મિગ-૨૧ બાઈસન એકલા ઉડાડનાર પ્રથમ મહિલા લડાકુ પાઈલટ અવની ચતુર્વેદી
ભારતની વીરાંગનાઓ -ટીના દોશી
મિગ-૨૧… વિશ્ર્વના પ્રથમ સુપરસોનિક ફાઇટર એરક્રાફ્ટમાંનું એક છે. એક હળવું સિંગલ પાઇલટથી ચાલતું યુદ્ધ વિમાન છે. એ અઢાર હજાર મીટરની ઊંચાઈ પર ઊડી શકે છે. તેની સ્પીડ વધુમાં વધુ ૨૨૩૦ કિલોમીટર પ્રતિ કલાક સુધીની થઈ શકે છે. એ આકાશમાંથી આકાશમાં મિસાઇલથી હુમલો કરવાની સાથે બોમ્બ લઈ જવા માટે સક્ષમ છે. ૧૯૬૫ અને ૧૯૭૧માં થયેલા ભારત-પાક. યુદ્ધમાં મિગ-૨૧ વિમાનોનો ઉપયોગ થયો હતો. ૧૯૫૯માં બનાવવામાં આવેલા આ એક માત્ર એરક્રાફ્ટ છે, જેનો ઉપયોગ વિશ્ર્વના લગભગ ૬૦ દેશ દ્વારા કરવામાં આવ્યો છે. ૧૯૬૪થી
આ એરક્રાફ્ટનું સંચાલન કરતી ભારતીય વાયુસેનામાં તેના ક્રેશ રેકોર્ડને જોતા
તેને ‘ફ્લાઈંગ કોફિન’ નામ આપવામાં
આવ્યું છે!
આ મિગ-૨૧ની સુધારેલી આવૃત્તિ ‘મિગ-૨૧ બાઈસન’ માં એકલા ઉડાન ભરીને ઈતિહાસ રચનાર વાયુસેનાની પાઈલટ કોણ હતી એ જાણો છો ?
એનું નામ અવની ચતુર્વેદી…. ભારતની પ્રથમ મહિલા લડાકુ પાઈલટ-ફાઈટર પાઈલટ ! ભારતીય વાયુ સેનાની મહિલા ફાઈટર પાયલટ. મિગ-૨૧ બાઈસનમાં એકલા ઉડાન ભરનાર પહેલી મહિલા !
‘મિગ-૨૧ બાઈસન’ આધુનિક હથિયારોથી સજ્જ મિગ-૨૧ શ્રેણીનું સૌથી આધુનિક યુદ્ધ વિમાન છે. હથિયારો વિના તેનું વજન લગભગ ૫૨૦૦ કિલોગ્રામ થાય છે, જ્યારે તેને હથિયારોથી સજ્જ કર્યા બાદ તેનું વજન લગભગ ૮૦૦૦ કિલોગ્રામ સુધી થાય ત્યાં સુધી તે ઊડી શકે છે. તેનો ઉપયોગ ઇન્ટરસેપ્ટર રૂપે કરવામાં આવે છે. ઇન્ટરસેપ્ટર યુદ્ધ વિમાનને દુશ્મનનાં વિમાનો, ખાસ કરીને બોમ્બ વરસાવતાં વિમાનો પર હુમલો કરવા માટે તૈયાર કરવામાં આવે છે. કારગિલ યુદ્ધ બાદથી ભારતીય વાયુસેના ધીરે ધીરે જૂના મિગ-૨૧ વિમાનો હટાવીને આ આધુનિક ‘મિગ-૨૧ બાઈસન’ વિમાનોને સામેલ કરી રહી છે. બાઈસનને ‘બલાલેકા’ નામથી પણ ઓળખવામાં આવે છે. નાટો સેના તેને ‘ફિશબેડ’ના નામથી પણ ઓળખે છે. ‘મિગ-૨૧ બાઈસન’ મોટા સર્ચ રડારથી સજ્જ છે, જે નિયંત્રિત મિસાઇલનું સંચાલન કરે છે અને ગાઇડેડ મિસાઇલનો માર્ગ નક્કી કરે છે. તેમાં બીવીઆર ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે, જે ઓઝલ થઈ જતી મિસાઇલો વિરુદ્ધ વિમાનને ઘાતક ક્ષમતા પ્રદાન કરે છે. બાઈસન સુપરસોનિક યુદ્ધ જેટ વિમાન છે. જે લંબાઈમાં ૧૫.૭૬ મીટર અને પહોળાઈમાં ૫.૧૫ મીટર છે.
