યુવાવસ્થાને હંફાવતી જવાબદારીભરી જિંદગી
ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી – શ્ર્વેતા જોષી-અંતાણી
હંમેશ માફક સવારના દસેક વાગ્યાના સુમારે લોકોથી ખીચોખીચ ભરાયેલા વિશાળ વેઇટિંગ રૂમની ડિજિટલ ઘડિયાળમાં કાંટા સ્વરૂપે સમય સરકી રહ્યો હતો. સમયની એ અવિરત ગતિની સાક્ષી સમાન બે વ્યાકુળ આંખ કાંટાઓની સુંવાળી સફર એકીટશે નિહાળી રહી હતી. એક..બે..પાંચ..દસ એમ કરતા કરતા અડધો કલાક થવા આવ્યો હતો પોતાને અહી આવ્યે.
શું જરૂર હતી અત્યારે આટલો સમય બગાડવાની? વિધિએ મનોમન જાતને ઠપકો આપ્યો. હળવેથી ઊભા થઈ રિસેપ્શન કાઉન્ટર પર ફરી એકવાર પૂછ્યું, ‘હજુ કેટલી વાર?’ ફરીથી એજ યંત્રવત્ જવાબ, થોડો સમય રાહ જુઓ, હમણાં વારો આવશે.’
સમય? એણે નિ:સાસાને છુપાવતું એક હળવું સ્મિત કર્યું. સમય ક્યાં છે મારી પાસે? અહીં બેસી રહીશ તો ઓફિસમાં રજા મુકવી પડશે. ત્યાં મારા વગર કેટલાય કામ રઝળી રહેશે એનો ક્યાં ખ્યાલ છે તમને? પણ આવું બોલવાને બદલે એ ફરી પોતાની જગ્યાએ આવી પૂર્વવત્ બેસી ગઈ. આ વખતે એની નજર ઓરડામાં ગોઠવાયેલા ઘડિયાળ સિવાયના અન્ય રાચરચીલા પર પણ ફરી વળી.
ચોખ્ખાઈ અને સુઘડતાના પ્રતીકસમી એ વસ્તુઓ જોઈ યાદ આવી ગયું કે પોતાના ઘરે પણ આજે સાફસફાઈ બાકી રહી ગઈ છે.
- અને ફરી શરૂ થયું એ જ દ્વંદ્વયુદ્ધ જે અહી આવ્યાની બીજી જ ક્ષણથી ચાલુ હતું કે હજુ રાહ જોવી કે જતું રહેવું? અડધા કલાકમાં અનેકો વખત જાતને પૂછેલા આ સવાલે અંતે એની પાસે યુદ્ધવિરામ જાહેર કરાવી દીધો. નક્કી કરી જ લીધું કે ફરી ક્યારેક વાત. આજે તો હવે જતી જ રહું. જવું જ પડશે. આમ પણ એવી ક્યાં હું મરવા પડી છું? નિરાંત હશે ત્યારે આવી જઈશ, પણ નિરાંત મળે તો ને?
ખેર, વિચારોના વમળમાં અટવાતી એની જાતને એ નિરાંતનો વિચાર પણ અત્યારે કરવો યોગ્ય લાગ્યો નહિ . એણે ઊભા થઇ બહાર નીકળવા માટે સામે દેખાતા કાચના મોટા દરવાજા તરફ આગળ વધી જવાનું યોગ્ય માન્યું ત્યાં જ એના પગ પીઠ પાછળથી આવતા કર્કશ અવાજે રોકાય ગયા. રિસેપ્શન કાઉન્ટર પર બેસેલી જુવાન છોકરીની યંત્રવત્ તોછડી ભાષા એનું નામ બોલી રહી હતી. …હાશ!
સમયસર વારો આવી ગયો બાકી હમણાં બહાર નીકળી જ ગઈ હોત. એને સતત સંભળાતા પોતાના જ ધબકારાએ યાદ કરાવ્યું કે એમ તો આજે બતાવવું જરૂરી હતું જ. એ ઝટ ઝટ પાછા પગલે રિસેપ્શનીસ્ટે ચીંધાડેલા દરવાજાને ધક્કો મારી અંદર પહોચી અને વિજયી મુદ્રામાં ડૉક્ટર સામે દર્દીઓને બેસવા રાખેલી ખુરશીમાં રીતસર ફસડાઈ. સામેની ખુરશીમાં બેસેલી વ્યક્તિ પોતાની ડિગ્રીઓ જેટલા જ અનુભવનાં વર્ષો ધરાવતી હતી. એણે બધા જ રિપોર્ટસ શાંતિથી તપાસ્યા બાદ નજર ઊંચી કરી માત્ર એક જ સવાલ પૂછ્યો:
ક્યારેય રિલેક્સ થાઓ છો ખરા? જાત માટે સમય કાઢી આરામ કરો છો ? અને જવાબમાં થોડી ક્ષણોના મૌન બાદ વિધિ રીતસર રોઈ પડી.
મધ્યમવર્ગીય ઘરની આર્થિક જવાબદારીઓ, નાના ભાઈ- બહેનના ભણતરનો ભાર, બીમાર માતા-પિતાની સારવારનો ખર્ચ ઉપરાંત ઓફિસમાં કામના ખડકલાઓ વચ્ચે માત્ર બાવીસેક વર્ષની વિધિ મનથી બેંતાલીસની હોય એવી થાકી ગયેલી. દરરોજ સતત ભાગતી રહેતી વિધિને જિંદગીમાં એક ક્ષણની પણ નવરાશ નસીબ નહોતી. અંહી વેઈટિંગ રૂમમાં બેસેલી ત્યારે પણ એના મગજમાં એક જ વાત ચાલતી હતી કે બહુ વાર લાગી હવે ઓફિસ મોડું પંહોચાશે, ઓનલાઈન ક્લાસ શરૂ થઈ જશે, લંચ સમયે પણ કામ કરવું પડશે, અગત્યની મીટિંગ છૂટી જશે, મમ્મીને સાંજે હૉસ્પિટલ લઈ જવામાં મોડું થશે… વગેરે જેવા અનેક વિચારો એકસાથે આક્રમણ કરી રહ્યા હોય ત્યારે પોતાની સમસ્યાઓને સમય આપવાનું શક્ય નથી એવું સ્વીકારી લેવું વિધિ માટે સહજ હતું, પણ હમણાં છેલ્લાં કેટલાક સમયથી એને પોતાના હ્રદયના ધબકારા અનિયંત્રિત રીતે વધી જતાં હોય એવો ભાસ થયે રાખતો. વળી, એકાદ-બે દિવસ પહેલાં રિસેસ સમયે કોઈકે એને બિવડાવી મૂકેલી કે ધ્યાન રાખજે ક્યાંક હાર્ટએટેક ના આવી
જાય….
આમ, પણ આજકાલ યુવાનોમાં હૃદયરોગનું પ્રમાણ વધી રહ્યું છે. અરર, પોતાને આવું કંઈ થાય તો પાછળ ઘર કેમ ચાલશે? એ વિચારે તે આજે મોડું થતું હોવા છતાં પણ તપાસ કરાવવા આવી પહોંચેલી. બધા રિપોર્ટસ તપાસ્યા બાદ તારણ એ જ નીકળેલું કે, સતત કામના બોજ તળે રહેતી વિધીને જાત જવાબ દઈ રહી હતી. થોડો આરામ, સરખી ઉંઘ, ઓછી ચિંતા અને તણાવ થકી વિધિની સમસ્યાનો હલ આવી જવાનો હતો, પણ શું એના માટે સતત ભાગતા રહેતા સમયમાંથી રિલેક્સ થવું, આરામ કરવો કે જાત માટે સમય આપવો એવું બધું શક્ય
હતું?
ઈશ્ર્વરે એક જ સરખો દિવસ અને એકજ સરખા કલાકો બધાને આપેલા છે એને લઈને કુદરતે કોઈને અન્યાય નથી કર્યો, શરત માત્ર એટલી કે તમારે વહેતા જતા સમયની સમાંતરે ચાલવું પડે, પણ એ માટે વિધિ જેવી યુવતીઓ પાસે સમય ક્યાં? ઈશ્ર્વરે આપેલા સમયના અનેક ટુકડાઓમાં વિભાજિત થયેલી વિધિ સમયના સોનેરી ઢગલામાંથી એક નાનો સરખો ટુકડો પણ જાત માટે ફાળવી શકતી નથી ત્યારે ઘડિયાળના કાંટે કામ કરતી એની જાત નાની ઉંમરે હાંફવા લાગી હતી…
સુખ, સંતોષ, સફળતા આ બધું સમયના ગાંઠે ગંઠાયેલું છે. વિધિ જેવી યુવતીઓ માટે સમય ચાલતો નહીં, પણ ભાગતો હોય છે એને વિરામ આપવો બહુ જરૂરી છે. એક વાત યાદ રાખો કે અનેક દિશામાંથી એકસાથે એક જ સમયે જ્યારે તમને ખેંચવામાં આવતા હોય ત્યારે સમયને તમારી તરફ કેમ ખેંચવો એ માટેનું મેનેજમેન્ટ યુવાનવયે શીખવું જ પડે… આપણે સમયને રોકી ના શકીએ, બાંધી ના શકીએ પણ એને આપણી સગવડ મુજબ ગોઠવી શકવાની આવડત યુવાવસ્થાએ કેળવતા શીખવું જરૂરી છે. આટલું જો આવડી જાય તો યુવાવસ્થાની અનેક સમસ્યા સરળ થઈ જાય.