લાડકી

એવોર્ડ-રિવોર્ડના આટાપાટા

‘દસ પ્રકારના નારી ગૌરવ’ એવોર્ડનું લિસ્ટ છે, પણ વ્હાલી, એ તો ‘સુપર નારીઓ’ માટે જ હોય છે ને? જેમ કે લેખિકા, કલાકાર, નૃત્યાંગના, સમાજસેવિકા વગેરેને મળે છે… આમાં તારો નંબર ક્યાંથી લાગે

લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશી

માર્કેટિંગ જીવનનું અભિન્ન અંગ છે. (ના, આ યુગની ડિમાન્ડ છે, ભાઈ!) આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં પણ કેટલાયને મનમોહક બિઝનેસ મળી રહે છે. કેટલાક તો ૨૦૨૪નો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો બિઝનેશ (ઉજવણી) પૂરી થયાં પહેલાં જ ૨૦૨૫નો સ્ટેજ બિઝનેશ શરૂ કરે એમાં અમને મહિલાને તો ફાયદો જ ફાયદો ને ભલાં!

હા, પણ ઘણીવાર બીચારી પચ્ચીસ પુસ્તક છપાવ્યાં પછી પણ એ ‘નારી ગૌરવ’ પુરસ્કારથી વંચિત રહી જાય અને બિઝનેશ સ્ટ્રેટેજીને બરાબરની અનુસરનારી નારીને વિના પુસ્તક- વિના કલા- વિના સમાજસેવાએ પણ મોટા મોટા ‘મહિલા ગૌરવ શિલ્ડ’ ઘરભેગો કરે ત્યારે કોઈકની આ પંક્તિ ટાંકવાનું મન થાય છે. અર્ઝ કિયા હૈ…

‘મહેનત ન કર, બિઝનેશ કર છે આજ જિંદગી,
ઝીરો ન બન, હીરો જ બન છે હાશ જિંદગી,
નાણાંની વાતે હાથની તું ઢીલ છોડ જે,
ને એ પછી ઝળહળ થશે ચોપાસ જિંદગી…’
બે-ચાર દિવસથી રમાબહેને ક્યાંકથી વાંચેલું આ મુક્તક એના પતિદેવ સામે બોલબોલ કર્યા કરતાં હતાં. બે-ચાર દિવસ તો પતિ મનોજભાઈએ આંખ આડા કાન કર્યા. પણ પછી તો જમતીવેળા પણ ભોજન પહેલાંનો અન્નપૂર્ણા માતાનો મંત્ર ન હોય એમ આ જ મુક્તક બોલ્યાં. પછી જ થાળી-વાડકા મોટેથી અફાડતાં અફાડતાં પીરસવાની કામગીરી કરતાં. (કોઈ માંગણી આવી રહી છે, એવા એંધાણ તો મનોજભાઈને આવી ગયા હતા.) વધુ મોટો વિસ્ફોટ થાય એ પહેલાં એમણે જ પૂરી નમ્રતાથી વાત શરૂઆત કરી :
‘બોલો, તો તમારે શું કહેવું છે? યોગ્ય માગણી હશે તો સ્વીકારાશે…’

‘કૈં દિવસે મેં અયોગ્ય માગણી કરી છે? ને માગણી કરી છે તો એમાંથી કેટલી પૂરી કરી છે? ચાર વખત સારું સારું ખાવાનું શોધો છો, રસોઈના વખાણ કરી મને (ફ્લણજી કાગડી સમજી) પટાવી-પટાવી રોજ નવી નવી વાનગીની ફરમાઈશ કરો છો અને હું (મૂરખી) ફુલાઈને રસોડામાં ચોવીસ કલાક ગેસનો તાપ ને ઊભા ઊભા ટાંટિયાની કઢી કરું છું. પણ કોઈ દિ’ મારી એકે માંગણી કે મારી ઈચ્છા તમે પૂરી કરી જ નથી. હવે બે દિવસમાં માંગણી પૂરી ન થઈ તો રસોડે હડતાલ પડી જ સમજો.’

‘પણ વ્હાલી, પહેલાં માંગણી તો મૂકીને જો… તારી માંગણી આ વખતે ના પૂરી કરું તો તારું ખાસડું ને મારું માથું.’ (થોડું વધારે પડતું બોલાય ગયાનો અફસોસ તરત જ મનોજભાઈને થયો, પણ તીર કમાનમાંથી છટકી ગયું હતું.)
‘તો લ્યો, આ વાંચો અને ઘટતું કરો’ પણ છે શું?

‘ખોલીને જુઓ ’
‘આ દસ પાનાનું સૂચિપત્ર છે…
‘દસ પ્રકારના નારી ગૌરવ’ એવોર્ડનું લિસ્ટ છે, પણ વ્હાલી, એ તો ‘સુપર નારીઓ’ માટે જ હોય છે ને? જેમ કે લેખિકા, કલાકાર, નૃત્યાંગના, સમાજસેવિકા વગેરેને મળે છે. આવા એવોર્ડ…’
‘એ તો મને ખબર છે…’
‘તો પછી આપણે આ સૂચિપત્રનું શું કામ? તું તો આમાં કશે જ સ્ટેન્ડ નથી થતી, વ્હાલી…’
‘બસ, આજ આજ સાંભળવાનું મારે બાકી હતું… તમારા જેવા પાષાણ હૃદયવાળા માણસ મેં હજી સુધી જોયા નથી. શું એવોર્ડ ખાલી લેખિકા, કલાકાર ને સમાજસેવિકાને જ મળવા જોઈએ? શું ઘરમાં રહીને ચોવીસો કલાક, વરસોવરસ પતિ-બાળકોના ખાવાપીવાના ટાઈમ સાચવે એને કોઈ એવોર્ડ નહીં?… જરા જુઓ, ખોલો સૂચિપત્ર… આ વખતે બિઝનેશમેન નિરંજન નાણાવટીએ એવોર્ડ બિઝનેશ શરૂ કર્યો છે. એમાં આ છેલ્લું પાનું જુઓ- ધ્યાનથી જોજો…તમારું બોલેલું પાળવાનો સમય આવી ગયો છે, સત્યવાદી મનોજ કુમાર!’

મનોજભાઈએ ભારે હૈયે છેલ્લાં પાને નજર ફેરવી. નૃત્યાંગના એવોર્ડ દસ હજાર, સંગીત, ગાયક એવોર્ડ – દસ હજાર, લેખા કવિ એવોર્ડ – દસ હજાર, સમાજસેવિકા એવોર્ડ – દસ હજાર, ઘર સાચવતી બેસ્ટ ગૃહિણી એવોર્ડ – વીસ હજાર…
‘અરે વાહ… રમા, બેસ્ટ ગૃહિણી તું છે જ… ફોર્મ ભરી દે… એવોર્ડ તને જ મળશે. મારી શુભેચ્છા તારી સાથે જ છે. તને જ વીસ હજાર મળશે ને સાથે શાલ અને શિલ્ડ પણ…. વાહ, તું તો આપણા કુળને તારનારી ‘બેસ્ટ ગૃહિણી’ બનવાની… આજ જે તને એડવાન્સમાં અભિનંદન…! ’

‘બસ, બોલી રહ્યા… હવે નીચે ફૂદડી કરીને લખેલી સૂચના વાંચો… ઝીણા અક્ષરે લખેલું છે… લ્યો, ચશ્માં પહેરી લ્યો…’
‘મનોજભાઈએ ચશ્મા પહેરી વાંચવાનું શરૂ કર્યું:
‘વ્હાલી ભગિનીઓ, હે નારીઓ! હું તમને દેશમાં તો શું, હું તમને વિશ્વમાં અગ્રેસર સ્થાન અપાવવા કટિબદ્ધ છું. સમગ્ર વિશ્વ તમારી કળાની પ્રશંસાના ફૂલ વેરશે. અને તમે રાતોરાત સ્ટાર બની જશો. ફક્ત કળાની સામે જે રકમ (નાનકડી) લખી છે તે સમારોહના ખર્ચા પેટે આપવાની રહેશે…. ગૃહિણીઓ માટે વીસ હજાર રાખ્યા છે, કારણ કે એ એવોર્ડ ફંકશનમાં પોતાની શ્રેષ્ઠ
વાનગીઓનો સ્ટોલ લગાવી શકશે તો વીસ હજારમાં સ્ટોલ અને ‘શ્રેષ્ઠ ગૃહિણી એવોર્ડ મેળવો… પહેલી તે વહેલીના ધોરણે… આજસુધીમાં કોઈ ગૃહિણીને આવી ઑફર અને સન્માન મળ્યું નથી, જેની પહેલ નિરંજન નાણાવટી કરી રહ્યા છે તો દોડો અને મેળવો આ ‘શ્રેષ્ઠ ગૃહિણી એવોર્ડ…’

મનોજભાઈએ છેલ્લો કોળિયો જતો કરીને ઊભા થતા બોલ્યા :
‘તને શું લાગે છે, આમાં પડવા જેવું છે?’
‘જોયું… જોયું શરૂ થઈ ગઈ તમારી બહાનાબાજી…!’
‘ખાલી વીસ હજાર નહિ, પણ તને પચાસ હજાર આપું… પણ પેલા નાણાવટીને નહિ… તારા ખાતામાં તને આપું… તારે જ વિચારવાનું કે એવોર્ડ લેવો છે કે પછી…’

‘રમાબહેન વચમાં જ બોલી ઉઠ્યા: ‘પચાસ હજાર… બેંક ખાતામાં મારા નામે… વાહ… બે-એક સોનાની ચેન… એક પેંડલ… એક ચાંદીનાં ઝાંઝર… એકાદ વીંટી તો આવી જ જશે… નહિ? ‘એવોર્ડનો એવોર્ડ ને ઘરની લક્ષ્મી ઘરમાં જ રાખી… આવા મનોજભાઈ બધી નારીઓને મળો તો કેવું?!’ રમાબહેન સાતમાં હેવનમાં પહોંચી ગયાં!

એ જ વખતે મનોજભાઈએ મનોમન નક્કી કરી લીધું કે બધા બિઝનેશ બંધ કરી, હું પણ આવતા વરસથી મહિલા ઉત્કર્ષ માટે એવોર્ડ ફંક્શન બિઝનેશ શરૂ કરીશ. ધંધો પણ ઉજળો ને પાછું હરીયાળી જ હરીયાળી…!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…