કેરોલિના રીપર પ્રકરણ-૬૨
પ્રફુલ શાહ
વીડિયોમાં કબૂલાત કરતા દેખાયેલો યુવાન પીયૂષ પાટિલ તો સીએમનો સમર્થક હતો
કિરણ મહાજન, વિકાસ અને ગૌરવ ભાટિયા મુરુડની હૉટલમાં કંટાળ્યા પણ પાછા જવાનું શક્ય નહોતું
અપ્પાભાઉની હત્યાના શકમંદ આરોપીના કથિત વીડિયો હજારોએ જોયો. એમાં વિશ્ર્વનાથ આચરેકરના જૂના – વિશ્ર્વાસુ સાથીઓ હતા. તેમણે વીડિયો પરથી કબૂલાત કરનારાના ફોટા બનાવડાવ્યા. પોતાના સર્કલ, મિત્રો, ઓળખીતા અને અન્ય સોશ્યલ મીડિયા ગ્રુપમાં એ માણસનો ફોટો મોકલ્યો. આચરેકરના સમર્થકોને જાણવું હતું કે વીડિયો પર આવી કબૂલાત કરનારો ભડનો દીકરો હતો કોણ? શા માટે તેણે આવું નિવેદન આપ્યું?
ફોટો મોકલાવીને ત્રણેક દિવસ વીતી ગયા, ત્યાં એક વૉટ્સગ્રુપ પર ફોટો આવ્યો. વીડિયો પર કબૂલાત કરનારો પેણ ગામનો પીયૂષ પાટિલ હતો. પેણના એક સ્થાનિક ફરફરિયામાં એના ખૂબ ફોટો છપાતા હતા. એ ફરફરિયાના અમુક ફોટા અને અહેવાલમાં કેટલીક જોરદાર માહિતી હતી. મુખ્ય પ્રધાન રણજીત સાળવીની હાજરીમાં એ પોતાના નેતા સાથે તેમના પક્ષમાં જોડાયો હતો. આ સાથે જ તેને પક્ષની યુવા પાંખનો હોદ્દેદારો બનાવાયો હતો. એકાદ ફોટામાં એ નજરે પડતો હતો.
રાજાપૂરી ગયેલી એટીએસ અને પોલીસની ટીમની બરાબર પીદુડી નીકળી ગઈ. બધા જે મળે એને પહેલા સોલોમનનો ફોટો બતાવે. કંઈ પ્રતિસાદ ન મળે એટલે પવલા, બાદશાહ, એન.ડી. અને પ્રસાદ રાવનો ફોટો બતાવે. પણ ક્યાંયથી કોઈ માહિતી તો ઠીક, અણસાર કે સગડ સુદ્ધાં મળતા નહોતા.
આ ટીમ સારી પેઠે જાણતી હતી કે એટીએસના પરમવીર બત્રા સાવ અમસ્તા દોડાદોડી ન જ કરાવે. કોઈ ચોક્કસ માહિતી હોય અને આવશ્યક તથા ગુપ્ત કામ હોય તો જ સાથીઓને દોડધામ કરાવે. બાકી તો એમની વગ, તાકાત અને સંપર્ક એટલા બધા જોરદાર કે નાના-મોટા કામ તો ઑફિસમાં બેઠા બેઠા ફોન પર જ થઈ જાય.
એટીએસ પોલીસ ટીમ એસટી ડેપો, પાનના ગલ્લાં, ચાની ટપરી, નાસ્તાની દુકાન, સલૂન, હોટલ/બાર, તાડીમાડી વિક્રી કેન્દ્ર અને એક-બે ખાનગીમાં નાના પાયે ચલાવાતા વેશ્યાવૃત્તિ કેન્દ્ર પણ ફંફોળી વળી પણ ક્યાંય આશાનું કિરણ ન દેખાયું.
આખી ટીમના દશેદશ જણા સાંજે છ વાગ્યે એક વિશાળ વૃક્ષના છાયામાં ભેગા થયા. કંઇંક ચોક્કસ ન મળે ત્યાં સુધી કે બત્રાસાહેબ ન બોલાવે ત્યાં સુધી પાછા ફરવાનો સવાલ જ ઉપસ્થિત થતો નહોતો.
સામે દેખાતા આશા કિરણ આરોગ્ય કેન્દ્ર નામની નાનકડી ખાનગી હૉસ્પિટલને જોઈને એક પોલીસવાળો બોલ્યો, “કાશ, સામે હૉસ્પિટલને બદલે બાર હોત તો બે પેગ મારી લીધા હોત. એકદમ રિલેક્સ થઈ જવાય.
એક પોલીસવાળાને થયું કે આ હૉસ્પિટલમાં શા માટે પૂછપરછ ન કરવી. તેણે સાથીઓને કીધું ને બધા ઊભા થઈને હૉસ્પિટલ ભણી ચાલવા માંડ્યા. એજ સમયે પહેલે માળની બારીમાંથી આ બધાને આવતા જોઈને એક યુવાન પોતાનો થેલો લઈને રીતસર દોડવા માંડ્યો. એને ખબર હતી કે પહેલા માળના પાછળના દાદરેથી રસોડામાં જઈને બહાર નીકળી જવાનો રસ્તો છે.
