લાડકી

કેરોલિના રીપર પ્રકરણ-૨૮

આચરેકરે એટલા જોરથી ટેબલ પર હાથ પછાડયો કે આંગળીમાં ટાંચણી વાગી ગઇ

પ્રફુલ શાહ

ગોડબોલેએ વિચાર્યું, ‘એનડી ગુજરાતના હિંમતનગરમાં સક્રિય હતો અથવા ત્યાં ગયો હતો પણ શા માટે’?

રાજય કક્ષાના ગૃહ પ્રધાન વિશ્ર્વનાથ આચરેકર માથાના વાળ ખેંચી રહ્યા હતા કે પોતે અનીતા દેશપાંડેને મળવા બોલાવી જ શા માટે? તેમણે પીએ કરંદીકરના માથે દોષનું ઠીકરું તોડ્યું. એકદમ ગભરાઇ ગયાનું નાટક કરતા કરંદીકર રડમસ અવાજે બોલ્યો, “હું તો પી. એ. છું ને આપના આદેશનું પાલન કર્યું. મને શું ખબર એ અનીતા આવી નીકળશે?

“આવી! એક નંબરની ભૂંડી બાઇ છે. એકદમ ભૂંડી. હવે એનો પગ ન જોઇએ મારે ત્યાં સમજયો?

“સર, આપનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. ડેમેઝ કંટ્રોલ માટે કંઇક કરવું પડશે ને?

“હું કાચો ખેલાડી નથી સમજ્યો? મોટા વકીલને રોક્યો છે. એની ટીમ કામે લાગી ગઇ છે.

“કાનૂની પગલાં ભરવાનો વિચાર ખોટો નથી પણ ચુકાદો આવવામાં તો વાર લાગશે?

“આપણે ય કયાં ઉતાવળ છે. મહારાષ્ટ્ર આજ અને અનીતા દેશપાંડે ઉપર એક-એક કરોડનો બદનક્ષીનો દાવો માંડી દઇશું.

“વાહ સર પણ એ વીડિયો..

“કયો વીડિયો? કહી દેવાનું એ બનાવટી છે. કોર્ટને અપીલ કરીશું કે એ વીડિયો બધા પ્લેટફોર્મ પરથી હટાવી લેવાય કે વધુ ખોટી બદનક્ષી ન થાય.

“પણ આવી અપીલ કોર્ટ સ્વીકારશે ખરી?

“કરંદીકર કરંદીકર તું હજુ સાવ કાચો છે?

કરંદીકરના મોબાઇલ ફોનમાં નોટિફિકેશન ઘંટડી રણકી. વ્હોટસ અપ પર વીડિયો આવ્યો હતો. ‘મહારાષ્ટ્ર આજ’ના ન્યૂઝનો. તેણ અવાજનું વોલ્યુમ વધારીને ફોન વિશ્ર્વનાથ આચરેકર સામે ધરી દીધો. હાથમાં વીડિયોમાં પોતાનો સફેદ પર્સને રમાડતા અનીતા દેશપાંડે બોલી રહી હતી. “અભિવ્યક્તિના સ્વાતંત્ર્યને આંચકી લેવા અને અમને ચોથી જાગીર તરીકેની ફરજ બજાવવા માટે સ્થાપિત હિત હંમેશાં રચ્યાપચ્યા રહે છે. હાલ અમને ભય છે કે રાજયના પ્રધાન વિશ્ર્વનાથ આચરેકર આવા પ્રયાસો કરે અને પોતાની સત્તાના દુરુપયોગથી મીડિયાનું ગળું ઘોંટવા ગમે તે કરી શકે. આની સામે આગોતરી સાવચેતી રૂપે અમે અદાલતમાં અપીલ કરી દીધી છે. આપને કહેતા આનંદ અને ગર્વ અનુભવીએ છીએ કે એમના સંભવિત પ્રયાસ સામે અમે આગોતરું કાનૂની કવચ મેળવી લીધું છે. આ અમારો જ નહીં, પણ જનતાનો ન્યાયતંત્રનો અને લોકશાહીનો વિજય છે. “જયહિન્દ.

