લાડકી

સ્ટડી કરવાં જેવો કેસ…

લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશી

દાખલ થતાં જ મેં કહ્યું : ડૉક્ટર મારો કેસ સ્ટડી કરવાનો છે.

હા, હા. હું ભલભલાં અઘરાં કેસને સહેલા કરી દઉં છું, ચપટી વગાડતામાં.

હા તો તમે ટ્રીટમેન્ટ કેટલા વખતથી કરાવો છો?

લગભગ ૬૦ વર્ષથી.

ડૉક્ટરની આંખ કંઈક પહોળી થઈ હોય એમ લાગ્યું. હું કંઈ સમજ્યો નહિ. હમણાં તમારી કેટલી ઉંમર હશે આશરે? જુઓ ડૉક્ટર, આમ હું કોઈને ઉંમર કહેતી નથી અને કહું છું તો કોઈ સાચું માનતું નથી. હું ચાલીસની છું, એમ કહું તો પણ આંખ પહોળી કરી કહેશે, લાગતું તો નથી. કદાચ ગણવામાં… અને હું કહું કે સાઠ તો એ કહે, હોય વળી, જરાય લાગતાં નથી, હજી તો ચાલીસનાં હોય એમ લાગે છે. ડૉક્ટર બોલ્યા : જલ્દી કરો બહેન મારી પાસે સમય નથી. બહાર પેશન્ટની લાઈન છે. એ તમારો પ્રોબ્લેમ છે ડૉક્ટર. આમ વાતમાં મોણ નહિ નાંખશો તો ચાલશે. જુઓ ડૉક્ટર મોણ નાંખ્યા વિના જેમ રોટલી, ભાખરી ચવડ થઈ જાય તેમ વિગતવાર વાત કરવાથી થોડો વધુ પ્રકાશ પડશે. બાકી તો હવે આ કેસ તમારો પ્રોબ્લેમ છે તમે જાણો.

પણ બહેન એ કહો કે આ શરીર સૌષ્ઠવ ક્યારથી છે? નાની ઉંમરથી કે પછી લગ્ન બાદ? મેં જરા મારાં શરીર ઉપર પ્રેમથી નજર ફેરવી અને પછી જરા મલકી અને પછી જરાં શરમાઈ. બહેન ! મેં તમને કંઈ પૂછ્યું? અરે હા ! આ તો જરી કોઈ મને એમ કહે કે તમારું શરીર સૌષ્ઠવ સારુ છે. ત્યારે મને મારાં તરફ ગૌરવની લાગણી થઈ આવે છે. ખાધે- પીધે સુખી ઘરની છું ને એટલે ગામ આખાની સ્ત્રીઓને હંમેશાં મારી ઈર્ષ્યા થાય એ સ્વાભાવિક છે, પણ હવે આ સૌષ્ઠવે તો માજા મૂકી છે. યુ નો, શરીર વધુ પડતું ચોમેરથી વિસ્તરવા માંડે એટલે રોગ પણ ઘર કરવા માંડે. આમ તો હું કોઈને આવી સોનેરી સલાહ આપતી નથી, પણ આ તો તમારું સૌષ્ઠવ પણ થોડું વધારે લાગ્યું એટલે મને પણ તમને સલાહ આપવાનું મન થયું.

બહેન, તમારે મારો કેસ સ્ટડી નથી કરવાનો, મારે તમારો કેસ સ્ટડી કરવાનો છે. પણ બહેન તમે વજન વધુ ધરાવો છો એવું તમને ક્યારે ફીલ થયું અને ટ્રીટમેન્ટ ક્યારથી કરો છો અને કોની કોની કરી છે એ કહો જેથી તમારી ટ્રીટમેન્ટ અંગે કોઈ દિશા મળે.

ડૉક્ટર સાહેબ મારી દશા અને દિશા બંને હજી સુધી કોઈ સુધારી શક્યું નથી. ભારત દેશ જેવું જ મારું પણ છે. એવા રંજ સાથે હું મારી આપવીતી રજૂ કરું છું. બહેન જરા ટૂંકમાં હોં… બહાર પેશન્ટની લાઈન લાગી છે. ડૉક્ટર એ તમારો પ્રોબ્લેમ છે. મારો કેસ ઘણો ગંભીર છે. એ તમારે નહિ ભૂલવું જોઈએ. હવે મારી આપવીતી સાંભળો. હું જન્મી ત્યારે મેં મારી બાને મથાવેલી. એટલે સમજી જાવને હવે. ઘોડિયાં અને ઝોળી લગભગ સાતથી આઠ તો તોડ્યાં જ હતાં એવું મારી દાદી કહેતી હતી. મારાં લીધે બા-બાપાને ઘૂંટણનાં પ્રોબ્લેમ શરૂ થયેલા એટલે મને નાનપણથી જ ઘી વગરનાં દાળ-ભાત અને તેલ વગરના શાક આપવા ચાલુ કરેલા, પણ ખાતાંપીતાં ઘરની ખાનદાની ચરબી રાતે નહિ વધે એટલી દિવસે વધે.

