લાડકી

સ્વતંત્રતા સંગ્રામની સાથે સાથે…

કથા કોલાજ -કાજલ ઓઝા-વૈદ્ય

(ભાગ: 2)
નામ: અરુણા આસફ અલી
સમય: 1994
સ્થળ: દિલ્હી
ઉંમર: 86 વર્ષ

ભારતીય રાજકારણ અને ઇતિહાસમાં લોકો મને ‘ગ્રાન્ડ ઑલ્ડ લેડી’ તરીકે યાદ કરે છે. એંસી વર્ષની ઉંમરે હું દિલ્હીની સરકારી બસોમાં પ્રવાસ કરતી, આ શિક્ષણ અને કેળવણી મને મારાં માતા-પિતા તરફથી અને એ પછી મહાત્મા ગાંધી સાથે કામ કરતી વખતે મળ્યાં હતાં.

1926-27ના ગાળામાં હું કલકત્તામાં ગોખલે મેમોરિયલ સ્કૂલમાં શિક્ષિકા તરીકે કામ કરતી હતી, એ વખતે હું કૉંગ્રેસના નેતા આસફ અલીને મળી. દિલ્હીમાં મળેલી એ કૉંગ્રેસની મીટિંગમાં હાજર રહેવા માટે મને નિમંત્રણ મળ્યું હતું. એ મીટિંગમાં અનેક નેતાઓ હાજર હતા. જ્યાં મારો પરિચય આસફ અલી સાથે કરાવવામાં આવ્યો. એ વ્યવસાયે બેરિસ્ટર હતા. ભારતીય સ્વતંત્રતાના સંગ્રામમાં એ ખૂબ જ આગળ પડતો રસ લઈ રહ્યા હતા. બિજનોર (ઉત્તર પ્રદેશ)માં જન્મેલા આસફ અલી પ્રવી કાઉન્સિલના સભ્ય હતા, એમણે તુર્કસ્તાનના વિરોધ પક્ષનું સમર્થન કર્યું, એથી એમને રાજીનામું આપવું પડ્યું. 1914માં એ ભારત આવ્યા. ભારત આવીને એમણે રાષ્ટ્રવાદી આંદોલનમાં રસ લેવાનું શરૂ કર્યું. 1920-21માં ગાંધીજીના અસહકારના આંદોલનમાં એ ખૂબ જ સક્રિય હતા. એ વખતે અખબારોમાં હું આસફ અલી વિશે વાંચતી. એમની દલીલોથી અને વ્યક્તિત્વથી હું ખૂબ પ્રભાવિત હતી. હું એમને પહેલી વાર મળી ત્યારે એ મારા વિશે કશું નહોતા જાણતા, પરંતુ હું એમને ખૂબ સારી રીતે જાણતી હતી એટલું જ નહીં, એમના વિશે વધુ જાણવા ઉત્સુક હતી.

હું જ્યારે એમને દિલ્હીની કૉંગ્રેસ મીટિંગમાં મળી ત્યારે હું 19 વર્ષની હતી અને એ 39ની નજીક પહોંચવા આવ્યા હતા. એ અપરિણીત હતા. મેં એમને અનેક પ્રશ્નો પૂછ્યા, એમણે મને ધીરજથી અને સ્મિત સાથે જવાબો આપ્યા. હું એમનાથી આકર્ષાઈ એ વાત મારે સ્વીકારવી જોઈએ. સત્યાગ્રહની ચળવળમાં જોડાયેલાં ભાઈ-બહેનોએ લગ્ન ન કરવાં કે રોમેન્ટિક સંબંધો ન રાખવા એવો મહાત્મા ગાંધીનો આગ્રહ હતો, પરંતુ આસફ અલીને મળ્યા પછી હું મારી જાતને રોકી શકી નહીં. મને સમજાયું કે, એ પણ મારા પરત્વે આકર્ષાયેલા હતા, પરંતુ કહી શકતા નહોતા. કલકત્તા જઈને અમારો પત્ર વ્યવહાર શરૂ થયો. દસેક પત્રોની આપ-લે પછી એમણે મને લગ્ન માટે પૂછ્યું.

