લાડકી

સાહિત્ય અધિવેશન પહેલાંનું ઉંબાડિયું

લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશી

બધાં સાહિત્યકારો સાહિત્ય અધિવેશનમાં હાજરી આપવા જવાના છીએ. મોસ્ટ સિનિયરથી લઈને મોસ્ટ જુનિયર સુધી બધાંને જવાની ઈચ્છા છે, પણ કોને કોને લેવાં એ ચર્ચાનો વિષય બની રહે છે. લેવામાં કેટલા ટકા આફત છે? કેટલી મઝા? ને કેટલું જોખમ? ચાલો ભાઈ, પડશે તેવાં દેવાશે. જતાં પહેલાં અમે દરેકને ખોવાઈ જાય તો પોતાની ઓળખ આપવાં માટે કોર્ડવર્ડ સમાન ઉપનામ આપી દીધા હતાં. જેમ કે દીર્ઘકાવ્યકુમાર, સોનેટ ચંદ્ર, તાન્કાભાઈ, ગઝલબહેન, હઝલકુમારી, અછાંદશ કાવ્યકુમાર, નવલકથા ચંદ્ર, નવલિકાકુમારી, વિવેચકભાઈ, જીવનચરિત્રકાકા, આત્મકથાબાપા વગેરે… વગેરે… પણ હું તો સૌથી વધુ ઉત્સાહિત છું. ઉપવાસ કરી શરીર ઉતારી દીધું અને બે-ચાર વાર પાર્લરની વિઝિટ પણ કરી આવી. આટલું કર્યા પછી મનમાં પ્રશ્ર્ન ઉપસ્થિત થયો. એટલે મેં દીર્ઘકાવ્યકુમારને ફોન કરી પૂછ્યું, હું કેવું ડ્રેસિંગ કરું? એમણે જવાબ આપતાં કહ્યું, “હું સલાહ તો આપું, પણ મારી એક શર્ત છે. મેં કહ્યું, ઓકે. “શર્ત એ છે કે પહેલાં મારું કાવ્ય સાંભળવું પડશે.
ઓકે બોલતાં બોલી તો દીધું, પણ તરત જ પેલી ઉક્તિ “આ બેલ મુજે માર! મને યાદ આવી ગઈ. મેં પણ કેવી બોડમાં હાથ નાખ્યો હતો. દીર્ઘ… (શબ્દ) જે બોલવામાં ખાસ્સો કષ્ટદાયક હતો ને વાસ્તવિક સ્વરૂપે ભજવાશે! સુખદ વાર્તાનો અંત દુ:ખદ આવીને જ રહ્યો! ૫રર રૂપિયા ભરી ચાર્જ કરાવેલો ફોન તો ખાલીખમ અને અંતે પ્રશ્ર્નનો જવાબ તો હજી ઊભો ને ઊભો જ હતો.

ફરી પાછી હરખઘેલીએ ભૂલ કરી. પૂછો? કંઈ? ભૂલ એ હતી કે મેં ૫, ૭, ૫નું ઝૂમખું ગોઠવવામાં આખી જિંદગી પસાર કરી નાખી હતી. એવાં હાઈકુકુમારને ફોન લગાવી મેં હેલ્લો કર્યું. આખરે ઘણાં લાંબા સમય બાદ ૫, ૭, ૫નું ઝૂમખું ગોઠવતાં હોય તેમ હે…એ…એ…એ…લ્લ…લ્લ…લ્લ…લ્લ…. લો…ઓ…ઓ…ઓ… કરી રહ્યાં અને તે પણ કોઈપણ જાતની ચમત્કૃતિ વિના… મને થયું હેલ્લો બોલવામાં આટલી વાર કરે છે તો ભૂલેચૂકે અધિવેશનમાં જો કોઈ વિષય બોલવાં આપ્યો હશે તો આપણે તો પાછળથી છટકી જઈને જૂનાગઢ દર્શન કરી આવીશું, પણ મંચસ્થ થયેલાં મહાનુભાવો તો હંમેશને માટે ગર્ભસ્થ થઈ જવાના એ વાત નક્કી હતી અને હાઈકુ કંઠસ્થ! ત્યાં તો વળી સોનેટ ચંદ્રનો સામેથી ફોન આવ્યો કે પ્રજ્ઞાબહેન, આ વખતે મારે પણ બોલવાનું છે. બહેન… આ વખતે તો મેં આખું વ્યાખ્યાન જ મંદાક્રાંતા, શિખરણી તેમ જ પૃથ્વી જેવાં જુદા જુદા છંદોમાં કરીને મારો પરચો બતાવી દેવાનો છું. લેખકો કંઈ જેવાં તેવાં નથી.

