લાડકી

…અને પછી જીવતરની જાહોજલાલીને જતાં જોવી પડે છે!

સંબંધોને પેલે પાર -જાનકી કળથિયા

શું સંબંધ કોઈ એક વ્યક્તિના લીધે તૂટે છે અથવા બચે છે? શું બેમાંથી એક વ્યક્તિનું ઈનવોલ્વમેન્ટ સમય જતાં ઝીરો થઈ જાય છે? એકની અનિચ્છા હોવા છતાંય રિલેશનમાં કેમ બ્રેકઅપ થાય છે? બન્નેની મરજીથી જ આગળ વધ્યા હતાં તો છૂટા પડતી વખતે બીજાની મરજી છે કે કેમ એવું જાણ્યા વગર કેમ અલગ થઈ જવાય છે?
આ પ્રકારના ઘણાંય પ્રશ્ર્નો એક લેડીએ મને પૂછ્યા. એમની વાત પરથી લાગ્યું કે આવા પ્રશ્ર્નો માત્ર એ એક જ સ્ત્રીને નથી, એવી ઘણીબધી વ્યક્તિઓ છે જે રિલેશનશિપ ક્રાઈસિસમાંથી પસાર થાય છે. સંબંધમાં જોડાયા ત્યારની અનહદ ખુશીઓના વળતાં પાણી શરૂ થવા એ સંબંધના વેન્ટિલેટર પર આવી ગયાની નિશાની છે. ત્યાંથી હેમખેમ પાછા ફરવું એ રેરેસ્ટ ઘટના કહી શકાય.
હવા, પાણી, ખોરાકને બાદ કરતાં માણસજાત માટે સૌથી વધુ જરૂરી જો કોઈ વસ્તુ હોય તો એ લાગણી છે. લાગણીભૂખ્યો માણસ ચપટીક લાગણી માટે વલખાં માર્યા કરે છે. આપણી જાત માટે અન્યનું પેમ્પર કરવું એ જાણે ફરજિયાત બની જાય છે. પ્રિયજન પાસેથી લાગણી મેળવવાની દોડમાં ક્યાંક આપણે આપણી જાતથી જ દૂર થઈ જતાં હોઈએ છીએ. આ સ્થૂળ જગતમાં નાશવંત એવું આપણું શરીર જીવનમાં ક્યારેક તો એવા સ્ટેજ પર આવી જ જાય છે કે જ્યારે એ અન્ય પાસેથી પ્રેમાળ સ્પર્શ ઈચ્છે, વ્હાલું વ્હાલ ઈચ્છે, હૈયે ટાઢક આપતું હેત ઈચ્છે છે. અને દરેક વ્યક્તિને આ અધિકાર પણ છે. કોઈકને ઝંખવાનો, કોઈકને ઈચ્છવાનો, કોઈકને પામવાનો… પણ એનાથીય વધુ અગત્યનું એ કે કોઈકને તરબોળ કરી દેવું, કોઈના પર જાતને સમર્પિત કરી દેવી, કોઈક માટે લૂંટાઈ જવું, કોઈકમાં સઘળું ન્યોછાવર કરી દેવું, કોઈકને આપણામાં ભીંજવી નાખવું, કોઈકને હૃદયના ઊંડાણમાં ઊતરવા દેવું. ત્યાં સુધી કે આપણાથી દૂર ગયા પછીય આપણામાંથી બહાર ન નીકળી શકે, પણ આપણે શું કરીએ છીએ? આપણે તો માત્ર ઝંખીએ છીએ. પ્રિયજનના પ્રેમમાં જાતને ભુલાવી દેવા કરતાં એને આપણામય કરી દેવાના અભરખા વધુ હોય છે. આપવાના બદલે માત્ર માગવા પર ફોકસ કરાય છે. મોકળાશના બદલે બાંધીને રાખવામાં આવે છે. ઊંડાણની મજા લેવાના બદલે કિનારે હલેસાં મરાય છે. ઈનશોર્ટ અનેક સારા પાસાઓને સાઈડમાં રાખી એકાદ બે નબળી બાબતોને લઈને રિસામણા મનામણાંનો દૌર શરૂ થવા લાગે. બસ આ પડાવ જ છે જ્યાં રિલેશનશિપ ક્રાઈસિસ શરૂ થવા લાગે છે. બેમાંથી એક પાત્ર જે મેચ્યોર હોય તે સંબંધની દોરી કસીને પકડી રાખે અને બીજું ગૂંગળાઈને જીવવા કરતાં એમાંથી આઝાદી ઝંખે.
એ હદે એ વ્યક્તિને આપણામય બનાવી દેવાતી હોય છે કે સામી વ્યક્તિ ગૂંગળામણ અનુભવવા લાગે. પિંજરે પૂરાયેલ પંછીની જેમ આપણામાં કેદ થયેલું પ્રિયજન એમાંથી છૂટવા મથે. એ જ પ્રિયજન જેની સાથે મળીને લાઈફની યાદગાર પળો જીવી હોય. યાદગાર શમણાંઓ સેવ્યા હોય. સેલ્ફીથી લઈને છેલ્લી ઘડી સુધીના સાથની ભીંતરના કેનવાસ પર સુંદર મજાની સજાવટ કરેલી હોય. એક એક દિવસ અને એ દિવસની દરેક ક્ષણોમાંથી એ વ્યક્તિ ખસતી જ ન હોય. એ જ વ્યક્તિનું ઇનવોલ્વમેન્ટ સમય જતાં ઘટવા માંડે, બિલકુલ ન બરાબર થઈ જાય ત્યારે અન્ય વ્યક્તિ ત્યાં જ ઊભી રહીને પોતાના જીવતરની જતી જાહોજલાલીને જોયા કરે છે. પોતાની અનિચ્છા હોવા છતાંય પ્રિયજનની વિદાયને વધાવવા વલખાં માર્યા કરે છે. પોતાની જાત સાથે જતે દહાડે સમાધાન કર્યા કરે છે.
માન્યું કે આઝાદી અને મોકળાશ એ દરેક સંબંધની મૂળભૂત જરૂરિયાત છે, પણ એનો મતલબ જરાય એવો ન હોવો જોઈએ કે પાર્ટનરની ઈચ્છા શું છે એ જાણવામાં પણ ન આવે, કારણ કે સંબંધની શરૂઆત વખતે બન્નેની ઈચ્છા કે મરજીથી જ આગળ વધ્યા હતાં. સપનાઓની શરૂઆત વખતે એકમેકની હાજરી અનાયાસે પણ એમાં પૂરાઈ જતી હતી. એ જ હાજરી હવે જો ખટકતી હોય તો એના બે કારણ હોય શકે. આપણા વર્તનથી આપણું પાર્ટનર હદ બહાર ઉબાઈ ગયું હોય અથવા તો આપણાથી બેટર બીજું કોઈ અન્ય એને મળી ગયું હોય. બેમાંથી કોઈ એક કારણ આપણા પ્રિયજનના પ્રાયોરિટી લિસ્ટમાંથી આપણા પર પૂર્ણવિરામ લાવી દે છે. જો આપણે આપણા સકારાત્મક વર્તન થકી પાર્ટનર પર અડીંગો જમાવી દઈએ તો બીજા કારણનો સવાલ જ પેદા થતો નથી.
આ સમસ્યાનું સમાધાન થઈ શકે એમ છે જો આપણે ઈચ્છીએ તો. જો આપણે આપણી ડિમાન્ડ, નીડને કે આપણા હર સમયે હક જતાવવાની બાબતને કંટ્રોલમાં રાખી શકીએ તો. માગવા કરતાં આપવા પર વધુ ભાર મૂકીએ તો. આપણામય બનાવવા કરતાં એનામાં ઓતપ્રોત થવાની મથામણ કરીએ તો. સંપૂર્ણ રીતે એનો સ્વીકાર કરી શકીએ તો. એના સ્વ સાથે ટકરાવમાં ન ઊતરીએ તો. પોતાની જાતને વધુને વધુ નિખારીને, અપગ્રેડ કરીને, ખામીઓ શોધી એને દૂર કરીને પ્રિયજનનું કાયમી રીલેક્સ સ્ટેશન બની શકીએ. એ કદાચ આપણાથી દૂર જવાનું ઈચ્છે તોય ન જઈ શકે. અરે દૂર જવાની ઈચ્છા પણ ન થાય. કદાચ આપણને ડ્રોપ કરી દે તો પણ એની યાદોમાંથી આપણને બાકાત ન કરી શકે. અન્ય વ્યક્તિ સાથે રિલેશનશિપ આગળ વધારે તો પણ આપણી યાદોમાંથી ન છૂટી શકે.
દરેક સંબંધનો આધાર સમજણશક્તિ ઉપર છે. જો બેમાંથી એક પાત્ર પણ વધુ મેચ્યોર હોય તો એ સંબંધ જળવાઈ રહે છે. સ્મરણોમાં સચવાઈ રહે છે, પરંતુ પીછેહઠ કરનાર વ્યક્તિનો નિર્ણય સ્વીકારી ન શકનાર પાત્ર આજીવન પીડાતું રહે છે. એ પીડામાંથી મુક્તિ માટે સામા પાત્રના નિર્ણયને મનથી સ્વીકારી લો. અને સૌથી અગત્યનું એ કે કોઈ એકનું ઈનવોલ્વમેન્ટ ઝીરો થાય જ નહીં એની પૂરેપૂરી તકેદારી રાખવી જોઈએ. એકબીજાની મરજી અને ઈચ્છાઓનું માન જળવાઈ રહે એનું ધ્યાન રાખવું જોઈએ. એકબીજાના ગમાં અણગમાને બરાબર સમજીને એ મુજબ સંબંધમાં સેટીસફેક્શન જાળવવું જોઈએ. આસપાસમાં જોવા મળતા અન્ય લોકો કે આપણા મિત્રો સાથે પાર્ટનરની તુલના કરવાથી કાયમ બચવું જોઈએ. એકબીજાના કામ અને પ્રોફેશનને આદર સાથે માન આપવું જોઈએ. ખામીઓ કે કુટેવો વગરનો માણસ મળવો અશક્ય છે, આ વાતનો મગજના છેલ્લા કોષ સુધી સ્વીકાર થયેલો હોવો જોઈએ. આપણી દુનિયા સિવાય પણ એની પોતાની દુનિયા છે, એનેય મહત્ત્વ આપવું જોઈએ. માત્ર ગમતી વ્યક્તિ પર જ ફોકસ કરવાના બદલે એને ગમતી પ્રવૃત્તિઓ તરફ પણ નજર જવી જોઈએ. આપણા વર્તુળનું કેન્દ્રબિંદુ જે છે એના વર્તુળનો પરિઘ કાયમ લક્ષ્યમાં લેવાવો જોઈએ.
આવું કરનાર વ્યક્તિના જીવનમાં રિલેશનશિપ ક્રાઈસિસના ઓછા ચાન્સ છે, કારણ કે એ વ્યક્તિ જેવી છે એવી ને એવી સ્વીકારનાર આપણી જાતમાં કાયમ બંધાયેલી રહેશે, પણ જો બાંધવાનો પ્રયત્ન કરીશું તો છૂટવાનો પ્રયત્ન પણ થશે જ. આ બરાબર સમજી લેવું.
ક્લાઈમેક્સ: તારી ‘હા’ જેટલી અગત્યની હતી એટલી જ તારી ‘ના’ અગત્યની હશે. એ સાંભળ્યા બાદ હું જરાય નાસીપાસ નહીં થાઉં, પરંતુ તું મારા નાસીપાસ નહીં થવાને સહન કરી શકીશ?

Back to top button
અભિનેત્રી રેખાની યાદગાર એડવર્ટાઈઝમેન્ટ મૂળા સાથે આ વસ્તુનું સેવન કરશો તો… નો ફ્લાય ઝોન: વિશ્વના એવા સ્થળો કે જેના પર વિમાનો ઉડી શકતા નથી રોજ ખજૂર ખાઓ, સ્વસ્થ રહો, મસ્ત રહો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker