર્ગેટ સમા સભ્યોનું બ્રેઇનવૉશ કરવામાં માહેર સભ્યો પણ હોય જ.
… થોડા સમય અગાઉ ગુજરાતમાં એક જૂથ પહેલીવાર નજરે ચડ્યું હતું. ઇસ્લામિક સ્ટેટ ઑફ અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશન આ ગ્રૂપના અલગ ફિરકા પણ ખરા તે જુદા નામેય ખરા. આ લોકો ગુજરાત પર વધુ ફોકસ કરે છે કારણ કે અહીંથી ફિશિંગ બોટનો ઉપયોગ કરીને આંતરરાષ્ટ્રીય દરિયાઇ સીમા રેખા (ઇન્ટરનેશનલ મરીન બાઉન્ડ્રી લાઇન) સુધી પ્રમાણમાં આસાનીથી પહોંચી જવાય છે. ત્યાંથી આગળની જવાબદારી વિદેશી આકાઓ સંભાળતા હોય છે.
૦૦૦૦૦
અમુક રેકિલાઇઝ થયેલા લોકો કંઇ નુકસાન કરે એ અગાઉ સદ્ભાગ્યે એમને સુરત, રાજકોટ અને પોરબંદરમાંથી ઝડપી લેવાયા હતા. પછી આવા લોકોને ડિરેકલાઇઝ કરવાની કોશિશ હાથ ધરાય છે.
દિવ્યકાંત રાજપૂતને સવાલ થયો કે એનડી અને સોલોમન ખરેખર હિમ્મતનગર અને ગોધરામાં સક્રિય હતા? શું કરવા આવ્યા હતા? કે માત્ર કોઇ કામસર આવ્યા હશે? તો એ કામ શું હશે? કે પછી કોઇને મળવા આવ્યા હશે? કોને મળ્યા અને શા માટે?
તેમણે એક ગુપ્ત ફોલ્ડરમાં નોંધ લખી કે એનડી અને સોલોમનની હિમ્મતનગર અને ગોધરાની પ્રવૃત્તિથી વધુમાં વધુ વિગતો મેળવો. એમના સાથી હેન્ડલરની માહિતી શોધો. તેઓ કોઇ જૂથમાં સક્રિય હતા? કોઇ સ્લીપર સેલને એક્ટિવ કરવા આવ્યા હતા? આ બન્ને વ્યક્તિ સિવાય હિમ્મતનગર અને ગોધરામાં જે ભેદી કે વાંધાજનક હિલચાલ હોય એની પણ માહિતી મેળવો.
આટલું લખીને રાજપૂતે ફોલ્ડર બંધ કરી દીધું. પાસવર્ડ પ્રોટેક્ટેડ ફોલ્ડર હતું, જેને બહુ ઓછા ખોલી-વાચી શકતા હતા.
રાજપૂતને સાંભર્યું કે મુંબઇના સિરિયલ બ્લાસ્ટ્સ માટેનું આરડીએકસ ગુજરાતમાં જ ઉતારાયું હતું. આ વખતે ય મહારાષ્ટ્રનાં મુરુડ બ્લાસ્ટ્સ કેસના છેડા ગુજરાતમાં નીકળ્યા છે. મુરુડ જ ટાર્ગેટ હતું? શા માટે? કે મુરુડ બ્લાસ્ટ્સ કોઇ ભયંકર લોહિયાળ ખેલની શરૂઆત માત્ર છે. તેમણે તરત ગુજરાત એટીએસના વડાને ફોન જોડ્યો.
૦૦૦૦૦
પ્રશાંત ગોડબોલેને ઇમર્જન્સી કામ માટે એકાદ કલાક બહાર જવાનું થયું. તેમણે કિરણ અને વિકાસને વિનંતી કરી, “આપ બન્ને એકાદ કલાક આરામ કરો. ત્યારબાદ હું જ આપની સાથે મોર્ગમાં આવીશ. શબઘરની મુલાકાતની વાતે કિરણને ફરી અસ્વસ્થ કરી મૂકી. કિરણે ડ્રાઇવર બાબુને કાર લઇને નજીક બોલાવી લીધો. તેણે પોલીસ સ્ટેશનને બદલે કારમાં બેસવાનું પસંદ કર્યું. બાબુએ તરત કારનું એ.સી. ઑન કરી દીધું. “આપના માટે સેન્ડવીચ કે કંઇ લઇ આવું?