બતાવી દેવામાં ને દેવામાં એણે આખેઆખું ગોખી કાઢેલું. એમનું વ્યાખ્યાન જુદા જુદા છંદે-કુછંદે ચડીચડીને પૂરું કર્યું. હું તો કાને ફોન મૂકીને ક્યારે સોફા ઉપર જ ઘસઘસાટ ઊંઘી ગઈ તે ખબર પણ ન પડી. જૂનાગઢમાં જેને જેને ઊંઘવાના પ્રોબ્લેમ હશે તેને ઊંઘવાની ગોળીમાંથી સો ટકાનો છુટકારો મળવાનો હતો એ ભીંત પરનું લખાણ હતું.

ગઈકાલે અનાયાસ જ નવલકથાચંદ્ર તેમ જ જીવનચરિત્રકુમાર રસ્તામાં મળી ગયાં. મને દૂરથી જોઈને જ રાડ લગાવી. મેં રસ્તો બદલવાં પ્રયત્ન કરી જોયો, પણ કદાચ આજે એઓનો દિવસ સારો હતો એટલે બધી શક્તિ વાપરીને એમણે હરણફાળ ભરી મને પકડી જ પાડી. મને કહે, કેમ રસ્તો બદલો છો? બહેન, આ વખતે સાહિત્યકારોના ડ્રેસકોડ રાખીએ તો કેવું? મેં પૂછ્યું, કેવો? એક કહે, લેંઘો, ઝભ્ભો, ટોપી. તો બીજો કહે, સૂટ-પેન્ટ-હેટ-વેસ્ટર્ન સ્ટાઈલ અને હા! બહેનો ગુજરાતણની જેમ બાંધણી પહેરે.

જીવનચરિત્રકુમારે તરત જ નાકનું ટેરવું ચડાવ્યું ને બોલ્યા, “ચરિત્ર કાંઈ કપડાંથી નથી મપાતું. એ તો જીવન શુદ્ધ હોવું જોઈએ. બાકી કપડાં તો મીની-મીડી કાંઈપણ ચાલે. નવલકથાકુમાર અતિ ઉગ્ર અવાજે બોલ્યા, “મારી નવલકથાની નાયિકાને હું હરગીઝ આ રીતે ટૂંકા કપડાંમાં ના આલેખી શકું. મારી નાયિકાને પ્રતિભા, ગૌરવ, માન, મરતબો, છટાં, લાલિત્ય, લાવણ્ય, કમનીયતા, ઊંચાઈ, ઐશ્ર્વર્ય, સભ્યતા, શિષ્ટતા. બસ…બસ…બસ… બંધ કર ભાઈ, બંધ કર. અરે ! તમે તો આમ જ ખોટાં ખોટાં વર્ણનો, ઉપમાઓ, રૂપકો, સમાનાર્થી, વિરોધી વગેરે વગેરે વાપરી-વાપરીને નવલકથાનાં પાનાં ભરીભરીને વાચકોને એટલાં તો અધમુઆ કરી નાખો છો કે હવે તો કોઈ માઈનો લાલ નવલકથા વાંચવી તો દૂર અડકતાય સુધ્ધાં ડરે છે. હેં…હેં… શું કહ્યું? અમે બધાં નકામાં અને તમે બધાં ખોટાં ખોટાં જીવનચરિત્ર ચીતરી ચીતરી… એમ કાંઈ તમે લખી નાખો તે બધું જ વાંચનારો સાચું માનવાનો નથી.

