નવા વર્ષે સારી યાદોનું વેલકમ કરવા તૈયાર રહીએ
સંબંધોને પેલે પાર -જાનકી કળથિયા
દિવાળી પર ઘર અને ઘરની આસપાસની સફાઈને અગ્રિમતા આપતાં પહેલાં સ્વની સાફસફાઈ વિશે વિચાર્યું? નકામા કચરાના નિકાલ અંગે ચિંતા કરનારા આપણે સૌ આપણા મનમાં ભરેલ કચરાના નિકાલનો કોઈ માર્ગ વિચાર્યો? શું બાહરી સફાઈ જ અગત્યની છે? મન અને હૃદયમાં બાજેલ મેલને સાફ કરવાના મુહૂર્ત જોવા પડશે?
આપણે બધા જ દિવાળી આવે એટલે ઘરમાં સાફસફાઈને લઈને એટલા બધા જાગૃત થઈ જઈએ છીએ કે જાણે એનાથી વિશેષ કશું છે જ નહીં. ઘરને સાફ કરવામાં, સજાવવામાં અને શણગારવામાં આપણે કેટલો બધો ટાઈમ ઈન્વેસ્ટ કરીએ છીએ. સાવ સામાન્ય કહી શકાય એવી વસ્તુઓ માટે કલાકો ફાળવીએ છીએ. જરાક અમથી ધૂળ કે નાનકડો દાગ અથવા લિસોટો પણ આપણને મંજૂર નથી હોતો. આટલી જ કેર આપણે આપણી જાત માટે કરી? એને નિખારવાના પ્રયત્નો કર્યા? એને વધુને વધુ અપડેટ કરવા માટે કશુંય કર્યું? પહેલાં કરતાં વધુ ઉદાર અને વિનમ્ર બન્યા? મને તો આવા પ્રશ્ર્નો વધુ થાય.
‘મેં રેડ કલરની લાઇટ્સનું કહ્યું હતું, તમે ઓરેન્જ કેમ લાવ્યા?’, ‘મને તો કિચન અપ ટૂ ડેટ જ જોઈએ, એમાં જરાય ન ચાલે.’, ‘રંગોળી માટેની ડિઝાઈન આ વર્ષની હોય એવી જ જોઈએ’, ‘ઝુમ્મરની કોડી સીધી રહે એમ જ લટકાવજે’, ‘ફોટોફ્રેમ પરનો હાર સહેજ ત્રાંસો છે, એ સીધો કરી નાખ’, ‘મીઠાઈની પ્લેટ્સ કાઢી છે એમાં અન્ય વસ્તુ ન જોઈએ’, ‘ટેબલ પર મૂકેલી મુખવાસદાની ફરતે ફ્લાવર્સની સજાવટ જ જોઈએ’, ‘આ વર્ષે નવો ક્રોકરી સેટ લાવ્યા છીએ એમાં જ મહેમાનોને પીરસવાનું છે’, ‘વધારાની પસ્તી સ્ટોર રૂમમાં ન હોવી જોઈએ’, ‘ધૂળનો એક કણ પણ મને મારા ઘરમાં ન ચાલે’ આવા પ્રકારનાં વાક્યો લગભગ દરેક ઘરમાં સાંભળવા મળે. માની શકાય કે આપણે જ્યાં રહીએ છીએ એ ઘરને સાફ સુથરું રાખવું એ આપણી જવાબદારી છે, પણ એના કરતાં ક્યાંય વધુ આપણે આપણા મન અને હૃદયને ચોખ્ખા રાખવાનાં છે, એને સજાવવાનાં છે, એનું હિલિંગ કરવાનું છે જે કદાચ કટાઈને પડ્યાં છે. એના તરફ સેવાતું દુર્લક્ષ જરાય સાંખી શકાય એમ નથી.
આખું વર્ષ કામ કરીને થાકેલી આપણી જાતને નવા વર્ષે ફરીથી પેમ્પર કરવાની છે. મનમાં બાઝેલા મેલને ઉખાડીને બીજા ગ્રહ પર ફેંકી દેવાનો છે. મનની અંદર જામેલી ધૂળની ચાદરને હટાવી દેવાની છે. હૃદયના દ્વારે રંગોળી પૂરવાની છે. આત્માના આંગણે સ્નેહના દીવા પ્રગટાવવાના છે. અંતરના ઊંડાણમાં ‘સ્વ’ ને ભેટીને નવા વર્ષની શુભેચ્છાઓ આપવાની છે. મનમાં કોઈ પ્રત્યે જો દ્વેષભાવ, ઈર્ષ્યા કે અકળામણ હોય તો એને રોકેટ સાથે બાંધીને દૂર સુધી ઉડાડી મૂકવાના છે. જે લોકોને આપણા સાથ, પ્રેમ અને સહકારની જરૂર છે એને આતમના આંગણે આવકારવાના છે. અને જે લોકોનો સાથ આપણને પીડા આપી રહ્યો છે, આપણા પ્રયાસ પછી પણ એ સંબંધ સુધરી શકવાના કોઈ જ ચાન્સ નથી, એને પ્રેમથી જાકારો આપી દેવાનો છે, કારણ કે મનને મલીન કરનાર કોઈ ઘટના હોય, વસ્તુ હોય કે પછી વ્યક્તિ- એની સફાઈ થવી ખૂબ જરૂરી છે.
કિચનના પ્લેટફોર્મ કે ઓફિસના ટેબલ પર નાનકડો લિસોટો સહન ન કરી શકનાર આપણે આપણા મન પર કેટકેટલુંય ઉઠાવીને ફરીએ છીએ. અનેક સંબંધોના બોજ તળે દબાઈને જીવીએ છીએ.
