તમે ખાઉધરા તો નથી ને?
દીકરી માટે જે છોકરો પસંદ કરેલો એનો પ્રથમ ઇન્ટરવ્યૂ અમે લીધેલો ત્યારે એના ખોરાક વિશે દસ પ્રશ્ર્ન પૂછેલા..
લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશી
‘અધધધ લાડુ ખાનારાઓથી તો ભગવાન જ બચાવે!’
પોતે સારું એવું ઝાપટી શકે છે એમ માની કોલર ઊંચો કરનારાઓનો એક જમાનો હતો. પણ આજના આ મોંઘવારીના જમાનામાં વધારે ખાનારા, અર્થાત્ ખાઉધરા મહાશયો બ્લેક લિસ્ટમાં મુકાઈ જતા
હોય છે.
એક જમાનામાં અમારા ગામમાં સૌથી વધુ લાડુ ખાનારાઓનું સન્માન થતું અને એવા યુવાનો તેમજ મોટી વયના મહાશયો ગામમાં છાતી કાઢીને ફરતા. સામૂહિક જમણવાર અને સોંઘવારીના જમાનામાં એવા પ્રયોગો અને સ્પર્ધા કારગત નીવડતી, પણ મોંઘવારીના આ યુગમાં આવી લાડુની સ્પર્ધામાં જીતનારાઓને કોઈ ભૂલેચૂકે પણ જમવાનું આમંત્રણ ના આપે. આજની આધુનિક યુવતી પણ આવા ખાઉધરા યુવકની લગ્ન માટે ઑફર આવી હોય તો તરત જ ‘ના’ કહીને મ્હોં મચકોડે. મેગી, પિઝા, બર્ગર બહારથી મંગાવીને ખાનારી, જીમ, યોગા કરનારી અને બોડી મેન્ટેઇન કરનારી યુવતીઓ ભલા કઈ રીતે લસલસતાં ઘીના લાડવા બનાવવા બેસવાની?
કેટલાક મહારથીઓ તો માત્ર ખાવા માટે જ જન્મ લીધો હોય એમ આખો દિવસ સવાર, બપોર, સાંજ અને કદાચ રાત્રે ભૂખ લાગે તો રાત્રે શું ફાકવું એનું આખા અઠવાડિયાનું લિસ્ટ બનાવીને પત્નીને થમાવી દે છે અને એ લિસ્ટની બે-ત્રણ ઝેરોક્ષ કઢાવી રસોડામાં, ડાઇનિંગ ટેબલ પર તેમજ બેડરૂમમાં સુધ્ધાં ચોંટાડી રાખે છે.
આવા મહાશયો ઊઠતાંની સાથે ‘ૐ નમ: શિવાય’ કે પછી ગાયત્રી મંત્ર ઈત્યાદિનું સ્મરણ કરતા નથી, પણ આજના લિસ્ટમાં જે જે લખ્યું છે, એ એ
ખાવાનું બનાવવાનું પત્ની ચૂકી તો નથી ગઈ ને? એ વારે વારે પેલા લિસ્ટમાં જોઈને ચેક કરતા
રહે છે.
અમારા પડોશી જમનાદાસ તો ખુલ્લંખુલ્લા લોકોને કહેતા ફરે છે કે, ‘મારે તો જીવન એટલે સારામાં સારું સ્વાદિષ્ટ ખાવું, પીવું તેમજ નિરાંતે ઊંઘી જવું! માનવજીવન એક જ વાર આપણને મળે છે, તો ખાઈ પીને મરવાનું! ખાવા-પીવામાં હું કોઈ બાંધછોડ કરતો નથી.’
જમનાદાસના ગયા પછી એના પત્ની પ્રલાપે છે : ‘ભૂલેચૂકે પણ આવા ખાઉધરા પુરુષનો પનારો પડ્યો, તો તોબા તોબા! એથી જ અમે દીકરી માટે જે છોકરો પસંદ કરેલો, એનો પ્રથમ ઇન્ટરવ્યૂ મેં લીધેલો અને ખોરાક અંગે દસ પ્રશ્ર્ન પૂછેલા..’