એકવીસમી સદીનો વાચક છે. પેલાં આત્મકથાકુમારની જેમ મરચું-મીઠું ભભરાવીને લખવાથી કાંઈ… એમ? તારી હિંમત તો જો… હમણાં જ આત્મકથાકુમારને ફોન લગાઉં છું ને તારી ચુગલી કરું છું. હા…હા… કર…કર… ચુગલી કર… ત્યાંથી હજી સરકવા જ માગતી હતી ત્યાં સામેથી વિવેચકકુમાર અર્ધોમણનો થેલો ભેરવીને આવતા દેખાયા. હે પ્રભુ ! મને આ મિક્સ ઉંબાડિયામાંથી બચાવ ! ત્યાં તો વિવેચકકુમારે નજીક આવી. કેમ બહેન, પેલાં બંને ત્યાં ઉગ્ર અવાજે ઝઘડો કરે છે? મેં વાત પતાવવાં કહ્યું, ,ના, ના, એ તો સદ્ભાવના મિશન હેઠળ સુસાહિત્ય કેવું હોવું જોઈએ એ અંગે ચર્ચા કરી રહ્યા છે. હું… તો પછી ઠીક છે. બાકી હું તો આ કાતર લઈને જ ફરું છું. જરાપણ ભાંજગડ હોય તો મને જણાવી દેજો. હું ઝડપથી કાતર ફેરવી દઈશ. બહેનનાં વ્હાલાં ભાઈને વળાવી હું હઝલકુમારીને ઘરે પહોંચી તો ત્યાં ગઝલબહેન જરાં ઊંચા સ્થાને અને બાલસાહિત્યકુમારી, હઝલકુમારી, નાટયકુમારી થોડાં નીચાં સ્થાને એકબીજાંથી ઊંધાં મ્હોંએ બેસીને મૌન પાળતાં હતાં. મેં કહ્યું, શું થયું? તો કહે, જોયું? જોયું? અમારું સ્થાન તો સાવ નીચે. હઝલે તો એ સાથે લગભગ ઠૂઠવો જ મૂક્યો. હે પ્રભુ ! નથી તો આ સાહિત્ય પ્રકારો જીવવાં દેતાં, નથી આ લાંબા લાંબા વ્યાખ્યાનો જીવવાં દેતાં. હવે જાઉં તો પણ ક્યાં જાઉં?

ત્યાં તો પાછળ પાછળ વિવેચકકુમાર પણ આવી પહોંચ્યા. હે પ્રભુ ! ફરીફરીને આ થેલાદાસ… બહેન, એક વાત તો કહેવાની રહી જ ગઈ. બહેન, હું પણ તમારી સાથે આવવાની વેતરણમાં છું અને તે પણ ધારદાર કાતર લઈને. મેં તરત જ મોબાઈલ રણકાવ્યો કે હું સાહિત્ય શિબિરમાં આવવાની નથી. સામેથી જવાબ મળ્યો, હું પણ નાદુરસ્ત તબિયતને કારણે કદાચ માંડવાળ કરવાં જ વિચારું છું. ત્યાં તો સામે ઊભેલાં વિવેચકકુમાર ઉવાચ, ચાલો ! ત્યારે હું પણ માંડવાળ જ કરું છું ! હે ભગવાન ! આ કાતરદાસથી બચાવવાનાં તારે કેટલાં જોઈએ છે? ઉંબાડિયાનાં સરતાજને હવે કંઈ રીતે ઠંડો કરવો એ વિચારમાં હું પોતે જ ઠંડી પડવા માંડી. વગર લેવે કે દેવે !
એ રાતે આંખ ખોલીને જોયું તો ઘડિયાળમાં વહેલી સવારનાં ચાર વાગ્યા છે.
હે પ્રભુ ! આ સપનું સાચું ન પડે તે જોજે !! નહિતર !!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…