રામબાણ વાગ્યા રે, લોલ…
લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશી
આ રામબાણ ખરેખર વાગે એને જ ખબર પડે. જો પત્ની તરફથી છૂટ્યું હોય તો એ પતિને લોહીલુહાણ કરી જ મૂકે. પતિ-પત્ની રોજ સવારે લોકલ ટ્રેન પકડી ઓફિસ દોડતાં હોય અને અધ્ધર શ્ર્વાસે સમયસર ઓફિસ પહોંચે ત્યારે માંડ માંડ જીવને નિરાંત થાય. આવાં દોડતાં હજારો યુગલને કોરોનામાં ઓફિસનું કામ ઘરેથી કરવાનું આવ્યું. કોરોના પછી કેટલાકને કાયમ માટે ઘરેથી કામ કરવાની ઓફર આવી. અમારા પડોશી અંકિતભાઈને ઘરેથી કામ કરવાની ઓફર આવી, પણ પત્ની વર્ષાબહેનને આ સગવડ મળી નથી. બસ, પછી તો વર્ષાબહેને તીક્ષ્ણ બાણો છોડવાનું શરૂ કર્યું- ઘરે રહે તો પણ અને ના રહે તો પણ…
સાંભળો છો? મેં આ લિસ્ટ બનાવ્યું છે એ ધ્યાનથી વાંચી લેજો. તમે નસીબદાર છો હોં… હવે ઘરેથી ટીવી જોતાં જોતાં, ખાતાં-પીતાં, ફોન પર ગપ્પાં મારતાં ને બપોરે ઝોંકાં ખાતાં ખાતાં નોકરી કરવાની!
કેમ તને જલન થાય છે? એ તો અમારાં સારાં કર્મોનું ફળ અમને મળ્યું છે.
હજી મારે એક મહિનો ઓફિસ જવાનું છે. આવતા મહિનાથી ઘરે બેસવાનું છે. ખરેખર ઘરે બેસનારને કેટલું સારું! તમે આ લિસ્ટ વાંચી લેજો. ઘરે બેસીને એટલું તો તમે કરી જ શકો.
વર્ષાબહેન વ્યંગમાં બોલ્યાં. (બાણ છોડવામાં સ્ત્રીઓએ માસ્ટર્સ કર્યું હોય છે.)
હવે અંકિતભાઈની બત્તી ઝબકી. ચાર પાનાંનું લિસ્ટ જોઈને એમને ચોરસ ચોરસ ચક્કર આવી ગયા.
વર્ષાબહેને ઘઉં દળવાથી લઈ કામવાળી બાઈ આવે, રસોઈવાળી બાઈ આવે ત્યારે કઈ કઈ વાત ધ્યાનમાં લેવાની, ક્યાં કયાં કામો કરવાનાં, રોજેરોજ બજારથી શું શું લાવવાનું એ તમામ કામ ટાઈમટેબલ પ્રમાણે લખીને આપ્યાં હતાં. કામવાળી, રસોઈવાળી સાથે કેટલા પ્રમાણમાં અને કેવી વાતો કરવી સુધ્ધાં…
છેલ્લે તા.ક. કરીને લખ્યું હતું કે પડોસણો સાથે ઓછામાં ઓછી ગોષ્ઠિ કરવી!
આ લિસ્ટ જોયા પછી પતિદેવે જાહેર કર્યું કે હું ઘરેથી કામ કરવાનો નથી. હું મારી સ્વતંત્રતા ઉપર કાપ મૂકવા તૈયાર નથી. ભલે મારે નોકરી બદલવી પડે.
જો કે, પત્નીએ આપેલા લિસ્ટ હસતાં હસતાં સ્વીકારીને ઘરે બેઠા કેટલાક પતિઓ સાંજે પત્ની ઓફિસથી આવે ત્યારે એનું હસતાં હસતાં સ્વાગત કરે છે, પણ હજી સુધી પતિદેવના એ હાસ્યનો રાઝ ખૂલ્યો નથી. કેટલીક ઓફિસે જતી પત્નીએ ઘરમાં સી.સી.ટી.વી. કેમેરા મુકાવ્યાં છે. એ પછી ઘરેથી ઓફિસનું કામ કરતા પતિદેવોનું હાસ્ય ઊડી ગયું છે, એવા છેલ્લા પણ ઓથેન્ટિક ન્યૂઝ રમાબહેન વારંવાર રસિકભાઈને સંભળાવીને એમની રસિકતા ઉપર લક્ષ્મણરેખા દોરતાં રહે છે. બિચારી કામ કરવા આવતી લીલાને જોઈને હવે એ પૂજા ઘરમાં બેસી ઘંટડી વગાડતાં વગાડતાં ‘યા દેવી સર્વભૂતે’ના મંત્ર જપવા બેસી જાય છે.
હજી અમેરિકાથી આવેલ છેલ્લા ન્યૂઝમાં તો પત્નીની ડિલિવરીના સમયે પતિદેવને છ મહિનાની ચાલુ પગારે રજા આપવાની શરૂઆત ઘણી બધી કંપનીઓએ ચાલુ કરી છે. છ મહિના ડાયપર બદલવાની સજા, ઉપરાંત ઘરનાં કામ અને એનાથીય કપરું – એક જ ચહેરો ચોવીસ કલાક સામેને સામે રહે તો કોઈ પર કેવી વીતે તો એ વિચારમાત્રથી કેટલાક યુવાન લગ્નજીવન વિશે નવેસરથી વિચારવા લાગ્યા છે. બાળક મોટું થઈને ‘પાપા’ બોલતું થાય તે પહેલાં પાપા રફુચક્કર થઈ જાય એમ પણ બને.
ફટાફટ વીઆરએસ લઈને ખૂબ મજા કરીશું એવું માનનારાઓ માથે હાથ મૂકીને બેઠા છે અને પોતાને કેવાં કેવાં રામબાણ વાગ્યાં એની વ્યથા એપાર્ટમેન્ટના બાંકડે બેસીને કે પછી બાગમાં બેઠેલ સમવયસ્કને વર્ણવતા રહે છે.
‘તેલ નહીં કે તેલની ધાર’ પણ જોયા વિના અંધારામાં ભૂસકા મારનારાઓએ હવે એક કાઉન્સિલિંગ લાઈન શરૂ કરી છે, જેમાં ઉતાવળે આંબા પકવનારાઓ તેમ જ મફતમાં મળતી મજા અને પૈસા માટે જ્યાં ત્યાં કૂદી પડતા લોકોને સચેત કરતી ‘ફ્રી ઓફ ચાર્જ’ સલાહો આપવામાં આવી રહી છે. જો કે, આવા નવરાઓની સલાહ લેવા (મફતમાં પણ) કોઈ હજી સુધી આવ્યું નથી. સલાહ આપનાર અને સલાહ લેનાર બંનેને અનેકવિધ તીર વાગી ચૂક્યાં હોવાથી ‘તેરી ભી ચૂપ..મેરી ભી ચૂપ ’ ધારણ કરીને મૌન થઈ ગયા છે.
બા વારે વારે કહેતી એ તો ‘રામબાણ વાગ્યા હોય તે જ જાણે’ પણ ત્યારે બાની આ ઉક્તિ સમજાયેલી નહિ. પણ જેમ જેમ વેધક બાણો વાગતાં ગયાં તેમ તેમ સમજાયું કે જાત ઉપર આફત આવે, જાતે અગ્નિપરીક્ષા આપવાની આવે કે પછી જેના ઉપર ભરોસો રાખ્યો હોય એ જ છેતરીને ચાલ્યો જાય ત્યારે જે દુ:ખ થાય અને ‘રામબાણ વાગ્યા હોય તે જાણે…’ કહેવાય.
આમ તો આવાં રામબાણની ગણતરી કરવા જઈએ તો એમ થાય કે આના કરતાં રાવણનું એક તીર વાગે અને આપણે રામશરણ થઈ જઈએ એમાં જ આપણું ભલું છે….!
ગમતી ક્ધયા સાથે માંડ માંડ લગ્નની વાત ગોઠવાઈ હોય-વડીલો પણ માની ગયા હોય ને અચાનક લગ્નને આગલે દિવસે ક્ધયાપક્ષ તરફથી અમે આ લગ્ન માટે તૈયાર નથી’ એવો ફોન કોલ કે પત્ર મળે તો વરરાજાને જે તીર વાગે એને ક્યું તીર કહેવું ?!
અમારા એક મિત્રની કોઈ વાતે અમે ભૂલ કાઢીએ તો એ તરત જ કહે: ‘એ તમને નહિ સમજાય…એ તો રામબાણ વાગ્યા રે હોય તે જાણે! ’ ભૂલ કબૂલવાની જગ્યાએ રામબાણને બચાવની ઢાલ બનાવનારા આવા પણ ઘણા આપણી આસપાસ છે.
વાતે વાતે પોતાની જાતનો લૂલો બચાવ કરનારા માણસો આવી ‘ઉક્તિ’ બોલીને બચાવ કરી લે છે.. જાણે આપણે મૂર્ખ છીએ !