હું તો ક્યારની તૈયાર જ હતી… અમે લગ્ન કરવાનું નક્કી કર્યું એટલે હું મારાં માતા-પિતાને મળવા ગઈ. એમની સાથે વાત કરી. હું માનતી હતી કે મારાં માતા-પિતા બ્રાહ્મોસમાજમાં માને છે અને ઉદારમતવાદી હોવાને કારણે લગ્નની મંજૂરી આપશે, પરંતુ આસફ અલી મુસ્લિમ હોવાને કારણે એમણે અમારાં લગ્ન માટે સ્પષ્ટ ના પાડી. આસફ અલીના પરિવારે પણ આટલી નાની અને એ પણ હિન્દુ છોકરી સાથે લગ્ન કરવાની મંજૂરી આપી નહીં. અમે મહાત્મા ગાંધીને મળ્યાં. ધર્મ માટે તો એમણે કોઈ વિરોધ ઉઠાવ્યો નહીં, પરંતુ એમની લાગણી એ હતી કે અમે જો લગ્ન કરીશું તો એને કારણે જે પ્રકારનો દાખલો બેસશે એનાથી સ્વતંત્રતા સંગ્રામમાં જોડાયેલાં ભાઈ-બહેનોને ખોટું ઉદાહરણ મળશે. એમણે સ્પષ્ટ ના ન પાડી, પરંતુ અમને સમજાવવાનો પ્રયાસ કર્યો. અમે બંને જણાં લગ્ન કરવા કટિબદ્ધ એટલે સૌના વિરોધ અને એક રીતે જોવા જઈએ તો મહાત્માજીના આશીર્વાદ વગર જ અમે લગ્ન કરી લીધાં.

આજે પાછી વળીને જોઉં છું તો સમજાય છે કે, આસફ અલી સાથેનાં લગ્ન એ મારા જીવનનો સૌથી મહત્ત્વપૂર્ણ અને ઉત્તમ નિર્ણય હતો. એ માત્ર પતિ જ નહીં, એક ઉત્તમ શિક્ષક, ગુરુ, સાથી અને સહકાર્યકર પુરવાર થયા. મારા જીવનના તમામ સાચા-ખોટા સમયમાં એમણે મારો હાથ પકડી રાખ્યો અને મારા નિર્ણયોમાં એમણે મને સહકાર આપ્યો. એક એવો સમય હતો જ્યારે મહાત્માજી સાથેના મારા મતભેદ વખતે એમણે મને મારી વાત પર અડગ રહેવાનું પ્રોત્સાહન આપ્યું.

1930 સુધીમાં કૉંગ્રેસમાં બે ભાગલા પડી ગયા હતા. મવાળવાદી અને જહાલવાદી. સ્વરાજ મેળવવા માટે અંગ્રેજ સરકાર સામે ઉગ્ર અને હિંસક આંદોલન કરવાની વિચારધારા ‘જહાલવાદ’ કહેવાય છે. ‘લાલ, બાલ, પાલ’ની ત્રિપુટીથી ઓળખાતા લાલા લજપતરાય, બાળ ગંગાધર ટિળક અને બિપીનચંદ્ર પાલ હિંદી રાષ્ટ્રીય મહાસભાના જહાલવાદી નેતાઓ હતા. બંધારણીય માર્ગે રાજકીય હકો મેળવવા માટે મવાળ વલણ ધરાવનાર વિચારધારા ‘મવાળવાદ’ તરીકે ઓળખાય છે. દાદાભાઈ નવરોજી, સુરેન્દ્રનાથ બેનરજી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોજશાહ મહેતા વગેરે હિન્દી રાષ્ટ્રીય મહાસભાના મવાળવાદી નેતાઓ હતા. ગાંધીજીએ અહિંસક આંદોલનનો પક્ષ લીધો જેને કારણે ભગતસિંઘ, બટુકેશ્વર દત્ત, સાવરકર જેવા લોકો ઉશ્કેરાયા, એમને લાગ્યું કે ગાંધીજી જે રીતે અહિંસાનો પ્રચાર કરે છે એનાથી આઝાદીનો માર્ગ મુશ્કેલ બનશે. એમણે જુદા પડીને પોતાનો માર્ગ અખત્યાર કર્યો.

લગ્ન પછી હું કલકત્તા છોડીને દિલ્હી આવી ગઈ. અમારાં લગ્ન પછી તરત જ ભગતસિંઘ અને બટુકેશ્વર દત્તનો એસેમ્બલી પર બોમ્બ ફેંકવાનો પ્રસંગ બન્યો. ભગતસિંઘ અને બટુકેશ્વર દત્તનો પક્ષ લઈને એમનો કેસ લડવા કોઈ વકીલ તૈયાર ન થયા કારણ કે, અંગ્રેજ સરકારનું દબાણ ભયાનક હતું. સાથે જ મવાળવાદી નેતાઓ પણ એવો આગ્રહ રાખતા હતા કે, આવી હિંસાનો પક્ષ લઈને ખોટું ઉદાહરણ પૂરું પાડવું ન જોઈએ. મારા પતિ આસફ અલીએ ભગતસિંઘ અને બટુકેશ્વર દત્તનો કેસ હાથમાં લીધો એટલું જ નહીં, એમને ઓછામાં ઓછી સજા સાથે બહાર કાઢ્યા.