આ મિગ-૨૧ બાઈસન ઉડાડનાર સ્ક્વોડ્રન લીડર અવની ચતુર્વેદીના નામે અન્ય વિક્રમ પણ નોંધાયો છે. અવની જાન્યુઆરી ૨૦૨૩માં જાપાનમાં યોજાયેલા યુદ્ધાભ્યાસમાં સામેલ થયેલી. એ સાથે જેણે આંતરરાષ્ટ્રીય યુદ્ધાભ્યાસમાં ભાગ લીધો હોય એવી ભારતની પ્રથમ મહિલા ફાઈટર પાઈલટ બની ગઈ છે. આ યુદ્ધ અભ્યાસને ‘વીર ગાર્ડિયન ૨૦૨૩’ નામ આપવામાં આવેલું. આ યુદ્ધ અભ્યાસ ૨૦૨૩ની ૧૨ જાન્યુઆરીથી ૨૬ જાન્યુઆરી સુધી જાપાનના ઓમિટામામાં હાયકુરા એરબેઝ અને તેની આસપાસના એરફિલ્ડ્સ અને સમયમાં ઇરુમા એરબેઝ પર જાપાન એર સેલ્ફ ડિફેન્સ ફોર્સ અને ભારતીય વાયુસેના વચ્ચે યોજવામાં આવેલો. એમાં જાપાન તરફથી ચાર એફ-૨ અને ચાર એફ-૧૫ ફાઈટર જેટ વિમાને ભાગ લીધેલો. ભારતીય વાયુસેના તરફથી ચાર સુખોઇ-૩૦ એમકેઆઈ, બે સી-૧૭ અને એક આઈએલ-૭૮ વિમાન સામેલ થયેલા. અવની ચતુર્વેદીએ આ યુદ્ધાભ્યાસમાં એસયુ-૩૦ એમકેઆઈ એટલે કે સુખોઈ વિમાન ઉડાડેલું.
આ યુદ્ધાભ્યાસ અંગે સ્કવોડ્રન લીડર અવની ચતુર્વેદીએ કહેલું કે, હવાઈ અભ્યાસમાં હિસ્સો લેવો હંમેશાં શાનદાર અનુભવ રહ્યો છે. આ વખતે એ ખાસ અને વિશિષ્ટ હતો, કારણ કે ‘પહેલી વાર હું કોઈ આંતરરાષ્ટ્રીય અભ્યાસમાં સામેલ થયેલી. આ મારા માટે શીખવાનો અનેરો અને અદભુત અવસર રહ્યો. લડાકુ વિમાન ઉડાડવું બેહદ રોમાંચક છે. વીર ગાર્ડિયન ૨૦૨૩ ભારતીય વાયુસેના અને જાપાન એર સેલ્ફ ડિફેન્સ ફોર્સ વચ્ચે પહેલો એવો યુદ્ધ અભ્યાસ હતો, જે હવાઈ યુદ્ધની ક્ષમતા વિકસિત કરવા, વિમાનોને રોકવાની કળા શીખવા અને વાયુ રક્ષા અભિયાનોને અંજામ દેવા પર કેન્દ્રિત હતો.’
આમ આ પ્રકારના આંતરરાષ્ટ્રીય યુદ્ધાભ્યાસમાં ભાગ લીધો હોય એવી ભારતની પ્રથમ મહિલા ફાઈટર પાઈલટ બની ગઈ અવની ચતુર્વેદી. ફાઈટર પાઈલટ અવનીનો જન્મ ૨૭ ઓક્ટોબર ૧૯૯૩ના મધ્ય પ્રદેશના સફેદ વાઘના શહેર ગણાતા રીવા જિલ્લાના કોટિ કચન ગામમાં સમૃદ્ધ કહેવાય તેવા પરિવારમાં થયેલો. માતા સવિતા ચતુર્વેદી ગૃહિણી. પિતા દિનકર ચતુર્વેદી મધ્ય પ્રદેશ સરકારમાં પાણી પુરવઠા વિભાગમાં એન્જિનિયર. અવનીનો મોટો ભાઈ લશ્કરમાં અધિકારી. ભાઈથી જ પ્રેરાઈને અવનીએ ડિફેન્સમાં કરિયર બનાવવાનું નક્કી કર્યું હતું.
દરમિયાન, અવનીએ પોતાનો શાળાકીય અભ્યાસ મધ્ય પ્રદેશના શાહડોલ જિલ્લાના દેવલેન્ડ નામના નાનકડા ગામની આદર્શ હાયર સેક્ધડરી શાળામાંથી કર્યો. અવની જ્યારે ત્રીજા ધોરણમાં હતી ત્યારે અવકાશયાત્રી કલ્પના ચાવલાના અવકાશયાનના તૂટી પડવાની દુર્ઘટના બનેલી. આ ઘટનાને ટીવી પર જોઇને અવનીની માતા દુ:ખી થઇને રોવા લાગેલી. એ સમયે નાનકડી અવનીએ માતાને સાંત્વના આપતાં કહેલું કે, તું રડ નહીં, હું બીજી કલ્પના ચાવલા બનીશ….’
