હાસ્ય તેમજ કરૂણ રસનું ફ્યૂઝન
લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશી
મેં હસતાં હસતાં વાત કરી એ સાંભળી તમને હસવું ન આવ્યું?’ એક ભાઈએ બીજા ભાઈને કહ્યું.
બીજાએ કહ્યું, હમણાં સુધી તો નથી આવ્યું, પણ હવે આવે છે ડૂમો. એક ભાઈ હાસ્ય ટુચકા કહે પણ કોઈને હસવું ન આવે, પણ જ્યારે જ્યારે કરૂણ પ્રલાપ શરૂ કરે ત્યારે હાસ્યનું મોજું જરૂર પ્રસરી જાય. કેટલાકના તો ચહેરા જ બહુરૂપી.
એક ભાઈનો ચહેરો એટલો કરૂણતાસભર પણ જેવા બોલવું શરૂ કરે કે એમનો ચહેરો તેમજ સામેવાળાનો ચહેરો ખીલી ઊઠે અને કેટલાકના હસતા ચહેરા બોલવું શરૂ કરે અને સામેવાળા રડતા થઈ જાય. કદાચ માણસ ઘડતી વેળા ભગવાન ખુદ ફ્યૂઝન મોડમાં આવી ગયા હશે. આવા ફ્યૂઝન કરનારા ચહેરાને ઘણીવાર થપ્પડ પણ ખાવી પડે છે. કેટલાક ચહેરા રડવાના અવસરે હસી પડે અને કેટલાક ચહેરા હસવાના ટાણે રડી ઊઠે તો એવા ચહેરા લાલ નહીં થાય તો બીજું શું?
એક બહુ મોટા કહેવાતા લેખકને પ્રસ્તાવના લખવાનો પેઇડ મોકો પ્રાપ્ત થયો. તેઓ પેમેન્ટ પહેલા લઈ લે છે, કારણ યૂ નો, આજકાલ તો… પ્રસ્તાવના મેઇલ દ્વારા પેલા પુસ્તક લખનારને મળી. તેમણે તરત ફોન કરી પ્રસ્તાવના લખનાર મોટા લેખકની ઊલટતપાસ શરૂ કરી, સર, મેં
તમારી પ્રસ્તાવના વાંચી, પણ સર, તમે મારૂં આખું પુસ્તક વાંચ્યું હોય એમ લાગતું
નથી.’
પેલા મોટા લેખકે પૂછ્યું, શાથી તમને એવું લાગે છે? તમને કોઈ શંકા છે?’
ના સર, આપતો મહાન વિદ્વાન, પણ સર મારૂં આ પુસ્તક હાસ્યરસનું છે અને તમે તો કરૂણરસસભર પ્રસ્તાવના લખી મોકલી છે. સર, હવે હું ક્ધફ્યુઝનમાં છું કે હું હવે હસું કે રડું? પ્રસ્તાવનાના પૈસા પણ આગળથી એડવાન્સ આપીને બેઠો છું, મૂરખ કહીં કા!
પ્રસ્તાવના લખનાર લેખકે એક સનાતન વાક્બાણ છોડ્યું, ભાઈ, તમે તમારા આ લખાણને હાસ્યરસમાં ખપાવો છો તો ખરેખર હાસ્ય કેવું હશે!’ એમ કહી પ્રસ્તાવનાકારે ફોન કટ કર્યો. પણ જેણે પૈસા ચૂકવેલા એણે મૂર્ઘન્ય લેખકની પ્રસ્તાવનામાં કરૂણ શબ્દો પર છેકા મારીને હાસ્યરસનું ફ્યૂઝન કરીને પૈસા તો વસૂલ કર્યા અને મોટું નામ પણ વટાવ્યું.
હવે તો હાસ્ય પ્રોગ્રામમાં તાળીઓનો ગડગડાટ અવાજ રૂપે સ્ટુડિઓમાં ઉમેરીને હાસ્ય પ્રોગ્રામ બ્રોડકાસ્ટ થાય છે અને હવે બધાં ક્ષેત્રોમાં અનેક રસોનું ફ્યૂઝન શરૂ
થયું છે.
એક બેસણામાં જવાનું થયું. આમ તો બે મિનિટ બેસવાની જગ્યાએ લોકો જ્યાં સુધી નીચેની શેતરંજી ન ખેંચાય ત્યાં સુધી બેસવાના હતા અને એનું મુખ્ય કારણ હતું ફ્યૂઝન. એ બેસણાના શહેરના પ્રસિદ્ધ બેન્ડ પર કરૂણ ગીતો ગાયકો ગાઈ રહ્યા હતા. વચ્ચે વચ્ચે લોકોને જ્ઞાન પીરસતો એક એન્કર પણ હતો. એણે શરૂ કર્યું, જ્યારે આત્મા વિદાય લે છે ત્યારે એ બારમાં, તેરમાં તેમજ વરસીની વિધિ પતે ત્યાં સુધી કુટુંબીજનોની આસપાસ, તેના ઘરની આસપાસ જ ફરતો રહે છે અને જતાં જતાં મોં ફેરવીને સગાંવહાલાંને જોતો રહે છે. જેમકે, આ ગીતમાં પણ આવા જ કરૂણભાવ
પ્રસ્તુત છે;
જાને વાલો જરા મૂડ કે દેખો મુજે, એક ઇન્સાન હું…
બેઠેલા બધા એકબીજા સામે જોવા લાગ્યા. ત્યાં એન્કરે ફરી ફ્યૂઝન પ્રવચન કર્યું, જે જાય છે એ ગમે તેટલો મુડકે દેખે પર ઉસે અજનબી તો બનના હી પડતા હૈ. સુનો યે દિલ હીલાને વાલા ગીત; અજનબી તુમ જાને પહેચાને સે લગતે હો.. એમણે જે ગોખેલા તે જ ગીતો માથે મારી રહ્યા હતા.
આટલા ખતરનાક દિલ હીલાને વાલા ફ્યૂઝન પછી તો અત્યાર સુધી નહીં રડેલા એવા સ્વજનોની આંખ પણ ખરેખર રડી ઊઠી અને જેણે જેણે પલાઠીવાળી હતી તેમણે હાથને ટેકે ઊભા થઈ હસી પડાય એ પહેલાં ત્યાંથી દબાતે પગલે ઘર તરફ પ્રયાણ
કર્યું.
પ્રસિદ્ધ ગાયકો તેમજ સંગીતકારો પણ માથે હાથ મૂકીને આ ફ્યૂઝન સંગીતના વરસાદથી ખરેખરના ફ્યૂઝન મોડમાં જતા રહ્યા છે. કયો રસ ક્યાં વાપરવો એ જ્યારે જ્યારે મનમાં પ્રશ્ર્ન ઊભા કરે ત્યારે ત્યારે દરેક રસને ભેગા કરી એક નવો રસ ઉત્પન્ન કરવાની કિંમત આપણને ખૂબ મોંઘી પડશે, પણ એમાં આપણે હુ? આપણે ત્યારે આ દુનિયામાં હોઈશું? કે પછી ફ્યૂઝન મોડમાં હોઈશું? પણ મને કલાપીની કવિતા યાદ આવે છે;
રસહીન થઈ છે ધરા કે દયાહીન થયો છે નૃપ?
નહીંતર આવું નહીં બને, બોલી માતા ફરી રડી.