ઈન્ટરવલ

સરકાર કરોડોની લહાણીમાંથી પ્રજાને પાવલી પણ પરખાવશે?

કવર સ્ટોરી- નિલેશ વાઘેલા

રિઝર્વ બેન્કે બરાબર ચૂંટણીને ટાંકણે અધધધધ બે લાખ કરોડથી પણ મોટી રકમ ડિવિડન્ડ પેટે સરકારને ચૂકવીને એક મોટું નાણાકીય આશ્ર્ચર્ય સર્જવા સાથે કુતૂહલના કબીલાને પણ આમંત્રણ આપ્યું છે. અર્થનિષ્ણાતો માને છે કે, આરબીઆઈનું વિક્રમી ડિવિડન્ડ નવી ભારત સરકાર માટે એક મીઠી મૂંઝવણ ઊભી કરશે. આ નાણાં વિકાસ કાર્યો પાછળ વાપરવા કે લોકકલ્યાણ માટે વાપરવા?

અલબત્ત, વિકાસ કાર્યો માટે કથિતરૂપે વપરાતા નાણાંનો કેટલો સદ્ઉપયોગ થાય છે અને લોકકલ્યાણને નામે ખર્ચાતા નાણાંથી કેટલા લોકોનું કલ્યાણ થાય છે, એ જુદી ચર્ચાનો વિષય છે. અત્યારે પોતાના અમૂલ્ય મતનું દાન આપનાર જનતા જનાર્દનના મનમાં તો જોકે એક જ પ્રશ્ર્ન રમી રહ્યો છે કે સરકાર કરોડોની લહાણીમાંથી પ્રજાને પાવલી પણ પરખાવશે ખરી?
ભારત ચોથી જૂન સુધીમાં નવી સરકારની રચનાની તૈયારી કરી રહ્યું હોવાથી, નોંધપાત્ર રૂ. ૨.૧૧ લાખ કરોડની ફાળવણીની પણ રાહ જોવાઈ રહી છે. આ જંગી રોકડના ઉપયોગના વિકલ્પોમાં, રાજકોષીય ખાધમાં ઝડપી ઘટાડો કરવાથી માંડીનેે ખર્ચમાં વધારો કરવા સુધી વિસ્તરે છે. વિશ્ર્લેષકો હકારાત્મક રોકાણકાર સેન્ટિમેન્ટની અપેક્ષા રાખે છે, જોકે ખાધમાં ઘટાડા અને ખર્ચ વચ્ચેની તેમની અગ્રિમ પસંદગી બદલાતી
રહી છે.

ભારતમાં ચોથી જૂને કેન્દ્રમાં નવી ચૂંટાયેલી સરકાર હશે અને જે કોઈ પણ સુકાન સંભાળશે તેની પાસે આઠ મહિના જેવા સમયમાં ખર્ચવા માટે રૂ. ૨.૧૧ લાખ કરોડનો મસમોટો ચેક હશે, હવે સરકાર આ રકમનું શું કરશે એ અંગે નાણાકીય જગતમાં સારુ એવું કુતૂહલ જાગ્યું છે.

કેન્દ્ર તેની રાજકોષીય ખાધને વધુ ઝડપી ઘટાડવા માટે અથવા વિકાસકાર્યો પાછળ વધુ ખર્ચ કરવા માટે કરી શકે છે. અર્થશાસ્ત્રીઓ કહે છે કે ગમે તે હોય, રોકાણકારો ખુશ થશે. માત્ર રિઝર્વ બેન્ક તરફથી આટલું જંગી ડિવિડન્ડ સરકારને મળવાનું છે એવા સમાચારને પગલે શેરબજારમાં સેન્ટિમેન્ટ એવું પલટાયું હતું કે, એ દિવસે સેન્સેક્સ લગભગ ૧,૩૦૦ પોઈન્ટ જેટલો ઊછળ્યોે હતો. બોન્ડ યીલ્ડમાં પણ ઘટાડો થયો હતો. અત્યારે બજાર નર્વસ ચાલી રહ્યું છે, તે અલગ ચર્ચાનો વિષય છે.