આ જોઇને આચરેકરનું મોઢું પડી ગયું. તેણે એટલા જોરથી ટેબલ પર હાથ પટક્યો કે આંગળીમાં ટાંચણી વાગી ગઇ. પોતાની ખુશી સંતાડવા માટે ‘ર્ફ્સ્ટ એઇડ બોકસ’ લઇને આવું કહીને દોડતી વખતે કરંદીકર મલકાતો હતો.
૦૦૦
પ્રશાંત ગોડબોલેની જીપ મુરુડથી ભોગેશ્ર્વર તરફ આગળ વધીને જમણી બાજુ વળી ગઇ. પ્રસાદ ચૌલકર ચોકથી આગળ ધપીને ડાબી તરફ રેવદાંડા-મુરુડ રોડ પર સરકવા માંડી.

અત્યારસુધી પોતાના વિશેના અને એકમેક માટેના વિચારોને પ્રશાંત-વૃંદાએ તિલાંજલિ આપી દીધી. હવે બન્ને કાળી બાઇક, એના પર સવાર યુવાન, સ્લિંગ બેગ અને એની અંદરથી મળેલી એ રિવોલ્વર વિશે વિચારવા માંડ્યાં હતાં. ગોડબોલે હેન્ડલ ફ્રી ઇયર ફોન થકી ફોન પર ઘડી ઘડી મોટા અવાજે આદેશ આપતા હતા કે બ્લેક બાઇકવાળો ભાગી ન જાય એની તકેદારી રાખજો.

આસપાસની નાની પોલીસ ચોકી અને બીટ ચોકીઓને પણ માહિતી આપી દેજો.

રેવદાંડા-મુરુડ રોડ પર એક રેસ્ટોરાં વટાવીને જીપ આગળ વધતી ગઇ. જમણી બાજુ એક હોટેલ છોડ્યા બાદ જીપ ડાબી બાજુ ફંટાઇ અને સલાવ ચેકપોસ્ટ છોડ્યું. ત્યારબાદ સાડા નવ-દશ કિલોમીટર બાદ જીપ ડાબી બાજુ વળીને હોલીડે હોમ પાસેથી પસાર થઇ ગઇ, ત્યાં ગોડબોલેને મેસેજ આવ્યો કે એક કાળી બાઇકવાળો યુવાન પકડાયો છે. ગોડબોલે જોશમાં આવીને જીપની સ્પીડ વધારી.

લગભગ અઢી કિલોમીટર બાદ અલીબાગ-રામરાજ રોહા રોડ પર જીપ સડસડાટ આગળ વધતી રહી. પાંચેક કિલોમીટર બાદ જીપ જેવી રેવદાંડા રોડમાં પ્રવેશી કે વધુ એક કાળી બાઇકવાળાને અટકાયતમાં લેવાયાનો ફોન આવ્યો. બાયપાસ પરજ જીપ આગળ વધતી રહી. માનસી ચના માર્ટ પર જીપ ઊભી રાખીને પ્રશાંતે વીસ-વીસ રૂપિયાના સિંગ ચણાના બે પેકેટ લીધા. ભાઇ મને તો અહીંના સિંગ-ચણા ખૂબ ભાવે હો, કહીને પ્રશાંતે એક પેકેટ વૃંદાને આપ્યું. વૃંદા અલગ તારવીને ચણા ખાવા માંડી અને પ્રશાંત ગાડી ચલાવતો રહ્યો. અચાનક વૃંદાનું ધ્યાન ગયું તો તેણે થોડા સિંગચણા મુઠ્ઠીમાં ભર્યા અને પ્રશાંત તરફ ધર્યા. પ્રશાંતે ડાબા હાથથી ચાર-પાંચ દાણા લઇને મોઢામાં મૂકયા. એ જ સમયે મોમોસની જાણીતી દુકાન પસાર થઇ અને વૃંદાના મોઢામાં પાણી આવી ગયા. એ પ્રશાંતે પણ જોયું. જમણી બાજુ અલીબાગ રેવાસ રોડ પર વાળીને માત્ર ૫૦૦ મીટરનું અંતર કાપીને જીપ અલીબાગમાં પ્રવેશી.

