લાડકી

કેતકી

ટૂંકી વાર્તા -ડૉ. કેશુભાઈ દેસાઈ

સોગિયાં મોઢા કરીને કલાકોથી એને વીંટળાઇ વળેલાં સગાંસંબંધી વિખરાયાં એટલે આખું મકાન પાછું હતું એવું ને એવું ભેંકાર બની ગયું. બાજઠ પર ફૂલોની પથારી વચ્ચે બેઠેલા ડૉ. ભટ્ટ એકીટશે એમના માનમાં પેટાવાયેલા અખંડદીપ સામે જોઇ મીઠું મીઠું મલકાઇ રહ્યા હતા. એમની વિદાયને આજે બરાબર બાર દિવસ થઇ ગયા. જતાં જતાં ફળિયાનાં મોભી ગણાતાં દેવલમાં વહાલપનાં વેણ ભેગી વહેવારુ ટકોર પણ કરતા ગયા હતા: ગયું એ ક્યારેય પાછું આવ્યું જાણ્યું? જરા હૈયુ કાઠું કરો, ભા! ને જનારના જીવની ગતિ થાય એવું યથાશક્તિ જે બને એ પુણ્યદાન કરો. આમ ને આમ હોલવાઇ ગયેલાં રહેશો તો આમેય એકાવાં તો છો. ને પાછાં-
એમની વાત ખોટી પણ ક્યાં હતી? લોક તો રોયકાણું મોઢું લઇને આવ્યા જ કરવાનું. ભટ્ટસાહેબની ઓળખાણેય ક્યાં આછીપાતળી હતી? એમને આખો જિલ્લો જાણતો હતો. જ્યાં ગયા ત્યાં આંબા વાવીને આવ્યાં હતા. પૈસાની પરવા તો એમણે કરી જ ક્યારે હતી? ઊલટાનું ગાંઠનું ગોપીચંદન ઘસીને આખા એરિયાના નામ કાઢ્યું હતું. કેતકી કેટકેટલાના નામ યાદ રાખે? બાર દિવસ લગી તીડનાં ટોળાંની જેમ માણસ ઠલવાતું રહ્યું હતું. ભટ્ટસાહેબના આંગણામાં. જે આવે એ ભટ્ટસાહેબના હસમુખા ફોટા સામે જોઇને ઢીલું થઇ જતું હતું. આશ્ર્વાસન આપવાની વાત તો દૂર રહી ઊલટાનું એને જ કેતકીનાં કુટુંબજનોનું આશ્ર્વાસન લેવું પડતું!

દેવલમાએ જરા દબાતાં સૂરમાં બીજી એક શીખ પણ આપી હતી. અગાઉના જમાનાની વાત જુદી હતી. સવા વરસ લગી શોક મૂકવાનું સૂઝતું જ કોને હતું? પણ હવે બદલાયેલા જમાના સાથે આપણો પણ બદલાયે જ છૂટકો. સવા મહિનો ય હવે તો લાંબો પડે.

તેરમે દહાડે શોક મૂકી દેવામાં જ શાણપણ. આપણું માણસ ગયું એની ખોટ તો થોડી પુરાવાની હતી, ભા! એ તો જેને વીતે એને ખબર પડે.

કેતકી એ બધું નહોતી સમજતી એવું થોડું હતું? ભટ્ટસાહેબના જવાથી એની જિંદગી અંધારી રાત બની ગઇ હતી. હવે એમાં ક્યારેય સૂરજ ઊગવાનો નહોતો સગાંસંબંધી માયાળુ હતા, એટલી ઉપરવાળાની મહેરબાની. વનવગડે વલવલતી મૂકીને ઉપડી ગયા હોવા છતાં જનારને એટલા પૂરતી ધરવ જરૂર હશે. પહેલો હુમલો આવ્યો ત્યારે જ એમને એંધાણી તો મળી ગઇ હતી.

‘હવે કંઇ બહુ લાંબુ ખેંચાય એ વાતમાં માલ નથી.’ એમણે માંદલું હાસ્ય વેરતા કહ્યું હતું: ‘નોટિસ બજી ચૂકી છે. આગળ-પાછળનું જે આયોજન વિચારી રાખ્યું હોય એનો સવેળા ફેંસલો કરવામાં જ ડહાપણ.’

