ઈન્ટરવલ

પોતાની મજાક પર તમે ખુલ્લા દિલથી હસી શકો છો ખરા?

ઔર યે મૌસમ હંસીં… – દેવલ શાસ્ત્રી

બેનીન્યી નામના ડિરેક્ટરની એક વિખ્યાત ઇટાલિયન ફિલ્મ આવી હતી, ફિલ્મનું નામ હતું “લાઇફ ઇઝ બ્યુટીફૂલ. ફિલ્મમાં યુદ્ધ જેવી વિષમ પરિસ્થિતિમાં પણ માણસ પોતાના પર કેટલું હસી શકે છે એની વાત કહેવામાં આવી છે. સામાન્ય રીતે માણસ બીજાઓની મજાક કરવામાં આનંદ માણતો હોય પરંતુ જ્યારે તેની મજાક કરવામાં આવે તો મોં ચઢાવીને બેસી જાય છે.
ફિલ્મમાં ઇટલીમાં રહેતો થોડો ચક્રમ યહૂદી હીરો ગીદો પાસે ખાસ પૈસો નથી, તેને બૂક સ્ટોલ ખોલવો છે… ઘણી હાસ્યની પળો વચ્ચે ફિલ્મની ધનિક શિક્ષિત પ્રાધ્યાપક હીરોઇન દોરા મળે છે, બંને ભાગીને લગ્ન કરે છે… તેમને ત્યાં જેસુએ નામનો દીકરો જન્મે છે. એક ડોક્ટર સહિત અનેક પાત્રો સાથેના હાસ્ય પ્રસંગ વચ્ચે હળવી લાગતી ફિલ્મમાં ત્રણેય સુખી જિંદગી જીવે છે, ત્યાં બીજું વિશ્ર્વયુદ્ધ ફાટી નીકળે છે.
જર્મનીઓ ગીદોને પકડે છે, ગીદો સાથે તેના પુત્ર જેસુએને પણ ટ્રેનમાં લઇ જાય છે. પત્ની દોરા પણ ટ્રેનમાં ચડી જાય છે. જેલમાં જર્મનીઓ વૃદ્ધો અને બાળકોને પહેલાં મારી નાખતા હતાં, આ કરુણ પરિસ્થિતિમાં હસતાં હસતાં ગીદો જાતજાતના કાર્ટુન જેવા ગતકડાં કરીને પુત્ર જેસુએને બચાવે છે.
પુત્ર જેસુએ ઘરે જવાની જીદ કરે છે, તો ગીદો સમજાવે છે કે આ એક ગેમ છે. આપણે હજાર પોઇન્ટ કરીશું તો આપણને ટેન્ક ઇનામમાં આપવામાં આવશે.
જેમતેમ કરીને કેદમાં ગીદો પુત્ર અને પત્નીને બચાવે છે, આ દરમિયાન હાસ્ય પણ સર્જાય છે. અમેરિકન સેના આ જેલ પર હુમલો કરે છે. જર્મનો ગીદોને મારી નાખે છે, અમેરિકન સૈન્ય બાળક જેસુએને બચાવીને ટેન્કમાં લઇ જાય છે, તો જેસુએ માને છે કે અમે હજાર પોઇન્ટ કર્યા એના બદલામાં અમે ટેન્ક જીત્યા છે.
આ ફિલ્મ માટે કહેવામાં આવે છે કે, યુરોપમાં ફિલ્મના ડિરેકટર બેનીન્યીની ખૂબ ટીકાઓ કરવામાં આવી હતી કે આટલી કરુણ પરિસ્થિતિમાં હાસ્ય કેવી રીતે ઉદ્ભવી શકે? એવી યાતનાઓ વચ્ચે કવિતા પણ ના લખી શકાય એ સંજોગોમાં ફિલ્મમાં હાસ્ય શા માટે?
બેનીન્યીએ કહ્યું હતું કે યહુદીઓ યાતનાઓ વચ્ચે પણ પોતાના પર હસી શક્તી પ્રજા છે. આ પ્રજાની વિશેષતા છે કે વિષમ પરિસ્થિતિ વચ્ચે પણ પોતાના પર હસી શકે છે.
આપણે ત્યાં વારંવાર એક વાત કહેવામાં આવે છે કે ઇશ્ર્વરે માણસજાતને એક ગિફ્ટ આપી છે, હસવાની…પણ આપણે હસવાનું ભૂલતા જઇએ છીએ એટલે ઇશ્ર્વરે બીજાઓને પણ આ ગિફ્ટ આપી છે. હકીકત અલગ છે, માણસને છોડતાં વાંદરા ય હસવાનું જાણે છે. વાંદરા ભૂલી જાય તો ઉંદરડા ય હસવાની કળા જાણે છે. કૂતરા અને બિલાડા પણ હસી લે છે. કદાચ બીજી અસંખ્ય પ્રજાતિઓ હસી શક્તી હશે, વાત એ છે કે આમાંથી પોતાના પર હસી શકે એવું કોણ? માનવને ઇશ્ર્વરે આપેલી આ અમૂલ્ય ભેટ છે.
જે વ્યક્તિ સામાન્ય વાતચીત દરમિયાન પોતાના પર જ જોક કરે, પોતાની નિર્દોષ મજાક કરી શક્તો હોય એની ઇમેજ પોઝિટિવ વ્યક્તિ તરીકેની બનતી હોય છે, ચર્ચામાં છવાઈ જાય છે અને તેને સાંભળનારો અભિભૂત થઇ જાય છે.
સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે, પોતાના પર જે વ્યક્તિ હસી શકે છે એને કોઈ વ્યક્તિ અપમાનિત કરીને કે અન્ય રીતે દુ:ખી કરી શક્તા નથી. જે પોતાના પર જ હસતો હોય અથવા પોતાની ખામીઓ વિશે જાતે જ વાતો કરે એને દુ:ખી કેવી રીતે કરવાનો?
આમ પણ હાસ્ય શારીરિક માનસિક આરોગ્ય માટે લાભદાયી છે, બીજા પર હસવાથી સંબંધોનું નુકશાન થઇ શકે છે. પોતાના આરોગ્યના જતન માટે પોતાની જ વાતો પર હસી શકાય. જીવનમાં એવી અસંખ્ય ભૂલો અને ઢગલાબંધ ઘટનાઓ થયેલી હોય છે જેના આધારે બીજાને મેસેજ આપવા સાથે હસાવી શકાય છે. હા, પોતાના પર હસતી વેળા એક વાત હમેશા યાદ રાખવી કે પોતાનું સ્તર એટલું નીચે ન લઇ જવું કે લોકોની નજરમાંથી આપણે ઉતરી જઇએ. બીજાઓની નજરમાં સક્સેસ થવા માટે વાહિયાત સેક્સની વાતો કે નિમ્ન ચારિત્ર નિર્માણ થાય એવી વાતો ટાળવી.
પોતાની જાતને સન્માન આપીને હાસ્ય પેદા કરવું એ વિશિષ્ટ કળા છે. પોતાના પર હસતીવેળા મજાકમાં મહત્વકાંક્ષાઓ અને ક્યારેક નબળાઇઓ જાહેર થઇ શકે છે. હસવામાં ને હસવામાં અસંભવ મહત્વકાંક્ષાઓની વાતો અથવા હાસ્યાસ્પદ સ્વપ્નોની વાતો ટાળવી. જે તમારા જીવનની યોજનાઓ અથવા ખાસ સ્વપ્ન હોય એ વાતો આત્મશ્લાઘા તરીકે કરીએ તો બધા સરખા હોતા નથી. તમે તમારી કંપનીમાં ઉચ્ચ હોદ્દો પ્રાપ્ત કરવા પુરુષાર્થ બધાને કહ્યા કરો તો બે ચાર વિધ્નસંતોષીઓ મળી જાય. જિંદગીના બધા સત્યો તમારા ભવિષ્ય ઘડવામાં નુકસાન કરી શકે. પોતાના પર મજાક કરતી વેળા શબ્દો પર કાબુ હોવો જોઈએ, ભોળાભાવે કોઈ એવી વાત ના થાય કે જે તમારા ભવિષ્ય ઘડવામાં નુકસાનકારક થાય. જ્યારે પોતાની વાત કરતાં હોઇએ ત્યારે આપણે સાચું બોલી રહ્યા છીએ એ ભાવ સાંભળનારાને થવો જોઈએ. આપણી વાત શક્ય હોય તો પ્રેરણાદાયી બનવી જોઈએ, સાંભળનારા માટે આપણો અનુભવ માર્ગદર્શક બનવો જોઈએ.
હકીકત એ છે કે જ્યારે તમે પોતાના પરની વાતો કહી રહ્યા છો તો સાંભળનારાઓની પાચનશક્તિ અંગે ખ્યાલ રાખવો જોઈએ. તમને સાંભળનારા તમારી વાતો મુજબ જો મેચ્યોર ના હોય તો વાત કરતાં સાચવજો.
હા, કેટલીક કાળજી રાખીને પોતાના પર હસવું એ અદ્વિતીય કળા છે. સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે જોક્સ સાંભળીને આપણને સૌને વધુ હાસ્ય માણવા મળે છે પણ હકીકત એ છે કે સામાન્ય વાતચીતમાં વધારે હાસ્ય ઉપજતું હોય છે. વાતચીત દરમિયાન થતાં કટાક્ષો અને કટાક્ષ પર થતી કોમેન્ટ વધારે હાસ્ય નીપજાવે છે. હાસ્ય એ શારીરિક સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે એ અંગે સંવાદ વિવાદ થતાં હશે પણ માનસિક સ્વાસ્થ્ય અને માનવ સંબંધ મજબૂત કરવા અગત્યનો ભાગ ભજવે છે. એની વે, રાહ કોની જુઓ છો… લગ્નગાળો ચાલી જ રહ્યો છે, એકની એક રાજનીતિની ગંભીર ચર્ચા કરવા કરતાં થોડા પોતા પર પણ હસી લઇએ અને બીજાઓને પણ હસાવી દઇએ… જે વડીલો હયાત નથી એમની સાથેના અનુભવોને યાદ
કરીને સ્મિત વહેંચીએ… આફ્રિકામાં ઝાડનો વિકાસ અટકાવવા માટે તેને ગાળો દેવામાં આવતી, આ ઝાડ આપોઆપ નબળું પડી જતું એવી કથા ઓશો ઘણીવાર કહેતા. કંઈક આવો જ પ્રયોગ જાપાનમાં થતો હતો. જાપાનમાં ઇમોટોના પ્રયોગ થયા હતા. આ પ્રયોગમાં ધાન્યને પાણી સાથે ભરીને અલગ અલગ પાત્રમાં મૂકવામાં આવ્યા. એક પાત્રની નજીક જઇને તેના વખાણ કરવામાં આવતા, બીજા પાત્રની નજીક જઇને તેની ટીકા થતી, જેની ટીકા થતી એની ક્વોલિટી ખરાબ થવા લાગી. આપણા શરીરમાં સિત્તેર ટકા પાણી હોય છે. બીજાઓની ટીકા કરવા કરતાં પોતાની વાતોથી આનંદ આપવો એ સમજાવવા માટે સમજદાર કો ઇશારા કાફી હૈ…
ધ એન્ડ : નેધરલેન્ડમાં એલીટ વર્ગ ક્રિકેટ રમતો હતો, ક્રિકેટ રમવામાં ફેમિલી ભેગા થતાં અને મિ હલાઓ તથા યુવતીઓ ખાસ રસ લેતી હતી નેધરલેન્ડમાં છેક વર્ષ ૧૯૧૪થી મહિલા ક્રિકેટ એસોસિએશન અસ્તિત્વ ધરાવે છે. ઓસ્ટ્રેલિયા સામે છેક ૧૯૬૪માં મેચ જીતી ચૂક્યા છે, પણ નેધરલેન્ડમાં સ્પર્ધા કરતાં એન્જોય માટે ક્રિકેટ વધારે રમાતી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button