કિરણે માથું હલાવીને નકાર ભણ્યો. બાબુ કારની બહાર નીકળ્યો. “હું આંટો મારીને આવું થોડીવારમાં આપ પણ થોડો આરામ કરી લો કંઇ જવાબ આપ્યા વગર કિરણે આંખ મીંચી લીધી પણ મનમાં અજંપાની સુનામી ઉછળતી હોય તો ઊંઘ કે આરામનો સવાલ જ કયાંથી આવે! રૂમાલ કાઢવા માટે અનાયાસે તેનો હાથ પર્સમાં ગયો. આકાશની ગોલ્ડન પુઠ્ઠાવાળી ડાયરીનો સ્પર્શ થયો અને હાથે એ આપોઆપ બહાર ખેંચી કાઢી. ઇચ્છા નહોતી છતાં પરાણે કિરણ એ વાંચવા માંડી.
“આજે હું… આકાશ રાજાબાબુ મહાજન અનહદ ખુશ છું. હું પપ્પા બનવાનો છું. કોઇકની પાછળ મારું નામ લાગવાનું છે. મોનાએ મને જીવનની સૌથી અમૂલ્ય ભેટ અને સૌથી મોટી ખુશી આપી છે. આજે અમારા સંબંધને કાયમી બનાવવાનો અવસર છે….
કિરણ જોરજોરથી શ્ર્વાસ લેવા માંડી. એ.સી.માં પણ પરસેવો વળવાની શરૂઆત થઇ છતાં તેણે ડાયરી ન મૂકી.
“સાંજે મોનાને મળ્યો. ત્યારે મેં તેને મારાં જમણા હાથ પર મૂકેલો રૂમાલ જોઇને એને આશ્ર્ચર્ય થયું. તેણે આંખોથી સવાલ કર્યો. તો મેં ઇશારો કર્યો કે તું પોતે જ જોઇ લે.
તેણે રૂમાલ હટાવ્યો તો પંજાની ઉપરના બાવડાના ભાગને જોતી જ રહી. એ ભાગ થોડો લાલચોળ થઇ ગયો હતો અને ક્યાંક ક્યાંક સોજો ચડી ગયો હતો. તેણે ધ્યાનથી જોયું. એ નારાજ થઇ ગઇ કે આખી દુનિયા જાણે છે કે તું આકાશ મહાજન છો તો આમ ‘એ’ અને ‘એમ’ના ટેટુ ત્રોફાવવાની શી જરૂર હતી? નાહકની પીડા વ્હોરી લેવાનું એને ન ગમ્યું. મેં એકદમ નજાકત સાથે એના ગાલ પર ચુંબન કર્યું. પ્રેમથી સમજાવ્યું કે આ ‘એ’ અને ‘એમ’ એટલે ‘આકાશ’ અને ‘મોના’! નાઉ ટુગેધર ફોર એવર. એ માની જ ન શકી અને મને ભેટી પડી. રિયલી, આકાશ અને મોના?…
કિરણને રોમેરોમમાં ભાલા ભોંકાયા હોય એવી વેદના ઊપડી. હાથમાં જીવતો બૉમ્બ હોય એમ તેણે ડાયરી તરત પર્સમાં ફગાવી દીધી. એ સ્વગત બબડી “આકાશ અને મોના… ત્યાં જ કારની વિન્ડો પર ટકોરા થયા. કિરણે પરાણે દરવાજો ખોલ્યો. સબ-ઇન્સ્પેક્ટર વૃંદા સ્વામી અંદર આવી. કંઇ બોલ્યા વગર તેણે સેન્ડવીચનું પેકેટ ખોલ્યું. કિરણે કંઇ પ્રતિભાવ ન આપ્યા. વૃંદાએ હળવેકથી કિરણનો હાથ દબાવ્યો. કિરણને ખૂબ રડવું આવતું હતું પણ તેણે સેન્ડવીચનો એક ટુકડો મોઢામાં મૂક્યો. એ પૂરો ન થયો ત્યાં બીજો ટુકડો મોઢામાં ઠુંસી દીધો. કંઇ બોલ્યા વગર વૃંદા એને જોતી રહી.
૦૦૦૦૦૦૦
અલીબાગ એટીએસના પરમવીર બત્રા ગુજરાતથી આવેલી માહિતીથી સ્તબ્ધ થઇ ગયા. તરત દિવ્યકાંત રાજપૂતને ‘થેન્કસ અ લોટ ડિયર ડીકે’નો મેસેજ કર્યો. જવાબમાં દોસ્તે મોઢું બગાડતી સ્માઇલ મૂકી.
