લાડકી

ટીનએજમાં કડક-મીઠ્ઠી-મસાલેદાર જિંદગીની ફોર્મ્યુલા

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી – શ્ર્વેતા જોષી-અંતાણી

આજે સવારે ક્લિનિકમાં પગ મુકતાવેંત સુરભીની આંખ પહોળી થઈ ગઈ. નિશીની આજે અપોઇન્ટમેન્ટ ના હોવા છતાં પણ એને ત્યાં બેસેલી જોઈ. ‘કંઈક તો ગોથે ચડ્યાં હશે બેન’ એ સમજતાં સુરભીને વાર લાગી નહીં.

આમ તો નિશીની જિંદગીમાં બહુ કંઈ ખૂટે એવું હતું નહીં. એક સરસ મજાનાં બિન્દાસ દાદી હતાં. ગભરુ ગૃહિણી એવી મા, દુશ્મનની ગરજ સારતો રહેતો ભાઈ, થોડાક અટપટા અને પોતાનામાં જ જીવન જીવતાં પણ ઘરમાં એકચક્રી શાસન ચલાવતા પિતા, હેન્ડસમ બોયફ્રેન્ડ અને એનું ટેનિસ. બસ, એના જીવનમાં અન્ય કોઈ વસ્તુની જરૂર શી હતી!
નિશીની દાદી સુમન કોઈને ગાંઠે એવા નહીં, પણ મમ્મી કેયૂરી ભારતીય ગૃહસ્થીમાં વર્ણવાતી ગૃહલક્ષ્મીનું પરફેક્ટ ઉદાહરણ. આખો દિવસ કામકાજ કરે, નિશી અને એનો ભાઈ નિરવ સ્વાર્થ સિવાય માની કોઈ કદર ના કરે અને પપ્પા તો એવું માને કે મમ્મી પોતાની રીતે કંઈજ કરી શકવા અસમર્થ છે. અને એ જે કંઈ પણ સગવડતા ભોગવી રહી છે તે બધી એમના કારણે છે.
એક રીતે જોવા જઈએ તો વાત એકદમ સીધી-સાદી લાગે. એક ઘરમાં ત્રણ અલગ-અલગ પેઢીની સ્ત્રીઓ પરિવાર સાથે વસે છે અને બહુ ઝાઝા ટંટા ફસાદ નથી કરતી. જોકે બહારથી કોઈ સુંવાળા હાઈ-વે જેવી દેખાતી એ ઝજદગીઓની અંદર નાનકડી ડોકાબારી છે જ્યાંથી જોતા વાસ્તવિકતાને કળી શકાય.

કાઉન્સિલિંગની શરૂઆતમાં નિશી બધું સારું-સારું, સરસ મજાનું છે એવી જ વાતો કરતી, પણ સુરભી જેમ-જેમ નજીક આવતી ગઈ એમ એના મનમાં ધરબાયેલી લાગણીઓના પડ એક પછી એક ઉઘડતા ગયા. નિશી એ શા માટે સાયકોલોજીસ્ટ સુરભીના સહારે આવવું પડ્યું એ પણ ખ્યાલ આવતો ગયો. ઘરમાં પરિસ્થિતિ એવી હતી કે ઘરડી થયેલી દાદી સુમનને હવે માત્ર આજમાં જીવવું છે તો મધ્યાવસ્થાએ પહોંચેલી મા ભૂતકાળમાં ગોથા ખાઈ રહી છે, જ્યારે યુવાન નિશીને પોતાના ભવિષ્યની ચિંતા કોરી ખાય છે, જે વિશે એની સાથે કોઈ વાત કરનારું કે વિચારો વહેંચનારુ નથી.

નિશીને સતત એકજ ચિંતા સતાવે છે કે પોતાની હાલત મા જેવી થવા દેવી નથી. બધાનું ધ્યાન રાખતી, આખો દિવસ લગભગ એકલતામાં વિતાવતી મા પોતાની મૂળ જાતને લગભગ વિસરી ચૂકી છે. ભાઈ નિરવ તો ઘરમાં હોટલ માફક માત્ર ખાવા-પીવા- સૂવા જ આવે છે. પપ્પાને બધી વાતો કરતો એ કેયુરીના પ્રશ્ર્નો એમ કહીને ટાળતો રહે છે કે ‘તને કંઈ ખબર ના પડે’
નિશી પોતે એક ઉમદા ટેનિસ પ્લેયર છે , પણ મા માફક ઘરકામ કે ગૃહસ્થીમાં એની ચાંચ ડૂબે એમ નથી એટલે મા- દીકરી વચ્ચે ખટરાગ ચાલ્યા રાખે.

આજે આમ અચાનક જ સુરભી પાસે દોડી આવવાનું કારણ પણ એ જ હતું કે નિશીને પહેલીવાર પોતાના બોયફ્રેન્ડ નિરજમાં એ માનસિકતા દેખાય કે જે વર્ષોથી એના પિતાની રહી છે. કાળજી, પ્રેમ અને જવાબદારીના નામે એમને આજીવન ઘર નામની કાચી કેદમાં ધકેલી દેવામાં આવે એ નિશીને મંજૂર નથી. હવે ઘરમાં તો આ વાત કોઈ સમજી શકે એમ નથી એટલે સુરભી પાસે આવી ચડી.

‘મેમ, તમે મને કહો મારે શું કરવું જોઈએ?’
આ વખતે નિશીને માત્ર સલાહ દેવાને બદલે સુરભી સૂચન આપે છે: ‘જો શક્ય હોય તો દાદી અને મમ્મી બન્નેને લઈને કોઈ જગ્યાએ ટ્રીપ પર જા..’ . વર્ષોથી એકધારી ચાલતી ઘરેડમાં થોડોક બ્રેક જો લઈ શકાતો હોય તો કંઈક પ્લાન કરવાનું સમજાવે છે.
ઘરે જઈ નિશીએ ધમપછાડા કરી મુક્યા. પપ્પા તો ક્યારેય હા પાડશે નહીં એટલે એને વાત કરવી નકામી. ભાઈને તો ઘરમાં કોઈ નિસ્બત હતી નહીં એટલે સૌથી પહેલાં દાદી માનશે એ વાતે સુમનને સમજાવતી નિશી મહામહેનતે કેયુરીને પણ મનાવવામાં સફળ રહે છે.

મુગ્ધાવસ્થા- મધ્યાવસ્થા તેમજ પ્રોઢાવસ્થા દરમિયાન આકાર લેતી ઈચ્છાઓ-ઝનૂન-બંધન અને પ્રેમનું પરફેકટ મિશ્રણ એવી નિશી. કેયુરી ને સુમનની ત્રણ જિંદગી અંતે રોડ ટ્રીપ પર નીકળી પડે છે. પછી તો શું રોજ નવા અનુભવો, નવા લોકો, ભૂતકાળ સાથેનું જોડાણ, પોતાની જાત સાથે નવી ઓળખાણ. સુમન સાસુ હોવા છતાં સાસુપણું કરતી નથી, ઉલ્ટું ગભરું એવી કેયુરીને ચિંતા છોડી મજા કરવાની સલાહ આપે છે. એક જ ઘરમાં રહેતી આ સ્ત્રીઓને પહેલીવાર ખ્યાલ આવે છે કે એમણે ક્યારેય એકબીજાને આ રીતે સમજવાની કોશિશ કરી નહોતી.

રોડ ટ્રીપના અનુભવો એમને ના માત્ર ભૂતકાળ સાથે તાદાત્મ્ય કેળવતા શીખવે છે, પરંતુ વર્તમાન સંબંધોને પણ એક ઉષ્માથી ભરી દે છે. ઘણા નવા લોકોને મળવાનું, નવી ઝજદગીઓને ઓળખવાનું, જૂના પ્રેમને યાદ કરવાનું, જૂનાં જખ્મોને પંપાળવાના અને જાતને થોડી મોકળાશ આપતા પણ શીખવે છે. કુદરતના ખોળે હળવાશની પળો અનુભવવાની સંખ્યાબંધ તક મળતા જ કેયુરી ખીલી ઊઠે છે ને નિશી સાથે એ પહેલીવાર મા મટી મિત્ર બની રહે છે. નિશી પણ માને સમજાવે છે કે સતત પતિ તેમજ સંતાનોની આગળ-પાછળ ફરવું, એમના જીવનમાં ક્યારેય પણ કોઈ કમી ના ઊભી થવા દેવી એ એની ફરજ છે એ સાચું, પણ ક્યારેક અમુક દિવસો પોતાના માટે રાખી તમારી ગેરહાજરીની ખોટ સાલતા પણ શીખવવું જોઈએ.

બે અઠવાડિયા પછી સુરભી સામે બેસેલી નિશી પાસે વાતો ખૂટે એમ નથી. એને દાદીની- મમ્મીની- પોતાની અને એમને થયેલા અનુભવોની અનેક વાતો કરવી છે. લાગણીઓ વહેંચવી છે, પણ, આજના સેશનમાં બધું પતે એમ નથી એટલે સુરભીએ અધવચ્ચે એને અટકાવતા કહ્યું :
નિશી, યાદ રાખજે હંમેશાં મંઝિલ કરતાં વધુ આનંદ સફરનો હોય છે. જિંદગીનું પણ એવું જ છે. તે પૂર્ણ થયાનો આનંદ નથી, પરંતુ એને જીવી ગયાની ખુશી જ સર્વસ્વ છે. વળી, જિંદગીમાં થતાં ખાટ્ટા-મીઠ્ઠા અનુભવો એ સફરને વધુ સંગીન બનાવી જતા હોય છે. ટીનએજ પણ આ જીવનસફરનો એક નાનો ટુકડો છે, જે ક્યારેક ખુશનુમા હવાની લહેરખીઓથી મન ભરી દે તો ક્યારેક કોઈ અલગ દિશામાં ફંટાય જવાની જીદ્દ કરાવે. ક્યારેક કમ્ફર્ટ ઝોન મુકવા ના દે તો ક્યારેક નવા અનુભવોનું ભાથું ખોલી દે.

‘બસ, આજ માટે આટલું રાખીએ? ફરી મળીશું ત્યારે ટ્રીપની વાતો આગળ ચલાવીશું’ કહી નિશીને સેશન પૂર્ણ થયાનું સુરભીએ યાદ કરાવ્યુ.

નિશીને તો આજે જ બધો ઊભરો ઠાલવવો હતો, પણ સુરભીને બીજાં કનસલ્ટેશન પણ હતા એટલે ‘ઓકે મેમ’ કહી સુરભીને નાનકડું હગ કરી એ ફરી મળવાના વાયદા સાથે ખુશખુશાલ ક્લિનિકમાંથી બહાર આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button