લાડકી

તિરસ્કારથી પુરસ્કાર સુધીની એક પદ્મશ્રી કિન્નરની જીવન ગાથા

વિશેષ -કવિતા યાજ્ઞિક

રાષ્ટ્રપતિ ભવનમાં નવેમ્બર 2021નો પદ્મશ્રી એવોર્ડ સમારંભ અન્ય આવા કાર્યક્રમોથી સાવ અલગ હતો. પદ્મશ્રી માટે એક સ્ત્રીનું નામ જાહેર થયું. તે મંચ સમક્ષ આવી. આજ સુધી કયારેય ન થયું હોય તેવું તેણે કર્યું. પહેલા દેશના સર્વોચ્ચ સ્થાને બિરાજમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની નજર ઉતારી અને પછી તેમને પ્રણામ કરીને પદ્મશ્રીના સન્માનનો સ્વીકાર કર્યો! આખી સભા આ પરંપરાગત વિધિને એવૉર્ડ સમારંભમાં થતી પહેલી વાર જોઈ રહી હતી. અને આ કાર્યક્રમ લાઈવ જોઈ રહેલા દર્શકો પણ દંગ હતા. તેમની પુરસ્કાર લેવાની પદ્ધતિની ચારેકોર ચર્ચા થઈ રહી છે. રાષ્ટ્રપતિ પણ તેમની આ પદ્ધતિ જોઈ ખુશખુશાલ થઈ ગયા હતા. આજ સુધી અણજાણ્યું નામ રાતોરાત લોકોની જીભે રમતું થઇ ગયું. એ નામ હતું મંજમ્મા જોગતીનું. બાદમાં બધાને ખબર પડી કે આ સ્ત્રી એક કિન્નર છે.

કિન્નર શબ્દ આવતા જ ઘણા લોકો, અથવા કહીએ કે મોટાભાગના લોકો નાકનું ટીચકું ચડાવે છે. કિન્નરોને ટ્રાફિક સિગ્નલ પર કે મુંબઈની લોકલ ટે્રનમાં ભીખ માંગતા કે કોઈના ઘરે બાળકનો જન્મ થાય ત્યારે નાચી-ગાઈને વધાઈ માંગતા જોવા આપણા માટે નવાઈની વાત નથી. પણ નવાઈ ત્યારે લાગે જયારે દેશના સર્વોચ્ચ સ્થાન એવા રાષ્ટ્રપતિ ભવનમાં એક કિન્નરને એવૉર્ડ લેતા જોઈએ. ત્યારે એ વાતનો અનહદ આનંદ થાય, કે મારો દેશ બદલાઈ રહ્યો છે. ત્રીજા લિંગ તરીકે ઓળખાતા કિન્નરોને આ દેશના નાગરિક તરીકે જે સન્માન મળવું જોઈએ તે હવે મળી રહ્યું છે.

મંજમ્માનો જન્મ કર્ણાટકના બેલ્લારી જિલ્લાના કલ્લુકંબા ગામમાં 1957માં થયો હતો. મંજમ્મા જોગતી કન્નડ થિયેટરની અભિનેત્રી, ગાયિકા અને નૃત્યાંગના છે. જોગતી એ કર્ણાટકનું લોકપ્રિય નૃત્ય છે. મંજમ્મા જોગતીએ આ નૃત્ય અને જનપદ ગીતો સહિતની કેટલીય કલાઓમાં મહારત પ્રાપ્ત કરી છે. કન્નડમાં તેને દેવી-દેવતાઓની સ્તુતીમાં મંત્રમુગ્ધ કરનારા નૃત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે નૃત્ય કરવાથી દેવી પ્રસન્ન થાય છે. મંજમ્માના જીવનની સફર મુશ્કેલીઓથી ભરેલી રહી છે પરંતુ મંજમ્માએ હાર્યા વિના, લડતા રહીને જીવન સફર આગળ વધારી છે. ચોક્કસ, એવી ક્ષણો પણ આવી કે જ્યારે તેમને જીવન જીવવું અકારુંલાગવા માંડ્યું, પણ આખરે આશાએ નિરાશા ઉપર વિજય મેળવ્યો અને આજે તે અનેક કિન્નરો માટે પ્રેરણારૂપ બની રહી છે. ચાલો જાણીએ મંજમ્માના સંઘર્ષની કહાણી.

મંજમ્માનો જન્મ મંજુનાથ શેટ્ટી નામના છોકરા તરીકે થયો હતો. જ્યારે મંજુનાથે શાળાએ જવાનું શરૂ કર્યું ત્યારે તેની રીતભાત અને હાવભાવ છોકરીઓ જેવા હતા. પણ નાની ઉંમરના બાળકોમાં કોમળતા સાહજિક હોઈ તેમના માતા-પિતાને કંઈ અજુગતું નહોતું લાગ્યું. મંજુનાથને છોકરીઓ સાથે રહેવું, તેમની સાથે રમવું અને નાચવું ગમતું. છોકરીઓની જેમ તૈયાર થવું પણ તેને ગમતું. અને કોઈ જોઈ ન જાય તેમ ખાનગીમાં તે ટુવાલને સ્કર્ટની જેમ વિટાળીને પોતાની આંતરિક ઈચ્છા પુરી કરતો. 15 વર્ષની ઉંમર સુધી પહોંચતા મંજુનાથે પોતાને એક છોકરાને બદલે એક છોકરી તરીકે સ્વીકાર કરી લીધો હતો. પણ પરિવાર આ કઈ રીતે સ્વીકાર કરી શકે? તેમના માટે તો આ મોટી આઘાતની વાત હતી. માતા-પિતા મંજુનાથને “સાજો કરવા” ડૉક્ટરો અને વૈદ્યો પાસે લઇ ગયા. પણ આ કોઈ રોગ થોડો હતો જે ઠીક થઇ જાય! એટલે તેનાથી કોઈ ફરક ન પડ્યો. દવાથી જે કામ દુઆથી થઇ જશે તેમ માનીને તેને એક આશ્રમમાં પણ લઇ ગયા.જ્યાં એક સાધુએ માબાપને કહ્યું કે મંજુનાથને દેવી શક્તિના આશીર્વાદ છે, એટલે તેને દેવી ના ચરણે સોંપી દો. એક મુલાકાતમાં મંજમ્માએ જણાવ્યું કે આ સાંભળ્યા બાદ તેના પિતાએ તત્ક્ષણ કહી દીધું કે “મેં તારા નામનું નાહી નાખ્યું. હવે મારા માટે તું મરી ગયો!”

માતા-પિતા 1975માં મંજુનાથને હોસપેટ નજીક હુલીગેયમ્મા મંદિરમાં લઈ ગયા. અહીં જોગપ્પા બનાવવાની દીક્ષા આપવામાં આવી છે. જોગપ્પા અથવા જોગતી, એક ટ્રાન્સ વ્યક્તિઅથવા કિન્નર છે, જે પોતાને દેવી યેલમ્મા સાથે પરણેલા માને છે. તેઓ દેવીના ભક્ત છે. દેવી યેલમ્મા ઉત્તર ભારતમાં રેણુકા દેવી તરીકે પૂજાય છે.
દીક્ષા વિધિ વખતે માતા-પિતા પણ હાજર રહે છે. દીક્ષા માટે મંજુનાથનો ‘ઉડારા’ કાપવામાં આવ્યો. ઉડારા એ છોકરાઓની કમર નીચે ચારે તરફ બાંધેલી દોરી હોય છે જેને કાપવાની વિધિનો અર્થ થાય છે કે હવે તે પુષાતનને ત્યાગીને સ્ત્રી પે દેવીને પરણે છે. ઉડારા કાપ્યા બાદ મંગળસૂત્ર, સ્કર્ટ-બ્લાઉઝ અને બંગડીઓ આપવામાં આવી હતી. અહીંથી મંજુનાથને તેમનું નવું નામ મળ્યું – મંજમ્મા જોગતી.

મંજમ્માએ એક મુલાકાતમાં કહ્યું કે દીક્ષા લીધા પછી હું મંજુનાથમાંથી મંજમ્મા જોગતી બની. તે દિવસે તેની માતાનું આક્રંદ મંજમ્મા હજી ભૂલી નથી શકતા. ઘરનો દીકરો મંજુનાથ મરી ગયો. માતાને પુત્ર ગુમાવવાનું દુ:ખ હતું. “મારી મા ઘણા દિવસો સુધી ઘરે રડતી રહી. તે વાત કરતી વખતે કહેતી હતી કે તેણે તેનો પુત્ર ગુમાવ્યો છે. મારો પુત્ર હવે મારા માટે મરી ગયો છે.” મંજમ્મા તેની માતાના આ શબ્દો સહન ન કરી શકી અને એક દિવસ તેણે ઝેર પી લીધું, પરંતુ તેના પરિવારજનો તેને હોસ્પિટલ લઈ ગયા અને તેનો જીવ બચી ગયો. સ્વસ્થ થયા પછી મંજમ્માએ ઘર છોડવાનો નિર્ણય કર્યો. ઘર છોડ્યા પછી તેમની પાસે ખાવા કે રહેવાની જગ્યા
નહોતી. જેમ હંમેશા કિન્નરો સાથે બને છે તેમ, મંજમ્માએ ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવવાનું શ કર્યું. તે દરમિયાન છ લોકોએ તેની સાથે બળાત્કાર કર્યો હતો. પણ આવા બળત્કારની કહેવાતા “સમાજ સેવકો” નોંધ પણ ક્યાં લે છે? ભીખ માંગીને જે પૈસા ભેગા કર્યા હતા તે પણ લૂંટી લેવામાં આવ્યા હતા. મંજમ્માને લાગ્યું કે હવે આ દુનિયામાં જીવવા માટે શું છે, કોના માટે જીવવું જોઈએ? તે ફરીથી આત્મહત્યાનો માર્ગ પસંદ કરવા માંગતા હતા, પરંતુ રસ્તામાં એક પિતા-પુત્રને જોગતી નૃત્ય કરતા જોયા બાદ તેણે પોતાનો નિર્ણય બદલી નાખ્યો.

કર્ણાટકના દાવણગેરે બસ સ્ટેન્ડ પાસે પિતા-પુત્રની જોડી લોકગીતો અને નૃત્ય દ્વારા લોકોનું મનોરંજન કરી રહી હતી. પિતા ગીતો ગાતા હતા અને પુત્ર નૃત્ય કરતો હતો. દીકરો સ્ટીલનો ઘડો પોતાના માથા પર મુકીને તેને નીચે પાડ્યા વિના પોતાની કલાનું પ્રદર્શન કરી રહ્યો હતો અને આ જ અવસ્થામાં જમીન પર પડેલા સિક્કાઓને મોં વડે ઉપાડી રહ્યો હતો. આ છે જોગતી નૃત્ય’.

મંજમ્મા જોગતી દૂર ઊભી રહીને ધ્યાનથી આ નૃત્ય જોઈ રહી હતી. મંજમ્માએ પણ આ પિતા પાસેથી આ નૃત્ય શીખવાનું નક્કી કર્યું અને તેમના શરણમાં ગઈ. આ પછી, મંજમ્મા દરરોજ તે વ્યક્તિની ઝૂંપડીમાં નૃત્ય શીખવા માટે જવા લાગી. એ નૃત્ય શીખવનાર ગુ હતા બસપ્પા.જોગતી નૃત્ય એ જોગપ્પા લોકોનું લોકનૃત્ય છે. આ પરંપરાગત લોકનૃત્ય કરતી સ્ત્રીઓ સામાન્ય રીતે ‘ટ્રાન્સ વુમન’ હોય છે.

તેઓ મુખ્યત્વે ઉત્તર કર્ણાટક, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રના ભાગોમાં રહે છે. તેમનો નૃત્ય પ્રત્યેનો શોખ જોઈને તેમના મિત્ર જોગપ્પાએ તેમનો પરિચય એક લોક કલાકાર સાથે કરાવ્યો. તેનું નામ કાલાવ્વા હતું. તેણે મંજમ્માને નૃત્ય કરવા કહ્યું. કાલાવ્વા નિષ્ણાત હતા અને મંજમ્મા શિખાઉ હતા. આટલા મહાન લોક કલાકારની સામે તે કેવી રીતે નાચશે તેની તેને બીક લાગતી હતી, પરંતુ મંજમ્માએ ખૂબ જ સુંદર નૃત્ય કર્યું . જેમ જેમ કાલાવ્વા એ સૂર બદલ્યો તેમ તેમ મંજમ્મા વધુ સારી રીતે નાચતી રહી. આ પછી કાલાવ્વા એ તેમને નાટકોમાં નાની ભૂમિકાઓ માટે બોલાવવાનું શ કર્યું.

મંજમ્માએ ધીમે ધીમે મુખ્ય ભૂમિકાઓ ભજવવાનું શ કર્યું. તેને નાટ્ય અને નૃત્યમાં રસ પડવા લાગ્યો . હવે તેના નામે જ શો ચાલવા લાગ્યા . મંજમ્મા હવે જોગતી નૃત્યની ઓળખ બની ગઈ હતી.

તેમણે જ આ નૃત્યને સામાન્ય લોકોમાં ઓળખ અપાવી હતી. એક વર્તમાન પત્રને મુલાકાત આપતી વખતે તેઓ કહે છે, ‘સાચું કહું તો, મેં આ નૃત્ય એટલા માટે નથી શીખ્યું કે મને મન હતું, પરંતુ હું મારી ભૂખ સામે લડી શકું તે માટે મેં આ નૃત્ય શીખ્યું. હું આનાથી માં જીવનનિર્વાહ ચલાવી શકતી હતી.” જો મેં રસ્તા પર ભીખ માંગવાનું અથવા સેક્સ વર્કર બનવાનું પસંદ કર્યું હોત, તો હું આજે જીવિત ન હોત. જોગતી નૃત્યએ મને આગળ લાવી છે અને હું ઈચ્છું છું કે આ નૃત્ય અને જોગપ્પા સમુદાય આગળ વધે. તેણે મારા માટે જે કર્યું, હું પણ તેના માટે તે જ કરી શકું .

વર્ષ 2006 માં, મંજમ્મા જોગતીને કર્ણાટક જનપદ એકેડેમી એવોર્ડ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ વર્ષ 2010 માં કર્ણાટક રાજ્યોત્સવ એવોર્ડ પ્રાપ્ત થયો. આજે તે ‘કર્ણાટક જનપદ એકેડમી’ના પ્રથમ ટ્રાન્સજેન્ડર પ્રમુખ છે. આ એકેડમીની સ્થાપના વર્ષ 1979 માં કરવામાં આવી હતી ત્યારથી અત્યાર સુધી આ પદ માટે માત્ર પુષો જ ચૂંટાતા હતા. આ સંસ્થાનું કાર્ય રાજ્યમાં લોક કલાને પ્રોત્સાહન આપવાનું છે. 72માં ગણતંત્ર દિવસના અવસર પર ભારત સરકારે નૃત્ય કલાના ક્ષેત્રમાં મહત્ત્વનું યોગદાન આપવા બદલ તેમને પદ્મ પુરસ્કાર આપવાની ઘોષણા કરી હતી.

કર્ણાટકમાં પ્રથમ વખત ગત માર્ચમાં વિધાનસભા ચૂંટણી વખતે ચૂંટણીપંચ દ્વારા ટ્રાન્સજેન્ડર સમુદાય માટે મંજમ્મા જોગતીને તેના સમુદાયની નોંધણી કરવા અને મતદાન માટે પ્રેરિત કરવા માટે આઇકન તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. સમાજના તિરસ્કારથી પુરસ્કાર સુધીની મંજમ્મા જોગતીની આ ગાથા તેમના જેવા અન્ય લોકો માટે પ્રેરણા તો છે જ, સાથે એ વાતનો પણ પુરાવો છે કે આપણો દેશ બદલાઈ રહ્યો છે. અત્યાર સુધી તિરસ્કૃત અને અવગણાયેલો એક વર્ગ સમાજની મુખ્ય ધારામાં સન્માનભેર જોડાય અને તેની સરકારી સ્તરે કદર થાય તેનાથી વધુ રૂડું શું હોઈ શકે?!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો