લાડકી

તરુણાવસ્થાએ ટાળો બિનજરૂરી બેટલ્સ

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી -શ્ર્વેતા જોષી-અંતાણી

મલ્ટિનેશનલ કંપનીમાં કામ કરતી સ્વાતિ શો-બિઝનેસ સાથે સંકળાયેલી હતી. અન્ય સ્ત્રી માફક એ માત્ર હોમ મેકર કે હાઉસવાઈફ હોવા ઉપરાંત સિંગલ પેરેન્ટ તરીકેની ફરજ પણ નિભાવતી. દીકરી વ્યોમા આમ તો સમજુ હતી, પણ સ્વાતિને વારંવાર એવું લાગતું કે પોતે એને કંપની નથી આપી શકતી એમાં વ્યોમા વિના કારણ ખીજવાયા રાખે છે. એના મૂડ સ્વિંગ્સ વધી રહ્યા છે અને મોટાભાગનો સમય એ ચિડાયેલી હોય છે. એની સાથે શાંતિથી બેસીને એકવાર વાત ચોક્કસ કરવી પડશે એવું સ્વાતિ ઘણીવાર વિચારતી, પણ ફાજલ સમય કાઢવો ક્યાંથી એ મુખ્ય પ્રશ્ર્ન હતો.

એવામાં એક દિવસ વ્યોમાની સ્કૂલથી કમ્પલેન્ટ કોલ આવ્યો. ફરિયાદ એવી હતી કે વ્યોમાએ કોઈ છોકરા પર હાથ ઉઠાવ્યો છે. સ્વાતિને માનવામાં ના આવ્યું કે વ્યોમા આવું કરી શકે. કોઈને ઊંચા અવાજે કશું ના કહેતી દીકરી એમ મારામારી પર ઊતરી આવે અને એ પણ કોઈ છોકરા સાથે એ વાત માની લેવી થોડી અઘરી હતી. સ્વાતિને પોતાના ઉછેર પર એટલો તો વિશ્ર્વાસ હતો કે કોઈને જાણીજોઈ હાનિ પહોચાડવાના ઈરાદા સાથે વ્યોમાએ હાથ ઉગામ્યો હોય એ વાત જ ખોટી.

સ્કૂલ પહોંચતાવેંત સ્વાતિનું સ્વાગત કરવા કાફલો હાજર હતો. બે-ત્રણ શિક્ષક, પ્રિન્સિપલ અને એ સ્ટુડન્ટ્નાં પેરેન્ટ્સ સ્વાતિ પર તૂટી પડવા તત્પર હતા. એક પછી એક જે રીતે આક્ષેપ શરૂ થયા એ જોતાં સ્વાતિની જગ્યાએ અન્ય કોઈ હોય તો સામે ઝગડો કરી બેસતા વાર લગાડે નહીં, પણ સ્વાતિ જે સંયમથી, શાંત સ્વર અને આત્મવિશ્ર્વાસ સાથે પોતાની વાત કરતી એ જોઈ એની પરિપક્વતા તેમજ જિંદગીની સમજનો અંદાજ આવ્યા વગર રહેતો નહોતો, કારણ કે એ હંમેશ માનતી આવી છે કે તમારી સામે કરાયેલા અભદ્ર વાણી-વ્યવહારનો જવાબ તમે પૂરી ગરિમા સાથે ચોક્કસ આપી શકો. છેવટે આ દુનિયા પોતાના દુર્વ્યવહાર સામે કરાયેલા વળતો પ્રહારને વધુ યાદ રાખતી
હોય છે.

અંતે વ્યોમાને બોલાવી આખી વાતનો તાગ મેળવવાનો પ્રયત્ન કર્યો ત્યારે ખ્યાલ આવ્યો કે એ છોકરો માનવ ક્લાસમાં સતત એની મજાક બનાવી રહ્યો હતો. વ્યોમાના શરીર પર, આંખોના ચશ્માં પર, હેર સ્ટાઈલ પર એણે ટિપ્પણીઓનો મારો ચલાવ્યો હતો. વ્યોમાએ ટીચરને જાણ કરવાનો પ્રયાસ કર્યો, પણ એ આવનારા કોઈ કાર્યક્રમની તૈયારીઓમાં વ્યસ્ત હોય વાતને બહુ ગણકારી નહીં, એટલે માનવની હિંમત ખૂલી. વ્યોમા એને વારંવાર પોતાની મજાક બંધ કરવા કહેતી રહી, પણ એને તો જાણે વધુ ચાનક ચડી હોય એમ એની હેર બેન્ડ ખેંચવા ગયો. બસ, એ વખતે જ વ્યોમાએ એને આઘો ખસેડી ક્લાસ બહાર નીકળવા સહેજ ધક્કો માર્યો ત્યાં બેન્ચના કિનારે બેઠેલો માનવ નીચે ખાબક્યો. સ્વાભાવિક છે કે વ્યોમાનો કોઈ ઈરાદો ના હોવા છતાં પડવાથી માનવના સ્વમાનને ઠેસ પહોંચી હોય એમાં પણ બીજા ક્લાસમેટ્સ હસવા લાગ્યા એટલે બળતામાં ઘી હોમાયું, જેના તણખા ઉડ્યા સીધા પ્રિન્સિપલ ઓફિસમાં.

પોતાનો કોઈ વાંક છે કે નહીં એ વિચાર્યા વગર માનવ પહોંચ્યો સીધો વ્યોમાની ફરિયાદ કરવા. જે પણ થયું એ બધું પરિસ્થિતિજનક હતું એનો ખ્યાલ તરુણાવસ્થામાં મધદરિયે હિલોળા લેતા માનવને કદાચ હોય તો પણ એને પોતાનું અપમાન પહેલાં દેખાતું હતું.

વ્યોમાને સંપૂર્ણપણે સાંભળી લીધા બાદ સ્વાતિએ કહ્યું ખેર, ધક્કો માર્યો કે વાગી ગયો જે હોય એ વ્યોમાનો થોડો ઘણો પણ જો વાંક છે તો એ ‘સોરી’ કહેવા તૈયાર છે. સ્વાતિએ વ્યોમાની સખ્ત નારાજગી હોવા છતાં પણ એની પાસે અનિચ્છાએ માફી મંગાવી. સાથોસાથ સામા પક્ષે વ્યોમાને જે તકલીફો પડી, ટીચરનું ફરિયાદ પ્રત્યે બેધ્યાનપણું અને માનવના વલણ પર શું એકશન લેવાશે એની લેખિતમાં રજૂઆત કર્યા વગર પણ સ્વાતિ રહી નહીં.

મમ્મીથી નારાજ વ્યોમા આખા રસ્તે કશું બોલી નહીં. પોતાને પૂછ્યા વગર સોરી કહેવડાવાનો આગ્રહ એને બહુ ખટ્ક્યો હતો. ઘરે થોડું સેટલ થયા બાદ સ્વાતિએ પ્રેમથી વ્યોમાને કહ્યું : ટીનએજમાં તમે સૌથી વધુ વલ્નરેબલ હોવ એ સાચું પણ આ ઉંમરે તમારું વ્યક્તિત્વ દ્રઢ દેખાય એ પણ જરૂરી છે. જાહેરમાં ન ગમતી વાત સામે તમારો અણગમો અડગ હોવો આવશ્યક છે. તમે જે માનો છો એ કહેવામાં ડર કે ઓછપ બિલ્કુલ ના હોવી જોઈએ, પણ વ્યોમા, પહેલીવાર ક્લાસમાં તારી મજાક થઈ ત્યારે તે જે વર્બલ વિરોધ એટલેકે, બોલીને જે ગુસ્સો જતાવ્યો એ બિલ્કુલ યોગ્ય હતો. એની અસર ના થતાં જોઈ ફરીથી કરાયેલી અભદ્ર ટિપ્પણીનો જવાબ તે હાથ ઉપાડીને કર્યો એ અયોગ્ય છે. જ્યાં ગુસ્સો આવવો જરૂરી હોય, વિરોધ કરવો અનિવાર્ય હોય ત્યાં તમે ચૂપ રહો, ગુસ્સો દબાવી દો, મન શાંત કરવાની કોશિશ કરો તો એ ગેરવ્યાજબી છે એવીજ રીતે નાની અમસ્તી વાત પર મનના જ્વાળામુખીને ફાટી નીકળવા દો તો એ પણ સ્વીકાર્ય નથી. આ બન્ને પ્રતિક્રિયા ખોટી છે એ જો આ ઉંમરે સમજી લઈશ તો મોટા થયે એના માઠાં પરિણામોથી બચી શકીશ.અંગ્રેજીમાં એક કહેવત છે કેyou should choose your battles wisely. ક્યાં લડવું ને ક્યાં નહીં એ બહુ સમજદારીપૂર્વક પસંદ કરવું જરૂરી છે. ખાસ કરીને તરુણાવસ્થા દરમિયાન જીવનમાં આવી બિનજરૂરી લડાઈઓના જ્યારે રાફડા ફાટી નીકળતા હોય ત્યારે ખાસ.

હજુ પણ એની સામે કોઈ પ્રતિભાવ આપ્યા વગર બેસેલી વ્યોમાને કેટલું સમજાયું હશે એ સ્વાતિને ખબર નથી પણ, મા તરીકે સાચી સલાહ આપ્યાના સંતોષ સાથે એણે વાત બદલી કાઢી :
‘કાલે સવારે માનવ સામે શું પગલાં લીધાં છે એ જાણવા હું ફરી સ્કૂલે આવીશ’
મમ્મી સ્વાતિના આ શબ્દોથી વ્યોમાના ચહેરા પર ચમક પથરાઈ ગઈ..

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button