લાડકી

જિંદગીને ઝનૂનથી ફેંટતી એક યુવતી

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી – શ્ર્વેતા જોષી-અંતાણી

ધાડ… ધાડ… ધાડ એકધારા આવા સતત અવાજોને કારણે મધરાતે વિહા પથારીમાંથી સફાળી જાગી ઊઠી. હજુ કાલે જ તો ધરતીકંપના સમાચારો વાંચી અને એમાંય વળી મમ્મી પપ્પા પાસેથી તેનાં વરવાં પરિણામોનો ઇતિહાસ જાણ્યા બાદ વિચારો કરતા કરતા ઊંઘી હતી એટલે પહેલી પાંચેક મિનિટ તો તેણીને એવું જ લાગ્યું કે જાણે પોતાને ત્યાંજ અત્યારે ધરતીકંપ આવ્યો છે, પરંતુ સભાન અવસ્થામાં આવતા જ તેને ખ્યાલ આવ્યો કે ના આ તો બાજુના ઘરમાં ચાલતી ધડબડાટીના અવાજો છે, નક્કી બિરવાને ફરી એના મમ્મી પપ્પા સાથે માથાકૂટ થઇ હશે. આમ તો બિરવા હતી વિહા જેવડી જ કદાચ એકાદ વર્ષ મોટી હશે પણ વિહાને બિરવા સાથે બોલવાની ઘરમાંથી ચોખ્ખી મનાઈ ફરમાવી દેવામાં આવેલી. ક્યારેક બાલ્કનીમાં બન્ને સામસામે ભટકાય જાય તો આછેરું સ્મિત ફરકાવી દે એનાથી વિશેષ તેણીની મિત્ર બનવાની છૂટ વિહાને આપવામાં આવી નહોતી એનું કારણ શું હતું?? અને અત્યારે બિરવાને અડધી રાત્રે આટલી બધી ઉગ્ર થઈ જવાનું કારણ પણ શું હશે?? એવું વિચારતી વિહાને અચાનક જ બિરવાનું જોરથી બોલાયેલું વાક્ય સંભળાયું, તમારા ઘરેથી હું ચાલી જઈશ. મારે તમારી સાથે નથી રહેવું.. એવું એટલા બધા બુમબરાડા પાડીને બિરવા બોલતી હતી કે વિહાને એક ક્ષણ માટે વિચાર આવી ગયો કે ઘર છોડીને કેમ ભાગી જવું હોય કોઈને?

હમણાંથી બિરવાને પોતાની રોજિંદી જીવનશૈલીમાંથી ભાગી છૂટવાની પ્રબળ ઈચ્છા થઈ આવતી, કારણ એનું એ કે દસમા ધોરણના પરિણામ બાદ પોતાના કેરિયરની કાર કઈ દિશામાં વાળવી છે એ ગતાગમ તેણીને નહોતી પડતી. એમાંય બિરવા એકદમ સરળ યુવતી તો હતી નહીં કે જેને કોઈએ બતાવેલા રસ્તા પર ચાલી નીકળવામાં તકલીફ ના હોય.
તેણીને પોતાના પેરેન્ટ્સ કહે એનાથી વિપરિત નિર્ણયો લેવાની આદત હતી. પોતાના કરતાં મા-બાપ તદ્દન ભિન્ન છે એવું માની બેસેલી બિરવાને તરુણાવસ્થાનો ટકોરો વાગતાંજ નાની નાની વાતોમાં મમ્મી-પપ્પા સાથે તડાફડી બોલી જતી. ટાણે-કટાણે તેણીના ઘરમાંથી આવતા ઉગ્ર ચર્ચાના અવાજોને કારણે બિરવા આસપાસના પડોશમાં એવી યુવતી તરીકે પંકાય ગયેલી કે જે પોતાનું ધાર્યું કરનારી, જીદ્દી તેમજ માતા-પિતાનું માન ના રાખનારી યુવતી હોય જે સમાજ દ્વારા નક્કી કરાયેલા રસ્તાઓને નાપસંદ કરે છે એવા સંજોગોમાં એવું શું કરી શકાય કે જે તેણીના જીવનને સાર્થકતા બક્ષે? એ સમજ ના આવતા તેણીને અહીંથી સતત ભાગી જવાના વિચાર આવતા.

અને બિરવા, વિહાની એ નાનકડી દુનિયાના સેન્ટર પોઈન્ટ એવા તેણીના ઘરની બિલ્કુલ બાજુમાં રહેતી, પરંતુ તેણીની છાપ થોડી રીબેલિયસ એટલે કે, બળવાખોર ટીનએજર યુવતીની એટલે વિહાના ઘરમાંથી તેણી સાથે બહુ ઘરોબો કેળવવા દેવામાં આવ્યો નહોતો. તેણીની જિંદગીની મેન્ટર, કોચ, ગાઈડ જે કહો એ છે તેણીને કોઈપણ ભોગે ડૉક્ટર બનાવવા મથતી અને મેડિકલ ક્ષેત્રમાં જ બિરવાનું કેરિયર બનાવવા માટેનું પેશન ધરાવતી તેની મહત્ત્વકાંક્ષી મા કવિતા. કવિતાના મત મુજબ સાયન્સ સ્ટ્રીમમાં ભણવું, તેમાં આગળ આવવું એ હોશિયાર હોવાની નિશાની છે, પરંતુ બિરવા માતા સાથે સખ્ત રીતે અસહમત અને તેનાથી તદ્દન વિરુદ્ધ વિચારસરણી ધરાવતી. જોકે, નાનપણમાં માંની વાત માન્યા વિના કોઈ અન્ય ઉપાય ના હોવાથી માતાના સ્વપ્નને સાકાર કરવા રગડ-ધગડ મહેનત કરતી ચાલી, પણ હમણાં અચાનક તેણીને ડાન્સ સુપર સ્ટાર બનવાનું ભૂત ચડ્યું છે પણ પોતાને ડૉક્ટર બનાવવાના સપના જોતી માતા ક્યારેય આ વાત સાથે સહમત થશે જ નહીં એ વાત સુપેરે જાણતી બિરવા ઘરે કોઈને કંઈજ કહ્યા વગર છુપાઈને રોજ પ્રેક્ટીસ માટે આવ-જા કરે છે. ડાન્સ ટીમમાં સ્થાન મેળવવા પોતાની ઉંમર ખોટી કહે છે. આવી અનેક મુશ્કેલીઓ વચ્ચે કોચ દ્વારા એક તક આપી તેણીને ટીમમાં સ્થાન લેવાની સહમતી મળે છે. જોકે, થોડી ઝનૂની એવી બિરવા માટે અન્ય ડાન્સર્સ વચ્ચે ટકી રહેવું સહેલું નથી હોતું, પરંતુ બિરવાની ચપળતા, ઝડપ, કોઈપણ સંજોગોમાં ટકી રહેવાની તાલાવેલી તેણીની વ્હારે આવે છે. તેણી સાથે ડાન્સમાં એક્કા ગણાતા પ્લેયર્સ છે, પણ બિરવાને હવે ડાન્સમાંજ જીવનની સાર્થકતા દેખાવા લાગે છે અને એ માટે તે કંઈપણ કરી છૂટવા તૈયાર થાય છે.
પરંતુ તરુણોના પેશનને સમજી પેરેન્ટસ દ્વારા સપોર્ટ કરાતો હોય એવું દરેકના કિસ્સામાં બનતું નથી. એમાં પણ જો બિરવાની મમ્મી માફક માતા-પિતા તમારા માટે કોઈ અલગ પેશન પોતાના દિમાગમા રચીને બેઠા હોય તો હાલત કેવી કફોડી બને?? બસ, આજ કારણ હતું અકારણ આવતા એ અવાજોનું.

બિરવા પાછી ઉંમરના એવા પડાવ પર છે કે જેમાં વિજાતીય આકર્ષણ થવું, ક્યુટ છોકરાઓ તરફ લગાવ થવો એ પણ સર્વસામાન્ય છે. એજ અંત:સ્ત્રાવોના પ્રભાવ હેઠળ તે એક યુવાન તરફ પણ આકર્ષાય ચૂકી છે અને હવે તેણીની દુનિયા એ બન્ને વચ્ચે સમાયેલી છે. બીજી આખી દુનિયા જાણે તેના જીવનમાંથી બાકાત થઈ ચાલી છે. ત્યાં સુધી કે, તે પોતાનું ઘર અને માતા પિતાને પણ જોડી ચાલી નીકળવા માગે છે. ટીનએઈજ ગર્લ્સ એ પછી કોઈપણ હોય બિરવા અને તેની મિત્ર, તેનો બોયફ્રેન્ડ, ટીમ મેટ્સ આ દરેકેદરેક આજના જમાનામાં ઉદભવતી તરુણાવસ્થાની તકલીફોને બહુ જ અસરકારક રીતે અનુભવતા હોય છે. જોકે,જીવનના નીતિ-નિયમોને બહુ મહત્ત્વ આપ્યા વગર એક યુવતીના જીવનમાં ઉંમરના બદલાવને કારણે ઊભા થયેલાં તોફાનનું દમન કર્યા વગર શમન કેમ કરવું? ( ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button