કોળિયા માટે કજિયો નહીં કરવાનો ઓકે?!
ભૂખથી મોટું કોઈ દુ:ખ નથી અને એક કોળિયા માટે તરફડતા કે કોઈનો કોળિયો ઝુંટવી લેતા લોકોની નવાઈ નથી. માનવી સિવાયના પ્રાણી જગતમાં પણ ખોરાક માટેની ખેંચાખેંચ જોવા મળે છે ખરી. જોકે, આશ્ર્ચર્યની વાત એ છે કે પક્ષીઓ આ બાબતે શાલીનતાથી પેશ આવતા જોવા મળે છે.પંખીજગતનો અભ્યાસ જણાવે છે કે કેટલાંક પક્ષીઓ ઋતુ અનુસાર એક ઠેકાણેથી બીજે ઠેકાણે સ્થળાંતર કરતા હોય છે.
ઋતુચક્રના તીવ્ર ફેરફારોથી જાતને સંભાળવા પક્ષીઓ સ્થળાંતર કરે છે. સંશોધન એમ પણ કહે છે કે ઊર્જાનું પ્રમાણ જળવાઈ રહે એ માટે પક્ષીઓ હવાફેર કરતા હોય છે. હૂંફાળા વાતાવરણમાં આ પક્ષીઓ કેમ લાંબો સમય નથી રહેતા એનું એક કારણ એવું અપાય છે કે એક જ ઠેકાણે સતત રહેવાથી અન્ય પંખીઓ સાથે ખાવાની બાબતે હુંસાતુંસી થાય છે. પંખીના સ્વભાવને આ માફક નથી આવતું એટલે કજિયો ટાળવા માટે પંખીઓ સ્થળાંતર કરીને ઠંડા પ્રદેશમાં પહોંચી જાય છે જ્યાં અન્ન મેળવવા લડાઈ ઝઘડા નથી કરવા પડતા.
રક્ષક કરતાં ભક્ષકનું પલડું ભારે
અજબ દુનિયાની ગજબનાક વાત એવી છે કે બ્રિટનમાં જેલના સુરક્ષા અધિકારીઓ કેદીઓને ગુનો કરાય જ નહીં અને તેથી જેલમાં જવાની નોબત જ ન આવે એવું ભણાવતાની સાથે કમાણી કરતાં પણ શીખવે છે. બ્રિટનના અગ્રણી અખબારે આપેલી જાણકારી અનુસાર યુકેમાં કેટલીક જેલના કેદીઓને જેલ બહાર કામ કરવાની અનુમતિ હોય છે. કેદીઓનું પુનર્વસન થાય અને સમાજમાં ફરી સ્વીકૃત બને એ આશય છે. જોકે,
આને કારણે ગુનેગારો અને સભ્ય સમાજના નાગરિકો વચ્ચે કમાણીમાં જોવા
મળેલી અસમાનતાને કારણે અનેક ભંવા ઊંચકાયા છે. ગયા વર્ષે સૌથી વધુ કમાણી કરનાર કેદીને ટેક્સ કપાત પછી ૪૬ હજાર પાઉન્ડ (આશરે ૩૯ લાખ રૂપિયા) મળ્યા હતા અને અન્ય કેટલાક કેદીની વાર્ષિક આવક કર- કપાત પછી ૨૯ હજારથી ૩૭ હજાર પાઉન્ડ વચ્ચે હતી.
યુકેમાં કેદીની કમાણી પર ટેક્સ કાપવામાં આવે છે. આ કેદીઓ વિવિધ કામ કરે છે, પણ સૌથી વધુ આવક લોરી ડ્રાઈવર તરીકે થાય છે. ટેક્સ ચૂકવ્યા પછી પણ કેટલાક કેદીઓની વાર્ષિક આવક મિડવાઈફ – દાયણ (૪૫ હજાર પાઉન્ડ), બાયોકેમિસ્ટ (૪૫ હજાર પાઉન્ડ), સાયકો થેરાપિસ્ટ(૪૬ હજાર પાઉન્ડ) અને ચાર્ટર્ડ સર્વેયર્સ (૪૪ હજાર પાઉન્ડ)ના વાર્ષિક પે પેકેજ કરતાં વધારે હતી…! હવે આટલું વાંચ્યા
પછી જો તમને ય જેલમાં જઈ આવ કમાણી કરવાનો વિચાર આવતો હોય તો સાવ ખોટા પણ નથી…!
વડીલોના વાંકે નહીં, વડીલોના વ્હાલે…
છેક ૧૯૩૮માં પ્રભુલાલ દ્વિવેદી લિખિત ‘વડીલોના વાંકે’ નાટક તખ્તા પર ભજવાયું હતું અને વર્ષો સુધી – આજની તારીખમાં પણ એ સમાજના અનેક પરિવારોમાં ભજવાતું રહ્યું છે. અલબત્ત, કાયમ વડીલોનો વાંકજ હોય છે એવી ગ્રંથિમાં જીવતી પેઢી વડીલોના વ્હાલથી વંચિત રહેતી હોય છે.
જાપાનનો આ પ્રસંગ આંખ આડે રહેલા પડળ દૂર કરી શકવાની ક્ષમતા ધરાવે છે. એજા મેરોક નામની ૨૯ વર્ષની અમેરિકન લેખિકાએ જાપાનના પ્રવાસ દરમિયાન એક દિવસ માટે ડબલ ઉંમરના ૫૮ વર્ષના જાપનીસ વડીલનો સહવાસ પૈસા આપી મેળવ્યો. રોમેન્ટિક કારણસર કે પછી કશું કામ કઢાવી લેવા વગેરે શંકા આ વડીલ – વામાના સહવાસ માટે કરવામાં આવી.
જોકે, ઘણી વાર કલ્પનાના ઘોડાઓથી હકીકતનું ગાડું અલગ હોય છે. સોશિયલ મીડિયા પર લેખિકાએ સ્પષ્ટતા કરી છે કે જે જાપનીસ એજન્સી માટે વડીલની ‘સેવા’ લેવામાં આવી હતી એના કડક નીતિ- નિયમો અનુસરવા ફરજિયાત હતા. સવારના ઊગતા કિરણથી સાંજે સૂર્યાસ્ત થાય એ દરમિયાન વડીલના સહવાસથી જીવનમાં રહેલા વૈચારિક અંધકારને અમુક અંશે દૂર કરવામાં મદદ મળી. દિવસ દરમિયાન રખડપટ્ટીમાં જાપાનનું અવલોકન કર્યું અને વડીલના સલાહ સૂચનથી જાતનું અવલોકન કર્યુ એ બંનેમાં લાભ થયો.
મિ. ગજરાજ, ટેક્સ કલેક્ટરટેક્સ ચુકવવાની વાત આવે તો ભલભલાનાં મોઢાં કટાણાં થઈ જતાં હોય છે. માણસમાત્રને મબલક કમાણી કરવી ગમે છે, પણ એમાંથી જો ટેક્સ કાપવાની કે ભરવાની વાત આવે તો જીવ કળીએ કળીએ કપાઈ જાય છે.
જોકે, શ્રીલંકામાં એક ટેક્સ કલેક્ટર જનતા માટે અચરજ અને આનંદનો વિષય બન્યા છે. લોકો હોંશે હોંશે એને ટેક્સ ચૂકવે છે.
વાત એમ છે કે શ્રીલંકાના બે તટ પ્રદેશને જોડતી લાંબી સડક પર વાહનોની સતત અવરજવર રહે છે. આ સડક વન વિસ્તારમાંથી પસાર થાય છે. લંકામાં હાથી – ગજરાજની વસતિ ખાસ્સી છે. રાજા નામનો ૪૦ વર્ષનો હાથી આ સડક પર ગાડી આવતી દેખાતા ‘રસ્તા રોકો’ કરી ઊભો રહી જાય છે. આ જોઈ વાહન ચાલકો અકળાતા નહીં મલકાતા જોવા મળે છે. વાહન થોભાવી બાસ્કેટમાંથી કેળા અને બીજા ફળફળાદિ આપી આ ‘મિસ્ટર ગજરાજ’ -ધે ટેક્સ કલેક્ટરને ટોલ ટેક્સ હોંશે હોંશે ચૂકવે છે અને વસૂલી બરાબર થઈ એની ખાતરી થતા હાથીભાઈ ખસી વાહનને આગળ વધવા દે છે. આ પ્રક્રિયાથી અનેક વાર ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે, પણ જનતાને આ અલાયદા ટોલ ટેક્સ કલેક્ટરની ‘આપખુદશાહી’ સામે કોઈ ફરિયાદ નથી બલકે એની હાજરીને હોંશે હોંશે આવકારે છે.
Also Read – રમુજી સવાલના મનમોજી જવાબ
લ્યો કરો વાત!
સ્મૃતિ, સ્મરણ, સંભારણાં માનવજીવનનું ભાતું ગણાય છે.યાદ તડપાવે છે તો સ્મૃતિદિલ મહેકાવે પણ છે. વિરહમાં તડપતો કવિ લખે છે કે ‘યાદ મેં તેરી જાગ-જાગ કે હમ, રાત ભર કરવટેં બદલતે હૈં’ તો વળી થોડા સમય માટે પ્રિયપાત્રથી અલગ થયેલા કવિ લખે છે કે ‘રાત ઢલ ચુકી હૈ સુબહ હો ગયી, મૈં તુમ્હારી યાદ લે કે ખો ગયી, અબ તો મેરી દાસ્તાં હો તુમ’.
આ જ કવિ સ્મૃતિભ્રંશ કે યાદશક્તિ ગુમાવી દેતા અત્યંત વિહવળ થઇ જતો હોય છે.વિસ્મૃતિ થઇ ગઈ તો યાદશક્તિ પાછી લાવવી અત્યંત મુશ્કેલ કામ હોય છે. વિજ્ઞાન અશક્યને શક્યમાં ફેરવવાની કોશિશ કરી રહ્યું છે. વૈજ્ઞાનિકોને દરિયામાં વસતિ એક ગોકળગાયની સ્મૃતિને બીજી ગોકળગાયમાં ફેરવવાન ક્રાંતિકારી પ્રયોગમાં સફળતા મળી છે.