આનાથી ગાંધીજી નારાજ થયા, જોકે આસફ અલી તો પોતાને જે યોગ્ય લાગતું તે જ કરવાના દૃઢ મત સાથે પોતાનું કામ કરી રહ્યા હતા. એ જ ગાળામાં, 1930માં દાંડીયાત્રા થઈ. મેં એમાં ભાગ લીધો. યાત્રા દરમિયાનની મીટિંગ્સમાં ગાંધીજીએ મારી સાથે અનેક ચર્ચા કરી. હું એમનો મત સમજી શકતી હતી, પરંતુ સાથે જ મારા પતિની વાત ખોટી છે એ વાત સ્વીકારી શકતી નહોતી. હું સમજી શકું છું કે એ દિવસોમાં ગાંધીજીને મારાથી થોડી નિરાશા થઈ હોવી જોઈએ. જોકે, એમણે એવું ક્યારેય કહ્યું નથી! દાંડીયાત્રા દરમિયાન ગિરફ્તાર થયેલા લોકોમાં હું પણ હતી. 1931માં જ્યારે ગાંધી અને ઈરવિનના સમજૂતી કરાર હેઠળ રાજનીતિક કેદીઓને છોડી દેવામાં આવ્યા, પરંતુ એ લિસ્ટમાં મારું નામ નહોતું! કૉંગ્રેસના કેટલાક નેતાઓને કદાચ હું બંડખોર અને મનસ્વી લાગતી હોઈશ! જોકે, મારી સાથે રહેલી અન્ય મહિલા કેદીઓએ મારા માટે ભૂખ હડતાળ કરી. પહેલાં તો અંગ્રેજ સરકારને લાગ્યું કે આ થોડા દિવસ ચાલનારું નાટક છે, પરંતુ જ્યારે એમને સમજાયું કે, આ ગંભીર હડતાળ હતી ત્યારે એમને મને છોડવાની ફરજ પડી.

આ હડતાળ અને મને છોડવાની માગણીના બધા સમય દરમિયાન ગાંધીજીએ પોતાનો કોઈ અભિપ્રાય ન આપ્યો જે નોંધનીય બાબત છે. જોકે, કૉંગ્રેસ પરત્વેની મારી નિષ્ઠા અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં મારી શ્રદ્ધા હંમેશાં અખંડ રહ્યાં. 1931માં મને મુક્ત કરવામાં આવી, પરંતુ 1932માં ફરી વખત મારી ધરપકડ કરવામાં આવી. એ સમયે મને તિહાડ જેલમાં રાખવામાં આવી. સારા અને સંભ્રાંત પરિવારમાં ઊછરેલી એક 23 વર્ષની છોકરી માટે તિહાડ જેલમાં કેદીઓ સાથે થઈ રહેલો વ્યવહાર અસહ્ય હતો. એમને જે પ્રકારનું ભોજન આપવામાં આવતું એ જાનવરોથી પણ ખરાબ હતું. એમની પાસે 18 કલાક કામ કરાવવામાં આવતું. ધાબળા કે પાથરણાં પણ આપવામાં આવતાં નહીં. મહિલા કેદીઓને ખુલ્લામાં નાહવાની ફરજ પાડવામાં આવતી. આ બધું જોઈને મને લાગ્યું કે આની સામે અવાજ ઉઠાવવો અનિવાર્ય છે. અમે સૌએ સાથે મળીને ફરી એકવાર તિહાડ જેલમાં ભૂખ હડતાળ કરી. અસહકારના આંદોલનનો એક હિસ્સો અહીં પણ જ્વાળા બનીને પ્રગટ્યો. અંગ્રેજ સરકારનું કામ ન કરવું, હુકમ ન માનવા, એ માટે લાઠી ખાવાથી શરૂ કરીને અન્ય અત્યાચાર સહન કરવા સુધી આ હડતાળ લંબાઈ. અંતે, સરકારે ઝૂકવું પડ્યું. કેદીઓની હાલતમાં સુધાર થયો. રાષ્ટ્રીય અખબારોએ એની નોંધ લીધી, સાથે જ નોંધ લીધી મારી નેતા તરીકેના પ્રદાનની.

પહેલી વખત રાષ્ટ્રીય અખબારોમાં મારું નામ પ્રગટ થયું. ગાંધીજીએ એમના તંત્રીલેખમાં ‘અરુણા આસફ અલી’ તરીકે મારો ઉલ્લેખ કરીને મને સન્માન અને સ્વીકારની લાગણીથી નવાજી. ભારતીય સ્વતંત્રતા સંગ્રામ આગળ વધી રહ્યો હતો અને સાથે જ અમે પણ અમારાં લગ્નજીવન અને રાજનીતિક જીવનમાં ધીમે ધીમે એક નવા આયામ ઉપર પહોંચી રહ્યા હતા.
(ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button