અરે ! પણ બહેન ચરબી ઉતારવાં બીજાં ક્યાં પ્રયત્નો કરેલાં? સહેજ મોટી થઈ એટલે ગામથી દૂર આવેલાં મંદિરે દર એક કલાકે ઘંટ મારવાં જવાનું, કસરતરૂપે ગામમાં કોનાં ઘરે કોણ આવ્યું? ક્યારે આવ્યું? શું કામ આવ્યું? તે જોવાં ગામમાં દર બે કલાકે આંટા મારીને જાણવું. તો પણ કોઈ ફેર નહિ પડ્યો? ડોક્ટર, મારો કેસ અઘરો છે.

હવે ડોક્ટરે આશંકાથી મારી તરફ જોયું અને પછી આંખ ઝીણી કરી શરીર સૌષ્ઠવ ચકાસીને પૂછ્યું, “તો પણ કોઈ ફેર ના પડ્યો? કેમ કાંઈ ફેર ના પડ્યો? એ પ્રોબ્લેમ હવે તમારો છે ડૉક્ટર એ જ તો મોટો પ્રશ્ન છે. શોધો શોધો હવે એ જ તો શોધનો વિષય છે.

પછી તમે કોઈ ટ્રીટમેન્ટ કે ડાયેટ વગેરેમાં મેં ડૉક્ટર વાક્ય પૂરું કરે તે પહેલાં જ શરું કર્યું. (બોલવાનું હોં – ખાવાનું નહિ.) ડૉક્ટર, ડાયેટમાં કશું બાકી રાખ્યું નથી. તમારા જેવા જ એક ડૉક્ટરે ખાલી ફ્રૂટ ડાયેટ જ આપેલું એટલે સવારે ખાલી ચાર-પાંચ કેળા ને દૂધ બપોરે ખાલી ચાર-પાંચ કેરી સાંજે, વળી વધેલા ઘટેલા ફળફળાદી ભેગાં કરી ફ્રૂટસલાડ જેવું બનાવી પીતી હતી. ગરીબ દેશમાં બગડી જાય ને ફેંકી દેવા પડે એનાં કરતાં ડૉક્ટર પેટમાં ઠંડક કરેલી સારી. ભૂખનાં માર્યા રાતે ઊંઘ પણ નથી આવતી. બોલો પછી… પછી શું મહિનાને અંતે બાએ મને વજન કાંટે ચડાવી, તો કાંટો જ તૂટી ગયો. એ તો સારું કે ત્યારે ચાઈનાનો માલ મળતો નહોતો નહિતર બિચાર્રું ચાઈના વગર વાંકે મારે લીધે બદનામ થઈ ગયું હોત.

હવે ડૉક્ટરની આંખો કોળાની જેમ વિસ્ફારિત થઈ ગઈ. બહેન હવે જરા જલ્દી કરજો. અરે હા ! પછી તો જેવી કૉલેજમાં ગઈ કે ઘરવાળાએ ખાધેપીધે સુખી એવા મૂરતિયાની શોધખોળ આદરી દીધી, પણ મારી તંદુરસ્તની ખ્યાતિ એટલી તો ફેલાયેલી કે દક્ષિણ ગુજરાતમાંથી કોઈ મુરતિયો ફરક્યો સુધ્ધાય નહિ. પછી? હવે જરા ડૉક્ટરને પણ મારી કરુણ કહાણીમાં રસ પડતો હોય એમ લાગ્યું. પછી શું? પછી એક સાવ સુકલકડી મુરતિયાની મમ્મીએ વિચાર્યું કે તંદુરસ્ત પત્ની સાથે સહભોજન કરી કરી મારો લલ્લો પણ તંદુરસ્ત બનશે અને એ આશે અમે અસંતુલિત ફેરાં ફર્યા. (અસંતુલિતનો અર્થ તમે સુજ્ઞ છો એટલે હું ડિટેલમાં નહિ જ સમજાવું.). પણ સાસુમા એમનાં પ્લાનિંગમાં સરિયામ નિષ્ફળ ગયાં. હેં એમ ! એ કંઈ રીતે? ડૉક્ટર ઉત્સુકતાથી પૂછી ઉઠયાં.

એટલે કે લલ્લો મારામાંથી પ્રેરણા લેશે. એથી સાસુમા રોજ બત્રીસ પક્વાનના ભોગ લગાવી અમને જમવાં બેસાડતા. જેથી એમનો દીકરો પુષ્ટિ પામે. પણ થયું એનાંથી ઊલટું મને ખાતી જોઈને મારાં પતિદેવની ભૂખ સાવ જ મરી જતી અને હું અન્નદેવતાને પૂરેપૂરું માન આપવાં એકપણ દાણો વેસ્ટેજ જવાં દેતી નહોતી. બસ, ત્યારનું જે શરીર સૌષ્ઠવ ઘટાદાર થયું તે થયું. અને પતિદેવનું જે ઘટ્યું તે ઘટ્યું. બહેન હવે તમે ઝડપથી લાસ્ટ જે જે ટ્રીટમેન્ટ ને ડાયેટ લીધાં હોય તે બોલી જાવ. મારે પેશન્ટ ઘણાં છે. પણ ડોક્ટર એ આપનો પ્રોબ્લેમ છે. પણ એની વે.. સાંભળો હવે જ કેસ અઘરો છે.
મમરાંથી લઈને બાબા રામદેવની ખીચડી કે દૂધીનો સૂપ, જીમ, યોગા, વોક, ફીઝીયો, એરોબિક્સ ને દુનિયાભરની દવા કરી. પછી મેં આ તમારું બોર્ડ વાંચ્યું કે શરીર નહિ ઉતરે તો પૈસા પાછા. બસ ડોક્ટર, હવે મારો પ્રોબ્લેમ તમારો પ્રોબ્લેમ. જેમ મને જોઈજોઈને કાયર મૂરતિયાઓએ રણ છોડી પીઠ બતાવેલી તેમ તમે નહિ જ કરો એવી ખાતરી સાથે આ ફર્સ્ટ એન્ડ લાસ્ટ પ્રયોગ કરવાં અહીં આવી છું.

જુઓ બહેન, તમારો આ કેસ ગહન વિચાર માગી લે એવો છે. ખાસ્સું રિચર્સ માગી લે એવો કેસ છે. તો તમે એક કામ કરો તમે કાલે આવો, હું એ દરમિયાન તમારો કેસ સ્ટડી કરીને કાલથી
પાકે પાયે ટ્રીટમેન્ટ કરું. એમ કહી એમણે એક વક્ર નજર મારાં શરીર તરફ નાંખી તો મેં પણ લાગલું પૂછી જ નાખ્યું, ડૉક્ટર સાચું કહેજો, હું સાઠની હોઉં એવી લાગુ છું ને? ડોક્ટર બોલ્યાં, બહેન પેશન્ટ ઘણાં છે. હું સ્ટડી કરીને કાલે જ બધું સાથે જ કહીશ.

બીજે દિવસે જિમના કપડાં ચડાવી મારો
સ્ટડી કરેલ કેસ સમજવાં દવાખાને પહોંચી તો ત્યાં પાટિયાં ઉપર મોટા લાલ અક્ષરે લખ્યું હતું. અહીં શરીર વધારવાની એક્સોએક ટકાની ગેરેંટી આપીએ છીએ. શરીર નહિ વધે તો પૈસા પાછા. હું પણ ડોક્ટરથી સવાઈ બાય ચડાવીને ઝડપથી અંદર પહોંચી. ડૉક્ટર ગભરાઈને બોલ્યાં, બહાર પાટિયું વાંચ્યું કે નહિ? મેં આખી સ્કીમ જ બદલી નાંખી છે.

મેં તરત જ વળતો જવાબ આપ્યો, થેંક્યુ ડૉક્ટર થેંક્યુ. મને ગમ્યું કે તમે સ્કીમ બદલી અને મેં પણ સ્કીમ બદલી છે હેં ! કાલે મેં જે ફી આપી હતી તેમાં હવે મારી દવા નહિ પણ મારાં આ પતિદેવની દવા કરવાની રહેશે. કેસ સ્ટડી તમે કરી લેજો. જુઓને, કેટલું ખાય છે પણ જાડાં થતાં જ નથી. એમની આપવીતી સાંભળવી હોય તો હું પહેલેથી શરૂ કરું. એ સાથે જ ડૉક્ટર બરાડયાં, નર્સ જલ્દી બહાર ચડાવેલું પાટિયુ ઉતાર. હવે મારે ધંધો જ બદલવો પડશે. અને આ કેસવાળાને ફી પાછી આપી લીલાં તોરણે જલદી ઘર ભેગાં કર.

આમ તો હું કોઈને સલાહ આપતી નથી, પણ ડૉક્ટર તમને એક સલાહ આપું?

અને હું સલાહ આપું તે પહેલાં જ ડૉક્ટર પાછલે બારણેથી રફુચક્કર થઈ ગયા…

જોકે હજી મારો કેસ તો સ્ટડી કરવાનો બાકી જ છે હોં !!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