મહિલા દિવસ: માન-સન્માન-સ્નેહ વ્યક્ત કરવાનો રૂડો અવસર

મગજ મંથન -વિઠ્ઠલ વઘાસિયા
જ્ઞાન-વિજ્ઞાન અને સામાજિક જેવાં અનેકવિધ ક્ષેત્રમાં નારીનું પ્રદાન વિશેષ નોંધનીય રહ્યું છે
દર વર્ષે આઠ માર્ચના જગતભરમાં ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ ઉજવવામાં આવે છે.
આ નારી દિવસના ઈતિહાસ વિશે આમ તો બહુ લખાયું છે- દર વર્ષે લખાતું રહે છે.
આમ છતાં,બહુ ઝડપથી એના વિશે જાણી લઈએ તો ૨૮મી ફેબ્રુઆરી ૧૯૦૯ના રોજ અમેરિકામાં પહેલીવાર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવ્યો..એમાં ઉલ્લેખનીય વાત એ હતી કે તે દિવસો દરમિયાન ન્યુયોર્કમાં કપડાં મિલમાં કામ કરનારી મહિલાઓ શોષણને કારણે ખૂબ પરેશાન હતી.એકાદ વર્ષથી એમની હડતાલ ચાલી રહી હતી. એમના સંઘર્ષને સમર્થન આપતા ૨૮ ફેબ્રુઆરી ૧૯૯૯ના રોજ સોશિયાલિસ્ટ પાર્ટીએ આ સ્ત્રીઓને મદદ કરી. પોતાના દમ પર મહિલા ગારમેન્ટ વર્કસે ત્યારે કામના કલાક અને બહેતર પગારની પોતાની લડાઈમાં જીત મેળવી હતી.
બીજી બાજુ રૂશમાં પહેલીવાર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શરૂઆત ફેબ્રુઆરી ૧૯૧૩ના રોજ કરવામાં આવી હતી. આમાં નોંધનીય વાત એ હતી કે આ મહિલાઓએ પોતાના હક્ક માટે નહીં ,પણ પ્રથમ વિશ્ર્વયુદ્ધનો વિરોધ કરવા માટે આ દિવસ મનાવ્યો હતો.
આ જ રીતે યુરોપમાં આઠમી માર્ચના રોજ ‘પીસ એક્ટિવિસ્ટ’ના સમર્થનમાં મહિલાઓએ રેલીઓ કાઢી હતી. આમ યુરોપમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવણીનો પાયો નખાયો.
એ પછી સન ૧૯૭૫ માં પહેલીવાર ‘યુનાઇટેડ નેશન્સે’ ૮ માર્ચના રોજને ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ તરીકે સેલિબ્રેટ કર્યો.
આ તરફ, ભારતમાં મહિલા દિવસે સરકારી અને બિનસરકારી સ્તર પર અનેક કાર્યક્રમોનું આયોજન થાય છે, જેમાં પુરુષોની પણ ભાગીદારી હોય છે. ભલે કહેવામાં આવતું હોય કે ભારત પુરુષ પ્રધાન દેશ છે, પરંતુ હવે આ ઉક્તિને મહિલાઓએ ખોટી ઠરાવવા માંડી છે. આને લઈને મજાકમાં પુરુષો એવો પણ સવાલ કરવા માંડ્યા છે કે ‘આવી જ રીતે અમારો પણ આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ કેમ નથી ઉજવાતો ?!’
આ દિવસ ઉજવવા પાછળનો હેતુ વિશ્ર્વની અડધી જનસંખ્યા અર્થાત્ નારી ઉત્કર્ષ માટે લોકજાગૃતિ લાવવાનો છે.સામાજિક ઉત્થાનમાં મહિલાઓની ભૂમિકાની અગત્યતાને ધ્યાનમાં લઈને એમનામાં શિક્ષણનો વ્યાપ વધે,તેમજ કુરિવાજો તથા રૂઢિઓમાંથી બહાર આવે તે માટેનું આયોજન કરવામાં આવે છે.
આજે પણ વિશ્ર્વના ત્રીજા ભાગના દેશોમાં સ્ત્રી સાક્ષરતાનો દર ઘણો નીચો છે. આમ છતાં, આજે વિજ્ઞાન-ટેકનોલોજી-શિક્ષણ જેવા વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓનું પ્રદાન ઉલ્લેખનીય બની રહ્યું છે. આજે એવું કોઈ પણ ક્ષેત્ર નહીં હોય કે જેમાં મહિલાઓની ભાગીદારી ન હોય..આજની મહિલાઓ ઘણા ક્ષેત્રમાં માત્ર પુરુષ સમોવડી નથી રહી. એ તો પુરુષથી એક ડગ આગળ નીકળવા માંડી છે.
જાહેર જીવનમાં મહિલાઓના પ્રદાન વિશે પણ કેટલીક વાત આપણે બધાએ જાણવી જરૂરી છે. ઉદાહરણ તરીકે….
સૌ પ્રથમ મહિલા બસ ડ્રાઇવર ક્ધયાકુમારીના વસંત કુમારીનું નામ ‘લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસ’માં નોંધાયેલું છે…..પુણે જેવા શહેરમાં મધુ અને બીજી બે મહિલાઓ વિશાળ ક્ધટેનર ટ્રક ચલાવે છે.આ ક્ધટેનર ટ્રક ૫૦ ફૂટ લાંબા હોય છે, જે ચલાવવામાં પુરુષોને પણ પરસેવો વળી જાય છે. ટેક્સી,મોટી બસ,ટ્રક,રિક્ષા અને એમ્બ્યુલન્સથી લઈને પાઈલટ તરીકે પણ હવે સ્ત્રીઓ આગેકૂચ કરી રહી છે..મોટાં શહેરોમાં ટેક્સી અને રિક્ષા ચલાવતી મહિલાઓ જોવા મળે એ સામાન્ય બાબત છે. છેલ્લાં વર્ષોમાં કોર્પોરેશનની બસમાં ચાલક તરીકે દરેક સ્ટેટમાં મહિલાઓની ભરતી થઈ છે. અમદાવાદમાં ટેક્સી જ નહીં,બીઆરટીએસ બસ ચલાવતા પણ મહિલા જોવા મળે છે. ઈન્ડિયન એરફોર્સમાં હાલ ૧૦૩ મહિલા ફાઈટર છે. ૨૦૧૬ માં ભારતીય વાયુ સેનામાં અવની ચતુર્વેદી,ભાવના કંથ અને મોહનસિંહે પ્રથમ મહિલા કોમ્બેટ પાઈલટ બનીને ઈતિહાસ રચ્યો છે.૨૦૧૭ માં ફ્લાઈટ લેફ્ટેનન્ટ શિવાંગી સિંઘ આઈ એ એફ (ભારતીય વાયુસેના)ના પહેલા રાફેલ પાઈલટ બન્યાં.
વિમાન ઉડાડનારી પ્રથમ મહિલાઓમાંની એક સરલા ઠકરાર ૧૯૩૬ માં ૨૧ વર્ષની વયે જીપ મોથમાં એકલા ઉડાન ભરીને તેમણે ઉડ્ડયન પાઈલટનું લાઈસન્સ પ્રાપ્ત કર્યું હતું. આ બધા વચ્ચે ગર્વની વાત એ છે કે સમસ્ત જગતની બધી જ લેડી પાઈલટમાં સૌથી વધુ મહિલા પાઈલટ- ૧૫% ભારતની છે !
એ જ રીતે, લોકપ્રિય ‘થાર’ નામની જીપકારની ડિઝાઇન કરનાર એક મહિલા છે.
ભારતની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાંની
એક ‘અઝીઝ પ્રેમજી યુનિવર્સિટી’નો એક તાજો અભ્યાસ ‘સ્ટેટ ઓફ વર્કિંગ ઈન્ડિયા ૨૦૨૩’ પ્રકાશિત થયો છે એ અનુસાર દેશની સાસુઓ પુત્રવધૂઓ પ્રત્યે વધુ ઉદાર થતી જાય છે.એક તરફ ભારતીય મહિલાઓની શ્રમ ભાગીદારી ઘટતી જાય છે,ત્યારે બીજી બાજુ જે ઘરમાં સાસુ નોકરી કરે છે ત્યાં પુત્રવધૂ પણ નોકરી કરતી હવે જોવા મળી રહી છે અને એમનું પ્રમાણ ૭૦ ટકાથી વધુ છે..!
કોરોનાની મહામારી પૂર્વે સ્વ રોજગારીના ક્ષેત્રે ૫૦ ટકા ભાગીદારી મહિલાઓની હતી,જે કોરોના કાળ દરમિયાન વધીને ૬૦ ટકા થઈ. આ અભ્યાસને આપણે સામાજિક સંદર્ભે જોઈએ તો શહેર હોય કે ગામ, સામાન્ય રીતે ભણેલી કે ડિગ્રીધારી મહિલાને પિયરમાં કે સાસરિયામાં નોકરી કરવી એ મોટો પડકાર છે.લગ્ન પૂર્વે નોકરી કરવાની હા પાડનાર પુરુષો લગ્ન પછી અનેક બહાના કરીને પત્ની નોકરી ના કરે એવી વેતરણમાં હોય છે. પરિણામે અનેક શિક્ષિત યુવતીઓનાં સપનાં પર પાણી ફરી વળે છે.
બીજી તરફ, ભણેલી ને જોબ કરતી સાસુ પુત્રવધૂ ભણેલી જ નહીં પણ નોકરી કરતી પણ હોવી જોઈ એવો આગ્રહ રાખે છે…!
માતા તો ભણાવે, પણ જ્યારે સાસુજી નોકરી પણ કરાવે એવું જે ચિત્ર આજકાલ ઊપસી રહ્યું છે એ આજની નારી માટે – આપણી દીકરી-વહુ માટે ખરા અર્થમાં પ્રોત્સાહક છે.