લાડકી

કેરોલિના રીપર પ્રકરણ-૧૭

એ સાંભળીને કિરણનું શરીર ઠંડું પડવા માંડ્યુંં

પ્રફુલ શાહ

બત્રાએ ગોડબોલેને કહ્યું, “આ આસિફ અને બાદશાહનું વર્તન વિચિત્ર છે એ નક્કી.

એટીએસના પરમવીર બત્રાની ટીમના એક માણસનો ફોન આવ્યો, “બાદશાહ અચાનક હોટલમાંથી ગાયબ થઈ ગયો છે.
“વ્હોટ? કબ ગયા જી?

“સર, સવારે નાસ્તો કર્યા બાદ રૂમમાં આવ્યો, પછી ક્યાંક જતો રહ્યો છે.

“ઓહ. કિડનેપિંગની શયકયતા લાગે છે?

“ના, સર. હોટેલમાં વોચમેને એને ઉતાવળમાં ક્યાંક જતા જોયો હતો.

“ઓ. કે. તું હવે આસિફ પટેલ પર નજર રાખજે. બાદશાહના ગાયબ થવા વિશે એનું રિએકશન કેવુંક છે?

“ખૂબ અપસેટ છે.

“નાટક કરતો હોય એવું લાગે છે?

‘ના, એ તો આગ્રહ કરે છે કે પોલીસની પાસે જઈએ, પણ મેનેજરે થોડો સમય રાહ જોવાની સલાહ આપી છે.

“ત્યાં વધુ માણસ મૂકવાની જરૂર લાગે છે.

“સર, બાદશાહ લાપતા થયાના મામલામાં શું થાય છે એની રાહ જોઈએ. પછી આપ નિર્ણય લો તો સારું.

“ઓકે, ગુડ વર્ક જી. કહીને પરમવીરે ફોન કટ કરી નાખ્યો. આ આસિફ પટેલનો બાદશાહ… ચા કરતા કિટલી ગરમ છે કે પછી તપાસને ઊંધે રવાડે ચડાવી દેવાનો આસિફનો જ કારસો છે આ? એવું વિચારીને પરમવીર બત્રાએ તરત મુરુડ પોલીસ સ્ટેશનના ઈનચાર્જ પ્રશાંત ગોડબોલેને ફોન જોડયો.


રાજાબાબુ મહાજન શક્ય એટલા ધીમા અવાજે ફોન પર બોલી રહ્યા હતા. “અંધારે, હવે તો હદ થાય છે. તમારી પાસે મને મળવા સમય નથી. આકાશનો નથી કોઈ પતો મળ્યો કે નથી કોઈ કડી. મને લાગે છે કે મારે પોલીસ કમિશનરને મળવું પડશે.

“સર, કાલે અમારી જનરલ મીટિંગમાં ખૂબ મોડું થઈ ગયું. પછી પોલીસ સ્ટેશનમાં ધમાલ મચી ગઈ. પણ સર, આકાશભાઈ વિશે એક અને કદાચ સાચી કડી મળી છે કે તેઓ મુરુડની હોટલમાં ગયા હતા.

મહાજનનો અવાજ ઊંચો થઈ ગયો. “મુરુડ, મુરુડ… એકની એક રટણ પકડી રાખી છે તમે.

“સર, એ સાબિત કરતો વધુ એક સાક્ષી મળ્યો છે.

“એ કોણ?

“કાસિમ અલી. આકાશભાઈએ ટ્રુ ડ્રાઈવ એપ પરથી એની ગાડી બુક કરાવી હતી. એમની સાથે એક લેડીઝ હોવાનું પણ ક્ધફર્મ થયું. વાશીથી મુરુડ લઈ ગયો હતો કાસિમ અલી.

“હે ભગવાન. તો હવે આપણે શું કરવું? આગળ કેમ વધવું?

“સર, આ બ્લાસ્ટ્સની તપાસ એટીએસને સોંપાઈ છે. છતાં હું સ્થાનિક પોલીસમાં ટ્રાય કરું. જો કંઈ જાણવા મળે તો.

“જે કરવું હોય એ ઉતાવળે કરવું પડશે. એવું હોય તો આપણે બંને જઈએ મુરુડ. દરવાજામાં પ્રવેશ કરતી કિરણે છેલ્લું વાક્ય સાંભળી લીધું.

‘એવું હોય તો આપણે બંને જઈએ મુરુડ.

કિરણના પગ થંભી ગયા. એને તરત વિકાસે કહેલી મુરુડવાળી વાત યાદ આવી ગઈ. એ સાંભળીને થોડીવારમાં એનું શરીર ઠંડું પડવા માંડયું. અચાનક ચક્કર આવવા માંડ્યા. પણ દરવાજાની બારસાખ પકડીને એ માંડમાંડ ઊભી રહી શકી. મગજમાં જાણે એકદમ શૂન્યાવકાશ છવાઈ જતો લાગ્યો.


લગભગ પાંચેક કલાક બાદ આસિફ પટેલ રોકાયો હતો એ હોટલનો વોચમેન એકદમ ચોંકી ગયો. તેણે દોડીને રિસેપ્શન પર ઊભેલા મેનેજરના કાનમાં કંઈક કીધું. મેનેજર એકદમ દોડીને દરવાજા પર ગયો. તો સામેથી આવતા બાદશાહને જોયો.

મેનેજરે એકદમ દોડી જઈને બાદશાહને પૂછયું, “સર, આપ ઠીક તો છો?

“હા, મને વળી શું થવાનું?

“સર, આપ ક્યાં ગયા હતા?

“એ મારે હોટલમાં જણાવવાનું જરૂરી છે?

“અરે સર, આપ એકાએક ક્યાંક નીકળી ગયા એટલે આસિફસર ખૂબ ખૂબ અપસેટ થઈ ગયા હતા. અમે આપની ખૂબ તપાસ કરી. થોડીવારમાં તો પોલીસને જાણ કરવાના હતા.

“નોનસેન્સ. કોઈ માણસ વૉક પર કે ફરવા પણ ન જઈ શકે?

“આ બધું આસિફસરને જઈને કહેજો.

કંઈ બોલ્યા વગર બાદશાહ ઉતાવળે પગલે પોતાના રૂમ ભણી ગયો. અચાનક વિચાર બદલીને તે આસિફ પટેલના રૂમ સામે ગયો. દરવાજો ખુલ્લો હતો ને આસિફ સોફા પર ચિંતાતુર ચહેરે બેઠો હતો.

અંદર કોઈકના આવવાનો આભાસ થવાથી આસિફે માથું ઊંચક્યું. સામે બાદશાહને જોઈને એકદમ દોડીને એને ગળે લગાવી લીધો.

એકાદ મિનિટ કઈ બોલ્યા વગર ગળે લગાડયા બાદ આસિફ પટેલ બાદશાહને એક તમાચો ઝીંકી દીધો. “આજે તું મારો જીવ લઈ લેવામાં હતો. કહીને નથી જવાતું કે બહાર જાઉં છું. ક્યાં ગયો હતો?

ગાલ પંપાળતા બાદશાહ ધીમેથી બોલ્યો: “માથું દુ:ખતું હતું એટલે થયું કે કદાચ ગેસ થયો હશે. મૂડ પણ ખરાબ હતો. એટલે બહાર આંટો મારવા નીકળી ગયો. ચાલતો જ રહ્યો. પછી ભૂખ લાગી એટલે જમવા બેઠો. ફરી ડર ગાલ્યો કે ગેસ થઈ જશે તો? એટલે ચાલતો ચાલતો ઘરે આવ્યો.

દરવાજાની બહાર કાન માંડીને ઊભેલા વેઈટરે થોડા દૂર જઈને મોબાઈલ ફોન કાઢીને નંબર ડાયલ કર્યો. “જય હિન્દ સર, ગરમ કિટલી પાછી આવી ગઈ છે. જવાના કારણો વિચિત્ર છે… ભલે ભલે… હા, એક માણસને કીટલી સાચવવા રાખીએ…


એટીએસના પરમવીર બત્રા ક્યારના ફોન પર ઘુમાવી રહ્યા હતા. એક ફોનમાં તો એ તાડુક્યા, “અરે કોલ ડિટેઈલ્સ રેકોર્ડ કયારે મળશે? સૌથી પહેલા એનડીનો રેકોર્ડ આપો. આકાશ મહાજન અને મોના પણ ઈમ્પોટન્ટ છે. પ્લીઝ હરીઅપ.

બીજા ફોનમાં બત્રાએ સીધો સવાલ કર્યો. “એનડી, આસિફ પટેલ, આકાશ મહાજન, મોના અને સોલોમનના ડિજિટલ ફુટ-પ્રિન્ટ મેળવવામાં કેટલી પ્રગતિ થઈ?

સામેથી જવાબ આવ્યો, “સર, દિલ્હીના ખૂબ ઈમ્પોર્ટન્ટ કેસ પર કામ ચાલે છે. બે જણા રજા પર છે ને એક અચાનક બીમાર પડી ગયો છે.

બત્રાએ માથું પકડી લીધું. “તો અહીં વધુ બ્લાસ્ટસ થાય એની રાહ જોઈએ. બરાબર જી? બત્રાએ ફોન નીચે પટકી દીધો, ત્યાં મુરુડ પોલીસ સ્ટેશન ઈનચાર્જ પ્રશાંત ગોડબોલેને આવતા જોયા. તેમણે બેલ મારીને હવાલદારને અંદર બોલાવીને ઓર્ડ આપ્યો. “ગોડબોલે સરને અંદર મોકલ તરત બે લસ્સી લાવજે.

‘જયહિન્દ’ કહીને બેસવા સાથે ગોડબોલે સીધા મુદ્દા પર આવી ગયા. “સર, આ મામલે રાજકારણ શરૂ થઈ ગયું છે. ક્યારેય નહિ ને હવે મને રાયગઢના પોલીસવડાનો ફોન આવ્યો. તપાસની પ્રોગ્રેસ જાણવા માટે. એનડીના કોન્ટેકટમેન અને ભાગેડુ સોલોમનની પ્રેમિકા શબનમની લાશ મળી એ ગામમાંથી એ સવારથી એક યુવાન ગાયબ છે.

“થેક્યું જી. ફોર ગ્રેટ સપોર્ટ. બ્લાસ્ટસ થયા એ હોટેલ પ્યોર લવના માલિક આસિફ પટેલ અને એના માણસ બાદશાહ કંઈક ભેદી લાગે છે. આજે એ પાંચ છ કલાક હોટેલમાંથી ગાયબ થઈ ગયો હતો. પોતાની રીતે જ આવી ગયો પાછો પણ એ ક્યાં ગયો હતો, કોને મળ્યો એની જાણકારી કદાચ ઉપયોગી નિવડી શકે. તમને બાદશાહનો ફોટો મોકલું છું. આ આસિફ બાદશાહનું વર્તન વિચિત્ર છે એ નક્કી.


સરપંચ પાટીલની પૂરેપૂરી વાત સાંભળીને ગોલેગાંવના પોલીસ ઈન્સ્પેકટરે પવલાનો ફોટો માગ્યો. પાટીલે દૂધવાળા પાસેથી ફોટો લઈને જ આવ્યા હતા. સાથોસાથ પવલાનો ફોન નંબર અને એના મોટાભાઈનો મોબાઈલ નંબર પણ આપ્યા. ઈન્સ્પેકટરે પવલા ઉપરાંત શબનમ અને સેલોમનના ફોટા બે હવાલદારને બતાવ્યા. “આ ફોટા લઈ જઈને ગામમાં એક-એકને બતાવો. શરૂઆત મંદિર, હાઈવે અને બસ સ્ટેન્ડથી કરજો. શક્ય એટલી માહિતી મેળવવો એકદમ ઝડપથી. બંને હવાલદાર સલામ સાથે ‘જય હિન્દ’ કહીને રવાના થયા.

ઈન્સ્પેકટરે સરપંચ પાટીલને પણ શબાના અને સોલોમનના ફોટા મોકલ્યા. “તમેય તમારી રીતે આ બંને વિશે ગામમાં પૂછપરછ કરજો. આપણા શાંત ગામમાં આવા મર્ડર જેવા ભયંકર ક્રાઈમ સામે અત્યારથી જ ચેતી જવાની જરૂર છે. નાટકની ઉપાધિ આપણે ક્યાં વહોરવી?

“એકદમ સાચી વાત સર.

“અરે હા. શબનમની લાશને સૌથી પહેલા જોનારા દગડુ વિશે શું માનો છો આપ?

“ગામનો ઉતાર છે એ ન ક્યારેય ભણ્યો, ન કયારે કોઈ કામકાજ કર્યા. અરે, ઘરડા મા-બાપનું સાંભળે નહિ. બિચારા વધુ કહે તો ધોલધપાટ પણ કરે એ બદમાશ.

“પણ પોલીસ ચોપડે એને નામે કંઈ બોલતું નથી.

“નાનીમોટી મારપીટમાં પંચાયત સમાધાન કરાવી આપે. મોટા લફડાં ર્ક્યાનું ધ્યાનમાં નથી.

“સરપંચ. આ મારપીટ જેવા મામલામાં હવે તમે મહાત્મા ગાંધી બનવાનું રહેવા દો. અમે શેના માટે બેઠા છીએ. તમે ગામના વિકાસ પર ધ્યાન આપો.

“અરે, મને લાગે છે કે નાની વાતમાં તમને કયાં હેરાન કરવા?

“એ પણ ઠીક છે સરપંચ. આંખ-કાન ખુલ્લા રાખજો. સમય બહુ ખરાબ છે.

“રામ રામ. કરીને પાટીલ ઊભા થઈ ગયા. ઈન્સ્પેકટરે ટેબલ પર પડેલા ચાર કાગળમાંથી ટાંચણી કાઢીને મોઢું ખોલીને ડાબી બાજુની ઉપરની દાઢમાં ખોદવા માંડયો. બિચારાને ખબર નહોતી કે એમાં સવારે ખાધેલી ઉસળનો મગનો દાણો અટવાઈ ગયો છે. નાસ્ત પછી એ અજાણ્યા મગની પાછળ પડી ગયો હતો, ત્યાં પાટીલ આવી પહોંચ્યા હતા. અચાનક મગનો દાણો પકડાઈ ગયો. એને હાથમાં લઈને ઈન્સ્પેક્ટર બબડયો.

“દગડુ તને ય આની જેમ નહિ છોડું હો.

ઈન્સ્પેક્ટર ક્યાં જાણતો હતો કે આ મામલામાં તે ક્યારેય ચણોઠી તો ઠીક, રાઈ જેટલા સત્યને પણ પામી શકવાનો નથી.
(ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button