ગઈકાલ-આજ- આવતીકાલના લેખાં-જોખાં

દીપક અંતાણી
૧૯૬૧માં યુનેસ્કો અને યુનિસેફની મિટિંગમાં ૧૪૫ દેશોએ ભાગ લીધો હતો ત્યારે આપણા વિખ્યાત નાટ્યકાર ચં. ચી. મહેતાએ ‘વિશ્ર્વ રંગભૂમિ દિવસ’ ની ઉજવણીનો વિચાર, આપ્યો હતો.
વિશ્ર્વમાં વિવિધ દિવસની ઉજવણીની જેમ વિશ્ર્વ રંગભૂમિ દિવસની ઉજવણીની એમની વિનંતિને માન્ય રાખી ૨૭ માર્ચને રંગભૂમિ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
વિશ્ર્વભરમાં રંગભૂમિનો ઈતિહાસ છે જ પણ ભારતીય નાટ્યકળા સમગ્ર વિશ્ર્વમાં ચઢિયાતી કહી જ શકાય. આપણે ત્યાં હજારો વર્ષ પહેલાં ભરતમુનિ રચિત ભરતનાટ્ય શાસ્ત્રને ‘પાંચમો વેદ’ કહેવાય છે. એમાં નાટ્યગૃહના સ્થાપત્યથી માંડી નાટ્યકૃતિના પ્રકાર, નવરસ, અભિનય, તમામ આહાર્ય વગેરે ઘણી બાબત વ્યાકરણ સહિત વિસ્તૃત રીતે વ્યાખ્યાયિત છે. સંસ્કૃત નાટકોથી આપણું સાહિત્ય સમૃદ્ધ છે. ચિત્રકળા, શિલ્પકળા, નૃત્ય, અભિનય, સંગીત, યુદ્ધ, પ્રકાશ આયોજન વગેરે … તમામ વિવિધ કળાઓનો સમન્વય જેમાં છે એ નાટ્યકળાના આરાધ્ય દેવ નટરાજ છે અને એટલે જ આપણે ત્યાં કલા-સાધના એમ કહેવાય છે. કોઇપણ પ્રસ્તુતિમાં એકાકાર થવું, સ્વ ને વિસરી જવું એ અલૌકિક સાક્ષાત્કારને નિકટ અનુભૂતિ એક સાચો કલાકાર તો અનુભવી જ શકે, પણ એનું રસપાન કરનાર દર્શકોને પણ એવો અનુભવ કરાવી શકે.
‘સત્યવાદી રાજા હરિશ્ર્ચન્દ્ર’ નાટકની અસરથી મોહનદાસમાંથી મહાત્મા બનવાનું બીજ રોપાયું એવાં ગુજરાતી નાટકો, નાટ્યકળાની એવી અસરકારકતા ભજવનારમાં અને એવી સંવેદનશીલતા દર્શકોમાં રહી છે ખરી? એવો સવાલ થાય છે, ક્યારેક. આ ૭૨મા વિશ્ર્વ રંગભૂમિ દિને, એની પવિત્રતા અને ગરિમા કદાચ સમયાંતરે ઝાંખી પડતી જવાનો ભય ક્યારેક સતાવે છે.
જો કે, કાળક્રમે નાટ્ય પ્રવૃત્તિઓની પરિસ્થિતિઓ બદલાતી રહી છે. સંઘર્ષ અને પડકારોને ખમતી આવી છે. પહેલાં ટીવી, પછી ફિલ્મ, ઈન્ટરનેટ, ઓટીટી અને હવે એઆઈ જેવા આવિષ્કારોથી માંડી ‘કોરોના કાળ’ અને બંધ થઇ રહેલા કે તૂટી રહેલાં નાટ્યગૃહો ઉપરાંત દર્શકોની બદલાતી પેઢીઓ સાથે કદાચ નાટકના સ્વરૂપને પણ કાળક્રમે બદલાવું પડ્યું છે.
ગુજરાતના સુવર્ણકાળમાં પાટનગરી અણહિલપુર પાટણમાં સંસ્કૃત ભાષામાં નાટકો ભજવાયાં હતાં. તે પછી સદીઓ સુધી નાટ્યપ્રવૃત્તિ એક કલા તરીકે વિકસી શકી ન હતી. ચૌદમી સદીમાં ઉત્તર ગુજરાતમાં અસાઈત ઠાકર દ્વારા લોકનાટ્ય “ભવાઈથી ગુજરાતી રંગભૂમિના વિકાસનો પાયો નખાયો. ભવાઇ એટલે ભવની વહી, જિંદગીની કથા; સંસારની તડકીછાંયડીઓની કથા. ગુજરાતી રંગમંચના ઇતિહાસમાં ગુજરાતી ભાષાના તળપદા, લોકભોગ્ય નાટ્યપ્રયોગ તરીકે ભવાઈનું મહત્ત્વ અનોખું છે.ભવાઈમાં સમાજની કુરૂઢિઓ અને માન્યતાઓ પર ક્યારેક એવા માર્મિક વ્યંગની સાથે સાર્વજનિક મનોરંજનની ગરજ સારતા પ્રાચીન ભવાઈ વેશોમાં ક્યારેક અશિષ્ટ ભાષામાં પીરસાતું અભદ્ર મનોરંજન ઘણાને કઠતું. એટલે જૂની ગુજરાતી રંગભૂમિની શરૂઆત થઇ એમ કહેવાય છે. અઢારમી સદીમાં અંગ્રેજો દ્વારા મુંબઈ શહેરનો વિકાસ થયો, ત્યારે મુંબઈમાં અંગ્રેજો અને પારસીઓના સહયોગથી થિયેટરો બનવાની શરૂઆત થઇ અને પારસીઓને મનોરંજન અર્થે રંગભૂમિના પ્રયોજનની પ્રેરણા મળી. આમ ૧૮૫૦ પછી વ્યાવસાયિક ગુજરાતી રંગભૂમિનો જન્મ થયો…..
આજની આ વિશેષ પૂર્તિમાં પારસી- ગુજરાતી જૂની રંગભૂમિના વિસ્તૃત ઈતિહાસનું આલેખન છે એટલે એનું પુનરાવર્તન અહીં ટાળીએ… સમય જતાં સવેતનિક કલાકારોને લીધે ગુજરાતી રંગભૂમિ વિશેષ ખીલી ઊઠી અને ટિકિટના પૈસા ખર્ચીને નાટક જોનાર દર્શકોનો વર્ગ ઊભો થયો. નાટક કંપનીઓની સંખ્યા વધવા લાગી.૧૯૪પ થી ધંધાદારી રંગભૂમિમાં દર્શકોની રૂચિ અનુસાર ગુણવત્તા સાથે માધાન કરવાની શરૂઆત થઇ.
ક. મા. મુન્શીના પ્રયત્નો થકી, ૧૯૪૮માં ભારતીય વિદ્યા ભવન – ભવન્સ કલા વિભાગની અને નિયમિત નાટ્યપ્રવૃત્તિઓની મુંબઈમાં શરૂઆત થઇ. તો ગુજરાતમાં ચં. ચી. મહેતા, જશવંત ઠાકર, જનક દવે, માર્કંડ ભટ્ટ, ગોવર્ધન પંચાલ વગેરે યુનિવર્સિટીઓમાં પદ્ધતિસરની નાટ્ય તાલીમના પાયામાં રહ્યા. સમય જતાં નાટ્યશાળાઓ અને આંતર કોલેજ નાટ્ય સ્પર્ધાઓ વગેરેથી ઘણી નવી પ્રતિભાઓ આવવાની શરૂ થઇ.
વ્યવસાયિક રંગભૂમિના તખ્તા પર મુંબઈમાં કાંતિ મડિયા, પ્રવીણ જોષી, સરિતા જોષી જેવા દિગ્ગજો એ નાટકની દુનિયામાં ડંકો વગાડ્યો. આઇએનટી અને નાટ્યસંપદા જેવી નિયમિત નાટકો આપતી નાટ્યસંસ્થાઓએ વીસ-પચીસ વર્ષના તબક્કામાં ગુજરાતી નાટકને લેખન, વિષયો, અભિનય, ટેક્નિકલ વગેરે તમામ દૃષ્ટિથી એક નવી સમૃદ્ધ દિશા આપી. પડદો ઉઘડતાં પહેલાં રેકોર્ડેડ ઉદ્ઘોષણા, રેકોર્ડેડ ગીત-સંગીત, સરકતા અને ફરતા રંગમંચ / સેટ્સ, લાઈટિંગ ઈફેક્ટસ વગેરેનો પ્રવેશ થયો. અનેક પ્રતિભાશાળી લેખકો, દિગ્દર્શકો, અને અભિનેતા, અભિનેત્રીઓ તેમજ દૃશ્ય રચનામાં છેલ-પરેશ જેવી અનેક પ્રતિભાઓએ ગુજરાતી રંગભૂમિને આધુનિક્તામાં ઢાળી અને નાટ્ય વ્યવસાયનું આશાસ્પદ વ્યવસાયિક માળખું પણ ગોઠવાયું.
આ દરમ્યાન જ ‘સંતુ રંગીલી’, ‘બાણ શૈયા’, ‘બેઈમાન’, ‘કુમારની અગાશી’, ‘અમે બરફના પંખી’, ‘મોસમ છલકે’, ‘ચિત્કાર’ જેવાં અનેક યાદગાર સફળ નાટકો ભજવાયાં અને મુંબઈ તથા અમદાવાદ દૂરદર્શન મુંબઈ અને અમદાવાદ કેન્દ્રમાં એમના અમુકના રેકોર્ડિંગ પણ થયાં. એ હજી સચવાઈ રહ્યાં હોય તો આપણા નસીબ. ૧૯૬૦ માં ગુજરાત, મહારાષ્ટ્ર જુદા થયા પછી ગુજરાતી રંગભૂમિ મુંબઈ અને ગુજરાત એમ બે જુદી શૈલી અને પ્રદેશમાં કાર્યરત થઇ. મુંબઈનાં નાટકો ગુજરાતમાં ભજવાતાં. પણ ગુજરાતનાં નાટકો કોઇપણ કારણોસર મુંબઈમાં એવું અને એટલું સ્થાન પામી ન શક્યાં.
ગુજરાતમાં છૂટી છવાઈ પણ નોંધપાત્ર પ્રવૃત્તિઓથી રંગભૂમિ ધબકતી રહી. અભિનય સમ્રાટ નાટકનું વિશેષણ એના મુખ્ય અભિનેતા ઉપેન્દ્ર ત્રિવેદીના નામ આગળ લાગ્યું. તો રંગમંડળ, રંગબહાર, ધુર્જટી અને અર્પણ જેવી થોડી નાટ્યસંસ્થાઓ પ્રવૃત્ત થઇ. માર્કંડ ભટ્ટના ‘પરિત્રાણ’, ‘શેતલ ને કાંઠે’ થી માંડી ભરત દવે દ્વારા ‘રાજા ઈડિપસ’ કે ‘બરી ધ ડેડ’ પ્રકારનાં પ્રયોગલક્ષી કહી શકાય એવાં નાટકો પણ થયાં અને પી. ખરસાણીનું પત્તાંની જોડ, વિનોદ જાનીનું પ્રીત પિયુ મેં પાનેતર જેવાં સફળ વ્યવસાયલક્ષી સામાજિક નાટકો તો ખરાં જ. જીવરામ જોષીનાં બાળ નાટકો પણ આવ્યાં અને એન એસ ડી રેર્પર્ટરીના અને રાષ્ટ્રીય નાટ્ય મહોત્સવ પણ આયોજિત થવા લાગ્યા અને ભારતભરના વિવિધ ભાષા અને પ્રદેશોનાં નાટકોનો ગુજરાતના નાટ્ય રસિકોને લાભ મળતો થયો અને ગુજરાતનાં નાટકો પણ ભારતભરના મહોત્સવોમાં ક્યારેક ભજવાતાં. જો કે, ૧૯૯૬ બાદ
રંગમંચલક્ષી પ્રવૃત્તિના વળતાં પાણી શરૂ થયાં એમ કહી શકાય. એક તરફ પ્રાયવેટ ટીવી ચેનલો આવી અને બીજી બાજુ ઓડિટોરિયમ, થિયેટર, કલાકારોના ચાર્જ મોંઘા થતાં ગયા અને એકંદરે રંગભૂમિની રોનક ઝાંખી થતી ગઇ. પહેલાં મુંબઈ અને પછી ગુજરાતમાં દર્શકોના ગ્રૂપની સાંસ્કૃતિક સંસ્થાઓ કે જ્ઞાતિ મંડળોના સોલ્ડ આઉટ શો શરૂ થતાં, રંગભૂમિનું વ્યવસાયિક માળખું બદલાયું અને દર્શકોની મનોરંજનની માગ અનુસાર જોક્સ અને કોમેડી અને પછી એકાદ ગીત – નૃત્ય એવું ઉમેરાતું ગયું. અને ઘણી નાટ્યસંસ્થાઓ પોતપોતાની ટીમ સાથે નિયમિત નાટકોના વ્યવસાયમાં આવી અને ટકી પણ રહી. મુંબઈમાં કૌસ્તુભ ત્રિવેદી, રાજેન્દ્ર બુટાલા, સંજય ગોરડિયા અને કેબી વગેરે તથા અમદાવાદમાં ચેતન ગાંધી નાટકો, નાટ્યગૃહો અને સાંસ્કૃતિક મંડળો વચ્ચેની કડી બન્યા. એને પરિણામે વ્યવસાયિક ગોઠવણી અનુસારના પોષાય એવાં બજેટ અને વાર્તાના ધંધાકીય માળખાંને અનુરૂપ નાટકો જ થતાં રહ્યાં. મુંબઈ, ગુજરાત અને વિદેશ ટુર એમ ત્રણ બાજુથી આવકના સ્ત્રોત ખુલ્યા કે સફળ નાટકના ૫૦૦ થી એક હજાર શો થઇ શકે છે. એટલે વર્ષોવર્ષ નવું નાટક આપવાની હોડમાં અને એક સફળ ન રહે તરત બીજું આપવાની લ્હાયમાં મૌલિકને બદલે મરાઠી, અંગ્રેજી નાટકોથી રૂપાંતરિત નાટકોનો આશરો પણ લેવાયો. જો કે, એ દરમિયાન પણ અનેક સફળ અને સારાં નાટકો રંગભૂમિના પ્રાણવાયુ
સમાન રહ્યાં. સિદ્ધાર્થ રાંદેરિયાની ‘ગુજજુભાઈ’ સિરીઝ અને વિનોદ જાનીનું પ્રીત પિયુ ને પાનેતર’ થી માંડી લાલી-લીલા’ , રાજુ જોષી – સ્નેહા દેસાઈ – ભરત નારાયણદાસ ઠક્કરની ત્રિપુટી દ્વારા ‘સફરજન’, ‘કોડ મંત્ર’, જેવાં નાટકો વિશ્ર્વભરમાં રેકોર્ડબ્રેક સફળ રહ્યા. સિદ્ધાર્થ રાંદેરિયા તખ્તાની સાથે સાથે અર્બન ગુજરાતી ફિલ્મોમાં પણ સુપરહીટ પુરવાર થયા. કેટલાંક ગુજરાતી નાટકો પરથી હિન્દી ફિલ્મો પણ બની. પરેશ રાવલ જેવા ઘણા અભિનેતાઓ અને ઉમેશ શુક્લ જેવા કેટલાક દિગ્દર્શકોને ગુજરાતી અને હિન્દી ટીવી તેમજ ફિલ્મોમાં ઉજ્જવળ કારકિર્દી રંગભૂમિ થકી જ પ્રાપ્ત થઇ. તો ઘણા સમય પછી વિરલ રાચ્છ, સૌમ્ય જોષી, કપિલદેવ શુક્લ જેવા ગુજરાતના નાટ્યકર્મીઓના ‘વેલકમ જિંદગી’, ‘અંતિમ અપરાધ’ જેવાં સફળ નાટકો મુંબઈમાં ભજવાતાં થયાં.
જો કે, છેલ્લા દસકામાં રંગભૂમિએ અનેક વિવિધ પ્રયોગો થકી નવાં પરિમાણો સ્થાપિત કરવાની શરૂઆત કરી સકારાત્મક આશા જન્માવી છે. મુંબઈથી ‘સાત તેરી એકવીસ’ જેવાં પૃથ્વી થીયેટરને અનુરૂપ તેમજ મનોજ શાહ ‘હું ચંદ્રકાંત બક્ષી’, ‘મોહનનો મસાલો’, ‘મરીઝ’ થી માંડી ‘કાગડો’ જેવાં પ્રાયોગિક અથવા સમાંતર કહી શકાય એવાં નાટકો, તો ગુજરાતમાં સૌમ્ય જોષી તેમજ વડોદરામાં પી.એસ.ચારી. જેવાઓનાં પ્રાયોગિક નાટકોનો એક જુદો દર્શક વર્ગ ધીમે ધીમે કેળવાતો ગયો છે. તો સાથે સાથે સુરત અને વડોદરા મહાનગર પાલિકાની નાટ્ય સ્પર્ધા, સુરતમાં ‘રંગહોત્ર’ જેવી રંગભૂમિ દિવસની ઉજવણી, ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીની યોજના, ભવન્સ- ચિત્રલેખા નાટ્ય સ્પર્ધા, ભવન્સ, આઇએનટી એકાંકી નાટ્ય સ્પર્ધા તેમજ થોડાંક વર્ષોથી ‘અભિવ્યક્તિ’ જેવા સાંસ્કૃતિક ઉત્સવો વગેરેએ પણ નવી પ્રતિભાઓને પ્રોત્સાહિત કરી છે અને તક આપી છે. મુંબઈના અમાત્ય ગોરડિયા જેવી નવી પેઢીની પ્રતિભાઓનાં નાટકો અને વિષયોએ દર્શકોની કંઇક જુદું અને નવું જોવાની ભૂખ તો સંતોષી જ પણ સાથે સાથે નાટકોથી વિમુખ થઇ ગયેલા યુવા દર્શકોનો નવો વર્ગ ઊભો કરી શક્યા છે. સૌમ્ય જોષીનાં નાટકો ઉપરાંત, દેવકીનાં ‘સમુદ્ર મંથન’, ‘અકુપાર’ અને હમણાં અભિનય બેન્કરનું ગુણવંતરાય આચાર્યની નવલકથા આધારિત રામ મોરી લિખિત ‘વીજળી’ વગેરે નાટકોની સફળતા એનો પુરાવો છે.
ટૂંકમાં માધ્યમો, ટેક્નોલોજી, કોરોના, આર્થિક મોડેલ જેવા અનેક સંઘર્ષો અને પડકારો પછી પણ રંગભૂમિ પહેલાં કરતાં વધુ સંગઠિત થઇ રહી છે અને નાટકો એક ચોક્કસ દર્શક વર્ગને જાળવી શકી છે એનું કારણ કદાચ એ હોઈ શકે કે, રંગભૂમિ એ પ્રોશિનિયમની મોટી ફ્રેમમાં ભજવાતી એક જીવંત કળા છે જેમાં દર્શકોનું સીધું અનુસંધાન કદાચ વધુ અસરકારક અને બીલીવેબલ લાગે છે. બનાવટી નહીં. એઆઇ અને સોશિયલ મીડિયાની કૃત્રિમતામાં જીવંત મનોરંજનની નાટ્યકળા અને પુસ્તકોને વિકલ્પ બની શકવાનો સમય આવી ગયો છે ત્યારે જો ક્ધટેન્ટ, વિષયો પર સારું કામ થશે તો સાચા અર્થમાં નાટક સમાજનું દર્પણ બની શકે એવી આશા મને દેખાઈ રહી છે.
આ આશા ફળે એવી રંગદેવતા નટરાજને આ વિશ્ર્વ રંગભૂમિ દિને પાર્થના.
(તા.ક.: સ્થળસંકોચના કારણે અનેક સંસ્થાઓ, નાટ્યકર્મીઓ અને ઘણાં નાટકોનાં નામોનો સમાવેશ થઈ શક્યો નથી,જેની નોંધ લેવા વિનંતી.)