એ સમયે ધડાધડ ચાર ફોન આવ્યા કે બ્લેક બાઇકવાળો પકડાયો છે. પ્રશાંત હસી પડ્યો, ભાગી ગયો એક અને પકડાયા છ બ્લેક બાઇકવાળા! જોઇ આપણી પોલીસની કાર્યક્ષમતા?
“કાર્યક્ષમતા કે સાહેબના ઑર્ડરનો ડર?

“વૃંદા મારો એક ઓફિશિયલ ઑર્ડર સાંભળી લે. તારે મને સાહેબ કહેવાનો નથી. યુ ગોટ ઇટ?

“જી સાહેબ બોલીને વૃંદા હસી પડી. તેણે સિંગના બે દાણા મોઢામાં નાખ્યા. ને હાથ પ્રશાંત તરફ લંબાવ્યો.
૦૦૦
છેલ્લા ત્રણ ટંકથી કિરણે ભાગ્યે કંઇ ખાધું હતું. મન નહોતું થતું. મમતાએ ખૂબ સમજાવી, “ભાભી, પ્લીઝ કંઇક ખાઇ લો. તમારી તબિયત કથળી તો બધાનું ધ્યાન કોણ રાખશે.

“મમતાબહેન, સાચું કહું તો માત્ર જમવા પર જ નહીં પણ, જીવવા પર પણ નફરત થવા માંડી છે. શા માટે જીવવું? કોના માટે જીવવું? તમારા ભાઇના મનમાં મારા માટે જે કંઇ હતું કે નહોતુ એ જાણ્યા બાદ અસ્તિત્વમાં એક જ વાત પડઘાયા કરે છે કે કિરણ તું એક સ્ત્રી તરીકે સંપૂર્ણ નિષ્ફળ છે. ન પતિને પામી શકી, ન સમજી શકી કે ન જાણી શકી.

“એવું ન બોલો ભાભી. તમારે જીવવાનું છે મારા માટે, મમ્મી માટે, પપ્પા માટે, મહાજન મસાલા માટે અને સેંકડો યુગલોના દિલમાં પ્રેમના દીવડા કરી પ્રગટાવવા માટે.

“હા…. હા… પ્રેમના દીવડા… પારકાઓને એકમેક પર વિશ્ર્વાસ મૂકવા, સમય આપવા અને પ્રેમ કરવા સમજાવતી રહી. પરાયાઓના જીવનમાં અજવાળા કરવાની ઘેલછામાં મારા જીવનમાં કયારે અને શા માટે કાળોડિબાંગ અંધકાર છવાઇ ગયો એની ખબર સુધ્ધાં ન પડી. કેવી બેવકૂફ કહેવાઉં હું?

“ભાભી આ બધા વિચાર-વાયુમાંથી બહાર આવો.જુઓ દીપકભાઇ અને રોમા ભાભી હૉસ્પિટલે ફરકતા ય નથી. ફોન કરીને પપ્પાના ખબર અંતર પૂછી લે છે. ઑફિસના કંઇક રાંધતા હોય એવું લાગે છે.
ત્યાં જ દરવાજો નોક કરીને ઘરનોકર અંદર આવ્યો. એક વેજીટેબલ સેન્ડવીચ અને જ્યૂસનો ગ્લાસ ટેબલ પર મૂક્યો. કિરણે એની સામે જોયું. મમતા બોલી, “ભાભી મેં કાકાને આ લાવવા કહ્યું હતું. કાકા તમે જાઓ.

ઘરનોકરે બે હાથ જોડ્યા. “બહુ બેટા, થોડું ખાઇ લો. આ ઘરે અત્યારે આપની ખૂબ જરૂર છે. આંખમાં દોડી આવેલા આંસુ સંતાડવા એ પાછું વળીને ચાલવા માંડ્યો.

“ભાભી, પપ્પાના ફોન પર જુહુ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટર રામારાવ અંધારેના બે મેસેજ હતા કે આપ ન આવી શકો તો ઘરના કોઇકને મુરુડ મોકલી દો. શું કરવું છે? એ વિચારવાની સાથે આ સેન્ડવીચ ખાવા માંડો ન ખાવ તો મારા સમ છે.

કિરણ મહાપરાણે સેન્ડવીચનો એક ટુકડો મોઢામાં મૂક્યો. ચાવવા સાથે કિરણ બોલવા લાગી. “લગ્ન-જીવનને ખૂબ લાંબો સમય વીતી ગયો હોય તો આપણને પોતાની કે જીવનસાથીની ઓછપ-અધૂરપ દેખાઇ આવે. સમજાવા માંડે છે કે જીવનમાં કોઇ સો ટકા પરફેકટ નથી. દુનિયા સમક્ષ સબ-સલામતનું ચમકીલું મહોરું પહેરીને ફરીએ પણ માહ્યલો સમજી જાય કે અંદર ઘણાં તત્ત્વો સુકાઇ રહ્યાં છે. આ તત્ત્વ દિલચસ્પ, એટન્શન અને ડિઝાયરેબિલીટીના હોય છે. કદાચ આમાંથી જ લગ્ન -બાહ્ય સંબંધની કૂંપળ ફૂટતી હશે પણ અમારા લગ્નને તો હજી માંડ માંડ વર્ષ પણ થયા નથી. ક્યારેય ન આકર્ષક લાગી, ન પ્રેમ કરવા લાયક લાગી કે ન સારી અર્ધાગિની લાગી. એક સ્ત્રી માટે આનાથી ભયંકર નિષ્ફળતા શું હોય?

એના ગળામાં ડૂમો ભરાઇ ગયો.
મમતાએ કિરણની પીઠ પર પ્રેમથી હાથ ફેરવતા જ્યૂસનો ગ્લાસ આગળ કર્યો. કિરણે કંઇ બોલ્યા વગર ગ્લાસ હાથમાં લઇ લીધો.મમતાને થયું, “શું બધા પુરુષો આવા હોય છે? લગ્ન-જીવન આટલું બધું તકલાદી અને યાતનામય જ હોય? આ કટોકટીમાં મને અજયનો સાથ અને હક ઓછા લાગ્યા તો આગળ શું થશે?
૦૦૦
એટીએસના પરમવીર બત્રાએ પ્રિન્ટરમાંથી બે પેપર કાઢીને સામે મૂક્યા. એમના ગુજરાત એટીએસના મિકે મેઇલ મોકલ્યો હતો. બત્રાનું સૌ પ્રથમ ધ્યાન ‘સાગર’ શબ્દ નીચે દોરેલી અંડર લાઇન પર ગયું. પણ વસ્તુ પૂરેપૂરી સમજવા માટે તેમણે પહેલેથી વાચવાની શરૂઆત કરી. ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન રાજ્યભરમાં એસ.ટી. બસ ચલાવે છે. આ કોર્પોરેશન આખા રાજયને ૧૬ વિભાગમાં વહેંચી દીધું છે. અને તેને અલગ અલગ નામ આપ્યા છે. અમદાવાદ વિભાગની બસો પર ‘આશ્રમ’ અમરેલી વિભાગની બસો પર ‘ગિર’ ભરૂચ વિભાગની બસો પર ‘નર્મદા’, ભાવનગર વિભાગની બસો પર ‘શેત્રુંજ્ય’, ભૂજ વિભાગની બસો પર ‘કચ્છ’ ગોધરા વિભાગની બસો પર ‘પાવાગઢ’ હિમ્મતનગરની બસો પર ‘સાબર’, જામનગર વિભાગની બસો પર ‘દ્વારકા’, જૂનાગઢ વિભાગની બસો પર ‘સોમનાથ’, મહેસાણા વિભાગની બસો પર ‘મોઢેરા’, નડિયાદ વિભાગની બસો પર ‘અમુલ’ પાલનપુર વિભાગની બસો પર ‘બનાસ’, રાજકોટ વિભાગની બસો પર ‘સૌરાષ્ટ્ર’ સુરત વિભાગની બસો પર ‘સૂર્યનગરી’ વડોદરા વિભાગની બસો પર ‘વિશ્ર્વામિત્રી’ અને વલસાડ વિભાગની બસો પર ‘દમણ ગંગા’ લખેલું હોય છે.

આ વિગત વાંચીને બત્રાએ બગાસું ખાધું. પણ આદત એવી કે જે માહિતી આવી હોય એ પૂરેપૂરી વાંચી લે. આ જાણકારી તેમને નજીકના સમયમાં ખૂબ કામમાં આવવાની હતી.

પછી એનડીનો જૂનો ફોટો ડ્રોઅરમાંથી કાઢ્યો, જેમાં એની પાછળ ઊભેલી બસના કાચ પર ‘સાબર’ લખેલું દેખાતું હતું. એનો અર્થ એવો થયો કે આ એનડી ગુજરાતના હિમ્મતનગરમાં સક્રિય હતો કાં ત્યાં ગયો હતો, પણ શા માટે?

બત્રાએ તરત ફોન ઉપાડીને ગુજરાત એટીએસવાળા ફ્રેન્ડ દિવ્યકુમાર રાજપૂતનો નંબર ડાયલ કર્યો. બેલ વાગતી રહી. પાંચેક મિનિટ પછી એનો સામેથી ફોન આવ્યો. ‘યારા ડીકે કયસા હય તું?’
‘બત્રા, ટાઇમ વેસ્ટ કરવાનું છોડ-બોલ, શું કામ છે?’

“તું યાર પહેલે કે જય સા હી રહા. દેખ મુઝે એક એનડીકી જાનકારી ચાહીએ. ઉસકા લેટેસ્ટ ફોટો ભેજ રહા હું. સાથ મેં તુમ્હારે ગુજરાત કે હિમ્મતનગર ફોટો ભેજ રહા હું. જો ભી ઇન્ફોર્મેશન હો વહ ચાહીએ ઔર…

સામેથી ફોન કટ થઇ ગયો. બત્રાથી હસી પડ્યો. “જરા ભી નહીં બદલા મેરા યાર.

બત્રા ફરી લેપટોપમાં ખોવાઇ ગયો. ઇન્ટરનેટ પર હિમ્મતનગરનો નકશો ખોલીને જોવા માંડ્યો. ત્યાં જ દરવાજા પર ટકોરા પડ્યો. તેણે મોટેથી બોલ્યો ‘કમ ઇન’ બે પળમાં મુરુડ પોલીસ સ્ટેશનના ઇનચાર્જ પ્રશાંત ગોડબોલે અંદર આવ્યો. બત્રા એને હસીને આવકારે, ત્યાં સબ-ઇન્સ્પેકટર વૃંદા સ્વામીની અંદર એન્ટ્રી થઇ.

પરમવીર બત્રાને આંખ પર વિશ્ર્વાસ ન બેઠો. તે વૃંદાને જોતો જ રહ્યો. ગોડબોલેને આવકારવા માટે ખોલેલું મોઢું ખુલ્લું જ રહી ગયું. બત્રાને જાણે કોઇએ સ્ટેચ્યૂ કરી દીધા હોય એવા હાલ થઇ ગયા. ગોડબોલે નજીક જઇને ‘જયહિન્દ સર’ બોલ્યો પણ બત્રા એમને એમ જ રહ્યો. ગોડબોલે બે પગ જોરથી પછાડીને મોટી અવાજે ‘જયહિન્દ સર’ બોલ્યો. અચાનક નિંદ્રામાંથી જાગીને બત્રા માંડ ‘જયહિન્દ જયહિન્દ’ બોલી શક્યો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…