લાડકી

માઉન્ટ એવરેસ્ટ પર આરોહણ કરનાર પ્રથમ મહિલા બચેન્દ્રી પાલ

ભારતની વીરાંગનાઓ -ટીના દોશી

સંસ્કૃતમાં દેવગિરિ, તિબ્બતીમાં ચોમોલંગમા અને નેપાળીમાં સાગરમાથા….

આ ત્રણેય નામનો અર્થ અનુક્રમ દેવોના ેપર્વત- બ્રહ્માંડની દેવી અને આકાશની દેવી થાય છે. મજાની વાત એ છે કે ત્રણેય ભાષામાં જુદો અર્થ હોવા છતાં એનો એક જ અર્થ થાય છે :
માઉન્ટ એવરેસ્ટ…!

દરિયાઈ સપાટીથી અંદાજે ૨૯,૦૨૯ ફીટની ઊંચાઈએ આવેલો દુનિયાનો સૌથી ઊંચો પર્વત !

આ માઉન્ટ એવરેસ્ટને સર કરવું એ પ્રત્યેક પર્વતારોહકનું સ્વપ્ન હોય છે, પણ દરેકનું સપનું સાકાર થતું નથી. જૂજ પર્વતારોહકો જ એવરેસ્ટના શિખરે પહોંચી શક્યા છે. આવા પર્વતારોહીઓમાં એક બચેન્દ્રી પાલ પણ છે. ૨૩ મે- ૧૯૮૪ના બપોરે એક વાગીને સાત મિનિટે બર્ફીલા તોફાનો અને પર્વતીય ઝંઝાવાતો સામે ઝઝૂમીને બચેન્દ્રી પાલે એવરેસ્ટના શિખરે પહોંચીને ત્રિરંગો ફરકાવ્યો ત્યારે ભારતીય પર્વતારોહણના ઈતિહાસમાં એક અનોખો ઈતિહાસ સર્જાયો,. કારણ કે બચેન્દ્રી પાલ માઉન્ટ એવરેસ્ટ પર પહોંચનાર પ્રથમ ભારતીય મહિલા હતી !

એવરેસ્ટ સર કરીને ભારતને ગૌરવ અપાવનાર બચેન્દ્રી પાલનું પણ ગૌરવ કરવામાં આવ્યું. દેશના ચોથા સર્વોચ્ચ સન્માન ‘પદ્મશ્રી’થી ૧૯૮૪માં એને સન્માનિત કરવામાં આવી. ૧૯૮૬માં ‘અર્જુન પુરસ્કાર’ પછી ૨૦૧૯માં દેશના ત્રીજા સર્વોચ્ચ સન્માન ‘પદ્મભૂષણ’થી બચેન્દ્રી પાલને નવાજવામાં આવી.

માઉન્ટ એવરેસ્ટનું આરોહણ કર્યા પછી પણ બચેન્દ્રી પાલે ઘણાં સફળ પર્વત અભિયાનો કયાર્ં. જૂન ૧૯૮૬માં કેદારનાથ શિખરના આરોહણ દળનું નેતૃત્વ કર્યું અને વિજેતા થઈ. એ જ વર્ષે યુરોપીય મહાદ્વીપની સર્વોચ્ચ પર્વતશૃંખલા માઉન્ટ બ્લોકનું સફળ આરોહણ કર્યું. ૧૯૮૬ અને ૧૯૮૯માં ટાટા કંપની દ્વારા પ્રાયોજિત અનુક્રમે કૈલાશ, કામેટ અને અબિગામિન પર્વતમાળાના સફળ આરોહીટુકડીનું નેતૃત્વ કર્યું. ૧૯૯૦માં ન્યૂઝીલેન્ડ સ્થિત રુઆપેહ, અર્નસ્લો અને આગ્રીયસ પર્વતમાળા પર સફળ આરોહણ કર્યું. સપ્ટેમ્બર ૧૯૯૧માં કામેટ અને અબિગામીન પર્વતશૃંખલા પર મહિલાઓના પ્રિ-એવરેસ્ટ સિલેકશન એક્સપીડિશનનું નેતૃત્વ કર્યું. ટુકડીની સોળ મહિલાએ અબિગામીનની ૨૫,૩૫૦ ફીટની ઊંચાઈ સર કરીને વિક્રમ સર્જ્યો. મામોસ્ટાંગ કાંગડી પર્વતશિખર પર બીજા પ્રિ-એવરેસ્ટ સિલેકશન એક્સપીડિશનનું નેતૃત્વ કર્યું. એ પછી ૧૯૯૨માં ટાટા દ્વારા પ્રાયોજિત માઉન્ટ શિવલિંગ અભિયાનનું નેતૃત્વ કર્યું. આ ટુકડીના અઢાર સદસ્યોએ એવરેસ્ટ પર
પહોંચવામાં અસાધારણ સફળતા મેળવેલી, જેમાં સાત મહિલા હતી. ૧૯૯૪માં હરિદ્વારથી કોલકાતા સુધીના ૨૧૫૦ કિલોમીટરના અંતરનું ગંગા નદીમાં ‘ઇન્ડિયન વિમેન્સ રાફટિંગ એક્સપીડિશન’ -નૌકા અભિયાનનું સફળ નેતૃત્વ કર્યું. ૧૯૯૭માં ‘ધ ઇન્ડિયન વિમેન્સ ફર્સ્ટ ટ્રાન્સ- હિમાલયન જર્ની-૯૭’નું નેતૃત્વ કર્યું. આ યાત્રાદળે ભૂટાન, નેપાળ, લેહ અને સિયાચીન ગ્લેશિયરના રસ્તે કારાકોરમ પર્વતશૃંખલા પર સમાપ્ત થતા લગભગ ચાર હજાર કિલોમીટરનું અભિયાન સફળતાથી પૂરું કર્યું. દુર્ગમ ક્ષેત્રમાં આ પ્રથમ મહિલા સાહસ હતું. પર્વતારોહીઓ દ્વારા સાહસિક યાત્રાઓના વિશ્ર્વ ઇતિહાસમાં આ એક અનોખો અને બેહદ પડકારજનક પ્રયાસ હતો, જે બચેન્દ્રી પાલના સાહસ અને સંકલ્પે પૂરો કરી દેખાડ્યો. સાહસની યશકલગીમાં વધુ એક પીંછું ઉમેરતાં ૨૦૦૮માં આફ્રિકાની સૌથી ઊંચી પર્વતમાળા માઉન્ટ કિલિમાંજરોનું પણ સફળ આરોહણ કર્યું.

આમ પર્વતારોહણના ઇતિહાસમાં ભારતનું નામ રોશન કરનાર બચેન્દ્રી પાલનો જન્મ ૨૪ મે ૧૯૫૪ના તત્કાલીન ઉત્તર પ્રદેશ અને વર્તમાન ઉત્તરાખંડમાં ઉત્તરકાશીના નાકુરીમાં પહાડોના ખોળે થયેલો. માતા હંસાદેવી. પિતા કિસનસિંહ પાલ એક સરહદી વ્યાપારી હતા, જે ભારતથી તિબેટ કરિયાણું પૂરું પાડતા. બચેન્દ્રીનું પ્રાથમિક શિક્ષણ સરકારી શાળામાં થયું. સ્નાતક અને અનુસ્નાતક થયા પછી બી.એડ. કર્યું.

બચેન્દ્રીના પરિવારજનો ઇચ્છતા હતા કે એ અધ્યાપિકા બને. બચેન્દ્રીએ કેટલોક સમય અધ્યાપિકા તરીકે કામ કર્યું, પરંતુ વળતર ઓછું મળવાને કારણે એણે નોકરી છોડી દીધી.

આમ પણ બચેન્દ્રી કાંઈક અનોખું કરવા ઉત્સુક હતી.. બાર વર્ષની ઉંમરે બચેન્દ્રી શાળાની પિકનિક દરમિયાન પહેલી વાર ચારસો મીટરની ઊંચાઈએ આવેલા એક પર્વતનું આરોહણ કરી ચૂકેલી. એ પહાડ ચડતી ગઈ, પણ શિખરે પહોંચતાં સાંજ પડી ગયેલી. પાછા ફરવામાં ખબર પડી કે અંધારામાં ઊતરવું અઘરું પડશે. રાત્રિરોકાણ માટે કોઈ વ્યવસ્થા નહોતી. સામાન કે સરંજામ નહોતો એટલે ભોજન અને તંબૂ વિના ખુલ્લા આકાશ હેઠળ રાત ગાળીને સવારે નીચે ઊતરી ગઈ…

આ ઘટના પછી બચેન્દ્રીને વિચાર આવ્યો કે પોતે અચ્છી પર્વતારોહક બની શકે એમ છે!

આ વિચાર બચેન્દ્રીએ અમલમાં મૂક્યો. ‘નેહરુ ઇન્સ્ટીટયુટ ઓફ માઉન્ટેનિયરિંગ’માં પ્રવેશ મેળવ્યો. પરિવારના વિરોધ વચ્ચે પર્વતારોહક બનવા કમર કસી ૧૯૮૨માં ગંગોત્રી અને રુદુગૈરાનું ચડાણ કર્યું. આ કેમ્પમાં બ્રિગેડિયર જ્ઞાનસિંહે બચેન્દ્રીને પ્રશિક્ષક તરીકેની પહેલી નોકરી આપી. પછી તો બચેન્દ્રી એક પછી એક સફળતાનાં શિખર સર કરતી ગઈ. ૧૯૮૪માં ભારતનું ચોથું એવરેસ્ટ અભિયાન શરૂ થયું. આ સાહસમાં બચેન્દ્રી સહિત સાત મહિલા અને અગિયાર પુરુષનો સમાવેશ કરવામાં આવ્યો. એવરેસ્ટ આરોહણ માટે સઘન તાલીમ આપવામાં આવી અને ૭ માર્ચ ૧૯૮૪…. એવરેસ્ટ પર ચડાઈ કરનારી ટુકડી દિલ્હીથી હવાઈ જહાજ મારફત કાઠમંડુ જવા નીકળી પડી. નેપાળ પહોંચ્યા પછી ગણતરીના દિવસોમાં ‘એવરેસ્ટ વિજય’નું સાહસ શરૂ થયું. એનું પહેલું ચરણ બેઝ કેમ્પ હતું. બેઝ કેમ્પથી સફર શરૂ થઈ ત્યારે જ એમને ચેતવણી આપવામાં આવેલી કે શિખરે જનારને ખરાબ હવામાનમાં દક્ષિણ-પૂર્વી તોફાનનો સામનો કરવો પડે છે. આ વાત ધ્યાને રાખીને સાહસનો આરંભ થયો. આખરે કેમ્પ એક પર પહોંચ્યાં. ૯૯૦૦ ફીટની ઊંચાઈએ. બીજે દિવસે બીજા કેમ્પ ભણી પ્રયાણ કર્યું. ૨૧,૩૦૦ ફીટની ઊંચાઈએ આવેલી બીજી છાવણીએ પહોંચ્યા પછી ૨૪,૫૦૦ ફીટની ઊંચાઈએ ત્રીજી છાવણીએ.

જો કે પર્વતારોહીઓની ટુકડી જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ મુશ્કેલીઓ વધતી ગઈ. ઊંચાઈએ પહોંચવાની સાથે ઠંડી પણ ખૂબ વધી ગઈ. કેટલાંકને તો શ્ર્વાસ લેવામાં પણ તકલીફ પડવા લાગી. પરેશાનીનો સામનો તો બચેન્દ્રી પાલે પણ કરવો પડ્યો, પણ એણે હાર ન માની. ૨૬,૦૦૦ ફીટની ઊંચાઈએ આવેલી ચોથી છાવણી સુધી પહોંચતાં તો ટુકડીની તમામ મહિલા હથિયાર હેઠાં મૂક્યાં, એકમાત્ર બચેન્દ્રી સિવાય….!

એવરેસ્ટ હવે ઢૂંકડું હતું. ચોથી છાવણી પછીનો પડાવ હતો એવરેસ્ટનું શિખર. ખતરનાક હિમશિલાઓ વચ્ચે પાવડાથી બરફ તોડતા-કાપતાં કાપતાં ૨૩ મેની બપોરે આરોહક ટુકડી શિખરે પહોંચી. સામાન્યપણે આટલી ઊંચાઈએ પ્રતિ મિનિટ ચાર લિટર ઓક્સિજનની જરૂર પડે છે, પણ બચેન્દ્રીએ પ્રતિ મિનિટ અઢી લિટર ઓક્સિજનનો ઉપયોગ કરીને આરોહણ કર્યું. બપોરે એક વાગીને સાત મિનિટે બચેન્દ્રીએ એવરેસ્ટનું શિખર સર કર્યું.

    એ ક્ષણ વિશે બચેન્દ્રીએ આત્મકથામાં લખ્યું  છે કે, ‘મારો તો જાણે શ્ર્વાસ જ બંધ પડી ગયેલો. શિખરની ટોચે એટલી જગ્યા

નહોતી કે એકસાથે બે જણ ઊભા રહી શકે. ચારેબાજુ હજારો મીટર લાંબા બર્ફીલા ઢોળાવ જોતાં સૌથી મોટો સવાલ સુરક્ષાનો હતો. મેં પાવડાથી બરફ ખોદીને સુરક્ષિતપણે ઊભા રહેવાની જગ્યા બનાવી…’ અને પછી તો બચેન્દ્રીએ ત્રિરંગો ફરકાવીને ઈતિહાસ સર્જ્યો.

  એ સાથે બચેન્દ્રી પાલ એવરેસ્ટ સર કરનાર વિશ્ર્વની પાંચમી મહિલા અને ભારતની પ્રથમ મહિલા બની. બચેન્દ્રી પહેલાં આ ચાર   મહિલાએ એવરેસ્ટ સર કરેલું. ૧૬ મે ૧૯૭૫ના જાપાનની જન્કો તાબેઈ, ૨૭ મે ૧૯૭૫ના ચીનની મિસ ફન્તોગ, ૧૬ ઓક્ટોબર ૧૯૭૮ના પોલેન્ડની વાંડા રુત્કીવિત્ઝ અને ૨ ઓક્ટોબર ૧૯૭૯ના પશ્ર્ચિમ જર્મનીની હન્નેલોર શામાત્ઝ.....આ યાદીમાં ૨૩ મે  ૧૯૮૪ના દુનિયાની પાંચમી અને દેશની પહેલી મહિલા તરીકે નામ નોંધાવીને ભારતનું ગૌરવ વધારનાર બચેન્દ્રી પાલ વિશે ‘મન હોય તો માળવે જવાય’ કહેવતમાં થોડો ફેરફાર કરીને એમ આપી શકાય કે ‘મન હોય તો માઉન્ટ એવરેસ્ટ પણ  ચઢી શકાય !’  ...

આશરે ૯૭૬ શબ્દ…

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા