મુગ્ધાવસ્થા હોય કે મધ્યાવસ્થા-આવી બેદરકારી હાનિકારક છે…
ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી -શ્ર્વેતા જોષી-અંતાણી
છેલ્લા બે દિવસથી એનું શરીર બીમારીમાં પટકાયું હતું, છતાં હરહંમેશની જેમ સ્નેહા હિંમતપૂર્વક પોતાનું રોજિંદું કાર્ય કરતી હતી, પરંતુ આજે તો ઊઠી જ ના શકાય એ હદે એને નબળાઈ વર્તાય. ત્રણેક દિવસ અગાઉથી સામાન્ય શરદી, થોડી ઉધરસ અને વારંવાર આવતી છીંકો જેવી તકલીફ હવે ધીમે ધીમે શરીરમાં તાવ, કળતર અને અશક્તિ જેવા લક્ષણનો ઉમેરો કરતી જતી હતી. શરીરમાં ઉત્પન્ન થયેલી આવી નાની-મોટી સમસ્યા અંગે ડોક્ટરને બતાવવાની કે કોઈ રિપોર્ટસ કરાવવાની વાત તો દૂર રહી, પરંતુ ના તો એણે ઘરમાં કોઈને કશું કહ્યું હતું કે ના તો એકપણ પ્રકારની દવા લીધેલી. આજે સવારે જયારે એ વિહાને સમયસર ઉઠાડી શકી નહિ ત્યારે પણ અનુભવાતી લાચારી પોતાની જાત માટે હતી એના કરતાં એને વધુ ચિંતા ઘરનાં કામ અને લોકો હેરાન થતા હશે એની હતી. ઊભું તો થવું જ પડશે ને આખા ઘરનું તંત્ર ખરાબે ચડી ગયું હશે એમ વિચારી પથારીમાં બેઠી થવા પ્રયત્નશીલ સ્નેહાના નામની બૂમો પડવાની નીચેથી શરૂ થઇ ગઈ. થોડીવાર સુધી સામે જવાબ ના મળ્યો એટલે સૌથી પહેલા વિહા ઉપર આવી. રૂમના દરવાજાને ધક્કો મારી અંદર પ્રવેશતા જ સામે સ્નેહાની હાલત જોતા જ એના મોઢામાંથી ઠપકાભર્યા શબ્દો સરી પડ્યા: ‘તબિયત સારી નથી તો કોઈને કહેવાય નહીં? દવા લઇ લેવાય કે ડોક્ટર પાસે જવાય કે નહીં? અમે બીમાર પડીએ છીએ તો તું કેવી ઝટ દઈને અમારો ઈલાજ કરવા લાગી જાય છે? અને તું જયારે બીમાર પડે ત્યારે શા માટે તારી જાતને આટલી તકલીફ પડવા દે છે એ જ મને તો સમજાતું નથી…’
સ્નેહા કોઈજ જવાબ આપ્યા વગર એમ જ પડી રહી : વિહાની વાત સાચી તો હતી આજ સુધી એણે ક્યારેય પોતાની બીમારીને ગંભીરતાથી લીધી નથી. માથું દુ:ખવું- તાવ આવવા જેવી નાની- મોટી તકલીફોને અવગણે. બહુ થાય તો ઘરમાં પડેલી કોઈ દવા લઇ લે એકાદવાર. શરીરને આગળ જતા શું નુકસાન થશે એનો એકપણ વખત વિચાર કર્યા વગર…
પહેલેથી એ આમજ જીવતી આવી છે. માત્ર એજ નહીં એની આસપાસની મોટાભાગની સ્ત્રીઓ આજ પ્રકારે વગર કોઈ કારણે વર્ષો સુધી પરેશાની વેઠતી આવી છે. એનું કારણ શું હોય શકે એ પ્રશ્ર્ન શા માટે કોઈને નહિ થતો હોય?
કારણ એ છે કે, આપણે સિનેમા, હોટેલ , ફેશનેબલ કપડા તેમજ અન્ય પ્રસાધનો પાછળ હજારો કે લખલૂટ રૂપિયા ખર્ચીએ, પરંતુ આપણા પોતાના અંગત સ્વાસ્થ્ય માટે એક નવો રૂપિયો પણ ખર્ચતા પહેલાં દસ વાર વિચારીએ છીએ. આ પ્રકારની માનસિકતા સર્વત્ર પ્રવર્તમાન હોય ત્યારે આપણું શરીર અનેકવિધ રોગોનું ઘર ના બને તો જ નવાઈ! ખરી રીતે તો ઉંમરના દરેક તબક્કે નિયમિતરૂપે આરોગ્યની તપાસ થતી રહે એ અત્યંત આવશ્યક છે. જેને એવી આદત ના હોય એણે આવી સુટેવો વહેલી તકે પોતાની રોજિંદી જીવનશૈલીમાં અપનાવી લેવી જોઈએ.
મુગ્ધાવસ્થાની સોનેરી સવાર હોય કે મધ્યાવસ્થાની ઢળતી સાંજ… ઉંમરનો દરેક તબક્કો એટલી કાળજીની હકદાર તો છે જ. આમ પણ,
મુગ્ધાવસ્થા હોય કે મધ્યાવસ્થા, પોતાની શારીરિક તપાસ નિયમિત સમયગાળામાં ડોક્ટરની સલાહ મુજબ ચોક્કસ કરાવતા રહેવી જોઈએ. દરેક વખતે કંઈ બીમાર પડીએ તો જ ડોકટર કે હોસ્પિટલ જવાય એવું ના હોય. ક્યારેક બીમારી આવે એ પહેલાં જ એને અટકાવીને પાછી વાળવી અત્યંત જરૂરી છે. સ્નેહા જેવી બહેનો તો બીમાર પડ્યા પછી પણ મોટાભાગે ડોક્ટર પાસે બતાવવાનું કે દવા લેવાનું ટાળતી હોય છે . આમ છતાં બીમારી જ ના હોય એવા સંજોગોમાં પણ હેલ્થ પ્રત્યે સજાગ રહેવું એ બહુ જરૂરી છે. બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, થાયરોઈડ કે હાઈ કોલેસ્ટેરોલ લેવલના અગાઉથી કોઈ ખાસ લક્ષણો નથી હોતા. આથી જો સમયાંતરે હેલ્થ ચેકઅપ કરાવતા રહીએ તો આવી બીમારીથી થતી નુકસાનીને આપણે ઘણી ઘટાડી શકીએ.
બીજું ખાસ એ યાદ રાખવું કે મધ્યાવસ્થા દરમિયાન જો દરેક રિપોર્ટ નોર્મલ આવે તો પણ એકાદ વર્ષના અંતરાલે એક વાર ફૂલ બોડી ચેક અપ કરાવી લેવાની આદત પાડવી, કારણ કે ાયિદયક્ષશિંજ્ઞક્ષ શત બયિિંંયિ વિંફક્ષ ભીયિ અને એટલે જ મુગ્ધાવસ્થામાં પ્રવેશ સાથે અમુક રોગ સામે રસીકરણ જરૂરી બને તો એ પણ ઉમરની માંગ પ્રમાણે લઇ લેવા જોઈએ અને મન પડે એમ આડીઅવળી દવા જાતે લેવાની કુટેવ ટાળવી જોઈએ, કારણકે તમે એની આડ અસરો વિષે જાણતા ના હો…
સો વાતની એક વાત, મુગ્ધાવસ્થા હોય કે મધ્યાવસ્થા… બહેનોએ જીવનમાં પોતાના સ્વાસ્થ્ય સંબંધી રક્ષાત્મક પગલાઓ લેવા જ જોઈએ. એમ ન કરો તો જિંદગીની પાનખર આવતાં પહેલાં જ ક્યારેક આખું વૃક્ષ ખરી પડે એવું બને…