લાડકી

તરુણાવસ્થા-અનુભવોની આગમચેતી

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી -શ્ર્વેતા જોષી-અંતાણી

ત્રિશા એટલે વિહાની ખાસ દોસ્ત. એ બંને વચ્ચેની દોસ્તીમાં પડેલી તિરાડ અને તેને સાંધવાના પ્રયાસો અંતે રંગ લાવ્યાની એ આખી વાત જ્યારે વિહાએ માંડીને કરી ત્યારે સ્નેહાની આંખો આંસુઓથી છલકાઈ ગઈ. પોતાની દીકરીને હંમેશાં ટોકતી આવેલી, રોકતી આવેલી, એના વિશે ફરિયાદો કરતી રહેતી પોતાની જાત પર એને આજે પહેલીવાર પ્રશ્ર્ન થયો કે વિહા પોતે ધારે છે એ હદે પણ બેજવાબદાર કે બેકાળજીભરી લાગણીવિહીન અવસ્થામાં તો નથી જ જીવતી. વિહા ધીમે ધીમે કરતાં ખાસ્સી મોટી થઈ રહી છે એવો તેને બિલકુલ અંદાજ નહોતો. પરંતુ જે રીતે ત્રિશા સાથે ઊભા થયેલા સંબંધોની ગૂંચવણ વચ્ચે વિહા ફસાય અને એમાંથી પોતાની જાતે જ બહાર નીકળી એનો ખ્યાલ આવતાં જ સ્નેહાને એક ક્ષણમાં જ એ સમજાય ગયું કે હવે પોતાની દીકરી નાનકડી બાળકી નથી રહી, તે પોતાના જીવનના સમજણભર્યા સમયમાં પ્રવેશી રહી છે. આવું વિચારી રહેલી સ્નેહાને ઊંડા વિચારોમાં ખોવાયેલી જોઈને વિહા તો એની આદત મુજબ તુરંત જ મમ્મીને ઢંઢોળીને પૂછવા લાગી કે શું થયું?? પાછી મારી વાત નથી સાંભળતી, પાછું તારું મગજ ક્યાંય બીજે ફરી રહ્યું છે?? તને ક્યાં મારામાં રસ છે? હું કંઈ પણ કહું તારે ક્યાં મારી સાથે વાત કરવી હોય છે? તને હું જરાય ગમતી જ નથી!! વિહાના આવા પ્રશ્ર્નોની વણઝાર ચાલુ હતી ત્યાં સ્નેહાએ તેણીનો હાથ પકડી શાંત પાડી. એક મિનિટ, મને તારી બધી જ વાત સમજાય છે. હું માત્ર એ વિચારે ખોવાયેલી કે, તારા જીવનમાં પણ કેટલું બધું અવનવું બનવા લાગ્યું છે જેની મને ખબર પણ નથી હોતી..
શું એવું જરૂરી નથી કે બધી જ વાતનો મને ખ્યાલ હોય?!

તરુણોના માતા-પિતાએ આ વસ્તુ ખૂબ સમજવાની જરૂર છે. અત્યાર સુધી પોતાના બાળક પર માલિકીભાવ ધરાવતા આવા પેરેન્ટ્સ તરુણાવસ્થામાં પહોંચતા બાળકો પોતાની એક અલગ દુનિયા શરૂ કરે છે તેઓને પોતાના અલગ સિક્રેટ્સ હોય છે, તેઓને પોતાના અલગ વિચારો હોય છે, તેઓને તમારી વાતોમાં રસ નથી તમારી સાથે ફરવા નથી આવવું, તમારી બધી સલાહ સૂચનો તેઓ અવગણે છે, તેઓને તમારા કાયદાની હવે જરૂર નથી, તમારા અનુભવોને તો ઘોળીને પી જાય છે. તમારા શબ્દોને લાત મારી ફેંકી દે છે તેને સ્વીકારી શકતા નથી.

પરંતુ આ હકીકતમાં ટીનએજર્સની અંદર આવતા અંત:સ્ત્રાવોના બદલાવને આભારી છે .પેરેન્ટ્સની વાત ના માનવી એવું નથી હોતું, તેઓની ટીકા નહી કરવી એવું નથી હોતું. પેરેન્ટ્સની વાતોને જાકારો આપવો એવું પણ નથી હોતુ. પરંતુ ટીનએઈજ એક એવી ઉંમર છે જ્યારે પોતાની રીતે નિર્ણયો લેવા, પોતાનો ઓપિનિયન બનાવવો, પોતાની ઓળખાણ ઊભી કરવી આ બધી જ વસ્તુઓ માટે તેઓ ખૂબ જ સતર્ક રહેતા હોય છે. તેઓ દુનિયાને જાણવાનું શરૂ કરે છે, દુનિયાની સારી-ખરાબ વસ્તુઓ અને અનુભવો તેઓને થાય છે. તમારા અનુભવોનું ભાથું અત્યાર સુધી માથે લઈને ચાલતા હશે એ વાતનો ભાર ઉતારશે તો પોતાના અનુભવનું પોટલું માથે ચડાવી શકશે અને એટલા માટે જ એ પોતાનું ખાલી પોટલું માથે ચડાવી તમારા ભરેલા પોટલાને નીચે મૂકે છે એ વાતમાં કોઈ જ ખરાબી નથી, ઊલટું માતા-પિતા તરીકે ટીનએજરને આવા સમયે ખૂબ જ સંવેદનશીલતાપૂર્વક સંભાળવા જોઈએ. તેઓ સાથેના વાદ-વિવાદ, ઝઘડા, ગુસ્સા, તર્ક-વિતર્ક, સંવેદનાઓ આ બધામાં ફસાયા વગર તેઓને હાથ ઝાલી અને આ તરુણાવસ્થાના ઉમડતા દરિયાના તોફાનોમાંથી બહાર લઈ આવવાની જવાબદારી વડીલોએ ચોક્કસપણે નિભાવવી જોઈએ.

જોકે સ્નેહાને સુરભીએ બોલેલું છેલ્લું વાક્ય યાદ આવ્યું કે મેં આટલું સમજાવ્યું એમાંથી જો એક પણ વાક્ય વિહા સમજી હશે તો મારું બોલેલું સાર્થક છે અને સ્નેહાએ વિહાએ જે રીતે ત્રિશા સાથે પોતાની મિત્રતાના મનામણા કર્યા એ સાંભળી અને સંતોષ માન્યો કે સુરભીની વાતની વિહા પર કંઇક અસર તો ચોક્કસપણે થઈ જ છે.

બીજા દિવસે સવારે સુરભીને થેન્ક્યુ કહેવા જતી સ્નેહા દરવાજો ખોલીને હજુ બહાર જ નીકળે છે ત્યાં તો સોસાયટીના છેવાડે રહેતા બે ટ્વિન્સ એવા આનલ-અનોલી બાલ્કનીમાં ઊભા-ઊભા એયને મસ્તીથી મોબાઈલ મચડી રહ્યા હતા. મારા છોકરાઓ તો દિવસ-રાત સતત વાંચ્યા જ કરે, કોઈ બીજી-ત્રીજી વાતમાં તેઓનું ધ્યાન હોય જ નહીં. બહાર ગમે તેટલા અવાજો આવતા હોય તેઓની એકાગ્રતામાં કોઈ જ ફરક પડે નહીં આવું બોલતી તેઓની મમ્મી નીશા નજર સામે તરવરી ઊઠી. તુરંત જ સુરભી સાથે ગોસીપનો ટોપિક મળી ગયો. સ્નેહાએ આનલ-અનોલીની જે વાત છેડી એનો જવાબ આપતા સુરભીએ કહ્યું કે જો ટીનએઈજમાં પહોંચેલા બાળકો સારા-નરસાંનો ભેદ બહુ સારી રીતે પારખી ન શકતા હોય માટે બહારથી કંઈપણ મનોરંજનની વાતો આવે એટલે તરત જ તેઓનું મન ચંચળતાપૂર્વક તેઓને ખેંચી જતું હોય છે અને એમાંય ફેબ્રુઆરી એટલે લગ્નગાળાનો અને શુભ પ્રસંગો માટેનો સમય સાથોસાથ પરીક્ષાઓનો પણ ખરો જ!!. ટીનએજર માટે આ પાર કે પેલે પાર. એકબાજુથી ઘરમાં વડીલોના વાંચો-વાંચોના બુમબરાડા તો બીજી તરફ સ્પીકર પર ચાલતા ધૂમધડાકા. ટીનએજરનું મન તો એ તરફ જ ખેંચાવાનું જ્યાં આનંદ-પ્રમાદ, મનોરંજન ને મોજમજા હોય અને ચિંતા ઓછી કહી સુરભી સ્નેહા તો બીજી વાતોએ વળગ્યા પણ આ તરફ આનલ-અનોલી શું સાચ્ચે જ આવી બાબતોના કારણે જ, કેરિયરના વર્ષોનો અમૂલ્ય સમય વેડફી રહ્યા હતા!! (ક્રમશ:)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…