જમનાદાસની પત્ની અલકાબેન રાંધી રાંધીને અને પતિદેવને પીરસી પીરસીને સાવ હલકાં (સુકાઈ ગયાં) થઈ ગયાં છે.
જમનાદાસ લગ્ન બાદ પહેલીવાર સાસરે ગયેલા એ વાત અલકાબહેન (હલકાં થયા પછી) લગભગ દર અઠવાડિયે યાદ કરાવી હશે. એ પુરાણ કંઈક આ મુજબ છે:
‘લગ્ન બાદ હું અને મારા એ (પતિ) મારાં પિયર ગયેલાં. મારી બાને નહોતી ખબર કે જમાઈનો જઠરાગ્નિ ખૂબ જ પ્રદિપ્ત છે! જમાઈરાજે જમણવાર શરૂ થતાં જ લાડુ ખૂટાડ્યા, પછી ભજિયાં ખૂટાડ્યાં અને એના ઉપર છેલ્લે વાડકે વાડકે દાળ પણ એવી પીધી કે મારી બાએ તાત્કાલિક કૂકર ચઢાવેલું. એ પછી મારી બાએ જમાઈને સાસરે પધારવાનો આગ્રહ ક્યારેય કર્યો નથી!’
કંઈ કેટલા તો પુષ્કળ પ્રમાણમાં ખાધા પછી પણ શરીરે એકવડા જ રહે છે એટલે એવા એકવડા શરીરવાળા મહાશયો તો ગર્વથી કહેતા ફરે છે કે, ‘ખાધા પછી અમારી જેમ પચાવતાં આવડે એનું જ શરીર માપમાં રહે. બાકી બધા ફૂલીને ફુગ્ગો થઈ જાય છે.’ (અવગુણને ગુણમાં ફેરવવાનો કેવો સરસ ગુણ!)
આવા ફુગ્ગાવાળા ગ્રાહકો માટે કેટલીક લોજમાં તો રીતસર લખવું પડે છે : ‘અનાજ પારકું છે, પણ તમારું પેટ પારકું નથી’ તો કેટલીક લોજમાં મોટા અક્ષરે લખવું પડે છે : ‘વધારે રોટલી કે ફરસાણ, મીઠાઈ માગીને અમને શરમમાં પાડશો નહીં. વધારે ખાશો તો એનો ચાર્જ અલગથી આપવાનો
રહેશે.’
આવા ખોરાકપ્રિય માણસો મફત ખાવાનું હોય ત્યાં ખૂબ જ બેકાબૂ બની જાય છે. એમાં પણ જો કોઈ પૈસાદાર પાર્ટીનાં લગ્નમાં ભવ્ય જમણવાર હોય, તો તો એકે એક વાનગીને ભરપેટ ન્યાય આપી, છેલ્લે બધા મુખવાસ, આઇસક્રીમ અને બાળકો સાથે છેલ્લે બુઢ્ઢી કા બાલ પણ ઓહિયા કરવાનું ચૂકતા નથી! અને જો ચૂકી ગયા હોય તો મુખવાસ ખાધા પછી પણ જે જે વાનગી બાકી હોય, તે તે વાનગી ઝાપટી આવવાનું પરમ કર્તવ્ય નિભાવી આવે છે. લગ્નમાં બોલાવનાર પાર્ટીને ખોટું લાગે તો ભલા કેમ
પોસાય?
બસ, પછી તો આખે રસ્તે એની સાથે કારમાં ઘરે જનારને કાં તો એમના કાન ફાડી નાખે એવા ઓડકાર, અથવા તો ચાલુ કારના હિલોળે નસકોરાંની
સંગતનો તાલ અન્ય કુટુંબીજનોએ સહન કરવો
પડે છે.
આવા ખોરાક પ્રિય મુરબ્બીઓને જોઈને રસ્તો બદલનારા કે પછી એવાઓને દૂરથી જ નમસ્કાર કરવામાં ભલું છે એવું માનનારાઓની સંખ્યા વધી રહી છે.
જો…જો, તમને જોઈને તો કોઈ રસ્તો બદલતું નથી ને?!