આપણા હૃદય પર નાહકનો ભાર આપીએ છીએ. પાર વિનાની પીડા અને ન ગમતું કર્યાનો થાક વેંઢારીએ છીએ. જો એનો એક્સરે કાઢી શકાતો હોત તો કદાચ આપણને એની ગંભીરતા સમજાત. એ સોનોગ્રાફી કે સીટી સ્કેનમાં પકડાઈ શકતું હોત તો કદાચ કેટકેટલું વેરણછેરણ થઈ જાત. જે સંબંધ માટે સર્વસ્વ ગુમાવવાની તૈયારી બતાવી હોય ત્યાં આપણા ભાગ્યમાં મીંડું આવે એ પહેલાં મગજ પર લાગેલા કાટને દૂર કરી દેવો જોઈએ. ઘરમાં બાઝેલા જાળાને દૂર કરવા કરતાં દોઢસો ગામના હૃદયમાં બાઝેલા અહંના પોટલાને દૂર કરવામાં શાણપણ છે. અકારણ પીડાથી રાતુંપીળું થઈ જતું આપણું હૃદય ધબકારો ચૂકી જાય એ પહેલાં એને મનભરીને ધબકવા દેવાનું હોય છે.
આ જીવન કોઈપણ બનાવ પાછળ અફસોસ કરવા માટે બિલકુલ નાનું છે. શરીરની બાહ્ય સુંદરતા અને ઘરને ટીપટાપ બનાવવાના અભરખાથી આપણે ક્ષણિક તો ખુશ થઈએ છીએ પણ કદાચ આપણને અંદરથી તોડે છે. દેખાદેખીના આ યુગમાં અન્યોને જોઈએ ઈમ્પ્રેસ થતી આપણી જાત આપણા જ વર્તન થકી કેટલી ઈમ્પ્રેસ થાય છે એ અંગે તો કશું વિચારતા જ નથી. કોઈને માફ ન કરી શક્યાની પીડા હોય કે કોઈની પાસે માફી માગી ન શક્યાનો અફસોસ, કોઈ સાથે અણછાજતું વર્તન કર્યાનો વસવસો હોય કે કોઈને અકારણ સંભળાવી દીધાની વેદના, કોઈને સાથ ન આપી શક્યાનો પછતાવો હોય કે કોઈનો સાથ ન મેળવી શક્યાનો રંજ, કોઈને પ્રેમ ન આપી શક્યાનું દુ:ખ હોય કે કોઈનો પ્રેમ ન પામી શક્યાની અધૂરપ, કોઈની ખુશી ન મેળવી શક્યાનું કારણ હોય કે કોઈની યાતનાનું કાયમી સરનામું, કોઈના માર્ગમાં પથ્થર બન્યાની સાબિતી હોય કે કોઈએ માર્ગમાં નાખેલ પથ્થર, કોઈના મોં પરની દુ:ખની લકીર ખેંચ્યાની યાદો હોય કે કોઈએ કાયમી માટે સ્માઈલ છીનવી લીધાની પીડા, કોઈની ઈર્ષ્યાનો ભોગ બન્યા હોઈએ કે કોઈ માટે ઈર્ષ્યાનું કારણ, કોઈના મનમાં આપણા માટેનો દ્વેષ હોય કે આપણા મનમાં અન્ય માટેનો દ્વેષભાવ, કોઈના માટે કરેલી ગાંડી મહેનત હોય કે પછી કોઈની મહેનત પર ફેરવેલ પાણી, કોઈને વારંવાર બોલાવ્યા પછીય ન મળતો પ્રતિસાદ હોય કે
કોઈએ ક્યારેય આપણને ન બોલાવ્યાની કઠોરતા, કોઈ માટે મનમાં નીકળેલ અપશબ્દો હોય કે કોઈએ આપણને કહેલ કડવા વેણ- આ બધું જ હૈયામાં સંગ્રહીને બેઠેલી આપણી જાતને એમાંથી ક્યારે મુક્ત કરીશું?
ખરેખર સફાઈ કરવાની છે તો એ પીડાની કરવાની છે જેને યાદ કરતાં વર્ષો જૂના ઘાવ તાજા થાય છે. નકામી યાદોનો નિકાલ કરવાનો છે જેનો સંગ્રહ આપણા ભવિષ્યને ધૂંધળું કરી રહ્યો છે. બાહ્ય સજાવટના બદલે આપણી જાતને મઘમઘતી રાખવા વધુ મથવાનું છે. મનની મેમરી ચીપમાં રોકાયેલી પીડાદાયક યાદોને કાયમી ધોરણે ડીલીટ કરીને સારી યાદોનું વહેલીતકે વેલકમ કરવાનું છે. ગમતાં પાત્રની સહેજ ન ગમતી બાજુને સાઈડ પર રાખી સમજણ, સ્નેહ અને સમજદારીરૂપી લાગણીઓનું સિંચન કરવાનું છે. ગમતાં સંબંધો સાથે ‘સ્વ’ને ભેળવી મસ્ત મજાની રંગોળી બનાવવાની છે. હૈયાના તોરણે હેતના હિલોળા લેતી સજાવટ એના ખૂણે ખૂણે કરવાની છે. આનંદોત્સવ અને હર્ષોત્સવમાં કષ્ટદાયક કડવાશને એકકોર મૂકી નિજાનંદમાં મ્હાલવાનું છે. તો ચાલો, આ નવા વર્ષે ભીતરી સુંદરતાને વધુ મહત્ત્વ આપી એને નિખારવા પ્રયાસ કરીએ…
ક્લાઈમેક્સ: મારા માટે હવે કોઈ સજાવટ કે શણગારનું મહત્ત્વ નથી રહ્યું, જ્યારથી તું મળ્યો ત્યારથી હું રોજ નીખરી રહી છું…!