આદત મુજબ પરમવીરે મુદા ટપકાવવાના શરૂ કર્યાં. એનડી અને સોલોમન ભેદી છે, બન્નેના શંકાસ્પદ ભૂતકાળની શક્યતા છે. એનડી મરી ગયો એમ માની લઇએ તો સોલોમન ઉર્ફે સલમાન હજી છૂટો ફરે છે એ બહુ જોખમી ગણાય. એમને ‘પ્રોડયુસર મનમોહન’નો મેઇલ યાદ આવ્યો કે સોલોમન ચર્ચ, ક્રાઇસ્ટ, કેક, ક્રિસમસ, ઇસ્ટર કે ન્યુયરમાં માનતો નથી. આ માહિતી ત્યારે બહુ ઉપયોગી નહોતી લાગી પણ હવે સમજાયું કે તેણે સોલોમનનું નામ માત્ર અપનાવ્યું હતું. શા માટે? અને એ નાનકડા ગામ સોનગિરવાડીમાં કેમ રહેતો હતો? ત્યાં માત્ર સંતાયો હતો કે એ સ્થિરતા કોઇ મિશનનો ભાગ હતી?
એટલે હવે આ સોલોમન ઉર્ફે સલમાનને શોધવા પર મંડી પડવાનું છે. અને બીજો… પેલો લોરેગાંવનો પવલો…. દૂધવાળાના સામાન્ય નોકરનો એનડી, સોલોમન કે મુરુડ બ્લાસ્ટ્સ કેસ સાથે શો સંબંધ?
પોતાના સત્તાવાર નેટવર્ક અને ખબરીઓની ફોજને તેણે સોલોમન ઉર્ફે સલમાનના અને પવલાના ફોટા મોકલીને ટૂંકાક્ષરમાં મેસેજ આપ્યો: ‘સર્ચ, અર્જન્ટ’ એ જ સમયે મહારાષ્ટ્ર એટીએસના વડા કૌશલ નાગરનો ફોન આવ્યો. નાગરેએ બધી વાત શાંતિથી સાંભળી લીધી. પછી આદેશાત્મક સૂરમાં બોલ્યા, “હમણા કોઇ સાથે વીડિયો કોન્ફરેન્સ કોલ કરવાની જરૂર નથી. ફોન કટ કરીને કૌશલ નાગરેએ ચીફ મિનિસ્ટર રણજીત સાળવીને એસ. એમ. એસ. મોકલ્યો. “વાત કરવી જરૂરી છે.
૦૦૦૦૦૦૦૦૦૦
નાનકડી હૉસ્પિટલના શબઘરમાં ઇન્સ્પેક્ટર પ્રશાંત ગોડબોલે, સબ-ઇન્સ્પેક્ટર વૃંદા ગોસ્વામી કિરણ મહાજન અને વિકાસે પ્રવેશ કર્યો. પૂરતી તકેદારી છતાં અગવડને અભાવે રૂમમાં ન ગમે એવી ગંધ ફેલાયેલી હતી.
કિરણને તરત આંચકો ન આપવા માટે ગોડબોલેએ પહેલા વિકાસને આગળ બોલાવ્યો. પાંચેક મહિલાઓના મૃતદેહ હતા. હૃદયના વધતા ધબકારા સાથે વિકાસ એક-એક ડગલું આગળ વધતો ગયો. લાશ બહાર ખેંચીને કપડું હટાવ્યું. માથા પરના થોડા ઘણાં વાળ અને નાકમાં નથ જોઇને વિકાસે નકારમાં ડોકું હલાવ્યું.
તેણે ગજબનાક રાહત અનુભવી ખુશી થઇ. પણ બીજી જ ઘડીએ થયું કે આ મહિલા કોઇકની સ્વજન હશે તો હું ખુશ કેવી રીતે થઇ શકું! બીજી અને ત્રીજી લાશ જોઇને વિકાસ ન કંઇ બોલ્યો કે ન કંઇ પ્રતિભાવ આપ્યાં.
ચોથી લાશનો ચહેરો ખુલ્યો, તો એના પગ પાણી પાણી થવા માંડ્યા. તેણે લાશ પરનું આખું કપડું ખેંચી લીધું. લાશ ખૂબ ખરાબ રીતે દાઝી ગઇ હતી. પણ મોઢા, હાથ અને પગના રહ્યાં સહ્યાં સલામત
ભાગ જોઇને વિકાસ એકદમ ફસડાઇ પડ્યો. તેણે એકદમ બાળકની
જેમ પોક મૂકી, મહાપરાણે તે બોલી શકયો. “નો. નો… મોના દીદી…. તમે આમ ન જઇ શકો. મોના દીદીઇઇ… (ક્રમશ:)