કેતકીને એવા બસૂરાં વેણ આકરાં લાગતાં. બીજો રસ્તો ન સૂઝતો ત્યારે એ ચીલાચાલુ ફિલસૂફીનો આશરો લેતી. કાલે શું થશે, એ કોણ જાણે છે? જે વખતે જે થવા કાળ હશે એ થઇને જ રહેશે. એમાં આપણું કશું ડહાપણ નથી ચાલવાનું.

આખરે થવાકાળ થઇને જ રહ્યું. ઊેંડે ઊંડે એનેય એની દહેશત તો ક્યાં નહોતી! એમના ચહેરા સામી નજર પડતી ને એવો શ્ર્વાસ બટકાઇ જતો. એટેક આવ્યા પછી માનવીનો શો ભરોસો? નંદવાઇ ગયેલું કાચનું વાસણ ક્યારે દગો દઇ જાય એની ખાતરી જ નહિ. ડૉ. ભટ્ટ પહેલાં કરતાં પણ વધારે તંદુરસ્ત દેખાતા હતા, એ સાચું પણ માંહ્યલી પા ગોબો પડી ગયો હતો અને બહારનો ચળકાટ તો પેલી દવાઓને આભારી હતો.

કેતકી એમને તરડાયેલા ગ્લાસની માફક સાચવતી હતી. એમની આખી દિનચર્યા એણે નવેસરથી ઘડી કાઢી હતી. હવે એ એમને રાતે વહેલા સુવાડી દેતી અને સવારે છ વાગ્યા પહેલાં ઊઠવા ન દેતી. સવારે કાર્ડિયોલોજિસ્ટે લખી આપેલી દવાનો ઉપરાંત એમને કેતકીના આગ્રહને વશ થઇને લસણની દસ કળીઓ ફરજિયાત ખાવી પડતી. રાત્રે સૂતાં પહેલાં કેતકી એમને ત્રિફળાનો ફાંકડો ભરાવીને જ જપંતી. બાળક હોય તો એની લાલપાલ ન કરવી પડે? કેતકી માટે તો ભટ્ટસાહેબ જ એનું બાળક પણ હતા અને બાપ પણ. થ્રી-ઇન-વન એમણે કોઇ પણ વાતે પોતાને ક્યારેય ઓછું ક્યાં આવવા દીધું હતું? ઉંમરમાં ભલગ એવડો મોટો તફાવત રહ્યો: કેતકી સાથે તો એ કેતકીની વયના જ બની રહ્યા હતાં. ક્યારેક એને મરનાર બાપ સાંભરી આવતા ત્યારે એ જ ભટ્ટસાહેબ પ્રેમાળ પતિ મટી જઇ માયાળું પિતા બની જતા.

લોકલાજ ખાતર મોટી વયે બીજીવારનાં લગ્ન કર્યા છતાં રાંદલ રૂઠેલા રહ્યા, તો પણ કેતકીને એમણે ક્યારેય ઊંચે સાદે બોલાવ્યાનું યાદ નથી. કેતકીને બાળકની ખોટ સાલવા લાગે એ પહેલાં જ ભટ્ટસાહેબ બટુક બની જતાં.

આગલું ઘર સંભારતા ત્યારે કેતકીને લાગતું: અનસૂયાબહેનની હયાતીમાં જ અહીં આવી શકાયું હોત તો કેવું! પોતાને એક જ ભવમાં બીજી એક માનો ખોળો ખૂંદવા મળત. ફોટામાં આટલા માયાળુ દેખાય છે એ જીવતે જીવ તો સાક્ષાત્ જગજનની સ્વરૂપ જ હશે ને! અમથાં થોડા એમના ડૉક્ટર સાહેબ પાસે ફરી પરણવાનું વચન લઇ શકે? ભટ્ટસાહેબ ભીના અવાજે કહેતા: તારી મોટી મરતાં અગાઉ જ મને કોઇ સુંવાળા હાથોમાં સોંપી જવા ઉત્સુક હતી. એને મારી અમથી અમથી, આછીપાતળી ઓળખાણ હોત તો એ તને સૂંઘતી સૂંઘતી તારા આંગણે આવ્યા વિના ન રહેત. એને કેટલો સંતોષ થયો હોત-તને શી રીતે સમજાવું!

આવા મૂઠી ઉફરાં લોક સાથે પનારો પડ્યો એ જ મોટી વાત. બાકી કેતકી આજે સમજે છે એ ત્યારેય સમજતી તો હતી જ. બીજવર કહીને બીજા દયા ખાતા ત્યારે એને ઊલટાનું હસવું આવતું. બીજવર ભલે રહ્યા. એથી માણસ થોડા મટી ગયા છે? પંદરનું ઘર છે. ગાડી, વાડી છે ને પાછી છોકરાંની ઝંઝટ પણ નથી. ફક્ત ઉંમરનો ફેર છે, એટલું જ કે? સ્વભાવ અને પ્રભાવ તો અદ્દલ કનૈયા જેવો. ખુદ કનૈયાને ક્યાં એક પરણેતર હતી?

વરસ ક્યાં વહી ગયા એવો કેતકીને અણસાર જ કયાં આવ્યો હતો? ચહેરાની ભૂગોળ બદલાઇ ગઇ ત્યાં સુધી પોતે તો જાણે કાલ અત્યારે જ પરણીને ડૉ. ભટ્ટના ખાલીપાને ભરવા કોઇ અગોચરની દોરેલી દોરવાઇને આવી પડી હોય એમ જ લાગ્યા કર્યું હતું. દર્પણને કરચલી પડે ખરી? કેતકીએ ચહેરા પર પહેલી કરચલી જોઇ ત્યારે દર્પણ પર શંકા કરી હતી, પછી એક દિવસ ભટ્ટસાહેબે મધરાતના અંધારામાં અજવાળું કરે એવા શબ્દો કહ્યા હતા: ‘હવે તો તનેય ધોળાં આવ્યાં, કેતુ! આપણે ભલે ન ગણકારીએ, પણ સમય તો એનું કામ કર્યે જ જાય છે, જો ને, ગઇકાલે આપણી નજર સામે નાગાં ફરતાં’તાં એવાં છોકરાને ઘેર છોકરા રમે છે.’ પછી એમના અવાજમાં આષાઢી ભીનાશ ભળી ગઇ હતી. એમણે એના ખભે હાથ મૂકી ઉમેર્યું હતું. ‘આપણે એકલા છીએ એમાંય કંઇક સંકેત હશે! એટલે આડુઅવળું મનમાં આણીને હિજરાવું નહિ. આઠે પહોર આનંદમાં રહેવું! તું મારી દીકરી ને હું તારો -’ એટલે અટકીને પેલી છબિ સામે જોવા લાગ્યા હતા: ‘મોટીને મન તો આપણ બેઉ એનાં છોરુંસ્તો!’ એ પછી ફરી કોઇવાર એ મુદ્દો ચર્ચાયો જ નહિ.

આખાત જિલ્લામાં એમની નામના હતી. શેર માટી માટે કણસતા એમના દરદીઓને ક્યાં ખબર હતી કે સાહેબ બબ્બે પરણેતર પછીય છોકરાં વગરના હતા! નહિતર એમના સાહેબને ઘેર ઘોડિયું બંધાય એ માટે એ ભલાં ભોળાં માનવી તો બાધાઓ રાખત!
‘-તમે છો એટલે મારે લાખો લક્ષ્મી છે. મારી વળી છોકરાને શું કરવાં’તા?’ કેતકીને ક્યારેય કૂખનું દુ:ખ સાલ્યું નહોતું, એના હૈયે એક જ રટણા રહેતી. આમ ને આમ એક દિવસ મીરાંની માફક મારા કૃષ્મકનૈયાનાં ચરણોમાં ઢળી પડાય એટલે પત્યું. એ મંશા પાર ન પડી એથી એનું હૈયું હચમચી ગયું હતું. એને પોતે એક નહિ, બબ્બે પુરુષો દ્વારા છેતરાયાનો અહેસાસ વરતાવા માંડ્યો હતો. ભટ્ટસાહેબ અને ભગવાન બેઉ એને દગો દઇ ગયા હતા. એ અત્યાર સુધી ખોટા વિશ્ર્વાસમાં જ રહી ને! પહેલા હુમલા પછી એણે એમની સાચવણીમાં કશી મણા જ ક્યાં રાખી હતી? છતાં બનવાકાળ હતું એ બનીને જ રહ્યું… બીજા હુમલે પણ બચી ગયા અને કોણ જાણે આ બાયપાસવાળું ભૂત કોણે ભરાવ્યું કે…
એ ભાંગેલ પગે ઊભી થઇને દરાવાજો બંધ કરી આવી. બાર દિવસ પહેલાં એ દરવાજે થઇ એનું હેવાતન હંમેશને માટે વિદાય થઇ ગયું હતું. શરીર જતું રહ્યું હતું. સ્મૃતિઓ રહી ગઇ હતી: નહિ જન્મેલી દીકરીઓ જેવી. હવે કેતકીને એમના જ સહારે તો જીવવાનું હતું!

પથારીમાંથી આડી પડતાંની સાથે એ બાર દિવસ પહેલાંની દુનિયામાં સરી પડી. બાર ભવ જેવી બાર રાત્રિઓ એણે એકલપંડે અધકચરા ઉજાગરા કરીને ગુજારી હતી. ભટ્ટસાહેબને અણસાર આવી ગયો હશે કે શું? આવી હઠ તો આટલા વરસ દરમિયાન કદીય નહોતી કરી એ માણસે. હૉસ્પિટલની ‘એ સ્પેશિયલ રૂમમાં એક લાચાર પુરુષ એની ક્ષણ-બે ક્ષણની ક્ષુધા સંતોષવા જિંદગીને હોડમાં મૂકવા તૈયાર થઇ ગયો હતો…
‘તમને ભૂત વળગ્યું છે કે શું? સાવ નાદાનની જેમ હઠે ચડ્યા છો તે! સવારે આવડું મોટું ઓપરેશન છે ને અત્યારે તમને તોફાન સૂઝે છે? જરા શરમાવ!’
એણે કહેવાય એટલું કહી દીધું હતું, પણ એ ક્યાં માનવા તૈયાર હતા? જાણે તાજા પરણીને આવ્યા હોય એમ એમને તો કોઇની વાત સાંભળવાની નવરાશ જ ક્યાં હતી? એકદમ ઉતાવળ આવી ગઇ હતી. જાણે ફરી કદી રાત પડવાની જ ન હોય, એમ!
કેતકી મક્કમ થઇને પ્રતિકાર કરતી રહી. આવી હાલતમાં એમને વશ થવાથી કેવું જોખમ સરજાઇ શકે, એની કલ્પના કરતાં પણ એ ધ્રૂજી જતી હતી.

‘બાયપાસવાળા અર્દલ નોર્મલ માણસની માફક જીવી શકે, જાણે છે? ત્યારે હું તો હજી કાલ બપોર પછી બાયપાસવાળો ગણાઇશ. અત્યારે તો હું માણસ જેવો માણસ છું! સાવ સાજો નરવો.’
પોતે તબીબ હતા એટલે એમને દલીલ કરતાં તો કોણ રોકી શકવાનું હતું? પણ કેતકીને તો હૉસ્પિટલનો એ માહોલ, છેલ્લા ત્રણેક દિવસથી એમની નબળી પડી ગયેલી રક્તસંચાર પ્રણાલી અંગે સતત ચાલેલાં પરીક્ષણો અને ભાતભાતના રિપોર્ટ જોઇને આવી બાબત વિશે વિચારવાનું સુદ્ધાં ન ગમે. કોણ જાણે એમને અચાનક અહીં આવીને આ સણકો ક્યાંથી ઊપડયો!
‘તમે માણસ છો, એમ આ હૉસ્પિટલ છે, એ કેમ ભૂલી જાવ છો? એન્જિયોગ્રાફીનો રિપોર્ટ તો જુઓ! તમારી ત્રણે નળીઓ નકામી થઇ ગઇ છે. અમથું હાર્ટ ફડાવવા નથી આવ્યા આપણે! એમ દવાઓથી આરામ થયો હોત તો છાતી ચીરાવવાનો શોખ થોડો થતો હતો? ભલા થઇને તમારી શારીરિક સ્થિતિનો તો વિચાર કરો! શું મંડી પડ્યા છો નાના છોકરાની માફક!’
જિંદગીમાં પહેલી જ વાર એણે ડૉ. ભટ્ટ જેવા જાજરમાન પુરુષની ઇચ્છાને અવગણી હતી. એમને ઉતારી પાડ્યા હતા. બલકે એક તબક્કે તો એમને હડસેલીને એ દૂર ખસી ગઇ હતી.
‘તું નાહક છંછેડાઇ જાય છે, કેતુ!’ એમણે ખૂબ ઠાવકાઇભર્યા સૂરે કહ્યું હતું: ‘હવે એ બધી થિયરીઓ જૂની થઇ ગઇ! હવે તો નવું તબીબી વિજ્ઞાન સેક્સને સાવ સામાન્ય પ્રક્રિયા તરીકે સ્વીકારે છે. ઊલટાનું એથી માનસિક દબાણ હળવું થાય છે અને રિઝલ્ટ સારું મળે છે. રમતના મેદાનથી માંડી અવકાશયાન સુધી એની છૂટ મુકાઇ ગઇ છે!’
કેતકી એમને કોઇ પણ સંજોગોમાં દાદ આપવા તૈયાર નહોતી. પોતે એમના રિપોર્ટોને અત્યંત ગંભીરતાપૂર્વક લેતી હતી. આછો પાતળો બ્લડ સપ્લાય ચાલુ રહ્યો હોય ત્યાં વળી પાછા એ ખોટા, નાહકના ધમપછાડા! બાયપાસની આગલી રાતે જીદ લઇ બેઠા હશે? માણસનું મન કયે વધતે માંકડું બની જાય એનું કંઇ નક્કી ખરું?

એણે મન મજબૂત કરીને કહી દીધું હતું: ‘મારે તમારું ભાષણ નથી સાંભળવું. છાનામાના ભગવાનનું નામ લઇને ઊંચી જાવ!’ ડૉ. ભટ્ટ રંગમાં આવી ગયા હતા. એમની હરકતો ચાલુ જ રહી એટલે કેતકી કંટાળીને ઊભી થઇ ગઇ હતી. રૂમના બારણા તરફ આગળ વધતાં એણે રીતસરનું છાસિયું કર્યું હતું.

‘કહું છું, આવું કરશો તો- હું બહાર લોબીમાં જઇને સૂઇ જઇશ. નાહક શું ગાંડાયાં કાઢતા હશો! તમને થઇ શું ગયું છે આજે?’
પોતે બારણા લગી પહોંચે એ પહેલાં તો એ બેઠા થઇને એનો ગાઉન ખેંચવા લાગ્યા હતા. એમના લંબાયેલા હાથમાંથી ગાઉન છોડાવવા કેતકીએ ઝટકો લગાવ્યો હતો. પછી પગ પછાડતી એ ટોઇલેટમાં પેસી ગઇ હતી.

અંદરથી સ્ટોપર બંધ કરીને એ હીબડી ચડી હતી. એને ટોઇલેટમાં રહ્યા રહ્યા તડૂકી હતી: ‘તમને ખરેખર થયું છે શું આજે?’
‘મને કંઇ જ થયું નથી, ડાર્લિંગ! અને કંઇ જ થવાનું પણ નથી. બસ, સીધી સાદી, ટૂંકી ને ટચ વાત હતી.

એનું તે વતેસર કરી મૂક્યું. નહિતર અત્યાર લગી તો આપણે સરસ મઝાની નીંદર માણતાં હોત. હજી માની જાય તો કશું બગડી નથી ગયું. ખરેખર, મારા સમ!’
કેતકીના છાતીના ધબકારા વધી ગયા હતા.

આ માણસ જાણી જોઇને મોતની મહેફિલ માંડવા બેઠો છે શું? એને નખશિખ કંપારી છૂટી ગઇ હતી. આવી હાલતમાં કોઇ ગાંડું માનવી પણ આવો વિચાર કરે ખરું?

કેતકી સામે એ રાત તાર્દશ થઇ ઊઠી. એની છાતી ભરાઇ આવી. કોઇનું શું ગયું? તેરમાની સવારે જ દેવલમાએ તો એમનો શોક પણ મૂકી દેવાની વાત કરી દીધી હતી. માંહ્યલી પા જે ઘણ પછડાયા હતા એની તો બીજા કોઇને ખબર જ ક્યાંથી હોય! કેતકીનું કિસ્મત કેતકીએ જ ભોગવી લેવાનું હતું મનોમન.

રાત જામતી ગઇ એમ કેતકીનાં અંતરમન ગોરંભાતા ગયા. એને ભટ્ટ સાહેબ સિવાયની આખી દુનિયા મળી હતી છેલ્લા બાર દિવસ દરમિયાન ભટ્ટસાહેબ તે રાત પછી વહેલી સવારે મળ્યા એ જ. એમનો ચહેરો પડી ગયેલો હતો.

હારી ગયેલા કુસ્તીબાજની જેમ એ નજર બચાવીને વાત કરતા હતા. થોડા જ કલાકોમાં એમને બાયપાસ સર્જરી માટે ઓપરેશન ટેબલ પર લેવાના હતા. ફાંસીની સજા પામેલા ગુનેગારની જેમ એમની હાર્ટસર્જરીનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું હતું. રાતનું એકાંત વેડફાઇ ગયાનો વસવસો બેઉના ચહેરા પર લેવાયેલો હતો. કેતકીને ઘડીક એમના પગ પકડી લઇ માફી માગી લેવાનું મન થઇ
આવ્યું હતું, પણ એને હજી પોતે પોતાની વર્તણૂકમાં સો ટકા સાચી હોવાનો અહેસાસ છોડે એમ નહોતો. ભટ્ટસાહેબને એવી અપેક્ષા પણ ન હોય. ગમે તેમ, પણ તે દિવસની સવાર બેઉ જણને જરા ભારઝલ્લી તો લાગી જ હતી. શબ્દોનું આદાનપ્રદાન ઔપચારિકતાના ચોકઠામાં બંધાઇ ગયું હતું. વીસ વીસ વરસની એમની અંગતતા જાણે ઓચિંતી જ એના અણધાર્યા અંતભણી ધસી રહી હતી.
અને એ બાબત બન્ને જણ બરાબર સૂંઘી શક્તા હતા. બન્ને એથી વ્યથિત પણ એટલા જ હતા, પણ પરિસ્થિતિ એકાએક એટલી હદે હાથ બહાર જઇ રહી હતી કે એને સાચવવાનું ઘણું અઘરું બની ગયું હતું. હવે તો વચ્ચે બાયપાસનો મસમોટો ‘બાયપાસ’ હતો. ઓપરેશન પછી જ આવી ઝીણી ઝરમર પીડાઓની ફરિયાદ હાથ ધરી શકાય. કદાચ ઓપરેશન પછી દોઢ બે મહિના તો સંપૂર્ણ આરામની સલાહ મળશે. આવી વાત ઉખેળીને આળા હૈયે ઉઝરડા પાડવાનું પોસાય પણ નહિ.

મોડી રાતે એ ટોઇલેટમાંથી ચોરપગલે બહાર નીકળી ત્યારે ભટ્ટસાહેબ ઘસઘસાટ ઘોરતા હતા. આડે દિવસે આવી સ્થિતિમાં એણે એમની સોડમાં હળવેકથી લપાઇ જવાનું પસંદ કર્યું હોત. પરંતુ તે રાત્રે એ એમના કોટથી સલામત અંતરે દરદીના સગા માટેનાં કોટમાં સૂઇ ગઇ હતી. સવારે ભટ્ટસાહેબ ઊઠીને મહામૃત્યુંજ્યના જાપ કરી રહ્યા હતા ત્યારે પણ એ તો જાગી ગઇ હોવા છતાં આંખો મીંચીને પડી જ રહેલી.

કોણ જાણે શું બોલીને સવાર પાડવી એ બેમાંથી એકેયને સૂઝતું જ નહોતું, છતાં સવાર પણ પડ્યું, ને એના પછી તો આટલી બધી રાતો પણ પડી ગઇ.

અને હજી બીજીય અસંખ્ય સવારો પડતી રહેશે. રાતો પણ ઢળતી રહેશે. એકવાર મહેફિલમાંથી ઊઠી ગયેલું પ્રિયજન પાછું નહિ આવે એ પણ એટલું જ નક્કી.

પાસા ઘસતાં ઘસતાં આંખ ક્યારે મળી ગઇ એનોય અણસાર ન રહ્યો. બાર બાર રાત્રિઓનો અજંપો સામટો એના અંતરમન પર ઝળુંબી રહ્યો. અચાનક એના સેંથામાં સિંદૂર રેલાયું અને એની હથેળીઓમાં મહેંદીના મોર ટહુકી ઊઠયા. બાર બાર દિવસનું વૈધવ્ય મીઠાના ગાંગડાની જેમ ઓગળી ગયું. એ નવી નવેલી નવોઢા બની ગઇ. ડૉ. ભટ્ટે અચાનક બારણે ટકોરા દીધા. હરખઘેલી કેતકી દોડીને એમના ગળે વળગી પડી. બારણું વગર ખોલ્યે ઊઘડી ગયું.

‘તું તો બહુ ડાહી થતી’તી ને! જાણે બાયપાસ તો મોટો વાઘ ન હોય! ગાંડી, હવે તો રસ્તે જનાર પણ છાતીમાં દુખવા આવે ને બાયપાસ કરાવવા દોડી જાય છે. હંડ્રેડ પરસટ સક્સેસ રેટ છે. એમાંય આ તો વી.વી.આઇ.પી. હૉસ્પિટલ. નાહક કેવી મૂઆ પહેલી મોકાણ માંડી બેઠી’તી…’
ઘડીક એને બધું નવું નવું લાગ્યું. થોડી શરમ પણ આવી ગઇ. કહેવાનું મન તો થઇ ગયું કે અંદરની વાત તમે શું જાણો? સ્ત્રી મોઢેથી બોલે એનાથી તદન જુદું જ એના હૈયે રમતું હોય છે. તમને એકલાને જ જાણે… અમે તો ગામડિયાં ખરાં ને!

રકઝક ચાલતી રહી. મનનાં પડ ઉઘાડવાસ થતાં રહ્યા. ‘તે હેં સાહેબ, તમને ઓપરેશન વેળાએ પણ ગુસ્સો નહોતો ઉતર્યો કે? એ વખતેય પેલી રાતવાળી વાત-’
એ વાક્ય પૂરું કરી રહે એ પહેલાં કેતકીની સામે હનુમાનનું રૂપ લઇને એ ખડા થઇ ગયા. એમની ચીરાયેલી છાતીમાં એને પોતાનો ચહેરો તળતગતો દેખાયો.

આ તો હું છું. હા, હું જ. મારી મોટી ક્યાં સંતાઇ ગઇ?’ એણે ઝીણી ઝીની આંખે જોયું. મોટી રીસાઇને અવળું જોઇ ગઇ. એને તો પતિનો વંશવેલો ચાલુ રાખવો હતો ને? છેલ્લે સુધી એના હૈયે તો એ જ અબળખા હતી. ‘તું આવી નીવડીશ એવું નહોતું ધાર્યું. આખરે બૈરાવાળી જ કરી ને? મારા ઘરવાળાને છેલ્લી રાતે જાકારો દઇને શું મળ્યું તને? તને સારા દહાડા રહ્યા હોત તો એમના આત્માનેય કેટલો સંતોષ થાત! કદાચ તારી કૂખે ને પોતે જ…’

અચાનક એનાથી ચીસ પડાઇ ગઇ. એ હાંફળીફાંફળી એક ઝાટકા સાથે પથારીમાંથી ઝબકીને બેઠી થઇ ગઇ ત્યારે સામેની છબિમાં એના બાર દિવસ અગાઉ ગુજરી ગયેલા ભટ્ટસાહેબ મીઠું મધ મલકાઇ રહ્યા હતા. એણે ઊઠીને અખંડ દીવામાં ઘી પૂર્યું. દીવામાં નવું જોમ પગટ્યું અને એના અવિસથી એ સૂનો સૂનો શયનખંડ ઝળહળી ઊઠયો. આંખમાં તગતગી ઊઠેલી ભીનાશ અજવાસથી લૂછતાં લૂછતાં એ અગરબતી પેટાવવા લાગી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…