લાડકી

ઊગતી ઉંમરે ઊઘડતી લાગણીઓની આંટીઘૂંટી

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી – શ્ર્વેતા જોષી-અંતાણી

આનંદીના લવ મેરેજને એક વર્ષ થવા આવ્યું હતું. એ વખતે પંક્તિ બારમા ધોરણમાં ભણતી હતી. બંને બહેન વચ્ચે આમ તો ત્રણ-ચાર વર્ષનો ફર્ક પણ આનંદીએ કોલેજ પૂરી કરી ના કરી ત્યાં તો પ્રેમની પાંખ પર સવાર થઈ ગયેલી. આનંદીને પોતાની કેરિયર તરફ ધ્યાન આપવા માટે સતત પ્રેરણા આપતાં માતા-પિતા માટે આ ઝટકો સહી જવો સહેલો નહોતો. ખૂબ સમજાવ્યા પછી પણ આનંદી માની નહીં ત્યારે ઘરમાં ચડભડ શરૂ થઈ ગઈ. એક રાત્રે ચર્ચાએ ઉગ્ર દલીલોનું સ્વરૂપ લીધું ત્યારે હજુ નાદાન કહેવાય એવી ટીનએજના પ્રભાવમાં રહેલી પંક્તિને પ્રેમ જ સાચો બાકી બધું જ ખોટું એ મનમાં ઠસેલું હતું. માતા-પિતાને ઘણું ખરું ખોટું સંભળાવવા એ પણ મેદાને પડી : ‘તમે લોકો દીદી પર જોર-જબરદસ્તી કરો છો. તમારાં સપનાઓને અમારા પર થોપી બેસાડો છો. તમારે અમારી જિંદગીના નિર્ણયો શા માટે લેવા છે?… અમારી ખુશીઓના તમે દુશ્મન છો’ જેવા અનેક આક્ષેપ મા-બાપ પર એણે કરી નાખ્યા. પંક્તિના વિચારો હજુ અર્ધ ખીલેલા હતા. ચડતું લોહી અને અંત:સ્રાવોના ઉછાળા વચ્ચે એને બહેન સાચી અને માતા-પિતા સાવ ખોટાં લાગતાં હતાં. પંક્તિના બબડાટ પછી ઘરમાં બધા ચૂપ થઈ ગયા.

થોડા દિવસો બાદ માતા-પિતાએ દીકરીની મરજી ખાતર મને કમને મંજૂરી આપી. આનંદીને આનંદ થયો કે નહીં એની એને ખબર નહોતી, પણ પંક્તિ પોતે રાજીના રેડ થઈ પડેલી. દીકરીની કેરિયર બનાવવા કંઈ પણ કરી છૂટવા તૈયાર માતા-પિતાએ અંતે ક્ધયાદાન કરી નાખ્યું. લગ્ન પછી આનંદી સાથે આમ કોઈ રાગ-દ્વેષ ના રાખ્યો, પણ જોઈએ એટલો પ્રેમ કે આવકાર પણ નહીં.
થોડા સમય પહેલાં જ દાદી પર આનંદીની સાસુનો ફોન આવેલો કે આનંદીની તબિયત સારી નથી રહેતી. દાદીએ પંક્તિને સમજાવીને કહ્યું કે ‘તારા સિવાય કોઈ એના લગ્નથી રાજી નહોતા એટલે કોઈ એનો ખ્યાલ રાખવા જશે નહીં. અરે, તારાં મા-બાપ તો ખબર-અંતર પૂછવાથી પણ કતરાઈ રહ્યાં છે. તને વાંધો ના હોય તો તું જઈને થોડા દિવસ એને ત્યાં રહી આવ આનંદીને પણ થોડું સારું લાગશે અને તને છુટ્ટી મળી જશે.’

પંક્તિ ખુશખુશાલ હતી. આનંદીને મળવાનો હરખ તો હતો જ પણ આમ પોતે પરિવારનું પ્રતિનિધિત્વ કરતી જાય એ વાતમાં તો એ બે વેંત ઉંચી ચાલતી પહોંચી આનંદીના સાસરે. ત્યાં જઈ જુએ છે તો નાનકડું ત્રણ રૂમ, રસોડાનું ઘર. એમાં કુલ ચાર પરિવાર રહે. સાસુ-સસરા સહિત ત્રણ દીકરા-વહુઓનો વસ્તાર. આનંદીનો ઓરડો તો જાણે સ્ટોર રૂમ હોય એમ ખીચોખીચ સામાનથી ભરેલો. પંક્તિના પગ ઢીલા થઈ ગયા. પોતે ક્યાં રહેશે એ વિચારે રોવું-રોવું થઈ પડી. સૂવા માટે એને બાલ્કની મળી. સવારે પાંચ વાગ્યામાં ઊઠવાનું. જલ્દી જલ્દી નહાવાનું, ફ્રેશ થવાનું કારણ કે, ઘરમાં બાથરૂમ એક ને વાપરનાર એક ડઝન. સાસરીમાં આનંદીના ભાગે સાંજનુ ભોજન બનાવવાનું આવતું. એ જવાબદારી હવે પંક્તિને સોંપી દેવામાં આવી. આનંદી બીમાર છે તો એના ભાગનું કામ બીજું કોણ કરશે એ વિચારે જ તો દાદીમાને ફોન કરી પંક્તિને અહીં બોલાવવાનો કારસો રચાયેલો.

