લાડકીસ્પેશિયલ ફિચર્સ

લાફ્ટર આફ્ટર : બાપ્પા તો ગયા હવે સફાઈ કરી નાખું?

-પ્રજ્ઞા વશી

હજી તો બાપ્પા શેરીના નાકે પણ પહોંચ્યા નહોતા. હજી તો ગણપતિ બાપ્પાનું વિસર્જન પણ થયું નહોતું. ત્યાં તો કામવાળાબહેન મારી સામે આવીને ફોજદારની અદામાં ઊભાં રહ્યાં: ‘તે હવે બાપ્પામાંથી પરવાર્યાં હોય, તો ઘરનાં જાળાં બાળાં પાડવાનું શરૂ કરી દઉં? પછી કે’તા ની કે મેં તમને પહેલાં પૂછ્યું નહોતું.’

હું કામવાળા લખીબહેનનો પ્રસ્તાવ સાંભળીને પહેલાં તો સાવ ચકભમ જ થઈ ગઈ: ‘લખીબહેન, હજી તો બાપ્પાની વિદાયનાં આંસુ સુકાયાં નથી અને હજી તો પેલાં અંબા, કાળી, બહુચરા ઘરના દ્વારે આવીને ઊભાં ઊભાં પૂછે છે કે, અલીઓ, નવરાત્રિની તૈયારી કરી કે નહીં? ઘરમાં દીવડા, માટલી, સાથિયા, દિવેલ, ગલગોટા, શણગાર, ગરબાની તૈયારી રૂપે ચણિયાચોળી, વગેરે સામાન લાવ્યાં કે નહીં? નવરાત્રિને બહાને પતિદેવનાં ખિસ્સા ખાલી કરાવી દો ને એ પછી દિવાળીને બહાને તો ક્રેડિટ કાર્ડ જ પડાવી લેજો. પછી કે’તી નહીં કે માડી, તમે પૈસા પડાવવાનો આઇડિયા તો આપ્યો જ નહોતો!’

‘તેં મેં (હું) કંઈ ની જાનું (જાણું). મેં તો એતલું જ જાનું કે વેલો તે પેલો… તમારે દરવાજે જેમ અંબા, કાળી, બહુચરા નવરાત્રિ હારુ ટકોરા મારે છે, તેમ મારા બારણે હો વારંવાર ટકોરા પડે છે. તમારી જેમ આજુબાજુવાળી રમાબેન ને નેહાબેન-તમારી હામેવાળી સુધા ને ગંગા…. લગભગ આખા મહોલ્લાની બધી જ બહેનોની દિવાળી ઑફર આવી ગઈ છે’.

‘એટલે?’

‘એટલે એમ કે રમાબહેને દિવાળી કામના ત્રણ હજાર આપવા અને મન ફાવે ત્યારે કામ શરૂ કરવાની ઑફર આપી છે. ગંગાને ખબર પડતાં કલાક પછી મારે દ્વારે ગંગામૈયા પધાર્યાંને ચાર હજારની ઑફર તેમજ મને મન ફાવે ત્યારથી કામ કરવાની ઑફર આપી છે…. સુધાબહેન – રમાબહેનના ફોન આવી ગયા. એમણે શું કહ્યું તે સાંભળવું છે?’

‘હા, બોલને… ’
‘તમારાથી હંભળાહે ની…’
‘તું તારે બોલ. મારી ફિકર નહીં કર.’
‘તો હાંભળો. એ બેવ બેનોએ કીધું કે અમે તારી હેઠાણી જેવાં કંજૂસ નથી.બાકી અમારાં ઘરનાં કામ કરે તો તને ચા-પાણી, નાસ્તો, જમવાનું ને વારે તહેવારે સાડી, મીઠાઈ વગેરે તો અમે આપતાં જ રહીશું. જતાં જતાં કહી ગયાં કે તું શાંતિથી વિચારીને કહેજે ! ’

‘જુઓ લખીબહેન, તમે ખૂબ વરસોથી મારે ઘરે કામ કરો છો એટલે તમને આપણા ઘરની બધી સિસ્ટમ ખબર જ છે અને અમારો સ્વભાવ પણ. હા, તમને ત્યાં વધારે પૈસા આપતાં હોય અને સાડી, મીઠાઈ મળતાં હોય તો તમે ત્યાં કામ બાંધી લ્યો. હવે તો એવી એજન્સી નીકળી છે, જે જ્યારે જોઈએ અને જેવાં જોઈએ એવાં કામવાળા મોકલે છે. ફટાફટ ઘર ચકાચક…! કાચ જેવું ચોખ્ખું કરી આપે છે. કલાક પ્રમાણે પૈસા અને કામ પછી એ છુટ્ટા અને અમે પણ છુટ્ટા. પાછું એ તો જે સમય આપો એ સમયે હાજર! ને તમે લોકો તો રાહ જોવડાવી જોવડાવીને અમારું ટેન્શન વધારી દો છો. ઇન્સ્ટન્ટ ઢોકળાની જેમ ઇન્સ્ટન્ટ કામવાળા! એક ફોન કરો કે હાજર!’

‘તત… ફ્ફ…’ કરતાં લખીબહેન બોલ્યાં:
તે હું ક્યાં તમને નથી જાણતી… તમારો સ્વભાવ ક્યાં અને એ બધીઓનો સ્વભાવ ક્યાં! વરહો જૂનું કામ છોડી એવા આજકાલનાં આવેલાંઓને ત્યાં કોણ કામ કરવા જાય.? આ તો આ કાને હાંભળવાનું ને બીજે કાને કાઢી નાખવાનું…. બાકી તમારાં જેવા દયાળુ અને ભક્તિભાવવાળાં હેઠ-હેઠાણી ક્યાં મળવાનાં? દીવો લઈને હોધવા જાવ, તો હો ની મલે. ગયે વરહે તમે દિવાળી પેલાં ખાલી એક જ વાર કીધું એટલામાં દહ હજારનો ઉપાડ આપેલો! બાકી આ જમાનામાં કોણ આમ ફટ દઈને ઉપાડ આપે છે? મેં તો સુધાબહેન ને રમાબહેનને ફટ દઈને સંભળાવી દીધેલું કે, અમારાં હેઠ-હેઠાણી બેવ તો ભગવાનના માણહ… જ્યારે જ્યારે હું ભીડમાં હોઉં ત્યારે ત્યારે ફટ દઈને ઉપાડ આપે છે એટલે એમનાં ઘરનું કામ તો તમે દહ હજાર પગાર આપો તો હો હું ની જ છોડું.!’
‘છતાં લખીબેન, એક વાત કહું?’

‘તે કહો ને…’
‘તો હાંભળો. રમાબહેન તેમજ સુધાબહેનની કામવાળી કાલે તમારા ગયા પછી આપણા ઘરે આવેલી.’
‘કેમ મૂઈ આપણા ઘરે આવેલી?’

‘એને આપણા ઘરે કામ બાંધવું છે. એ કહેતી હતી કે, આખી સોસાયટીમાં તમારાં ઘરે જ બધી વાતની શાંતિ છે. ભલે તમે મને લખી કરતાં હો-બહો રૂપિયા ઓછા આપજો…. પણ અમને લખીની જગ્યાએ કામ આપો.’ મેં કીધું: ‘પણ મારાથી વારેવારે સાડી, મીઠાઈ વગેરે નહીં અપાશે, તો ચાલશે? અને હા, વારેવારે ઉપાડ પણ નહીં અપાશે તો ચાલશે?’

‘હેં… તે તમે એને હું જવાબ આપ્યો?’

મેં હજી કાંઈ કીધું નથી. લખીબહેન, મને થયું કે તમે વરસોથી કામ કરો છો તો તમને પહેલાં પૂછી લઉં. તમને હવે ભેટ-સોગાદ અને ઉપાડ લેવા રમાબહેન ને સુધાબહેનનાં ઘરે કામ કરવું હોય તો એમનાં ઘરની કામવાળીને હું આપણા ઘરે રાખી લઉં અને તમે સાડી, મીઠાઈ આપે એવાં ભલા બેનને ત્યાં…’

‘મને એવી એમની પેરેલી જૂની હાડી ને વાહી મીઠાઈ નથી જોઈતી. એ બેવના હાથ ટાંટિયા મારે જ તોડવા પડહે. હામી દિવાળીએ મારું આટલું હારું, ખટપટ વિનાનું કામ હડપ કરવું છે… અરે! તમે હું જાણો… એ બેવના ઘરમાં તો ટોપલા ભરી ભરીને વાહણ ઘહવાનાં ને ડોલચાં ભરી ભરીને કપડાં ધોતાં બધીઓ વાંકી વળી ગઈ છે. જે કામ કરે તે બે મહિનામાં કામ કરી કરીને માંદી પડી જાય છે. મૂઈ મારાં કામ પર નજર બગાડે છે! પણ મને તો હારી રીતે ખબર કે તમને મારા વગર કોઈના હાથનું કામ ગમવાનું જ નથી. આટલા વરહથી કામ કરું છું. એટલે જ તમે દર દિવાળીએ દહ હજારનો ઉપાડ હો હસતાં હસતાં આપો છો… તે ધીરે ધીરે પગારમાંથી કાપી લેવાનો… તમારી હારી ભાવના હું ક્યાં નથી જાણતી? હવે તો તમે કેહો ત્યારથી દિવાળીનું કામ ચાલુ કરહું. ખરું ને?!’

ટૂંકમાં અમારાં લખીબહેન કઇઠ થઈને બેક ટુ પેવેલિયન!

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત