લાડકી

ભારતમાં આગમન થિયોસોફિકલ સોસાયટી સાથે અનુસંધાન

કથા કોલાજ -કાજલ ઓઝા-વૈદ્ય

(ભાગ: 3)

નામ: ડો. એની બેસેન્ટ

સમય: 20 સપ્ટેમ્બર, 1933 

સ્થળ: વારાણસી

ઉંમર: 86 વર્ષ

જગતના કોઈ સત્તાધીશોથી એમનો વિરોધ સહન થતો નથી, આ તો અંગ્રેજ સરકાર હતી!ભારત, દક્ષિણ આફ્રિકાનો મોટો ભાગ અને ઈજિપ્ત, કેન્યા, નાઈજીરિયા, (આજે જે કેનેડા તરીકે ઓળખાય છે) બ્રિટિશ નોર્થ અમેરિકા, કેરેબિયનનો કેટલોક ભાગ અને વેસ્ટઈન્ડિઝના દેશો ઉપર રાજ કરતા આ અંગ્રેજોનો સૂર્ય કદી આથમતો નથી એમ કહેવાતું, કારણ કે એમની સત્તાના એક દેશમાં સૂર્ય આથમે ત્યારે બીજા દેશમાં સૂર્યોદયનો સમય થઈ જતો! ક્વીન વિક્ટોરિયાની સત્તાલાલસા અને અંગ્રેજ અધિકારીઓની ગેરરીતિ તથા સત્તાલાલસા સામે એક અંગ્રેજ નાગરિક તરીકે અવાજ ઉઠાવવાની હિંમત મારે ચૂકવવી પડી. મને જેલમાં નાખવાની ધમકી આપવામાં આવી, પરંતુ હું ડરું એવી નહોતી. સરકારને લાગ્યું કે મને જો જેલમાં નાખશે તો મારા સહકાર્યકરો અને ટેકેદારો ઈંગ્લેન્ડમાં બળવો કરશે, એટલે મને ચૂપકીદીથી ઈંગ્લેન્ડ છોડી દેવાનો આદેશ આપવામાં આવ્યો. 

એ ગાળામાં જ્યારે સરકાર મને સતાવી રહી હતી ત્યારે વિલિયમ સ્ટીડ ફરી એકવાર મારી મદદે આવ્યા. અમે બંનેએ સાથે મળીને એક અખબારની શરૂઆત કરી જેનું નામ હતું, ‘લિન્ક’. એ અખબારનો ઉદ્દેશ હતો કે, જે બોલી નથી શકતા એની વકીલાત કરવી, જે નિર્બળ છે એમની સાથે ઊભા રહેવું અને જેમના પર અત્યાચાર થાય છે એમને માટે લડવું… લિન્કમાં અન્યાય, અત્યાચારનો વિરોધ કરવામાં આવતો, એવા પ્રસંગોને લોકો સમક્ષ મૂકવામાં આવતા, અખબાર ખૂબ પ્રસિદ્ધ થયું, પરંતુ એ પછી આર્થિક મદદના અભાવે અખબાર ચાલી શક્યું નહીં. વિલિયમ સ્ટીડની ઓળખાણોમાં જેણે જેણે મદદ કરી એ સહુ ઉપર સરકારની તવાઈ બોલી અને સહુએ સમય જતાં મદદ પાછી ખેંચી લીધી. અંતે, અખબાર બંધ કરવાનો વારો આવ્યો ત્યારે મેં પેમ્ફલેટ લખવાના શરૂ કર્યાં. એ પેમ્ફલેટો હું જાતે રસ્તા પર ઊભી રહીને વહેંચતી. પોલીસ અધિકારીઓ ત્યાં આવીને ઊભા રહેતા, મારા પર નજર રાખતા. પસાર થતાં લોકો સરકાર અને અધિકારીઓના ડરથી પેમ્ફલેટ લેતા નહીં, પરંતુ દુકાનોમાં કે પીઠામાં, રેસ્ટોરન્ટમાં અને નાના કરિયાણાની દુકાનોમાં મૂકેલા પેમ્ફલેટ ચૂપચાપ લઈ લેતા… મને સમજાઈ ગયું કે, સહુને સત્ય જાણવામાં રસ છે, પરંતુ સત્યની મદદ કરવા માટે કોઈ આગળ નહીં આવે. હું હિંમત હાર્યા વગર મારું કામ કરતી રહી. 

એ વખતે ચાર્લ્સ બ્રાડલેગ એક એવા નેતા હતા જે મારી જેમ સરકાર વિરોધી વિચારોને ડર્યા વગર પ્રગટ કરતા હતા. એમના અખબારનું નામ ‘નેશનલ રિફોર્મર’ હતું. એમણે મને એમના અખબારમાં જોડાવા માટે નિમંત્રણ આપ્યું. એ ‘સેક્યુલર સોસાયટી’ નામની એક સંસ્થા ચલાવતા હતા. આ સંસ્થામાં એમણે મને સેક્રેટરી બનાવી અને સ્ત્રીઓ વિષયક મુદ્દા સંભાળી લેવાની વિનંતી કરી. 1874માં પહેલીવાર લોકોની સામે ઊભા રહીને ‘ધ પોલિટિકલ સ્ટેટ્સ ઓફ વિમેન’ના વિષય પર મેં ભાષણ આપ્યું. લગાતાર તાળીઓ ગૂંજતી રહી અને ચાર્લ્સ બ્રેડલેગે મને અન્ય ભાષણો માટે નિમંત્રિત કરી. આ ભાષણો માટે પ્રવાસ કરતી વખતે મને છાતીમાં દુ:ખાવો થયો. અમે ડોક્ટરને મળ્યા ત્યારે ડોક્ટરે કહ્યું કે, ‘એમના ફેફસાં નાજુક છે. ભાષણ કરતી વખતે કાં તો એમનું મૃત્યુ થશે અને કાં તો ઊંડા શ્વાસ લેતાં લેતાં એમના ફેફસાં ખૂલી જશે.’ સમાજને અને શોષિત લોકોને મારી જરૂર હશે માટે ભાષણોનો પ્રભાવ અનુકૂળ રહ્યો. મારા ફેફસાં ખૂલી ગયા અને રોગ મટી ગયો. હવે, માત્ર ઈંગ્લેન્ડમાં જ નહીં, ઈંગ્લેન્ડની બહાર પણ મને ભાષણ માટે નિમંત્રિત કરવા લાગ્યા. મારા વિચારો સહુને ગમતા, લોકો મારી સાથે સહમત થતા અને સમાજમાં એક એવી લહેર ઊભી થઈ જેને કારણે ઈંગ્લેન્ડમાં પણ ભારત ઉપર થઈ રહેલા અત્યાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવનારા થોડાક લોકો એકઠા થઈ શક્યા. ક્રિશ્ર્ચિયાનિટીમાં મને આસ્થા નહોતી, પરંતુ ધર્મ અને આધ્યાત્મ મારા રસના વિષયો હતા. મને લાગતું હતું કે, શરીરની સાથે સાથે આત્મા પણ આઝાદ થવો જોઈએ. ધર્મની જગ્યાએ વિજ્ઞાન અને સ્વર્ગના સ્થાન પર ધરતી પર જીવતા લોકોનું સુખ, ભયની જગ્યાએ પ્રેમ હોવો જોઈએ. સૌની નૈતિકતા તર્ક અને અનુભવ પર આધારિત હોવી જોઈએ. જગત સામાન્ય માણસનું હોવું જોઈએ અને આઝાદીમાં સ્ત્રી કે પુરુષનો ભેદ ન હોવો જોઈએ… મારા આ વિચારો સાથે મને ‘થિયોસોફી’ની ઓળખાણ થઈ. એ એક એવો વિચાર છે જેમાં તમામ ધર્મોની સારી વાતોને સમાવી લેવામાં આવી છે. 

થિયોસોફી એ 19મી સદીના અંતમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં સ્થાપિત ધાર્મિક અને દાર્શનિક પ્રણાલી છે. મુખ્યત્વે રશિયન હેલેના બ્લેવાત્સ્કી દ્વારા સ્થપાયેલ, અને મોટાભાગે તેમનાં લખાણો પર આધારિત, તે નિયોપ્લેટોનિઝમ અને ભારતીય ધર્મો જેમ કે હિંદુ અને બૌદ્ધ ધર્મ એમ બંને જૂના યુરોપિયન ફિલસૂફીમાંથી ભારે આકર્ષણ ધરાવે છે. જોકે, ઘણા અનુયાયીઓ એવું માને છે કે થિયોસોફી એ ધર્મ નથી, તેને ધાર્મિક વિદ્વાનો દ્વારા પશ્ર્ચિમી વિશિષ્ટતાની અંદરથી એક નવી ધાર્મિક ચળવળ અને ગુપ્તવાદના સ્વરૂપ બંને તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.

થિયોસોફીની સ્થાપના 1875માં બ્લેવાત્સ્કી અને અમેરિકનો હેનરી ઓલકોટ અને વિલિયમ ક્વાન જજ દ્વારા થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના સાથે ન્યૂયોર્ક શહેરમાં કરવામાં આવી હતી. 1880ના દાયકાની શરૂઆતમાં, બ્લેવાત્સ્કી અને ઓલકોટ ભારતમાં સ્થળાંતર થયા, જ્યાં તેઓએ અદ્યાર, તમિલનાડુ ખાતે સોસાયટીના મુખ્ય મથકની સ્થાપના કરી. બ્લેવાત્સ્કીએ તેના વિચારોનું વર્ણન બે પુસ્તકો, ઈંતશત અનવેલ્ડ અને ધ સિક્રેટ ડોક્ટ્રિનમાં કર્યું, જે થિયોસોફીના મુખ્ય ગ્રંથો બન્યા.થિયોસોફી એ “સકારાત્મક ધર્મ” છે સ્યુડોસાયન્સ પર આધારિત દેખીતી રીતે તાર્કિક ધર્મશાસ્ત્ર પ્રદાન કરે છે. થિયોસોફિકલ સોસાયટીમાં જોડાઈને મને જીવનનું સાચું જ્ઞાન મળ્યું. મને સમજાયું કે, ધર્મ કોઈ મુઠ્ઠીભર લોકોનો ઈજારો નથી, બલ્કે ધર્મ એ નિરપેક્ષતા સાથે જોડાયેલી એક જીવન જીવવાની સાચી રીત છે.

જીવનના પાંચ દાયકા જેટલો સમય મેં વારાણસીમાં વિતાવ્યો છે. હવે વિચારું તો સમજાય કે, ભારત જ મારું ઘર છે. ઈંગ્લેન્ડમાં તો હું જીવનના શરૂઆતના થોડાં વર્ષ રહી, મારું શેષ જીવન ભારતમાં જ વીત્યું. હું આત્માથી ભારતીય છું. ભારતીય પરંપરા, વેદો, પુરાણોનું જ્ઞાન અને ભારતીય દર્શન શાસ્ત્ર સાથે મને ઊંડો લગાવ છે. હું માનું છું કે, ભારતના યુવાનોને જો ધર્મનું સાચું જ્ઞાન આપવામાં આવે તો આ દેશનો વિકાસ જુદી રીતે થઈ શકે. આજના સમયમાં યુવાનોને જ્ઞાન નહીં, બલ્કે પૈસા અને અંધશ્રદ્ધા તરફ ધકેલવામાં આવે છે. જે યુવાનો યોગ્ય સમયે પોતાના ઉદ્દેશને શોધી લે છે એ જીવનમાં સફળ અને સુખી થઈ શકે છે. આ વિચાર સાથે જ મેં ભારતમાં આવીને એક શાળાની સ્થાપના કરી. જેના પર ઉદારવાદી હિન્દુ સંસ્કૃતિનો પ્રભાવ હતો. મારી ઈચ્છા હતી કે, પુરાતન શિક્ષણ પ્રણાલિને ફરી પુન:પ્રસ્થાપિત કરવી જોઈએ.

ભારતમાં એક સમય હતો જ્યારે રાજા-મહારાજાઓ વિશ્વ વિદ્યાલય અને શિક્ષણ સંસ્થાનો ઊભા કરતા હતા. એમના અનુદાન પર ચાલતી સંસ્થાનોમાં પણ રાજા-મહારાજા દખલ ન કરતા કારણ કે, ત્યાંના શિક્ષકો જ સર્વેસર્વા હતા. બદલાતાં સમય સાથે શિક્ષકોનું મહત્ત્વ ઘટતું ગયું અને અનુદાન આપનારા, શિક્ષણ સંસ્થા ઊભી કરનારા લોકો પોતાનું મહત્ત્વ પ્રસ્થાપિત કરવા લાગ્યા. એને કારણે ભારતીય શિક્ષણ પ્રણાલી અને ભારતીય યુવા ઉપર ખૂબ ખરાબ અસર પડી. શાળામાં ભણતા કે શિક્ષણ સંસ્થાનમાં ભણતા યુવાનને એવું લાગવા માંડ્યું કે, એમના શિક્ષક કરતાં એ લોકો વધુ મહત્ત્વના છે જેમણે આ શિક્ષણ સંસ્થા માટે પૈસા આપ્યા છે, એથી શિક્ષણનું મહત્ત્વ ઓછું અને પૈસાનું મહત્ત્વ વધુ છે આ વાત અજાણતાં જ યુવા માનસમાં ઘર કરી ગઈ છે. મારે આ વિચારને બદલવો છે. હું ઈચ્છું છું કે, ભારતની પુરાણી પરંપરા ફરી એકવાર જાગૃત થાય. અધ્યાત્મ અને શિક્ષણનું મહત્ત્વ યુવા પેઢી સુધી પહોંચે.


આજે વારાણસીમાં જે શાળા મેં શરૂ કરી એ પછી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી અને બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના થઈ. સત્ય તો એ છે કે, શિક્ષણને ધર્મ સાથે કોઈ સંબંધ ન હોવો જોઈએ. ધર્મનું શિક્ષણ આવશ્યક છે, પરંતુ શિક્ષણ સાથે ધર્મને જોડનારા લોકો એક કટ્ટરપંથી સમાજનું નિર્માણ કરે છે. મેં મારા આ વિચારો ભારત પહોંચતાની સાથે રજૂ કરવાનું સાહસ કર્યું, જેનાથી અહીં પોતાના પગ ફેલાવીને બેઠેલી અંગ્રેજ સરકાર મારાથી નારાજ થઈ. એમને માટે તો એ જ પ્રશ્ન ફરી ઊભો થયો, મેં ઈંગ્લેન્ડમાં રહીને પણ એમનો વિરોધ કર્યો અને ભારત પહોંચીને પણ મેં અંગ્રેજ સરકારની નીતિઓ સામે અવાજ ઊઠાવવાનો ચાલુ રાખ્યો. એ સમયમાં મને કલ્પના નહોતી કે, હું ભારતની રાજનીતિને એક મહત્ત્વનો હિસ્સો બનીશ… નેશનલ કૉંગ્રેસની સદસ્ય અને અંતે કૉંગ્રેસની અધ્યક્ષ બનવાનું સન્માન પણ મને પ્રાપ્ત થશે. એક અંગ્રેજ તરીકે ભારતીય જનતાએ આપેલું આ સૌથી મોટું સન્માન હતું.    (ક્રમશ:)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button