લાડકી

અંગ્રેજ સરકારનો વિરોધ: ઈંગ્લૅન્ડ છોડવાનો આદેશ

કથા કોલાજ -કાજલ ઓઝા-વૈદ્ય

(ભાગ: 2)
નામ: ડો. એની બેસેન્ટ
સમય: 20 સપ્ટેમ્બર, 1933
સ્થળ: વારાણસી
ઉંમર: 86 વર્ષ

1872માં એક સ્ત્રીનાં લગ્ન તૂટે એ રૂઢિચુસ્ત અંગ્રેજ સમાજ માટે આઘાતજનક ઘટના હતી. શિક્ષણ અને ટેકનોલોજી ક્ષેત્રે વિકાસ કરી રહેલા અંગ્રેજો માનસિક રીતે પછાત, રૂઢિચુસ્ત, સત્તાલોલુપ અને સ્વાર્થી હતા. એમણે એ સમયના મજૂરો અને સ્ત્રીઓ સાથે દુર્વ્યવહાર કરતા. ક્રિશ્ચિયાનિટીના મારા વિચારોથી મારા પતિ ખૂબ નારાજ થયા, એમણે મને છૂટાછેડા આપ્યા એટલું જ નહીં, અંગ્રેજોની કોર્ટમાં એમણે એવો આક્ષેપ કર્યો કે, હું મારા બાળકોને ધર્મથી ગુમરાહ કરી રહી છું, ખોટું શિક્ષણ આપું છું માટે એમને મારી સાથે ન રહેવા દેવા જોઈએ… કોર્ટે મારા બંને બાળકોની કસ્ટડી મારી પાસેથી છીનવી લીધી. મારી માતા પણ મારાથી નારાજ હતી. એના શ્રધ્ધાળુ માનસમાં પણ ધર્મ વિરુધ્ધના મારા વિચારોથી આઘાત લાગ્યો હતો. એણે પણ મારો સાથ આપવાની ના પાડી દીધી… બાળકો વગરની હું, મારી માતાથી પણ દૂર થઈને ક્યાં જવું એ વિચારતી હતી ત્યારે મેં પૈતૃક સત્તા અને ચર્ચને પડકાર આપ્યો. પહેલી વખત સંતતિનિયમન અંગેના વિચારોને અંગ્રેજ સમાજ સામે મૂકીને એમને સમજાવ્યું કે, જો એક સારું જીવન નિર્મિત કરવું હોયતો જનસંખ્યા નિયંત્રણ એ પહેલું પગલું હોવું જોઈએ. દંપતી પોતાનાં લગ્નજીવનમાં પોતાની ઈચ્છાથી અને સાચા સમયે સંતાનોને જન્મ આપે એ ઈચ્છનીય છે. બે સંતાનો વચ્ચેના સમયગાળો પતિ-પત્ની નિયંત્રિત કરે એવી મારી વિચારસરણીનો પ્રખર વિરોધ થયો. એ પછી મેં એક પુસ્તક પ્રકાશિત કર્યું જેમાં જનસંખ્યા નિયંત્રણ વિશે ઉપાયો અને મારા વિચારો રજૂ કર્યાં. ઈંગ્લેન્ડના એક પ્રકાશકે એમાં આપત્તિજનક, અંગત તસવીરો ઉમેરીને એ પુસ્તકને પ્રચલિત કર્યું-જેને કારણે એ પુસ્તકની બૌદ્ધિક વેલ્યૂ ખતમ થઈ ગઈ અને એ પુસ્તકને લોકોએ એક સસ્તા, ગંદા સાહિત્ય તરીકે ઓળખાવીને મારા ઉપર કોર્ટ કેસ કર્યા. હું સમાજને ગુમરાહ કરું છું, ધર્મ વિરોધી વાતો કરું છું એવા આક્ષેપો સાથે મને ઈંગ્લેન્ડની કોર્ટમાંથી એવો આદેશ કરવામાં આવ્યો કે મારે મારું પુસ્તક પાછું ખેંચી લેવું અને જાહેર માફી માગવી. આ ઘટના પછી મારું મન ઈંગ્લેન્ડના સમાજની માનસિકતા અને રૂઢિચુસ્તતાને કારણે ખૂબ ખિન્ન થઈ ગયું.