સરપ્લસ ફંડ નવી સરકારને તેની રાજકોષીય ખાધને ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)ના ૦.૩ ટકા નીચે લાવવા અથવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે પછી કોઇ ‘લોકપ્રિય’ સ્ટિમ્યુલસ પાછળ ખર્ચ વધારવામાં મદદ કરી શકે છે. એસએન્ડપીના વિશ્ર્લેષક અનુસાર જો સરકાર રાજકોષીય ખાધ ઘટાડવા માટે આરબીઆઈના ડિવિડન્ડનો ઉપયોગ કરે તો ભારતને રેટિંગ સપોર્ટ મળી શકે છે.

એક અર્થશાસ્ત્રીએ જણાવ્યું હતું કે, બોન્ડ બજારો સંભવત: એવી આશા રાખશે કે સરકાર રાજકોષીય ખાધ ઘટાડવાના માર્ગને અનુસરે એ બહેતર છે, જ્યારે ઇક્વિટી બજારો સંભવત: સરકાર જાહેર ખર્ચમાં વધારો કરે એવી અપેક્ષા રાખશે.

નવી સરકાર અંગેે અટકળો કરવી યોગ્ય ના હોવાથી આપણે રાજકીય દૃષ્ટિકોણથી જોઇએ તો, ચૂંટણી પહેલા કોંગ્રેસે ગરીબ મહિલાઓ અને બેરોજગાર યુવાનોને વાર્ષિક એક લાખ રૂપિયાની રોકડ રકમ આપવાનું વચન આપ્યું હતું. વધુમાં, રાહુલ ગાંધીએ ખેડૂતોના દેવા માફ કરવા માટે કર્જા માફી કમિશનની સ્થાપના કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. જો કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી (બીજેપી)એ કલ્યાણકારી ઉપાયો ઓફર કરવાના કોઈ સંકેત આપ્યા નથી.

વર્તમાન સરકારે ચૂંટણીના વર્ષમાં પણ લોકશાહી ખર્ચ પ્રત્યે રુચી દર્શાવી નથી. ભાજપની આગેવાની હેઠળની સરકારે ચૂંટણી પહેલા તેના અંતિમ બજેટમાં વંચિતો માટેના કલ્યાણકારી કાર્યક્રમો પર ખર્ચ કરવાનું ટાળ્યું હતું. તેના બદલે, તેણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચને વધારીને રૂ. ૧૧.૧૧ લાખ કરોડ કર્યો, જે ૨૦૧૯ માં ખર્ચવામાં આવેલી રકમ કરતાં ત્રણ ગણો વધારે છે.

અર્થશાસ્ત્રીઓને લાગે છે કે જો ભારત નાણાંનો ઉપયોગ તેની રાજકોષીય ખાધ ઘટાડવા માટે કરે છે, તો તે ભારતના સાર્વભૌમ રેટિંગમાં મદદ કરશે. એસએન્ડપી ગ્લોબલ રેટિંગ એનાલિસ્ટ યીફાર્ન ફુઆએ સમાચાર સંસ્થા પીટીઆઈને જણાવ્યું હતું કે, આરબીઆઇ તરફથી વધારાનું ડિવિડન્ડ જીડીપીના લગભગ ૦.૩૫ ટકા છે. તે નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫માં રાજકોષીય ખાધને સાંકડી કરવામાં મદદ કરશે કે કેમ તે ખરેખર જૂનના ચૂંટણી પરિણામો પછી પસાર થનારા અંતિમ બજેટ પર નિર્ભર રહેશે.

તેમણે સિંગાપોરથી એક ઈમેલ ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, આરબીઆઈ તરફથી મળતું
વધારાનું ડિવિડન્ડ ડિવેસ્ટમેન્ટ રિસિપ્ટ્સ અથવા અંતિમ બજેટમાં ખર્ચ માટે વધારાની ફાળવણી જેવાં ક્ષેત્રોમાં સંભવિત આવકની ખામીને કારણે ખાધમાં સંપૂર્ણ ઘટાડો કરે તે જરૂરી નથી. જો કે, તે ખાધને ઘટાડા તરફ દોરી જાય છે ખરું.

ગયા વર્ષે મે મહિનામાં, એસએન્ડપી
ગ્લોબલ રેટિંગ્સે વૃદ્ધિના સ્થિર અંદાજ સાથે ભારતના સાર્વભૌમ રેટિંગની પુષ્ટિ ટ્રીપલ બી માઇનસ પર કરી હતી, પરંતુ નબળા નાણાકીય પ્રદર્શન અને માથાદીઠ નીચા જીડીપીને જોખમ તરીકે દર્શાવ્યું હતું. નોંધવું રહ્યું કે, ટ્રીપલ બી માઇનસ સૌથી નીચું રોકાણ ગ્રેડ રેટિંગ છે.

પરંપરાને જાળવી રાખીને નવી સરકાર જુલાઈમાં અંતિમ બજેટ રજૂ કરે,એવી ધારણા છે. તેમને ફાળવેલ ભંડોળનો ઉપયોગ કરવા માટે માત્ર આઠ મહિનાનો સમય આપવામાં આવશે. એપ્રિલમાં ચૂંટણીઓ શરૂ થતાં સરકારી ખર્ચમાં ઘટાડો થયો છે. જો કે, મજબૂત કર વસૂલાત અર્થતંત્રની ઉમદા સ્થિતિ દર્શાવે છે.

એપ્રિલ ૨૦૨૪માં કેન્દ્રએ માલ અને સેવા કર (જીએસટી)માં રૂ. ૨.૧૦ લાખ કરોડ એકત્ર કર્યા, જે એક વિક્રમી ઊંચું સ્તર છે. ભારત વર્ષ માટે જીડીપીના ૫.૧ ટકાની રાજકોષીય ખાધ હાંસલ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. આ સૂચવે છે કે સરકાર નોંધપાત્ર ડિવિડન્ડનો ઉપયોગ કરીને રાજકોષીય એકત્રીકરણને પ્રાથમિકતા આપી શકે છે.

રોઇટર્સે અહેવાલ આપ્યો છે કે નાણાંકીય નીતિ સમિતિના સભ્ય અશિમા ગોયલ ચાલુ વર્ષ માટે લક્ષિત રાજકોષીય ખાધમાં થોડો ઘટાડો કરવાનો અવકાશ જુએ છે. આખરે, ભારત નાણાંકીય વર્ષ ૨૦૨૬ સુધીમાં રાજકોષીય ખાધને જીડીપીના ૪.૫ ટકા સુધી લાવવા માગે છે. ગોયલને લાગે છે કે ભારત આ લક્ષ્ય સરળતાથી હાંસલ કરી શકે છે. હવે આ સ્થિતિમાં આરબીઆઇ પાસેથી આવેલા કરોડોના ધનમાંથી પ્રજાને પાવલી પણ મળે એવી કોઇ શક્યતા દેખાતી નથી. સરકાર ધારે તો જૂન મહિનામાં અંદાજપત્રમાં પણ નોકરિયાતો કે મધ્યમવર્ગીયોને કોઇ લાભ આપી શકે છે. જોકે પાછલા વર્ષોનો અનભવ જોતાં આપણે એવી અપેક્ષા પણ રાખી શકાય નહીં. આપણે આશા રાખીએ તો અર્થતંત્રની બાહ્ય સપાટી પર જે સકારાત્મકતા દેખાય છે તેનો વાસ્તવિક લાભ આમજનતા સુધી વહેલી તકે પહોંચે!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો