લાડકી

કેરોલિના રીપર પ્રકરણ-22

મુરુડ ઝંઝીરા ફોર્ટનું નામ સાંભળીને સોલોમન એકદમ ઉકળી ઉઠ્યો

પ્રફુલ શાહ

આચરેકર સામે હૉમપીચ પર જ બળવો. ખાસ વિશ્વાસુ અપ્પા ભાઉએ છેડો ફાડ્યો

બપોરે ત્રણ વાગ્યે મહારાષ્ટ્રના રાજ્ય કક્ષાના ગૃહપ્રધાન વિશ્વનાથ આચરેકરે સરકારી યંત્રણાના ભરપૂર દુરુપયોગ સાથે અલીબાગ વિધાનસભાની પેટા-ચૂંટણી માટે ઉમેદવારીપત્ર નોંધાવી દીધું. એમના મહત્ત્વના માણસોએ એક-એક દસ્તાવેજ ચોકસાઈ સાથે તૈયાર કર્યાં હતા. નોમિનેશન ફોર્મ અને સિક્યોરીટી ડિપોઝિટમાં કોઈ ચૂંક ન થાય એની ખાસ તકેદારી રખાઈ હતી. ચૂંટણી પ્રક્રિયાના બે-ત્રણ નિષ્ણાતે ફોર્મ ટુબી, ફોર્મ 26, ફોર્મ એ, ફોર્મ બી, ડિકલેરેશન ફોર્મ, ઓથ (સોગંદનામું) ફોર્મેટ સી-વન આને ફોર્મેટ સી-ટુ એકદમ વ્યવસ્થિતપણે ભૂલચૂક રહિત રાખ્યા હતા.

કલેકટરની ઑફિસ બહાર જાણે કીડિયારું ઉભરાયું હતું. `ઝિંદાબાદ ઝિંદાબાદ’નો કોલાહલ શમવાનું નામ લેતો નહોતો. ઉમેદવારી પત્રક ભરવાની પ્રક્રિયા પૂરી થયા બાદ વિશ્વ-વિજેતાની અદાથી આચરેકર બહાર આવ્યા, ત્યારે થોડા ટેકેદારોએ એમને ઊંચકી લીધા. ચારે તરફથી પુષ્પહાર ફેંકાવા માંડ્યા. બહાર ફટાકડાની તડાફડી શરૂ થઈ ગઈ. મીઠાઈઓ વહેંચાવા માંડી.

થોડું આગળ ચાલ્યા બાદ આચરેકરના ઈશારાથી એમને કલેકટરની ઑફિસમાં કમ્પાઉન્ડમાં જ કરાયેલા કામચલાઉ મંચ સુધી લઈ જવાયા. માઈકમાં વિશ્વનાથ આચરેકરે ખોંખારો ખાધો. “નમસ્કાર દોસ્તો તમારી આજની હાજરી અને ઉત્સાહથી મને ચૂંટણીના પરિણામની ચિંતા નથી. આપે મને જીતાડી જ દીધો છે. હા, જીતનું માર્જિન વધારવા માટે હું અને મારા કાર્યકરો તનતોડ મહેનત કરીશું જયહિન્દ.”
તાળીઓના પ્રચંડ ગડગડાટ વચ્ચે વિશ્વનાથ આચરેકરે બે હાથ જોડ્યા, ત્યારે એમના ચહેરા પર સ્મિત સમાતું નહોતું પણ તે સમયે તેમને ખબર નહોતી કે સ્માઈલ એકદમ અલ્પજીવી છે.
000
એ દિવસે દીપક કે રોમાએ કિરણ સાથે ન વાત કરી કે ન નજર મિલાવી. પપ્પાના નિર્ણયથી મમતા ખૂબ ખુશ થઈ ગઈ. માલતીબહેનને આ ઝંઝટથી હમણાં દૂર રાખવાનું બન્ને પક્ષે નક્કી કરી લીધું હતું.
રાજાબાબુ વિશે વિચારતા કિરણની આંખમાં આંસુ આવી ગયા. રૂમાલ કે ટીશ્યુ માટે પર્સમાં હાથ નાખ્યો તો પપ્પાના મોબાઈલ ફોન સ્પર્શ થયો. `વૉશરૂમ જઈ આવું’ કહીને એ મમતાથી દૂર ગઈ. પપ્પાનો ફોન ખોલીને છેલ્લો કોનો ફોન આવ્યો હતો એ ચેક કર્યું. છેલ્લો ફોન રામરાવ અંધારેનો ઉપાડ્યો હતો. પછી ઘણાં મિસડ્કોલ હતા, જેમાં અંધારેના ય કોલ હતા.

કિરણે હિમ્મતભેર રામરાવ અંધારેનો નંબર ડાયલ કર્યો. અંધારેએ તરત ફોન ઉપાડ્યો. નારાજગી છતાં વિવેક સાથે અવાજ સંભળાયો. “મહાજન સર, આવું કેમ કરો છો આપ? આપણે લાશની ઓળખ માટે મુરુડ જવાનું હતું એ ભૂલી ગયા?”

કિરણના હાથમાંથી ફોન પડતા-પડતા રહી ગયો. માંડ માંડ હિમ્મત ભેગી કરીને એ બોલી, “અંધારે સાહેબ, પપ્પાને હાર્ટ એટેક આવ્યો છે. એમનો ફોન મારી પાસે આવ્યો.”
“ઓહ આઈ એમ સોરી. તબિયત કેમ છે એમની?”
“ઠીક છે. થોડા દિવસ રહેવું પડશે હૉસ્પિટલમાં.”
“આપ કોણ મેડમ?”
“એમની પુત્રવધૂ. મિસિસ કિરણ આકાશ મહાજન.”

છેલ્લા ત્રણ શબ્દ સાંભળીને પાષાણદિલ રામરાવ અંધારેના હાથમાં ફોન ધ્રુજી ગયો.
000
ટીવી ચેનલના બ્રેકિંગ ન્યૂઝ'માં મહારાષ્ટ્રના રાજ્યકક્ષાના ગૃહ પ્રધાન વિશ્વનાથ આચરેકરે ભવ્ય સમર્થન વચ્ચે ઉમેદવારી પત્ર ભર્યાના સમાચાર ચાલતા હતા ત્યાં ચેનલમહારાષ્ટ્ર આજ’ પર અચાનક એકદમ આંચકાજનક બ્રેકિંગ ન્યૂઝ શરૂ થઈ ગયા.

“રાજ્યના પ્રધાન વિશ્વનાથ આચરેકર સામે હોમ ટર્ફ પર જ બળવો… ખાસ વિશ્વાસુ અપ્પા ભાઉએ છેડો ફાડ્યો… આ એ જ નેતા છે જેણે આચરેકરજી માટે અલીબાગ વિધાનસભા બેઠક પરથી રાજીનામું આપ્યું હતું. અચાનક એવું તે શું થઈ ગયું કે તેમણે આકરું પગલું ભર્યું? જાણીએ અપ્પા ભાઉ પાસેથી એમના જ શબ્દોમાં…”
000
`મહારાષ્ટ્ર આજ’ની અનીતા દેશમુખ જોશભેર સવાલો પૂછવા માંડી. અપ્પા ભાઉએ જાણે પૂરી પ્રેકટિસ કરી હોય એમ એકદમ સ્વસ્થતા સાથે જવાબ આપવાનું શરૂ કર્યું. “મારી લાંબી રાજકીય કારકિર્દીમાં ક્યારેય પક્ષ છોડ્યો નથી. હકીકતમાં આજેય હું પક્ષ છોડતો નથી. એક નેતાને છોડી રહ્યો છું. મુરુડમાં સિરિયલ બ્લાસ્ટ્સ થયા પહેલીવાર. આખા અલીબાગની શાંતિ ફફડાટમાં ફેરવાઈ ગઈ. રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાને પબ્લિસીટી માટે ઉતાવળે એક વાર ઘટનાસ્થળની મુલાકાત લીધી. વાહવાહી લૂંટી લેવા માટે મૃતકોના પરિવાર માટે મોટી રકમનું વળતર જાહેર કર્યું. કોણ છે આ મૃતકો? સમાચાર માધ્યમો કહે છે કે મરનારા બધા આંતકવાદી છે. એમને વળતર આપ્યું પ્રધાનશ્રીએ? નથી હજી કોઈ કડી મળી કે નથી કોઈની ધરપકડ થઈ કેસની ગંભીરતા જુઓ કે તપાસ સ્થાનિક પોલીસ પાસેથી લઈને એટીએસને સોંપવી પડી. આ દરમિયાન પ્રધાનશ્રીએ શું કર્યું? પોતાની રાજકીય ભાખરી શેકતા રહ્યા. અલીબાગના સર્કિટ હાઉસમાં પડ્યાપાથર્યા ચૂંટણીની ચાલ વિચારતા રહ્યા. આખું અલીબાગ જ્યારે અસલામતી અનુભવે ત્યારે ચૂંટણી અનિવાર્ય છે? શા માટે તેમણે પેટા-ચૂંટણી પાછી ઠેલવાની દરખાસ્ત જ મૂકી? કારણ કે ચૂંટણીમાં મોડું થાય તો તેમણે પ્રધાનપદેથી રાજીનામું આપવું પડે. પ્રજાની સલામતી કરતા સત્તાની લાલસાને મહત્ત્વ આપનારા નેતાને હું સાથ ન આપી શકું. જયહિન્દ, જય મહારાષ્ટ્ર, જય અલીબાગ, જય મુરુડ.

મહારાષ્ટ્ર આજ'ના એક્સકલુઝિવ ઈન્ટરવ્યુ-કમ-સ્કુપથી માત્ર મુરુડ કે અલીબાગ નહિ, સમગ્ર મહારાષ્ટ્રમાં સનસનાટી મચી ગઈ. બીજી ચેનલે આબ્રેકિંગ ન્યૂઝ’ની સ્ટોરી શરૂ કરી, “હોમ મિનિસ્ટર હૉમ પીચ પર હી ક્લીન બૉલ્ડ.”
000
એ. ટી. એસ.ના પ્રોડ્યુસર મનમોહન' ફરી સોનગિરવાડીમાં આવ્યો. એ જ જૂના બારમાં ગયો. માલિકને સમજાયું નહિ કે એને જોઈને આશ્ચર્ય અનુભવવો કે આનંદ! આ વી.આઈ.પી. ગ્રાહક બેઠો એટલે માલિક દોડીને અંદર ગયો અને પીટરને બોલાવી લાવ્યો.પ્રોડ્યુસર મનમોહન’ને ફરી જોઈને એ છોકરો ખુશ થઈ ગયો.

પ્રોડ્યુસર મનમોહન' તરફથી સ્મિત કરાતા પીટર નજીક આવ્યો. "બેસી જા ખુરશી પર.” પીટર બેઠો ત્યારે માલિકની નજર એના પર જ હતી.પ્રોડ્યુસર મનમોહને’ હાથના ઇશારાથી એને બોલાવ્યો. “તને વાંધો ન હોય તો બેસ મારી સાથે. જે ખાવું-પીવું હોય એ મંગાવ પણ બિલ હું આપીશ.”

માલિક અચકાયો, “નો-નો- યુ એન્જોય પ્લીઝ.” `પ્રોડ્યુસર મનમોહન’ ઊભો થઈને એની નજીક ગયો અને પોતાની પોલીસની ઓળખવાળું આઈડી બતાવ્યું. “ચૂપચાપ ટેબલ પર બેસી જા. હું તારો દોસ્ત કે ઓળખીતો હોઉં એ રીતે ખાઈશું- વાતો કરીશું સમજી ગયો તું?”

“યસ સર” કહીને એ ઉતાવળે ખુરશીને ટેબલ નજીક લઈને બેસી ગયો. આ વિચિત્ર સંજોગોમાં માલિક અને પીટર એકમેકથી નજર મિલાવવાનું ટાળવા માંડ્યા. અચાનક માલિક `કૌન હૈ?’ની બૂમ મારતા એક યુવાન વેઇટર દોડી આવ્યો. “પિંટ્્યા, આ ટેબલનો ઓર્ડર એકદમ ફટાફટ લાવ જે.”

`પ્રોડ્યુસર મનમોહન’ હળવેકથી બોલ્યો, “બે ચિલ્ડ બિયર, એક કૉલ્ડ ડ્રિન્ક, ડબલ એગની ઓમલેટ, વેફર, સિંગદાણા, ચણાદાલ.” પછી બંને સામે જોઈને પૂછયું, “ઔર કુછ?” બંનેએ નકારમાં ડોકું હલાવતા વેઇટર જતો રહ્યો, પરંતુ પોતાના માલિક પીટરને એક ટેબલ પર સાથે જોવાથી વેઇટરને થયેલું આશ્ચર્ય ઘટવાને બદલે વધતું ગયું. પોતાની નજર પર વિશ્વાસ ન હોય એમ એ આંખ ચોળવા માંડ્યો હતો.

ટેબલ પર અકળાવતા મૌનના સામ્રાજ્યને તોડતા `પ્રોડ્યુસર મનમોહન’ તરફથી સવાલ કરાયો. “મને સોલોમન વિશે વધુ ને વધુ માહિતી કોણ આપી શકે?”
પીટર હસીને બોલ્યો, “હું જે જાણતો હતો એ બધું તો મેં કહી દીધું.”

“એ તો બરાબર પણ હવે તમે બંને સતત કાન અને આંખ ખુલ્લા રાખજો.” એની નજર માલિક પર પડતા જ એ બોલવા માંડયો. “સર, ફ્રેન્કલી કહું તો એ મને ક્યારેક મળતો હતો. અમારા આઠ-દશ જણનું એક ગ્રુપ હતું. રજાના દિવસે સાંજે બેસીને ક્યાંક પાર્ટી કરીએ. ખૂબ મજા કરીએ પણ પીટર ક્યારેય વધુ બોલતો નહીં. કામ પૂરતું જ બોલે. લાંબા સમયથી અહીં રહેતો હતો. અગાઉ ક્યાં રહેતો હતો કે શું કામકાજ કરે છે એ વિશે ક્યારેય કંઈ બોલે નહીં, કોઈ પૂછપરછ કરે તો એકદમ ચિડાઈ જાય.”

`કેમ એવું?”
“એ તો કોઈને ખબર નથી. ખાવા-પીવાનો શોખીન હતો કમાણી આવતી હતી એ ખબર નહીં પણ ક્યારેય પૈસાની કમી નહોતી. છતાં એના એક વિચિત્ર વર્તને અમારો સંબંધ તોડી નાખ્યો.”
“એવું તે શું થયું હતું?”

“એક પાર્ટીમાં એ નહોતો. ત્યારે વાતમાંથી વાત નીકળી કે ચલો વન-ડે પિકનિક પર જઈએ. મોજમજા કરીએ. મેં આઠ જણા માટે ડ્રિન્ક લાવવાની ઑફર કરી. એક જણ બધા માટે નાસ્તો લાવવા તૈયાર થયો. બધા પોતપોતાની બાઇક લઈને જવાના હતા. માંડ વીસેક મિનિટનો રસ્તો હતો. લાંબા સમયથી કોઈ મુરુડ-ઝંઝીરા ફોર્ટ ગયા નહોતા. ઘર કી મુરઘી દાલ બરાબર જેવો ઘાટ હતો.”
“પણ સોલોમન સાથે અણબનાવ કેવી રીતે થયો?”

“પિકનિક’ પર જવાનો પ્લાન સાંભળીને એ તૈયાર થઈ ગયો, કહો કે ખુશ થઈ ગયો. પણ મુરુડ-ઝંઝીરા ફોર્ટનું નામ સાંભળીને સોલોમન એકદમ ઉકળી ઉઠ્યો. તેને સમજાવ્યો કે વન-ડે પિકનિક માટે બેસ્ટ પ્લેસ ગણાય. ટ્રાવેલિંગ વધુ નથી પણ તે ધરાર ન મળ્યો. ઊલ્ટાનું બૂમાબૂમ કરીને અમને એના ઘરમાંથી કાઢી મૂક્યા. એટલે જ નહીં, ત્યારથી તેણે વીકલી પાર્ટીમાં આવવાનું બંધ કરી દીધું. એને ખબર પડી કે મુરુડ ઝંઝીરા ફોર્ટ જવાનું સૂચન મારું હતું તો મારી સાથે બોલવાનું બંધ કરી દીધું.”

“પણ એને મુરુડ ઝંઝીરા ફોર્ટ સામે આટલો ઉગ્ર વિરોધ શા માટે હતો?”

“એ તો ખબર નથી સર. કોઈ જાણતું નથી ઈશ્વર સિવાય.”
(ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button