લાડકી

કેરોલિના રીપર પ્રકરણ-૧૧

પ્રફુલ શાહ

ભાભી, મોટાભાઇ સાજાસમા તો હશે ને?

રાજાબાબુ ગળગળા થઇ ગયા: બેટા કિરણ મને માફ કરી દે. આ ઘરમાં લાવીને મેં તારું જીવતર બગાડ્યું

ક્યારનો ડિનરનો ટાઇમ થઇ ગયો હતો, પરંતુ કોઇને જમવામાં રસ નહોતો. કિરણ તો સવારથી પોતાના રૂમમાં ભરાઇ ગઇ હતી. બધાએ ખૂબ સમજાવ્યા છતાં તેણે લંચને હાથ નહોતો લગાવ્યો. દરવાજા પર ટકોરા મારીને મમતા અંદર આવી. એ કિરણની બાજુમાં બેસી ગઇ.

“ભાભી, મોટાભાઇ સાજાસમા તો હશેને? હવે મને જ ગભરામણ થાય છે.
મમતા સામે જોઇને કિરણ એને વળગી પડી. જરાય અવાજ ન નીકળ્યો પણ પોતાની પીઠ ભીની થવાથી મમતા સમજી ગઇ કે ભાભી રડી રહ્યાં છે. મમતાએ તેમને પોતાનાથી અળગાં કર્યાં.

“મમતાબહેન કદાચ હું અનાથ રહેવા જ સર્જાઇ છું. નાનપણમાં મા-બાપ ગુજરી ગયા. અનાથાશ્રમમાં મોટી થઇ. એક કાર્યક્રમમાં પપ્પાની મારા પર નજર પડી. એમના ઉપકારથી આટલા મોટા ઘરની વહુ બનવાનું સદ્ભાગ્ય સાંપડ્યું. પણ હું અભાગણ મારા વરને પોતાનો ન કરી શકી.

‘ભાભી, એમાં તમારો શો વાંક? ભાઇનો સ્વભાવ અને આદતો અમે ક્યાં નથી જાણતા? તમે ઘર માટે, અમારા માટે અને સમાજ માટે, આટઆટલું કરો છો, તો ભાઇ માટે ઘણું કર્યું જ હોય. પણ એ બધા સુખ કદાચ ભાઇના નસીબમાં નહિ હોય. તમે ઝાઝા દુ:ખી ન થાઓ. ભાઇ બહાર રખડીને થાકીને આવશે. તમે જીવ બાળવાનું રહેવા દો. હવે તમે જમવા બેસવાના હો સાથે અને ખાવાના હો તો હું કંઇક ખાઇશ…

“… હું પણ તો જ ખાઇશ, એવો અવાજ સાંભળીને બન્નેએ જોયું તો દરવાજામાં રાજાબાબુ મહાજન ઊભા હતા. “બેટા કિરણ મેં તારી વાત સાંભળી. પણ મેં આ ઘરમાં લાવીને તારા પર ઉપકાર નથી કર્યો, તારું જીવતર બગાડ્યું છે
કિરણ ઊભી થઇ ગઇ. “પપ્પા પ્લીઝ, એવું ન બોલો.

“ના બેટા, આજે મને બોલવા દે આકાશના વિચિત્ર સ્વભાવની મને ખબર હતી. મને આશા હતી કે લગ્ન થશે તો બધું બરાબર થઇ જશે. તને જોતા અને તારા ગુણ સમજ્યા બાદ થયું કે તું એને ઠરેલ-ઠાવકો બનાવી શકીશ. એની લગ્નની ઇચ્છા નહોતી છતાં મેં અને માલતીએ સમજદારી કરી. રોજની કચકચથી કંટાળીને તેણે હા પાડી દીધી, પરંતુ તેણે સાચા દિલથી ક્યારેય ન લગ્ન નિભાવ્યા કે ન તને સ્વીકારી.

કિરણે પપ્પાનો હાથ પકડી લીધો. “પપ્પા, એવું ન વિચારો. એ આવશે પછી બધું બરાબર થઇ જશે. તમે ફિકર ન કરો. મને કોઇ ફરિયાદ નથી!

“બેટા, એ જ તારી મહાનતા છે. પણ… પણ આ ભૂલ બદલ મને માફ કરી દે. પ્લીઝ માફ કરી દે…,

રાજારામ મહાજનની આંખો ભરાઇ આવી.
૦ ૦ ૦
‘મહારાષ્ટ્ર આજ’ ટીવી ચેનલ સવારથી ટીઝર ચલાવાનું હતું કે આજે સાંજે સાત વાગ્યે કરીશું એક મોટો ઘટસ્ફોટ સાંજે સાત વાગ્યે ચેનલની સ્ટાર રિપોર્ટર અનીતા દેશમુખ સજીથજીને આવી. આ સાથે શરૂ થયું તેના એકસક્લુઝિવ સ્ક્રુપનું પ્રસારણ.
“મહારાષ્ટ્ર ફરી આતંકવાદીઓના નિશાના બાદ મુંબઇ અને પુણે બાદ હવે રાયગઢ છે નવું ટારગેટ.