વીડિયોમાં કબૂલાત કરતા દેખાયેલો યુવાન પીયૂષ પાટિલ મુખ્ય પ્રધાન રણજીત સાળવીના પક્ષનો કાર્યકર્તા છે. સીએમ સાથે એના ફોટા છે એવી ખબર પડતા વિશ્ર્વનાથ આચરેકરના જીવમાં જીવ આવ્યો. તેમણે પોતાના વિશ્ર્વાસુના કાનમાં ફૂક મારી કે ગમે તેટલો ખર્ચ ભલે થાય પણ આ સ્કુપ અખબાર – ટીવીમાં ચમકવું જોઈએ કે અપ્પા ભાઉના હત્યારાનો સાથીદાર તો મુખ્ય પ્રધાનનો સાથી ને એના પક્ષનો કાર્યકર્તા છે. એનું નામ પીયૂષ પાટીલ. હમણાં રાજકીય દબાણને લીધે પોલીસ સુસ્ત થઈ ગઈ છે અને એના જૂના પોલીસ કેસ ડિપ ફ્રીજમાં મૂકી દેવાયા છે, પરંતુ એના નામે મારપીટ, ધાકધમકી, ખંડણી વસૂલીથી લઈને અપહરણની ફરિયાદ થઈ છે. એક કેસ તો હત્યાના પ્રયાસનો પણ હતો.
જાણે પ્રાણવાયુ વગર તરફડતા વિશ્ર્વનાથ આચરેકરને ઑક્સિજનનું સિલિન્ડર મળી ગયું. તેણે અનુયાયીને આદેશ આપ્યો કે કામે લાગી જાઓ ફટાફટ, ભલે ગમે તેટલો ખર્ચ થાય.
કિરણ મહાજન, ગૌરવ ભાટિયા અને વિકાસ મુરુડની હૉટલમાં બેસીબેસીને બરાબરના કંટાળ્યા. બીજા દિવસે ય પાછા જવાનું શકય નહોતું કારણ કે કિરણને બત્રાનો એસએમએસ આવ્યો હતો. પાછા જતા નહિ, જલદી મળીશું.
અંતે વિકાસે સૂચન કર્યું કે હૉટલ પ્યૉર લવમાં બ્લાસ્ટ્સ થયો હતો ત્યાં જઈએ. કિરણ અને ગૌરવને ત્યાં જવામાં બહુ રસ નહોતો પણ અલીબાગમાં કરવું શું? નોર્મલ દિવસ અને મિજાજ હો ય તો આસપાસ ઘણાં પર્યટન સ્થળ છે પણ અત્યારે એવું કંઈ ગમે નહિ. છેવટે ત્રિપુટી ઊપડી હૉટલ પ્યૉર લવ તરફ.
ત્રણેય હૉટલ પ્યૉર લવના કાટમાળને દૂરથી જોવા માંડ્યો. કિરણ વિચારોમાં ખોવાઈ ગઈ કે આકાશને હું દોઢ-બે વર્ષથી કહેતી રહી ગઈ પણ મને મુંબઈ બહાર તો ઠીક, મુંબઈમાં ય ક્યાંય લઈ જવામાં રસ નહોતો અને મોનાને છેક અહીં સુધી લઈ આવ્યો. કિરણને થયું કે ધડાકા રાતે થયા તો ત્યારે બન્ને શું કરતા હશે? ઊંઘી ગયા હશે કે પછી રોમાન્સ કરતા હશે?
ગૌરવ ભાટિયા આટલા સમયે ય સમજી શકતો નહતો કે મોનાને પોતાની સાથે કેમ ન ફાવ્યું. ચાલો એ કબૂલ પરંતુ આટલી ઝડપભેર એ આકાશની અત્યંત નિકટ કેવી રીતે પહોંચી શકી? કિરણનો સંસ્કાર અને ઉછેરપણ એને આ વાત સ્વીકારવા જ દેતા નહોતા.
વિકાસને હૉટલ પ્યૉર લવ, કે આકાશ કે મોનાના વિચારો નહોતા આવતા. એ કિરણની સ્વસ્થતાને જોઈ રહ્યો. એ ધીરે-ધીરે કિરણથી મંત્રમુગ્ધ થવા માંડ્યો હતો. અચાનક પવન આવવાથી કિરણનો સફેદ દુપટ્ટો ઊડયો. એનાથી વિકાસનો કલ્પના વિહાર અટકયો. ‘હું જે વિચારું પણ કિરણ જેવી મજબૂત મહિલાને આટલી જલદી સંબંધ બાંધવા ગમે? એ પણ એના પતિની ગર્લફ્રેન્ડના ભાઇ સાથે?’ આ સવાલોથી વિકાસનું મોઢું પડી ગયું.
રાજાપુરી ગયેલી એટીએસ – પોલીસ ટીમે આશા કિરણ આરોગ્ય કેન્દ્રમાં પ્રવેશ કરતાવેંત સામે મળેલા વોર્ડ બોયને સોલોમનનો ફોટો બતાવ્યો. વોર્ડ બોયે મોઢું બગાડ્યું, “અરે ફોટા કયા દિખાને કા? જાઓ ઉપર એ પેશન્ટ પહલે માલે પે હૈ.
આ સાંભળતાવેંત બધાના પગમાં જાણે સ્પ્રિંગ લાગી ગઈ. એકદ દોડ્યા પણ પહેલે માળે લોબીમાં. જાળી લાગેલી હતી. વિઝિટિંગ અવર્સ પૂરા થઈ જવાથી તાળું લાગી ગયું હતું. બે જણા ધડાધડ જાળી પછાડવા માંડ્યા. બે જણા બૂમ પાડવા માંડ્યા. “કોઈ હૈ ક્યાં? ત્રણ જણ નીચે દોડી ગયા.
થોડીવારમાં હાથમાં ચાનો કપ લઈને એક મોટી ઉંમરનો વોર્ડબોય આવ્યો. જાળીથી થોડા દૂર ઊભા રહીને એ બોલ્યો “મિલને કા ટાઈમ ખતમ. કલ સુબહ આને કા.
પોલીસ ટીમમાંથી એક જણે એની સામે રિવોલ્વર ખોલી. “ફાસ્ટ તાલા ખોલ વર્મા તેરા જીને કા ટાઈમ ખતમ. પેલાના હાથમાંથી ચાનો કપ પડી ગયો. માંડમાંડ તાળું ખોલ્યું. એક જણે એને સોલોમનનો ફોટો બતાવ્યો. તે જમણી બાજુ આંગળી કરીને બોલ્યો, “રાઈટ મેં તીસરા રૂમ. બધા આગળ વધ્યા એ તક ઝડપીને વયોવૃદ્ધ વોર્ડબોય ઊભે પગે નીચે નાઠો. નીચે ભાગતા – ભાગતા બૂમાબૂમ શરૂ કરી દીધી, “ભાગો, ભાગો. ગુંડે.. ગુંડે… રિવોલ્વર.
પોલીસ ટીમ ત્રીજા રૂમમાં પ્રવેશી તો ખાલી રૂમ એમની પ્રતીક્ષા કરી રહ્યો હતો. પલંગ પર કોઈ નહોતું. બાજુમાં દવાના ટેબલ પર એક છાપું હતું. એ જરાક હાથમાં ઉપાડીને જોયું તો જ્યાં – જ્યાં એક, બે કે બાદના આંકડા આવતા હતા, ત્યાં લાલ કલરથી કુંડાળા કરેલા દેખાયા. સોલોમન ભાગી ગયો પણ આ નિશાની કામની હશે?
અપ્પાભાઉના હત્યારાનો કથિત સાથી પીયૂષ પાટિલ તો મુખ્ય પ્રધાન રણજીત સાળવીનો ખાસમખાસ છે એવા અહેવાલ સાથે મુરુડ અને અલીબાગ સાથે મહારાષ્ટ્રના રાજકારણમાં ય ગરમાટો આવી ગયો.
આચરેકરના સમર્થકોએ કોરસ શરૂ કરી દીધું કે ગંદી રાજકીય રમતમાં મુરુડના પુત્ર વિશ્ર્વનાથ આચરેકરને ઈરાદાપૂર્વક પણ ખોટી રીતે સંડોવવામાં આવ્યા છે. આચરેકરના વિરોધીઓ ઈચ્છતા નહોતા કે અલીબાગમાં પેટા-ચૂંટણી થાય અને આચરેકર જીતી જાય એટલે અપ્પાભાઉનું કાસળ કાઢી નખાયું.
મુખ્ય પ્રધાન રણજીત સાળવીનો હવામાં ઊડતો રથ અચાનક જમીન પર પછડાયો. આ સાથે એમના રાજકીય વિરોધીઓ સક્રિય થઈ ગયા. અપ્પાભાઉ કેસની નિષ્પક્ષ તપાસની માગણી ગુંજવા માંડી. પક્ષની અંદરના વિરોધીઓ પણ ગેલમાં આવી ગયા. મોવડી મંડળને આવેદનપત્ર મોકલીને રાજ્યમાં પક્ષને બચાવી લેવા માટે નક્કર પગલાં ભરવાની માગણી થઈ.
આ બધા વચ્ચે સૌથી મોટા સમાચાર આવ્યા અલીબાગથી. જેલમાં વિશ્ર્વનાથ આચરેકર ભૂખ હડતાળ પર ઊતરી ગયા. આને લીધે તેમની સુગર ઘટી ગઈ. પોલીસ અધિકારીઓના મનામણા છતાં તેઓ અન્નનો દાણો તો ઠીક પાણીનું ટીપુંય લેવા તૈયાર નથી. વિશ્ર્વનાથ આચરેકરને કઈ થઈ ગયું તો જવાબદારી કોની?
આ બ્રેકિંગ ન્યૂઝથી ઘણાંના ગળા સુકાવા માંડ્યા. એમાં એક સીએમ રણજીત સાળવી હતા. (ક્રમશ:)