ત્રીજા ધોરણમાં કહેલી એ વાત માત્ર કહેવા પૂરતી ન હતી. પાઈલટ બનવાનું સ્વપ્ન અવનીના મનમાં ઘર કરી ગયું. કલ્પના ચાવલા ઉપરાંત મહાન વૈજ્ઞાનિક એ.પી.જે. અબ્દુલ કલામ પણ અવનીના પ્રેરણામૂર્તિ બન્યા. દેશને નવી ઊંચાઈએ લઈ જવાની વાત કરતા ડો. કલામના શબ્દો અવનીના માનસમાં ઘોળાતા રહ્યા. સ્વપ્ન સાકાર કરવાના અરમાન સાથે અવની બારમા ધોરણ સુધી હિંદી માધ્યમમાં ભણી. ભણવામાં હોશિયાર અવનીએ ૨૦૧૪ના વર્ષમાં રાજસ્થાનની વનસ્થલી યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર સાયન્સમાં ૮૮ ટકા ગુણ સાથે બી.ટેક.કરીને સ્નાતકની ઉપાધિ મેળવી.
અવનીની માતા સવિતાએ એક મુલાકાતમાં કહ્યું હતું કે, ‘અવની નાનપણથી જ પાઈલટ બનવા ઈચ્છતી હતી. એ જ્યારે પોતાના બી. ટેક.ના અભ્યાસ માટે રાજસ્થાન જઈ રહેલી, ત્યારે અમે અવનીને ત્યાં મૂકવા ગયેલા. મેં ત્યારે એને કહેલું કે આગળનો રસ્તો એણે જાતે પસંદ કરવાનો છે.’
અવનીએ પોતાનો રસ્તો પોતે પસંદ કર્યો પણ ખરો. ૨૦૧૪માં જ અવની ચતુર્વેદીએ કોલંબસ ફ્લાઈંગ ક્લબમાં પ્રવેશ મેળવ્યો. ફ્લાઇંગમાં એનો રસ દિનપ્રતિદિન વધતો જ ગયો. અવનીની પ્રતિબદ્ધતા જોઈને હૈદરાબાદ વાયુસેના એકેડેમીમાં પ્રશિક્ષણ લેવા માટે એની પસંદગી પણ થઈ. એની સાથે ૧ ડિસેમ્બર ૧૯૯૨ના નારાયણ કાંત અને રાધા કાંતને ઘેર જન્મેલી ભાવના કાંત અને મોહના સિંહની પસંદગી પણ કરવામાં આવેલી. ત્રણેયને એક વર્ષ સુધી ફાઈટર પાઈલટ બનવાની સઘન તાલીમ મળી.
હૈદરાબાદ વાયુસેના એકેડેમીમાં એક વર્ષનું પોતાનું પ્રશિક્ષણ પૂરું કર્યું, પણ ૨૦૧૬ પહેલાં ઇન્ડિયન એરફોર્સમાં મહિલાઓને ફાઇટર પ્લેન ઉડાડવાની મંજૂરી નહોતી. અનુમતિ મળ્યા બાદ ૧૮ જૂન ૨૦૧૬ના અવની ભારતીય વાયુસેનામાં સામેલ થઈ. એ સાથે અવની ભારતની પહેલી લડાકુ વિમાન પાઈલટ બની. પછીના વર્ષે બીડર, કર્ણાટક ખાતે ત્રીજા તબક્કાની તાલીમ પૂરી કર્યા બાદ અવની સુખોઇ અને તેજસ જેવાં વિમાનોમાં ઉડાન ભરવા માટે સક્ષમ બની. ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૮ના મિગ-૨૧ બાઈસનમાં એકલ ઉડાન ભરનાર અવની સૌ પ્રથમ મહિલા પાઈલટ બની…
ભાવના કાંતને વર્ષ ૨૦૨૧માં પ્રજાસત્તાક દિને યોજાતી પરેડમાં ભાગ લેવાનો મોકો મળ્યો. કોઈ મહિલા લડાકુ પાઈલટને ગણતંત્ર દિને યોજાતી પરેડમાં ભાગ લેવાનો અવસર સાંપડ્યો હોય એવો એ પહેલો પ્રસંગ હતો. અવની અને ભાવના બન્ને એકસાથે વાયુસેનામાં પ્રવેશી અને ધરતી પરથી આસમાનની ઊંચાઈએ પહોંચી !