ટીનએજમાં ટનાટન રહેવા ટેવાયેલી પંક્તિને ઘરકામ કે રસોઈનો સહેજપણ અનુભવ નહોતો. બિચારી આનંદી પથારીમાં પડ્યા પડ્યા એને શિખવતી જાય એમ એ કરતી જાય. સાંજે ચાર-પાંચ વાગ્યાથી રસોડામાં મથે ત્યારે માંડ લોકો જમવા ભેગા થાય અને પંક્તિને તો નવરાશ મળતા છેક દસ વાગી જાય. ક્યારેય કોઈ કામ કરવા ના ટેવાયેલી પંક્તિ આટલું કરે તો પણ બે સારા શબ્દોને બદલે કંઈકેટલુંય સંભળાવવામાં આવે. સાથે આનંદીને પણ મેણા મારવામાં કંઈ બાકી રખાતું નહીં. પોતાની ઉંમરના ટીનએજ દીકરાઓ પણ એ ઘરમાં હતા, પણ ધીમે ધીમે પંક્તિને સમજાયું કે અહીં સ્ત્રી માણસ નહીં- મશીન છે. ઘરના સભ્યોની સેવા ચાકરી કર્યા સિવાય એ કોઈ કામની નથી એ વિચારસરણીમાં માનતો આખો પરિવાર પોતાની કદર તો ક્યાંથી કરશે?

એક દિવસ પંક્તિથી ના રહેવાયું. એ લગભગ ગુસ્સાભર્યા સૂરે આનંદીને પૂછી બેઠી:

‘દીદી, તેં તો લવ મેરેજ કર્યા છે ને? તને કોઈ તકલીફ હોય તો કહેવાય ને?’ આનંદી એ કોઈ જવાબ ના આપ્યો. બસ, એની આંખમાંથી આંસુઓ સરતા રહ્યા. મનોમન વિચારી રહી, મારી સાથે આજે કોઈ છે જ નહીં. કોને કહું?’

પંદર દિવસ પછી ત્યાંથી જવાનો વખત આવ્યો ત્યારે પંક્તિના હૃદયમાં એકસાથે બે ભાવ રમી રહ્યા હતા. એક: પોતાને અહીંથી મળેલા છુટકારાનો આનંદ ને બીજો: આનંદીને એ નરકમાં એકલી મૂકી આવ્યાનો અફસોસ.

ઘરમાં સૌની લાડલી અને વધુ પડતી કોમળતાથી ઉછરેલી પંક્તિ એ પંદર દિવસમાં કઠોર બની ગયેલી. જ્યારે એક સમયે પરિવારને ત્યાગી ચાલી નીકળેલી નિષ્ઠુર લાગતી આનંદી સાવ નરમઘેંસ થઈ વારંવાર ધ્રુસ્કે ધ્રુસ્કે રોઈ પડતી.

આનંદી માફક યુવાનીની વસંતમાં પ્રેમ તો દરેકના જીવનમાં આવે ને થાય. મનમાં આશાઓ અંકુરિત થાય છે. સપનાં પાંખ ફેલાવે છે.

વિચારોના વૃંદાવનમાં ફૂલો મહેકવા લાગે છે, પણ પંક્તિને ખ્યાલ આવી ગયો કે હવે આનંદીના સપનાંને પાનખર આવી છે- આશાઓ નામશેષ થઈ ને ફૂલો કરમાય ગયા છે. બાકી રહી ગયું છે તો માત્ર લગ્ન નામનું ઠૂંઠું વૃક્ષ જોકે, વસંત દર વર્ષે આવે છે, પણ હવે આનંદીના જીવનમાં પ્રેમ નથી પાંગરતો. આશાઓ નથી જાગતી કે ફૂલો નથી મહેકતાં.

પંક્તિને આ પંદર દિવસમાં પોતાનો સબક મળી ચૂક્યો હતો. એ ગાંઠ વાળીને આવી હતી કે આનંદી જેવી ભૂલ પોતે નહીં કરે. માતા-પિતાની શીખામણ શા માટે માનવી જોઈએ એ પણ સમજાઈ ગયું. આનંદી જેવો ભોગ એ પોતે તો નહીં, પણ પોતાની નજીક રહેલા કોઈપણને નહીં આપવા દે એ વિચારે ઘરમાં પગ મુકતાવેંત એણે નિરાંતનો શ્ર્વાસ ખેંચ્યો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button