તમે માનવોએ અમને વાનરોને તમારી વાર્તામાં સાવ હીણા ચીતર્યાં છે..!
બ્રહ્માંડના પહેલા રિક્ષા ડ્રાઇવર કપિરાજનો અ-વિશેષ ઇન્ટરવ્યૂ!
વ્યંગ -ભરત વૈષ્ણવ
‘રાજુ, જલ્દી ચાલ. કેમેરાની બેગ લઇ લે’
મેં રાજુને ફોન પર સૂચના આપી. અમારે ઐતિહાસિક અને અભૂતપૂર્વ ક્ષણોનું ડિજિટાઇઝેશન અને ડોકયુમેન્ટ કરવાનું હતું.પ્રભુ રામે આ પુનિત પાવન કાર્ય માટે અમારા પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો.અમારે ભગવાન રામનાં પ્રીતિપાત્રો સાથે સાક્ષાત્કાર કરવાનો હતો.
‘આપણે કયાં જવાનું છે? કોનો ઇન્ટરવ્યુ કરવાનો છે?’
રાજુ રદીએ આદતસે મજબૂર થઇ વૈતાળની માફક સવાલોના બૌછાર કરી.
‘રાજુ,એમનું લોક્શન પીડીપીયુ નજીક છે.’
જેમ મંત્રીશ્રી કોઈ સવાલનો જવાબ ઇરાદાપૂર્વક ઉડાવી દે અને અદ્ધરતાલ પૂરક માહિતી આપી દે તેમ મેં પણ રાજુને હાફહાર્ટેડ માહિતી આપી.
‘ગિરધરભાઇ, તમે જાણે ઇડી કે ઇન્કમટેકસની રેડમાં સામેલ અધિકારીને છેક છેલ્લે સુધી કયાં અને કોને ત્યાં દરોડા પાડવા જવાનું છે તે જણાવવામાં આવતું નથી તેવું સસ્પેન્સ ક્રિએટ કરો છો!’ રાજુએ બળાપો કાઢ્યો .
‘રાજુ, જર્નાલિઝમમાં ધૈર્ય એ અત્યાવશ્યક ગુણ છે. ઉતાવળે આંબા ન પાકે માત્ર મેગી જ પાકે !’ મેં રાજુને જર્નાલિઝમના લેશન શીખવાડયા.
‘ગિરધરભાઇ, તમે કોઇ હિન્ટ તો આપો.’ રાજુ કરગર્યો.
‘રાજુ, તે કપિરાજ ઊર્ફે મન્કીને એક ડાળેથી બીજી ડાળે કૂદતા જોયા હશે… તે રીતે ગાડીના છાપરા પર કૂદતા વાનર પણ જોયા હશે! પરંતુ, રિક્ષા ચલાવતા વાંદરા જોયા છે?’
‘મતલબ કે આપણે વાનરનો ઇન્ટરવ્યુ લેવા જઇએ છીએ?’ આંખો ઝીણી કરીને રાજુએ એના સંશયને વાચા આપી.
‘ઓફકોર્સ, ડિયર’ મેં રાજુને આશ્ર્વસ્ત કર્યો. ગિરધરભાઇ, ‘બખડજંતર ચેનલ’ના દીનહીન માલિક બાબુલાલ બબુચકે ચેનલ એનિમલ પ્લેનેટ’ કે ડિસ્કવરી ચેનલ’ ને ફૂંકી મારી કે શું? શું આપણા દિવસ આવ્યા છે? શંકરાચાર્ય કે ડંકાચાર્ય કે ફેકુનાથના એકસકલુઝિવ ઇન્ટરવ્યુ લેવાના બદલે મહિષકુમાર, ઇયળ, સિંહણ અને હવે વાંદરાના ઇન્ટરવ્યુ લઇ પેટિયું ભરવાનું ? રાજુ એકદમ હતાશ થઈ ગયો.હું અને રાજુ એસજી હાઇવે પર પહોંચ્યા. કપિરાજ ‘કપિ એકસ્પ્રેસ’ લઇ મુસાફરો સાથે અમદાવાદ જઇ રહ્યા હતા. અમે રિક્ષાની આગળ મારી રામપિયારી ઊભી રાખી દઈને કપિરાજને રિક્ષા થોંભાવવા કહ્યું
‘નમસ્તે, કપિરાજ. અમે ‘બખડજંતર ચેનલ’માંથી આવ્યા છીએ. હું ગિરધરલાલ ગરબડિયા, ચીપ રિપોર્ટર અને રાજુ રદી કેમેરામેન કમ ડ્રાઇવર…. અમે તમારો ઇન્ટરવ્યૂ લેવા આવ્યા છીએ ’ અમે કપિરાજને જામફળ,કેળા અને પાંદડા આપ્યા.
‘તમારું સુલેમાન પટેલ જેવું છે? સુલેમાનભાઇએ નવ સિંહના પાણી પીતા ફોટા પાડ્યા પછી ક્યારેય માણસોના ફોટા પાડ્યા ન હતા. આજકાલ માણસો ઇન્ટરવ્યૂ આપવા કે પ્રેસ કોન્ફરન્સ કરવાથી કતરાઈ રહ્યા છે એટલે તમે અમારો ઇન્ટરવ્યૂ લઇ રહ્યા છો કે શું?’ શાહબુદીનભાઇના જોક મુજબ કપિરાજે અમને પહેલા સવાલનો સટીક લાફો મારી દીધો અને સાથોસાથ દાંત કચકચાવ્યા અને અમારી તરફ છાંસિયું કર્યું એ લટકામાં !
‘કપિરાજ, રિક્ષા ચલાવવાનું લાઇસન્સ છે કે નહીં?’ અમે સવાલ પૂછ્યો. મને એમ કે કપિરાજ ગોથે ચડશે. જો કે,એથી ઊંધું થયું.
‘ગિરધરલાલ,આપણા લોકલાડીલા સાહેબ દેશ ચલાવે છે તો એમની પાસે દેશ ચલાવવાનું કાચું કે પાકું લાઇસન્સ છે?’ કપિરાજે પ્રશ્ર્ન પૂછી અમારી બોલતી બોબડી બંધ કરી નાંખી.. મારું બેટું વાંદરું સિંહને લાફો મારી ગયું.
તમે રીક્ષા ચલાવો છો. તમારી સવારમાં માણસોને બદલે વાનર કેમ છે?’ અમે કપિરાજને ભીંસમાં લીધા.
ભૈ, અંગ્રેજીમાં કહ્યું છે ને કે ચેરીટી બીગીન્સ એટ હોમ. અમારા નાતીલાને કોણ રિક્ષાસવારી કરાવે?’ કપિરાજે જવાબ આપ્યો.
કપિરાજ,તમે રિક્ષા ચલાવતા ક્યાંથી શીખ્યા? કોઇ ડ્રાઇવિંગ સ્કૂલમાં ગયેલા કે કેમ?’ અમે ઇન્ટરવ્યુનો દોર આગળ વધાર્યો.
અમે નકલ સ્કૂલના સ્ટુન્ડન્ટ છીએ. વાંદરા અને ફેરિયાની વાર્તામાં ફેરિયાની નકલ કરવામાં અમે ટોપી ગુમાવેલ. અમે ટોપી પહેરીએ છીએ, પરંતું,તમારી માનવજાતની જેમ કોઇને ટોપી પહેરાવતા નથી !’ કપિરાજે લમણાંમાં વાગે તેવો સણસણતો જવાબ આપ્યો
‘હં…’ અમે ટાપશી પૂરી.
તમારી સરકાર પ્રજા માટે કોઇ કામ કરતી નથી. પરંતું, અમારા સર્વાંગીણ ઉત્થાન માટે કાઇ કરતી નથી. સરકાર અમારે માટે તાપણાંની વ્યવસ્થા કરતી નથી,.એટલે ચણોટીથી ઠંડી ઉડાડવી પડે છે. અમારા શિક્ષણ, આરોગ્ય કે રહેણાક માટે પ્રધાનનંમંત્રાત્રી કપિઆવાસ યોજના’ હેઠળ પોસાય એવાં રહેણાક પણ આપતી નથી. અમારી સ્કિલ ડેવલપમેન્ટના નામે બાબાજી કાં ઠુલ્લું કે ઠેંગો બતાવે છે! કપિરાજે તેમની ફરિયાદની ધાર કાઢી
કપિરાજ, તમે શાસકીય નહીં ,પણ વિપક્ષી વાનર હોવ એવું લાગે છે!’ અમે કપિરાજને ટોણો માર્યો.
તમે માણસોએ તમારા સાહિત્યમાં અમને હલકા ચિતર્યા છે. તમે રાજા અને વાનરની વાર્તામાં અમને કમઅક્કલ દર્શાવી રાજાના શરીર પરની માખી ઉડાડવા તલવાર ઝીંકી રાજાની હત્યા કરી એમ દર્શાવ્યું છે. રાજા, વાજા ને વાંદરા કહેવતમાં અમને તરંગી કીધા છે. બે બિલાડી અને વાંદરાની વાર્તામાં અમને ભૂખ્યા જજ તરીકે દર્શાવી રોટલાના સરખા ભાગ કરવાના નામે અમે આખો રોટલો તફડાવી ગયા એવું સાબિત કર્યું છે!’ કરિરાજે આક્રોશ વ્યક્ત કર્યો.
કપિરાજ, સાવ એવું નથી. વાંદરા અને મગરની વાર્તામાં અમે તમને ઇન્ટેલિજન્ટ જસ્ટ લાઇક મેન દેખાડ્યા છે. અમારી ઊત્પતિ તમારામાંથી થઇ છે એવી થિયેરી ડાર્વિને રજૂ કરીને અમારા વંશજ તરીકે તમારો સ્વીકાર કર્યા છે!’ અમે કપિરાજના વિધાનનો જોરદાર વિરોધ કર્યો .
પત્રકાર સાહેબ, અમે વિચરતી અને વિમુક્ત જાતિના આદિવાનર છીએ. તમારી વિકાસની ભૂખને વશ થઇ રેલવે, વિમાનીમથક, પુલ, રોડ, મકાનો બનાવવા વૃક્ષો પર કુહાડી મારો છો. વધુ અનાજ ઉગાડવા જંગલો સાફ કરો છો. અમારો ખોરાક અને અમારા રહેઠાણ બળજબરી અને છળપૂર્વક છીનવાઇ જાય છે. જંગલ વચ્ચેથી રેલ કાઢો છો. એ રેલ નીચે સાવજ સહિત કચડીઇન્ મૃત્યુ પામે છે! સિંહને જંગલ છોડી શહેરમાં આક્રમણ કરવું પંડે છે. અમારી સમસ્યા કહીએ તો રાષ્ટ્રદ્રોહનું લેબલ ચિપકાવો છો’ રડતા લોચનિયે કપિરાજે કરૂણકથા બ્યાન કર!
તમે બીજો કોઇ વ્યવસાય પસંદ કરવાના બદલે રીક્ષા ચલાવવાનું કેમ પસંદ કર્યું?’ અમે કરિરાજની રીક્ષા ચલાવવાની પ્રવૃત્તિના મૂળ સુધી જવા પ્રયાસ કર્યો.
જુઓ અમને નાલીમાં પાઇપ લગાવી નાલીના ગેસમાથી ચા બનાવવાની ગ્લોબલ એકટિવીટી કોમ્પલેકસ લાગે છે અને અમારી પ્રધાનમંત્રી બનવાની લેશમાત્ર ઇચ્છા નથી.’ કપિરાજે સ્પષ્ટતા કરી.
અને બીજું?’ અમે છેલ્લો સવાલ પૂછયો.
અમને પકોડા તળી સ્વરોજગાર કરવાની ઇચ્છા નથી. ન નોકરી કરતાં રીક્ષા ડ્રાઇવરી શું ખોટી?’ આટલું કહીને કપિરાજે રીક્ષા ફલાઇંગ ગિયરમાં લઇ વિમાનની જેમ ભગાવી દીધી!