મુરુડની હોટેલમાં થયેલા સિરિયલ બ્લાસ્ટસ ટ્રાયલ રન હતું? અમારાં સૂત્રોની માહિતી મુજબ હોટેલમાં માર્યા ગયેલા બધા કે અમુક માણસો કોઇક આતંકવાદી સંગઠનના સભ્યો હોવાની શક્યતા. આ હોટેલમાં ધડાકા કરવાના હતા કે અકસ્માતે બ્લાસ્ટ્સ થયા એ અંગે સનસનીખેજ માહિતી અમે મેળવી રહ્યાં છીએ. મુરુડની હોટેલ પ્યૉર લવ પરના એટેકના ઘટનાક્રમ પર એક નજર નાખીએ…

સરકારે આ કેસ એટીએસને સોંપ્યો, ત્યારે જ મામલો ખૂબ ગંભીર હોવાનું સ્પષ્ટ થઇ ચુક્યું હતું. આ બ્લાસ્ટના એક્સક્લુઝિવ સ્કુપમાં થશે હજી ઘણાં ધડાકાભડાકા. મારી સાથે રોજેરોજ જોતા રહો. ‘મહારાષ્ટ્ર આજ’.
૦ ૦ ૦
આસિફ પટેલ શેઠ અને બાદશાહ હોટેલના રૂમમાં બેસીને ક્યારના વાતચીત કરતા હતા. આસિફ પટેલ બે પંજા જોરથી એકમેક સાથે મસળ્યા ને દાંત ભીસ્યા.
“આ એટીએસવાળા જલદી કેડો મૂકે એમ લાગતું નથી.

“શેઠ, એક-બે દિવસમાં પૂછપરછ પતી જવી જોઇએ. પછી આપણે છુટ્ટા.
“હા, પણ અહીંનો પથારો ય સમેટવો પડશે કે નહિ?

“એની આપ ફિકર ન કરો. એ બધું હું જોઇ લઇશ. બસ, આ બત્રા સવાલો ન પૂછે અને પૂછે એના આપ શાંતિથી જવાબ આપી દેજો.

“અરે પણ આ આફત. ક્યારેય પોલીસને ઉંબરે પગ મૂકવાની નોબત આવી નથી.
“હોય એ તો બને ક્યારેક શેઠ ધંધામાં અને જીવનમાં આવું બધું ચાલ્યા કરે.

“બાદશાહ, આ બધું જલદી પતાવ હવે. આબુધાબીની પાર્ટી ઉતાવળ કરે છે. ત્યાં ગમે ત્યારે જવું પડશે.

“હું જોઉં છું. કોઇ લોકલ હૉસ્પિટલને સાધીને મેડિકલ પ્રૉબ્લેમના નામે આ બધું જલદી પતાવવાની શક્યતા જોઇ લઉં. પટેલ શેઠ.

“જે થાય એ જલદી કર. આ ગુલામી સહન નથી થતી. જો આપણે ક્યારના તૈયાર બેઠા છે પણ રાહ જોઇએ છીએ કે ઓલો બત્રો ક્યારે બોલાવે તને ખબર છે ને મને કોઇની રાહ જોવાની આદત નથી…’

મુરુડ પોલીસ સ્ટેશનના ઇનચાર્જ પ્રશાંત ગોડબોલે મોટામોટા પગલાં ભરીને એટીએસના પરમવીર બત્રા પાસે પહોંચ્યા.

“સર, તમે ‘મહારાષ્ટ્ર આજ’ પર જોયું?

‘હા, જોયું જી

“તો આપે કંઇ કર્યું નહિ?

“શું કરવાનું? આપણે તો પોતાના કામ પર ધ્યાન આપવું પડે જી.

“સર પણ કોઇ કારણ, પુરાવા કે સાબિતી વગર આને આતંકવાદી હુમલો ગણાવવો?

બધેબધા મૃતકો પર ત્રાસવાદીનો થપ્પો મારી દેવો એ તો સાવ ખોટું છે.

‘ગોડબોલેજી, આપણી પ્રાયોરિટી છે આપણી ડ્યૂટી. સમજ્યા જી?

“સોરી સર, ડ્યૂટીને પ્રાયોરિટી આપવા માટે માનવી હોવાનું ભૂલી ન જવાય. કાયદો જ કહે છે કે વન ઇઝ ૄઇનોસન્ટ ટીલ પ્રુવન ગિલ્ટી પણ અહીં તો.. સર, ક્યારેક મારા કે તમારા સ્વજન હોત તો તો આપણે એમના મરવા પર આંસુ સારતા હોત. કે પછી એવો ત્રાસવાદી ગણાવાયા બાદ સૌથી મોઢું સંતાડતા હોત?

બત્રાએ ઊભા થઇને ગોડબોલેેની નજીક જઇને એને ખભાથી પકડીને ઊભા કર્યા પછી ભેટી પડ્યા. “કૉંગ્રેચ્યુલેન્સ, આપને વર્દી કે અંદર ઇન્સાન કો જીંદા રખા હય જી
૦ ૦ ૦
‘મહારાષ્ટ્ર આજ’ના સ્કૂપે વિકાસને એકદમ ગુમસુમ કરી દીધો. “હોટેલમાં માર્યા ગયેલા બધા આતંકવાદી હતા? એમાં તો મોના દીદી હોવાની ય પૂરેપૂરી શક્યતા છે. ના, ના. દીદી ગમે તે હોય આતંકવાદી? નો વે, નેવર. પણ અહીંથી જેની સાથે ગઇએ કોણ? હવે એ મોબાઇલ નંબરની કુંડલીમાંથી જ સચ્ચાઇ મેળવવી પડશે.
વિકાસે તરત લેપટોપ ઑન કર્યું પછી મોબાઇલ ફોન ઉપાડીને એક નંબર ડાયલ કર્યો. ક્યાંય સુધી બેલ વાગતી રહી. જીજાજી, ખૂબ અપસેટ છે. તેમાં કૉલબેક જરૂર કરશે. એમને આ આતંકવાદીવાળી વાત કરવી કે નહિ? (ક્રમશ)ઉ

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button