લાડકી

અનેરી આત્મખોજનો આરંભ….

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી -શ્ર્વેતા જોષી-અંતાણી

સત્તરેક વર્ષની કિયારા હંમેશાં ખોવાયેલી રહેતી. રોજ સ્કૂલ જતી, ફ્રેન્ડ્સને મળતી, ફેમેલી સાથે સમય પસાર કરતી કિયારા આમ તો એક નોર્મલ ટીનએજર લાગે, પણ, અંદરથી એ સતત ખાલીપણાનો અનુભવ કર્યા રાખતી. પોતાની જિંદગીમાં શું કરવું છે એ ખ્યાલ નહોતો આવતો. એની આસપાસના મિત્રવર્તુળમાં જ્યારે લોકો પોતાના ધ્યેય, લક્ષ્ય કે સપનાઓ પૂરા કરવાની વાતો કરતા ત્યારે એને પોતાની જિંદગી દિશાહીન લાગતી. જાણે, હોકાયંત્ર વગર વિશાળ સમુદ્રમાં હાલકડોલક થતી નાવ. પોતે શું હતી? શું કરવા માગતી હતી આવા વિચારો એને હમણાથી બહુ આવતા, કારણકે તરુણાવસ્થાનો એક આખો શરૂઆતી તબકકો વિતી જવા આવ્યો છે ત્યારે હવે એને ચિંતા જાણે ચોતરફથી ઘેરી વળી છે.

એવામાં એક દિવસ સ્કૂલમાં સહુને પોતાનું પર્સનલ વિઝન બોર્ડ બનાવવાનો પ્રોજેક્ટ સોંપવામાં આવ્યો. સાત દિવસનો સમય હતો, પણ કિયારા પોતાના વિઝન વિશે સાત વાક્ય પણ લખી શકી નહીં. આખા ક્લાસમાં એ એક જ એવી નીકળી કે જેનો પ્રોજેક્ટ અધૂરો રહ્યો. બીજા પણ કંઈ એવા સવિશેષ વિઝનરી સ્કોલર સ્ટુડન્ટ્સ નહોતા, પણ એ બધા ખોટું-સાચું જે સમજાયું ને જે ઈન્ટરનેટ પરથી મળ્યું એ લખીને લઈ આવેલા…સિવાય કે કિયારા. એ પોતાની જાતને કે અન્યોને છેતરવામાં માનતી નહીં એટલે એ બિચારી આખા ક્લાસમાં એકલી રહી ગઈ. ક્લાસમાં એક પછી એક સહુના વિઝન બોર્ડ આવતાં ગયા. અમુક સ્ટુડન્ટ્સે ખરેખર મહેનત કરેલી એમના વખાણ થયાં. કોઈકની મહેનત ટીચરને અપીલ ના કરી શકી તો એ ઉદાસ થયા. તો વળી અમુકની ઉઠાંતરી પકડાય જતાં એમને ઠપકો પણ સાંભળવો પડ્યો. જોકે, કિયારા એ ત્રણમાંથી એકપણ કેટેગરીમાં નહોતી એટલે જ્યારે એનો પ્રોજેક્ટ રિપ્રેઝન્ટેશન માટેનો વારો આવ્યો ત્યારે પહેલા તો આદતવશ એ મૂંઝાય ગઈ. શું કહેવું એ ના સમજાતા નીચી મૂંડી રાખી એ જડવત્ ઊભી રહી.

‘કિયારા, ઈજ્ઞળય ઝવશત તશમય. ટીચરે આજ્ઞા કરી છતાં એ પોતાની જગ્યાથી હલી નહીં. ક્લાસ આખાનું ધ્યાન હવે કિયારા પર કેન્દ્રિત થયું. ટીચરને આવું વર્તન અપમાનજનક લાગ્યું. એટલે એમણે કડક સ્વરે ફરી કહ્યું : ‘કિયારા, નથી સંભળાતું? તારો પ્રોજેક્ટ ક્યાં છે? એ લઈને અહીં આવ…’, પણ પણ કિયારા સખ્ત ગભરાય ગયેલી એટલે એ સામે કંઈ બોલી નહીં. હવે ટીચરનો પારો છટક્યો એટલે એમણે લગભગ ઘાંટો પાડ્યો :

‘કિયારા, છેલ્લી વાર પૂછું છું. હવે જવાબ નહીં મળે તો તારા પેરેન્ટ્સને બોલાવવા પડશે.! ’ પેરેન્ટ્સ આમાં વચ્ચે આવશે એ બીકે અંતે કિયારા સાવ ધીમા અવાજે માત્ર એટલું બોલી, ‘મેમ, નથી કર્યો.’ આ જવાબની સામે ટીચરના અનેક સવાલો આવ્યા, પણ એના જોઈ જવાબ કિયારા પાસે નહોતા ત્યારે એ કોઈને શું કહે? ટીચરને એનું વર્તન ઉધ્ધતાઈ ભર્યું લાગ્યું, પણ ક્લાસ પૂરો થતો હતો એટલે એ કિયારાને સ્ટાફરૂમમાં આવવાનું કહી ત્યાંથી નીકળી ગયાં. એમની પીઠ પાછળ ક્લાસમાં જે કલબલાટ શરૂ થયો એનો મુખ્ય વિષય પોતે જ છે એ જાણતી કિયારા પણ સ્ટાફરૂમ તરફ આગળ વધી. સ્ટાફરૂમમાં અન્ય શિક્ષકોની હાજરીમાં કિયારાને ખખડાવી નાખવામાં આવી. એ હદે કે એ આંખોમાં આંસુ સાથે એ ધ્રુજવા લાગેલી. એ સમયે હ્યુમાનિટી શીખવતા સુરભી મેમની નજર કિયારા પર પડી. સૌથી પહેલું કામ એણે ગુસ્સે ભરાયેલા ટીચરને શાંત પાડવાનું કર્યું.

ત્યારબાદ એ કિયારાને એક ખાલી ક્લાસરૂમમાં લઈ ગયાં. શાંતિથી બેસાડી, પાણીનો ગ્લાસ ધરી એને હળવી કરી. તરુણાવસ્થાની તકલીફો સારી પેઠે જાણતા સુરભી મેમ એ સમયે તો જાણે કિયારાને કંઈપણ કહ્યા વગર ક્લાસરૂમ સુધી પાછી મૂકી આવ્યા, પણ બીજા દિવસથી પ્રિન્સિપલની ખાસ મંજૂરી સાથે હવેથી રોજ સ્કૂલ પૂરી થયે વધારાનો અડધો કલાક કિયારાને રોકાવાની ગોઠવણ કરી. કિયારાની મૂંઝવણ દૂર કરવા એક ઉપાય અજમાવ્યો. એને શેમાં રસ પડે છે એ જાણવા ધીરે-ધીરે વિઝન બોર્ડને કેન્દ્રમાં રાખી કિયારા પાસે અલગ-અલગ વિષયોને અજમાવવાની શરૂઆત કરાવી. શરૂઆતમાં અનહદ કંટાળા, થાક અને કોઈકવાર બધું ફરી છોડી જવાની વૃત્તિ કિયારામાં જન્મી જતી, પરંતુ છએક મહિનાને અંતે સુરભી-કિયારાની સહિયારી મહેનત રંગ લાવી. કિયારાને ખ્યાલ આવતો ગયો કે એની અંદર ફોટોગ્રાફી, નેચરલ એલિમેન્ટ્સ તેમજ પ્રકૃતિ તરફનો ઝુકાવ છે. એણે નેચર કેમ્પ જોઈન કર્યા. ફોટોગ્રાફી ક્લબની મેમ્બરશિપ લીધી. ઓનલાઈન યુથ પ્રોગ્રામ્સમાં ભાગ લેતી થઈ. ધીમે-ધીમે એની નજર સામેનું વિઝન ધૂંધળુ પણ દેખાવાનું શરૂ થયું ખરું. પરિણામે, કિયારા પહેલીવાર અંદરથી ખુશ રહેવા લાગી. પછીના થોડા મહિનાઓમાં તો કિયારા આત્મવિશ્વાસથી કહી શકતી કે એ જિંદગીમાં શું કરવા માગે છે.

એને ટ્રાવેલિંગ કરવું હતું.ફોટોગ્રાફીમાં ગ્રેજ્યુએશન કરવા વિદેશ જવું હતું. કુદરતના ખોળે વસવું હતું. આ સફર સહેલી નહોતી, પણ એનું પરિણામ ખૂબસૂરત આવવાનું હતું. પોતાના અંતરાત્માનો અવાજ સાંભળતા એ પહેલી વાર શીખેલી. પોતાની જાત પર ભરોસો કરતા, વિચારોને વાચા આપતા શીખેલી કિયારાના મનનો ખાલીપો ધીમે-ધીમે ભરાય રહ્યો હતો. એવામાં એ દિવસ આવી ગયો જ્યારે વર્ષ આખાના પેન્ડિંગ પ્રોજેક્ટ સબમિટ કરવાના હતા. ક્લાસરૂમમાં ટીચરના આવવાની આજે આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલી કિયારાએ પોતે તૈયાર કરેલા વિઝન બોર્ડ પર નજર નાખતાં એનું મન સંતોષના શ્વાસથી ભરાય ગયું. પોતાની જાત પર એને માન થઈ આવ્યું. જોકે, જીવન હજુ ઘણું બાકી છે. લાંબી મજલ કાપવાની છે. પરંતુ એ યાત્રા માટે પોતે સજ્જ છે. એમ વિચારતી પોતાનું નામ સાંભળતા જ પોતાનાં વિઝન બોર્ડ સાથે એ આત્મવિશ્વાસથી ડેશબોર્ડ તરફ આગળ વધી ગઈ…

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button