એ દરમિયાનમાં મારે રાજનીતિ સાથે ઓળખ થઈ. મારી સામેના આક્ષેપોને ખોટા ઠરાવવા માટે એક માત્ર પત્રકાર વિલિયમ સ્ટીડે અંગ્રેજ સમાજ અને કોર્ટ વિરુધ્ધ કડક આલોચના કરતા લેખ લખ્યા. વિલિયમ સ્ટીડને કારણે કોર્ટનું વલણ બદલાયું. એ પછી વિલિયમ સ્ટીડનો આભાર માનવા માટે જ્યારે હું મળી ત્યારે એમણે મને ઈંગ્લેન્ડનું એક બીજું સ્વરૂપ બતાવ્યું. મજૂરો, દુષ્કાળ પીડિતો, ઝૂંપડીમાં રહેનારા ગરીબ લોકોની સાથે સાથે પીડિત અને શોષિત મહિલાઓનો એક આખો વર્ગ જેને વિશે ઈંગ્લેન્ડના ધનિક સમાજ, ચર્ચ કે કહેવાતા સમાજસેવકોએ ક્યારેય વિચાર નહોતો કર્યો! એ સમાજ સાથે મેં આત્મિયતાનો અનુભવ કર્યો. એમના માટે કામ કરવાનું શરૂ કર્યું, ત્યારે મને સમજાયું કે, દુ:ખી અને અભાવગ્રસ્ત લોકોની મદદ કરવામાં કેટલું સુખ છે! થોડાક જ સમયમાં વિલિયમ સ્ટીડે મને મજૂરોના યુનિયન-ટ્રેડ યુનિયનની સેક્રેટરી બનાવી. મહિલાઓને પણ પુરુષ જેટલી જ મજૂરી મળવી જોઈએ, એ વિચાર મેં ટ્રેડ યુનિયન સામે મૂક્યો, ત્યારે સમજાયું કે ઈંગ્લેન્ડમાં પુરુષ કરતાં મહિલા મજૂરોની સખ્યા વધારે હતી. બધી મહિલાઓ મારી સાથે જોડાઈ અને ઈંગ્લેન્ડમાં મહિલાઓને સરખી મજૂરી, પોતાનું બેન્ક ખાતું રાખવાનો વિશેષાધિકાર અને યોગ્ય રજા-માતૃત્વ અને સ્ત્રી સંબંધી સ્વાસ્થ્યના પ્રશ્નો વખતે અલગ રજા મળવી જોઈએ એ વાતનો સ્વીકાર થયો. આ ઘટનાએ મને ઈંગ્લેન્ડના સમાજમાં આદરપાત્ર સ્થાન અપાવ્યું. હવે હું ઈંગ્લેન્ડની રાજનીતિમાં મહત્ત્વની વ્યક્તિ તરીકે મારા વિચારો મૂકી શકતી હતી.

1878માં પહેલીવાર મેં ભારત અને ઈંગ્લેન્ડના સંબંધો વિશે મારા વિચારો પ્રગટ કર્યાં. મને લાગતું હતું કે, અંગ્રેજોએ ભારત સાથે અન્યાય કર્યો છે. સ્વતંત્રતાના સંગ્રામની હજી શરૂઆત નહોતી થઈ. 1857ના બળવાની પ્રતિક્રિયા હતી જેનાથી ઈંગ્લેન્ડની પાર્લામેન્ટમાં હાહાકાર થઈ ગયો હતો, પરંતુ અંગ્રેજો પોતાના હાથમાંથી ભારત જેવા જ્ઞાન અને કલાના ઉદગમ સ્થાન જેવા દેશને છોડવા માગતા નહોતા. એ દિવસોમાં મેં એક પુસ્તક લખ્યું, જેનું નામ હતું, ‘ઈંગ્લેન્ડ, ઈન્ડિયા એન્ડ અફઘાનિસ્તાન’. આ પુસ્તકમાં એક વ્યાપારી કંપનીએ કંઈ રીતે ભારત પર પોતાની સત્તા પ્રસ્થાપિત કરવા માટે દાવપેચ કર્યા અને વ્યાપાર કરવાની સહમતિમાંથી કઈ રીતે ભારતીયોને ગુલામ બનાવી દીધા એ વાતને અંગ્રેજ લોકો સુધી પહોંચાડવાનો મેં પ્રયાસ કર્યો. મેં યુરોપના લોકોના મનમાં રહેલા ભારત વિશેના વિચારોને બદલવાનો પ્રયાસ કર્યો. ભારત એ સાપ-મદારી અને હાથીઓનો દેશ નથી, ત્યાં કલા અને જ્ઞાનનો સંગમ છે એ વાત મારા પુસ્તક દ્વારા મેં આખા સમાજ સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો. અંગ્રેજોની સામ્રાજ્યવાદી નીતિઓ અને કુટનીતિની વાતો મેં મુક્ત અવાજે મારા પુસ્તકમાં લખી. રોબર્ટ ક્લાઈવ જે, ઈસ્ટ ઈન્ડિયા કંપનીના પહેલા ગવર્નર તરીકે ભારત આવ્યા, એમના જીવનની સચ્ચાઈને મેં મારા પુસ્તકમાં ઉઘાડે છોગ લખી. રોબર્ટ ક્લાઈવ બાળપણમાં એક ઝઘડાળુ અને ક્રૂર છોકરો હતો. એના ઘરવાળા એનાથી કંટાળી ગયા હતા. પોતાના જેવા બાળકોને ભેગા કરીને એ દુકાનદારોને ડરાવતો, ધમકાવતો અને એમની પાસે પૈસા કે ફળ લઈ લેતો. એને બાળપણમાં ચાર સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. એ માણસ જ્યારે ઈસ્ટ ઈન્ડિયા કંપનીમાં નોકરી લઈને મદ્રાસ બંદર પર કારકૂન તરીકે આવ્યો ત્યાંથી ઈસ્ટ ઈન્ડિયા કંપનીમાં તેમનું જીવન શરૂ થાય છે.

સાથે જ મેં મારા પુસ્તકમાં લખ્યું કે, રોબર્ટ ક્લાઈવની આ માનસિકતાને કારણે એણે ગામો સળગાવ્યા, લોકોની હત્યા કરી, સ્ત્રીઓની મર્યાદા લૂંટી, બાળકોને માર્યા, ઊભા પાક બરબાદ કર્યા અને ભારતને એક અધ્યાત્મિક અને કલાના ભવ્ય વારસા ધરાવતા દેશમાંથી ગુલામ બનાવીને અંગ્રેજ સત્તા સમક્ષ ઝૂકાવી દીધું. આ પુસ્તક પ્રકાશિત થતાં જ અંગ્રેજ સમાજે મારો વિરોધ કર્યો. હવે માત્ર અંગ્રેજ સત્તાધિશો નહીં, પરંતુ ક્વિને પણ મારા પુસ્તક સામે વાંધો લીધો. મોનાર્કી તરફથી મને એક સંદેશ મળ્યો જેમાં મને પુસ્તક પાછું ખેંચવાનો આદેશ કરવામાં આવ્યો. મેં પુસ્તક પાછું ખેંચવાની ના પાડી ત્યારે ઈંગ્લેન્ડના સત્તાધીશો દ્વારા મને કહેવામાં આવ્યું કે, જો મને ભારત માટે એટલો જ પ્રેમ હોય તો મારે ભારત જઈને વસવું જોઈએ. આ વાત મને અનુકૂળ લાગી.

એ દિવસોમાં હું ભારતીય પરંપરા અને દર્શન શાસ્ત્રનો અભ્યાસ કરી રહી હતી. એ વખતે મેં એક બીજું પુસ્તક લખ્યું, જેનું નામ હતું, ‘ફ્રી થિન્કર્સ’. આ પુસ્તકમાં મેં મુક્ત વિચારોની પ્રશંસા કરી એટલું જ નહીં, એ જ વખતે ‘ડિએસ્ટાબ્લિશ ધ ચર્ચ’ અને ‘ધ સેંસ ઓફ ધ ચર્ચ ઓફ ઈંગ્લેન્ડ’ નામના બે પુસ્તકોનું સંપાદન કર્યું, જેને કારણે સહુને લાગ્યું કે, હું અંગ્રેજ વિરોધી છું. સત્ય તો એ છે કે, હું અંગ્રેજ વિરોધી નહીં, બલ્કે અંગ્રેજ સરકારની અન્ય દેશો પર સત્તા જમાવવાની નીતિ અને સત્તાલોલુપતા, અને ધર્માંધતાનો વિરોધ કરી રહી હતી. અંગ્રેજ સરકાર વધુ ને વધુ સંસ્થાનો પર સત્તા જમાવવા માટે કુટનીતિ અને દાવપેચનો ઉપયોગ કરી રહી હતી, જ્યારે બીજી તરફ ભારતના લોકો અંગ્રેજોના અત્યાચારથી ત્રાહિમામ પોકારી રહ્યા હતા. આ એ સમયની વાત છે જ્યારે ભારત પાસે ગાંધી કે નહેરુ જેવા નેતાઓ નહોતા… હજી સ્વતંત્રતા સંગ્રામની સાચી શરૂઆતને વાર હતી.(ક્રમશ:)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button