યુવાવસ્થાએ બનો ખરા અર્થમાં નિર્ભયા
ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી – શ્ર્વેતા જોષી-અંતાણી
આજના ઈ-મેલ્સ, ચેટ્સ અને મેસેજના જમાનામાં અઢાર વર્ષની અનુજા થોડી ઓર્થોડોક્સ લાગે એવી હતી, પણ એને પોતાના વિચારો લખીને વ્યક્ત કરવા ગમતાં. કોઈ સાથે બહુ વાતો ના કરી શકતી અનુજા નાનપણમાં ડાયરી અને હવે લેપટોપ પર નોટપેડમાં એ બધું લખ્યા કરતી. જે વાત એ કોઈને કહી ના શકતી એ બધું અહીં સચવાતું. આજે પણ ઘેર પાછા ફરતાવેંત અનુજાએ લખવાનું શરૂ કરેલું : ‘યુવાનીમાં એક સારી મિત્ર જો મળી જાય તો જીવનની કેટલી બધી સમસ્યાનો આપોઆપ ઉકેલ મળી જતો હોય છે. ..’
અનુજાએ મનોમન ખુશ થતાં લખવાનું ચાલુ રાખ્યું :
સારી મિત્રનો મતલબ છે કે જે તમારી કમીઓને જાણે, સમજે અને તમારી એ નબળાઈઓને સ્વીકારીને પણ તમારી સાથે મિત્રતા નિભાવવા તૈયાર હોય. એમાં ના કોઈ ડર હોય કે ના કોઈ ખચકાટ હોય તો બસ ખુશી- વ્હાલ ને સંતોષ અને એક એવી ફ્રેન્ડ મળે જે તમને કોઈપણ પરિસ્થિતિમાં અપનાવી લે એવી ઈચ્છા કઈ યુવતીને નથી હોતી?’
યુવાન વયની અનુજાને એન્કઝાઈટી ડિસઓર્ડર છે. એને અંધારાથી ડર લાગે. રાત્રે પણ રૂમમાં લાઈટ વગર સૂવે નહીં અને બને તો એ બહેન કે મમ્મીના ઓરડામાં ઊંઘી જવાનું પસંદ કરે. જ્યારે એ બાથરૂમમાં હોય ત્યારે બહાર હંમેશા કોઈના કોઈ રહેવું જ જોઈએ. જો એને ખબર પડે કે પોતે એકલી છે તો એ ખૂબ ડરી જાય છે. એ હદે એને પેનિક એટેક્સ આવે કે જેની તમે કલ્પના પણ ન કરી શકો.
કોઈ જગ્યાએ એકલું ચાલવામાં, એકલું જવામાં, અજાણી જગ્યાઓ પર અનુજા રીતસર કોઈ બીમારી હોય એ રીતે ડરનો અનુભવ કરતી આવી છે. આવું થવાના મૂળ એના બાળપણમાં પડેલા છે , જે એ મોટી થયા બાદ પણ જ્યારે અનુકૂળ વાતાવરણ ના મળે ત્યારે અનુજા ફરતે ભરડો લઈ લે છે. અનુજા સાથે થયું હતું એવું કે એક વખત એની સ્કૂલમાં સાથે ભણનારા તોફાની છોકરાઓએ એને બાથરૂમમાં બંધ કરી દીધેલી. એક આખો દિવસ બાથરૂમમાં એકલી બંધ રહેલી અનુજા ધીરે ધીરે અંધારાથી, એકલા રહેવાથી અને અજાણી જગ્યાઓથી ડરવા લાગે છે, પરંતુ એ વખતે એને ડરથી બહાર લાવનારું કોઈ હતું નહીં અને માટે જ બાળપણમાં પ્રવેશેલો ભય યુવાન થયે પણ એનો સાથીદાર બનતો ચાલ્યો.
નાનપણમાં માતા-પિતા પણ પોતાનાં બાળકોને કાબૂમાં રાખવા માટે આવા કાલ્પનિક ડરનો સહારો લેતા અચકાતા નથી હોતા, પણ ક્યારેક આ જ ડર બાળકના મનમાં એવો બેસી જતો હોય છે જે જીવનભર એને પરેશાન કર્યા રાખે. કોઈ બાળક બહુ જ તોફાની છે તો એને ભયાનક જાનવર, અંધારું, ભૂત-પ્રેત, ચુડેલ, અઘોરી બાવાઓનો ભય બતાવી શાંત કરવાની કોશિશ કરવામાં આવતી હોય છે. બાળકોને આ રીતે ડરાવનારા લોકોને ખ્યાલ નથી હોતો કે કોઈક બાળકની અંદર ક્યારેક તે એન્ઝાઈટીનું સ્વરૂપ લઈ લે અને આગળ જતા ડિસઓર્ડરનું સ્થાન મેળવી લે એવું બને. મોટાભાગે બાળકો નિર્ભય હોય છે એને આવું કઈ બહુ અસર નથી કરતું, પરંતુ અમુક અનુજા જેવી ખૂબ ભીરુ પ્રકૃતિની બાળકીઓને એન્ક્ઝાયટી ડિસઓર્ડર જેવી તકલીફો થવાની સંભાવના પ્રબળ બની જાય છે. એમાં પણ અનુજાનો અંતર્મુખી સ્વભાવ આ તકલીફને વધુ વેગ આપતો હતો. અનુજાને પોતાના ભૂતકાળની એ ઘટના ગમે ત્યારે ટ્રિગર કરી જતી અને કોલેજમાં એવી પરિસ્થિતિનું નિર્માણ થતું કે એની મજાક બન્યા વગર રહે નહીં, પણ અનુજા નસીબદાર કે એના જીવનમાં આંશી આવી.
આંશી સાથે અનુજાને ટૂંકાગાળામાં જ ગાઢ મિત્રતા બંધાય જાય છે. અનુજાના એન્કઝાયટી ડિસઓર્ડરના એટેક્સની વાત કોલેજમાં સહુ જાણે એટલે મોટાભાગે બધા એનાથી અંતર બનાવી રાખવા અચકાતા નહીં, પણ આંશી અલગ માટીની બનેલી હતી. એ અનુજાને ખૂબ પ્રેમથી રાખે. એની બધી જ પરેશાની સ્વીકારી એની સાથે મિત્રતા નિભાવે પણ એમ કંઈ ખાધું પીધું ને રાજ કર્યા જેવું જીવન થોડું હોય?
બન્યું એવું કે, દસેક દિવસ પહેલાં અનુજાના ડ્રામા રિહર્સલ વખતે લાઈટ જતી રહી. અંધારામાં ભયના માર્યા અનુજાને પરસેવો છૂટી ગયો. એ દોડીને આંશીને વળગી પણ લાઈટ આવતાં જ ખ્યાલ આવે છે કે એ આંશી નથી પણ એની સાથે ભણતો આકાશ છે. ભોંઠી પડેલી અનુજા તુરંત જ દૂર ખસી જાય છે પણ એ સમયે કોઈકે પાડેલો ફોટો જોતજોતામાં વાયરલ થઈ ગયો.
અનુજા સાથે બનેલી આ ક્ષોભજનક ઘટનાને રાયનો પહાડ બનાવી લોકો મજાક ઉડાવતા રહે છે. એ વખતે આંશી એને વ્હારે આવે છે. પ્રિન્સિપલ સરને ફરિયાદ કરવાથી માંડી અનુજાને હિંમત આપવા સુધી ને લોકોને જરૂર પડ્યે ધમકી આપવાથી લઈને ઝગડા કરી લેવા સુધી અનુજાને પ્રોટેક્ટ કરવામાં આંશી ક્યાંય ઊણી ઊતરતી નથી. આજે એના જ લીધે જે લોકો અનુજાની ઈમેજ ખરાબ કરવા પર ઊતરી આવેલા એ બધા સસ્પેન્શન સાથે માફી માગવા આવેલા. બસ, આ ઘટના પછી અનુજા પોતાનાં વર્ષો જૂની ભય નામની કેદમાંથી મુક્ત થવાનું શરૂ કરે છે. આગળ જતાં અનુજા પોતાની આ નબળાઈઓમાંથી બહાર આવે એ માટે મેડિકલ હેલ્પ લેવાનું પણ આંશી એના પેરેન્ટ્સને કહે છે. એક મિત્ર તરીકે આંશીનો સ્નેહ તેમજ સપોર્ટ ખરેખર કાબિલેદાદ છે.
ટીનએજર્સ ધારે તો પોતાના મસમોટા ડરનો સામનો કરી જાણે છે . એટલું જ નહીં, વર્ષો થયે ઘર કરી ગયેલી માન્યતાઓને જાકારો આપી એક નવી જ દુનિયાનું સર્જન કરવાની ક્ષમતા પણ ધરાવે છે. ‘મારાથી કંઈ જ થઈ શકે નહીં, હું એકલી ક્યાંય જ ના જઈ શકું, હું અજાણ્યા લોકો સાથે વાત ના કરી શકું, મને અજાણી જગ્યાએ ડર લાગે ’ આવું કંઈકેટલુંય બોલ્યે રાખતી અને એજ પ્રમાણે જીવતી અનુજા જેવી યુવતીઓના જીવનમાં આંશી જેવી બહાદુર મિત્ર મળે કે નહીં એમણે જીવનમાંથી ડરને જાકારો ચોક્કસ આપવો જોઈએ.