દીકરીના છૂટાછેડા એ પાપ કે અભિશાપ નથી!
ફોકસ -કવિતા યાજ્ઞિક
આપણે ત્યાં ‘દીકરી તો પારકી થાપણ કહેવાય’ એ વાત વર્ષોથી પ્રચલિત છે. સામાજિક દૃષ્ટિકોણથી આજે પણ ગ્રામ્ય વિસ્તારોમાં લગ્ન પછી જો દીકરીને કોઈ સમસ્યા સર્જાય તો ‘પડ્યું પાનું નિભાવી’ લેવાની સલાહ અપાય છે. તેમાં પણ પ્રેમલગ્ન કરનાર દીકરી સાથે અબોલા, વ્યવહાર કાપી નાખવા જેવો વહેવાર કરીને ઘણા પરિવાર પોતાની દીકરી માટે બધા દરવાજા બંધ કરી નાખે છે. જ્ઞાતિ બહાર લગ્ન કરનાર દીકરીના ‘ઓનર કિલિંગ’ના કિસ્સાઓ છાશવારે આપણી સામે આજે પણ આવે છે. છૂટાછેડા લીધેલી સ્ત્રી માટે ‘હાય હાય! આના તો છૂટાછેડા થઇ ગયાં!! જેવા દયાવાચક અને ક્યારેક કટાક્ષવાચક ઉદગારો પણ સાંભળવા મળે. પોતાને એકલી અને મજબૂર અનુભવતી આવી કેટલીય દીકરીઓ મોતને વહાલું કરતી હોય છે. આવા સમયે કાનપુરમાં એક એવી અનોખી ઘટના બની છે જેની વાત કરવી જરૂરી છે. કાનપુરમાં અનીલકુમારના પરિવારની દીકરી ઉર્વી ઉચ્ચ શિક્ષિત છે. પાલમ એરપોર્ટ પર તે ઇંજિનિયર તરીકે કાર્યરત પણ છે. તેનાં લગ્ન તેની જેમ સારું ભણેલા તેવા એક આઇટી ઇંજિનિયર સાથે ૨૦૧૬માં કરવામાં આવ્યાં હતાં. અનીલકુમાર દીકરીને એટલો પ્રેમ કરતા હતા કે સામાન્ય રીતે જેવું બનતું નથી, તેવી રીતે દીકરીના લગ્ન વખતે તેનો પણ રીતસર વરઘડો કાઢીને બેન્ડ-બાજા સાથે તેને લઇ પરણાવવા લઇ ગયા હતા. પરંતુ વ્યક્તિ શિક્ષિત હોય એટલે સંકારી પણ હોય તેવો કોઈ નિયમ નથી. એવો જ અનુભવ અનીલકુમારની આ લાડકીને પણ થયો હતો. સાસરિયા ભણેલા ગણેલા હોવા છતાં અને સારું કમાતો પરિવાર હોવા છતાં, રૂપિયાના લાલચુ અને રૂઢિચુસ્ત માનસિકતાથી પીડિત હતા. તેનો ભોગ આ દીકરીને બનવું પડ્યું. પોતે કમાતી હોવાં છતાં, સાસરિયા તેને પિયરથી દહેજમાં વધુ રૂપિયા માંગવા દબાણ કરતા હતા. જેવું હંમેશાં બને છે તેમ ઉર્વીના પરિવારે પણ ઉર્વીને શરૂઆતમાં તો ‘બધું સારું થઇ જશે’ની આશા આપીને લગ્નજીવન ચાલુ રાખવા સમજાવી. લગ્ન પછી તેમનું પહેલું સંતાન જન્મ્યું, જે દીકરી હતી. આ સાથે જ સાસરિયાંઓનો ત્રાસ પણ વધ્યો, તેની મારપીટ, મ્હેણાંટોણાં પણ વધતા ચાલ્યા. તેમ છતાં બધું સારું થઇ જશેની આશામાં તેણે આઠ વર્ષ કાઢી નાખ્યા. તેમ છતાં સાસરિયા કે પતિના વર્તનમાં કોઈ બદલાવ ન આવ્યો. સામે, ઉર્વી ધીમે ધીમે વધુને વધુ હતાશ થવા માંડી. આખરે પોતાના નહીં, તો દીકરીના ભવિષ્યનો વિચાર કરીને તેણે પતિથી છુટા થવાનો નિર્ણય કર્યો. પિતાને પોતાના નિર્ણયની જાણ કરી. પિતા પણ દીકરીનું દુ:ખ સમજ્યા અને દીકરીને પોતાના ઘરે બોલાવી લીધી. કોર્ટમાં કેસ ચાલ્યો અને આખરે ઉર્વીને છૂટાછેડા મળ્યા.
છૂટાછેડા લીધેલી દીકરી માટે જીવવું આજના કહેવાતા આધુનિક સમયમાં પણ કેટલું દુષ્કર છે તે કદાચ શહેરમાં રહેતા લોકોને ઓછું સમજાય પણ નાનાં શહેર કે ગામડામાં રહેનાર દીકરીઓને તેની અસર વધારે હોય છે. કમાવું, ઘર ચલાવવું, સંતાનને સંભાળવા અને સમાજના કુદૃષ્ટિ ધરાવતા લોકોથી સાવધાન પણ રહેવું. તેમાં જો પરિવારનો ટેકો ન હોય તો સ્ત્રી માટે સંજોગો વધારે વિકટ બની જાય છે. પણ અનીલકુમાર જેવા પિતાએ સંજોગો ઓળખીને દીકરીની સાથે ઊભા રહેવાનું નક્કી કર્યું. એટલું જ નહીં, તેના પછી તેમના પરિવારે જે કર્યું એ કોઈપણ છૂટાછેડા લીધેલી દીકરીને ન માત્ર સધિયારો આપે તેવું હતું, પરંતુ તેને એ ભરોસો પણ આપે કે આ દુનિયામાં તે એકલી નથી અને છૂટાછેડા લેવા એ કોઈ પાપ પણ નથી. અનીલકુમાર દીકરીના છૂટાછેડા થઇ ગયા બાદ જ્યારે તેને પોતાના ઘરે પાછી લાવ્યા ત્યારે ઢોલ-શરણાઈના તાલે પાછી લઈને આવ્યા! પહેલા તો લોકોને લાગ્યું કે કદાચ તેના બીજા લગ્ન થઇ રહ્યા હશે, પણ જ્યારે ગામવાસીઓને ખબર પડી કે દીકરીના છૂટાછેડા થઇ ગયા તેની ખુશીમાં અનીલકુમાર ઢોલ વગડાવે છે, ત્યારે આખું ગામ અવાચક થઇ ગયું. અનીલકુમારનો પરિવાર દીકરી ત્રાસમાંથી છૂટી ગઇ તેનો હાશકારો તો અનુભવે છે, પરંતુ તેમણે સમાજને એક સંદેશ પણ આપ્યો કે કોઈપણ દીકરીના લગ્ન તૂટી જાય એટલે એ ‘બિચારી’ કે ‘હતભાગી’ બની નથી જતી. જેમાં તેનો કોઈ વાંક જ ન હોય એવા સંજોગોમાં તેને માત્ર પ્રતાડિત થતી કે દુ:ખ સહન કરતી છોડી દેવાને બદલે તેના આત્મસન્માનની રક્ષા માટે તેને આવા બંધનોથી મુક્ત કરીને તેને આઝાદીનો અનુભવ કરાવવો જ જોઈએ. આ દરેક દીકરીનો સુખી જીવન જીવવાનો અધિકાર છે. ગામવાસીઓએ પણ અનીલકુમારના પરિવારની ભાવનાઓ સમજીને તેમના પગલાંને આવકાર્યું. લગ્ન તૂટવા બાદ દીકરીની ઉપેક્ષાને બદલે તેની પરેશાનીઓને સમજવાની આ ભાવના સમાજમાં એક સકારાત્મક સંદેશ આપશે અને દીકરીઓને લગ્ન જીવન તૂટવાની અપરાધ ભાવનામાંથી મુક્ત કરશે. અનીલકુમાર જેવા પિતાઓની સમાજને જરૂર છે, જે અનેક ઉર્વીઓના જીવનને જીવવા જેવું બનાવી શકે.